રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણી
સિયેટલ (અમેરિકા): સિયેટલ કેન્દ્રના એકવીસ એકર વિસ્તારમાં આવેલા ‘તપોવન’માં ૧લી ઑગસ્ટ ૧૯૯૩ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે નવા બંધાયેલ સ્વામી વિવેકાનંદ શતાબ્દી સ્મારક સભાખંડ, ભાઈઓની આધ્યાત્મિક શિબિર માટેનો ગદાધર હૉલ, બહેનોની શિબિર માટેનો શ્રી શ્રીમા શારદામણી હૉલ તેમજ શ્રીરામકૃષ્ણ ઉપવનનો સર્મપણ વિધિ સંપન્ન થયો હતો. આ પાવનનગરી પ્રસંગે પૂજા, ભજન, સંગીત જેવા ભક્તિભાવભર્યા કાર્યક્રમો યોજાયા હતા. વિમાનો દ્વારા સોએક સ્મૃતિ ચિહ્ન સમાન ફૂગ્ગાઓ આકાશમાં છોડવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આખા દિવસના આ કાર્યક્રમને માણ્યો હતો. ૩જી ઑગસ્ટ અને ૮મી ઑગસ્ટના રોજ સ્વામી વિવેકાનંદ અને તેમનું પશ્ચિમને પ્રદાન વિશે શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ તેમજ અન્ય અતિથિ સ્વામીજીઓએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. આ પહેલાં ૩૦મી જુલાઈની સાંજે ભારતીય અને પશ્ચિમના સંગીતનાં ઉદાત્ત તત્ત્વોને રજૂ કરતો સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.
ટોરેન્ટો (કેનેડા): ટોરન્ટો કેન્દ્રમાં ૧૧મી સપ્ટેમ્બરના રોજ વિવિધ ધર્મોના સુજ્ઞ પ્રતિનિધિઓની ‘આંતરધર્મ શ્રદ્ધા અને સમન્વય’ વિશે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રતિનિધિઓનાં વક્તવ્યો ઉપરાંત સ્વામી વિવેકાનંદ અને ૧૮૯૩નું વિશ્વ વિશે એક સ્લાઈડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિકજનોએ સ્વામી વિવેકાનંદના શિકાગો આગમન સમયના જગતના વિવિધ બનાવોનું જાણે કે એક જીવંત ચિત્રમય જગત માણ્યું હતું. આ પહેલાં કેન્દ્ર અને ટોરેન્ટો વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ‘સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ માનવધર્મ’ વિશે એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. વિજેતાઓને પારિતોષિકો અર્પણ કરવામાં આવ્યાં હતાં.
દિલ્હી: દિલ્હી કેન્દ્ર દ્વારા યોજાએલા એક પખવાડિયા સુધીના કાર્યક્રમનું મંગળ ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન શ્રી પી. વી. નરસિંહરાવના વરદ્ હસ્તે ૯મી ઑક્ટોબરના રોજ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમમાં થયું હતું. રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ૩૫૦૦ જેટલા સભાજનોનું તેમજ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું દૂરદર્શન પરના રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના યુવા પ્રવૃત્તિ અને રમતગમત વિભાગના મંત્રી શ્રી મુકુલ વાસનીકના અધ્યક્ષપણા હેઠળ એક યુવારેલીનું આયોજન આ ઉદ્ઘાટન પછી તરત જ કરવામાં આવ્યું હતું. ૧૦મી ઑક્ટોબરે દિલ્હીના આશ્રમમાં પટાંગણમાં યોજેલા સ્વામી વિવેકાનંદ જીવનદર્શનના પ્રદર્શનનું ઉદ્ઘાટન માનવ સંસાધન ખાતાના કેન્દ્રિય મંત્રી શ્રી અર્જુનસિંહના વરદ્ હસ્તે થયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શ્રીમત્ સ્વામી આત્માસ્થાનંદજી મહારાજ હતા. આ ઉપરાંત ‘આંતરધર્મ આધ્યાત્મિક બંધુભાવ’ વિશે વિભિન્ન ધર્મોના આઠ પ્રતિનિધિઓની એક ચર્ચાસભા; વિજ્ઞાન, ધર્મ અને સ્વામી વિવેકાનંદ’ વિશે ડૉ. રાજારામન્નાના અધ્યક્ષસ્થાને એક સેમિનાર, આધ્યાત્મિક શિબિર, તેમજ ભારતના સુખ્યાત શાસ્ત્રીય સંગીતકારોના વાઘ અને કંઠ્ય સંગીતના કાર્યક્રમ સૌ કોઈનું આકર્ષણકેન્દ્ર બની ગયા હતા.
મનસાદ્વીપ (પં. બંગાળ): મનસાદ્રીપ આશ્રમ દ્વારા જાહેર સભા, યુવ-રેલી, ફૂટબોલ ટુર્નામેન્ટ, રક્તદાન કૅમ્પ, યુવ-સંમેલન, શિક્ષક-સંમેલનના કાર્યક્રમ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓમાં ગણવેશ વિતરણનું સેવા કાર્ય પણ થયું હતું કોઈમ્બટુર (તામિલનાડુ): કોઈમ્બટુર કેન્દ્ર દ્વારા નિબંધ, વક્તૃત્વ, મુખપાઠ, કાવ્યરચના અને ચિત્રકામ સ્પર્ધાનું કોઈમ્બટુરની અગિયાર શાળાઓમાં અને આજુબાજુનાં ગામડાંઓની ચાર યુવા-ક્લબોમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક પુસ્તક પ્રદર્શન અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેના મિલનનો કાર્યક્રમ પણ સૌને ગમી ગયો હતો. સ્વામી વિવેકાનંદના વિશ્વધર્મ પરિષદના શતાબ્દી વર્ષ નિમિતે સ્વામી શિવાનંદ, હાયરસેકન્ડરી સ્કૂલ દ્વારા જિલ્લા કક્ષાની ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરવામાં આવશે અને વિજેતાને ”સ્વામી વિવેકાનંદ રોલીંગ ટ્રોફી” આપવામાં આવશે.
અલમોડા (ઉત્તરપ્રદેશ): અલમોડા કેન્દ્ર દ્વારા ૨૩થી ૩૦ સપ્ટેમ્બર સુધી અલમોડા અને નૈનિતાલ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં ક્વીઝ સ્પર્ધા, નિબંધ-સ્પર્ધા, મુખપાઠ સ્પર્ધા વગેરે યોજવામાં આવી હતી. બાર સ્થળોએ જાહેરસભાઓ આ પ્રસંગને અનુલક્ષીને યોજાઈ હતી. ૧૧ અને ૧૨મી ઑક્ટોબરે ભાઈઓ માટે અને ૧૩મી ઑક્ટોબરે બહેનો માટે યુવ-શિબિરનું આયોજન થયું હતું.
મહારાષ્ટ્ર ભૂકંપ રાહતકાર્ય
રામકૃષ્ણ મિશન દ્વારા લાતુર જિલ્લાના ઔસા તાલુકાના હરેગાંવ ગામમાં એક કૅમ્પ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી ૯ ઑક્ટોબરથી રાહત સામગ્રીઓનું વિતરણ થઈ રહ્યું છે. લગભગ ૨૫૦૦ લોકોને ઘણા દિવસો સુધી દરરોજ બન્ને વાર ભોજન આપવામાં આવ્યું હતું. હરેગાંવ અને તેની પાસેના ચાર ગામો જવલંતગાંવ, લીંબાલા, બાનેગાંવ અને માંગરૂલમાં ૧૯૦૩ પીડિત પરિવારોમાં નીચેની સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું – ૩૫૮૦ કિ. ચોખા, ૫૪૦ કિ.દાળ, ૧૫૪૫૦ કિ. ઘઉં, જુવાર અને બાજરો, ૧૦૦૦ કિ. પૌવા, ૬૫ કિ.ગોળ, ૯૦ કિ. ચા, ૨૦૦ કિ. ખાંડ, ૨૮૨ કિ. બિસ્કીટ, ૩૪૫૮ તૈયાર કપડાં, ૧૨૪ ધાબળા, ૫૦,૦૦૦ જૂનાં વસ્ત્રો ૮ ૬૪૯, વાસણો, ૧૦૭ સ્ટવ વગેરે. લાતુર જિલ્લામાં ૩૦૦ મકાનોનું નિર્માણકાર્ય ચાલુ થવાનું છે.
Your Content Goes Here




