શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. તે દિવસે સાંજે સંધ્યા આરતી પછી શ્રીશ્રીશારદાનામ સંકીર્તન કરવામાં આવ્યું અને ત્યારબાદ આશ્રમ પરિસરમાં દિવાળી નિમિત્તે દીપ-જ્યોતિ પ્રગટાવવામાં આવી. રાતે નવ વાગ્યે શ્રીશ્રીકાલીપૂજા પ્રારંભ થઈ, જે સવારે પાંચ વાગે સંપૂર્ણ થઈ. પૂજા દરમિયાન કાલીકીર્તન અને શિવભજનોથી વાતાવરણ ભાવવિભોર બન્યું. બીજે દિવસે સાંજે ૪ વાગ્યે શ્રીશ્રીકાલીમાની પ્રતિમાનું આજી ડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું. આ વિશેષ પૂજાના તથા દિવાળી ઉત્સવના દર્શનાર્થે ૨૦૦૦થી પણ વધુ ભક્તો પધાર્યા.
આધ્યાત્મિક શિબિરનું આયોજન : રાજકોટ આશ્રમ દ્વારા તા. ૮ થી ૧૦ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૮:૩૦ થી સાંજે ૮:૩૦ દરમિયાન આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નિવાસી અને બિનનિવાસી એમ કુલ મળીને ૧૮૦થી વધુ આધ્યાત્મિક જિજ્ઞાસુઓ જોડાયા.
શિબિરમાં ગુજરાતભરના રામકૃષ્ણ સંઘના સુવિખ્યાત વક્તાઓ દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રવચન સાથે સાથે શિબિરમાં ભજન-સંકીર્તન કરવામાં આવ્યાં. આ ઉપરાંત, શિબિરાર્થીઓને શ્રીરામકૃષ્ણદેવ તથા શ્રીમા શારદાના જીવન સંબંધિત ઑડિયો-વિઝ્યુઅલ બતાવવામાં આવ્યાં. શિબિર દરમિયાન સાધકોના પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું. શિબિર દરમિયાન દરરોજ સંધ્યા આરતી પછી શ્રીમંદિરમાં વિશેષ ભજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
‘વિવેકાનંદ સર્વિસ કૉર’ના યુવાનો માટે તાલીમનું આયોજન: રાજકોટ આશ્રમ દ્વારા ૧૪ થી ૨૧ વર્ષના યુવકો માટે ‘વિવેકાનંદ સર્વિસ કૉર’ નામે તાલીમ કાર્યક્રમ ચાલે છે, જે અંતર્ગત તા. ૨૬ અને ૨૭ ઑક્ટોબરના રોજ દ્વિદિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તાલીમાર્થી યુવાનોને વૈદિક મંત્રોચ્ચાર, ધ્યાન, યોગ વગેરે પ્રવૃત્તિઓની સાથે સાથે પરેડ, વિવિધ રમતોની, રાઈફલ શૂટિંગ વગેરેની તાલીમ અપાઈ. આ તાલીમ શિબિરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મેડિકલ ઇમરજન્સીની તાલીમ સાથે આશ્રમના સંન્યાસીઓ દ્વારા જીવનમૂલ્યોની શિક્ષા આપવામાં આવી. આ તાલીમમાં ૨૯ યુવાનો જોડાયા.
સર્વરોગ નિદાન કૅમ્પનું આયોજન : રાજકોટ આશ્રમ દ્વારા કચ્છ રેલવે કંપની લિમિટેડ, પ્લેક્ષસ મેડકેર તથા શ્રીલોક સેવા સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી નિમ્બાર્ક આશ્રમ, શ્રી રાધેશ્યામ મંદિર, ઓળીયા ખાતે તા. ૧૦ નવેમ્બરના રોજ સર્વરોગ નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૅમ્પમાં વિવિધ મેડિકલ તજ્જ્ઞોએ અનેક રોગોનાં નિદાન કર્યાં તથા દવાનું વિતરણ કર્યું. બહોળી સંખ્યામાં દર્દીઓએ આ કૅમ્પનો લાભ લીધો.
રામકૃષ્ણ મિશન, લીંબડી
શ્રીજગદ્ધાત્રી પૂજા : રામકૃષ્ણ મિશન, લીંબડીમાં તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૪ના રોજ પરિસરમાં શ્રીશ્રી જગદ્ધાત્રી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીમંદિરમાં મંગલ આરતી, વૈદિક મંત્રોચ્ચાર, ભજન, શ્રીઠાકુર, શ્રીમા, શ્રીજગદ્ધાત્રીની વિશેષ પૂજા, હવન, ભોગ આરતી, પુષ્પાંજલિનું આયોજન થયું હતું. આ પાવન પ્રસંગે ૪૦૦થી વધુ ભક્તો ઉપસ્થિત હતા. પૂજા સમાપ્તિ બાદ બધાએ ભોજન-પ્રસાદ લીધો હતો.
Your Content Goes Here





