રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું
જમ્મુ-કાશ્મીર ધરતીકંપ અને પશ્ચિમ બંગાળ પૂરરાહત સેવાકાર્ય
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આવેલ ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશન, જમ્મુ દ્વારા ૧૯૨૦ કિ. લોટ, ૨૫૦૦ કિ. મીઠું, ૨૦૦૦ કિ. બિસ્કીટ, ૬૫૦ કિ. દૂધપાઉડર, ૩૦૦ કિ. કપડાં ધોવાનો સાબુ, ૩૬૦ કિ. રાઈનું તેલ, ૬૦ લી. ઘી, ૪૭૨૫ ધાબળા, વાંસ સાથે ૬૦ ટેન્ટ, ૧૦૦ કિ. પ્લાસ્ટિક શિટ્સ, ૬૦ ગાદલાં, ૬૦ ફાનસ, ૩૬ પેટ્રોમેક્સ, ૮૮ જોડી બૂટ, ૫૦ જોડી બાળકોના બૂટનું વિતરણ પૂંચ વિસ્તારમાં થયું છે.
પશ્ચિમ બંગાળમાં પડેલા ભારે વરસાદને કારણે બેઘર બનેલા હજારો લોકો અને પાણીથી છવાયેલા કોલકાતા શહેરમાં અને પૂર્વ મેદિનીપૂર, હાવરા, દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લામાં રાંધેલી ખીચડી, પૌઆ-ગોળ અને ખાંડનું વિતરણ કરવામાં આવ્યું છે. કનૈદિઘી, કુમિરદા, બસંતિયા, મુકુંદપુર, ગોવિંદપુર અને કોન્તાઈ મ્યુનિસિપાલિટીના ૪ વોર્ડ તેમજ ચાંદીપુર, એગ્રાની આજુબાજુના વિસ્તારના; પુરુષોત્તમપુર, ચેમાગુરી, ગાયનબાજાર; કોલકાતા શહેરની આજુબાજુના વિસ્તારોના પૂરપીડિતોને આ રાહતસેવા પહોંચાડવામાં આવી છે. આ રાહતકાર્ય વધુ વિસ્તારવામાં આવશે.
દાનની રકમનો ચેક કે ડ્રાફ્ટ ‘Ramakrishna Mission’ ના નામે અને ‘The General Secretary, Ramakrishna Mission Headquarters, P. O. Belur Math, Dist. Howrah, West Bengal – 711 202 Fax : 033- 2654 9885, E-mail : rkmrelief@vsnl.net’ સરનામે મોકલવા નમ્ર વિનંતી. દાનની રકમ આવકવેરાની ૮૦ (જી) કલમ હેઠળ કપાતને પાત્ર છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વેદાંત સેન્ટર, સીડની (ઓસ્ટ્રેલિયા)ના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજના પ્રવચનનું આયોજન ૩૦, ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ થયું હતું. કાર્યક્રમનો પ્રારંભ સ્વામી મુક્તેશાનંદજીના ભજનથી થયો હતો. સ્વામી ધ્રુવેશાનંદજીએ મહારાજશ્રીનો પરિચય અને સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સ્વામી શ્રીધરાનંદજી મહારાજે પોતાના એ દેશમાં રહેલા મુખ્ય કાર્યની ભૂમિકા આ રીતે સમજાવી હતી : ‘ઓસ્ટ્રેલિયાના વિવિધ પ્રદેશોમાં વેદાંતના અસીમ-અનંત અને અખંડ ઉપદેશ તેમજ આ વેદાંત ભાવધારાનું મૂર્ત રૂપ શ્રીરામકૃષ્ણ અને એમની ભાવધારાના પ્રચાર-પ્રસારનું કાર્ય મુખ્ય છે. ત્યાંના લોકોને સાચી શ્રદ્ધાના આસન પર બેસાડવા માટે વેદાંતના સાર્વજનીન, સર્વકાલીન અને સાર્વભૌમિક દર્શનથી પરિચિત કરવાનું કાર્ય મુખ્ય રહે છે. આ કાર્યમાં શ્રીઠાકુરની સર્વધર્મસાધના તેમજ ‘યતોમત તતોપથ’નો ઉપદેશ વધુ સહાયક બને છે. શ્રીરામકૃષ્ણદેવ સર્વધર્મ સમભાવની ૧૯મી સદીની એક જીવતીજાગતી મહાનવિભૂતિ હતી. એટલે જ એમની ભાવધારા એ લોકોમાં વૈશ્વિક ધર્મભાવના જગાડવા ઉપયોગી નીવડે છે. ત્યાંના વિવિધ વિશ્વવિદ્યાલયોની ‘ધર્મના અભ્યાસ’ની શાખામાં અવારનવાર વ્યાખ્યાનો આપવા જવાનું હોય છે.’ કાર્યક્રમના અંતે આભારદર્શન શ્રી ઉમાકાંતભાઈ પંડિતે કર્યું હતું.
શ્રીમા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર
કચ્છમાં આવેલ ધાણેટી ગામમાં અને શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ, આદિપુરમાં ગરીબ અને જરૂરિયાતમંદ સ્ત્રીઓ પોતાના પગભર થઈ શકે તેવી પ્રવૃત્તિનો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે આરંભ કર્યો છે. જેમાં સીવણકામ, ભરતકામ, આદિ શીખવવામાં આવે છે.
શીતકાલીન નિવાસી મૂલ્યલક્ષી સંસ્કાર શિબિર
કચ્છના મોટા રણના આદિવાસી વિસ્તારમાં આવેલ શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ, રતનપર, ગ્રામ સ્વરાજ સંઘ, નીલપર તથા વિવેકાનંદ વિદ્યાલય, ધાણેટીની વિદ્યાર્થિનીઓ માટે એક શીતકાલીન નિવાસી મૂલ્યલક્ષી સંસ્કાર શિબિરનું આયોજન ૨૦ થી ૨૨ નવેમ્બર, ૨૦૦૫માં કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ જેટલી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ શિબિરનો પ્રારંભ સવારે ૫.૩૦ વાગ્યાથી થયો હતો. જેમાં યોગાસન, દેશભક્તિગીત, મૂલ્યલક્ષી બોધકથાઓ, રાજકોટના વિવિધ સ્થળોની મુલાકાત ઇત્યાદિનો સમાવેશ થતો હતો.
Your Content Goes Here




