શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ
રાજકોટ આશ્રમ દ્વારા ૨૭ જૂનના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભજન-કીર્તન સાથે કાઢવામાં આવી અને મંદિર પરિક્રમા કરવામાં આવી. રથયાત્રામાં લગભગ ૫૦૦ થી વધુ ભક્તજનો સહભાગી થયા. રથયાત્રા સમાપન પછી સૌ ભક્તજનોને પ્રસાદ આપવામાં આવ્યો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
અષાઢી પૂર્ણિમાના દિવસે ‘મહાભારત’ ગ્રંથના તથા પુરાણોના રચયિતા વેદવ્યાસની જન્મતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પણ ગુરુવાર, તા. ૧૦ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
રામકૃષ્ણ સંઘમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ગુરુ રૂપે પૂજા કરવામાં આવે છે. આશ્રમમાં સૌપ્રથમ સવારે શ્રીરામકૃષ્ણદેવની મંગલ આરતી બાદ વેદપાઠ અને સ્તોત્રપાઠ કરવામાં આવ્યા. ત્યારબાદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વિશેષ ષોડશોપચાર પૂજા અને હોમ કરવામાં આવ્યો તથા ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ‘ગુરુ મહિમા’ વિષય પર પ્રવચન આપ્યું તથા પૂજા દરમિયાન ગુરુભક્તિનાં ભજનોનું ગાન કરવામાં આવ્યું. આ પવિત્ર દિવસે હજારો ભક્તોએ ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કર્યાં તથા ૨૪૦૦થી વધુ ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો.
સાંજે પણ આશ્રમ શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણ નામ-સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું અને સંધ્યા આરતી પછી ભજનોનું ગાન કરવામાં આવ્યું.
મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ
રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી ધો. ૬ થી ૮ના ૫૪૬ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૯ થી ૧૧ના ૧૨૫૦ વિદ્યાર્થીઓએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓને આશ્રમ મુલાકાત દરમિયાન તેમના ધોરણ અનુસાર સ્વામી વિવેકાનંદનું જીવન પ્રદર્શન, સ્વામી વિવેકાનંદજીના પ્રેરક પ્રસંગ પર નાટક, ચરિત્રનિર્માણ અંગે માર્ગદર્શન, પ્રેરણાદાયી વીડિયો ક્લિપ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પુસ્તક વાંચન, ક્વિઝ, એકાગ્રતા કેળવવા અંગેની રમતો, યોગાસન – પ્રાણાયામ, શ્રીમંદિરમાં બેસીને ધ્યાન, વેદપાઠ, ગીતાપાઠ, પ્રાર્થના અને પુષ્પાંજલિ જેવી વિદ્યાર્થીઓએ કેળવવા યોગ્ય અનેકવિધ મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીને પુસ્તક આપવામાં આવ્યાં તથા નાસ્તો કરાવવામાં આવ્યો.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર
૧૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના પ્રાંગણમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ૨૧ દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા ૭ જરૂરિયાતમંદ દર્દીઓનાં શિવાનંદ આઇ હૉસ્પિટલ, વીરનગરમાં ઑપરેશન થયાં હતાં.
Your Content Goes Here




