રામકૃષ્ણ મિશન, લીંબડી
રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૧ મે થી ૧૩ મે સુધી ત્રણ દિવસની જ્ઞાનશિબિરમાં રામકૃષ્ણ મિશન, ચંદીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે ‘ધર્મ શું છે અને આધુનિક યુગમાં ધર્મસાધના કેવી રીતે કરવી’ એ વિશે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવનના ઘટનાપ્રસંગો અને ઉપદેશોનાં ઉદ્ધરણો દ્વારા બોધપ્રદ વક્તવ્ય આપ્યું હતું.
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન ૨૫ જૂન, શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ એકેડેમિક કોલેજના નિયામક ભદ્રાયુ વછરાજાનીના અતિથિ વિશેષ સ્થાને યોજાઈ ગયું. એમણે વિદ્યાર્થીઓને પ્રેરક અને માર્ગદર્શન પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ મિશન, લીંબડીના બાળસંઘના બાળકોના શાંતિપાઠથી થયો. શિવાંગી કન્યા વિદ્યાલયની બહેનોએ પ્રાર્થના ગીત રજૂ કર્યું. ‘યુગનાયક સ્વામી વિવેકાનંદ’ વિશે પ્રેરણાત્મક વાતો બાલસંઘના કુમાર યશ અને કૃપા ગજ્જરે કરી હતી. સ્વામી આદિભવાનંદજીએ સ્વાગત અને શુભેચ્છા પાઠવી હતી. આવતે વર્ષે જે વિદ્યાર્થી બોર્ડમાં નંબર લાવે એને કોલકાતા બેલૂર મઠના દર્શન માટે અમારી સંસ્થા મોકલશે એવી જાહેરાત કરી હતી. સર જે. હાઈસ્કૂલના આચાર્ય શ્રીમનુભાઈ જોગરાણા અને બી.એ. કન્યા વિદ્યાલયના આચાર્યા કુમારી ક્રિષ્ના બાએ બાળકોને સંબોધન કર્યું હતું. મિશનના કાર્યક્રમો દ્વારા બાળકોમાં શિક્ષણ જાગૃતિ આવી છે એમ જણાવ્યું. તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રતિભાવો પછી બોર્ડમાં અને કેન્દ્રમાં આવનાર વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું સ્મૃતિચિહ્ન અને ‘ઊઠો, જાગો!’ નામની પુસ્તિકા તેમજ રોકડ પુરસ્કાર અપાયાં હતાં. શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓને ‘સફળતાનાં સોપાનો’ નામની પુસ્તિકા ભેટ રૂપે અપાઈ હતી.
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૮ જૂનના રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં ૮૧ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. ૧૩ દર્દીઓનાં આંખનાં ઓપરેશન સૌરાષ્ટ્ર નેત્રચિકિત્સાલય વીરનગરમાં થયાં હતાં. જરૂરતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ અપાઈ હતી.
‘યુવશક્તિને રાષ્ટ્રઘડતરના મહાન કાર્યમાં વાળવી એ સ્વામીજીનો મુખ્ય ઉદ્દેશ હતો’ એ વિશે એક વિશેષ શિબિર
ભારતના સ્વદેશભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે ભારતના નવ ઘડતર માટે યુવાશક્તિને વાળવી. સ્વામી વિવેકાનંદના આ સ્વપ્નને કાર્યમાં પરિણત કરવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં ૨૧ જુલાઈ, ૨૦૧૦ ને બુધવારે બપોરે ૨.૩૦ થી ૫.૩૦ સુધી ઉદ્યોગજગતના યુવા એન્ટરપ્રિન્યોર, ઈજનેરી ફાર્મસી શાખાના તેજસ્વી યુવા વિદ્યાર્થીઓ અને વિદ્યાશાખાના પ્રાધ્યાપકો માટે એક સેમિનારનું આયોજન થયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. સ્વામી સર્વસ્થાનંદજીએ પણ સેમિનારના વિષયવસ્તુની વિગતે ચર્ચા કરી હતી. આઈ.આઈ.એમ. અમદાવાદના પદ્મશ્રી ડો. અનિલ ગુપ્તાએ વિદ્યાકીય શાખાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રના ઘડતરમાં વિદ્યાથી પ્રતિભાવોને વાળવા માટે ઉપયોગી થાય તેવા પ્રકલ્પો હાથ ધરવાની વાત કરી હતી. કોમ્પ્યુટર એન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સના પ્રોફેસર સંજય વર્માએ ઈન્ફોર્મેશન અને કોમ્પ્યુટર ટેક્નોલોજીનો ઉપયોગ ઈજનેરી અને ફાર્મસી કોલેજો તથા ઉદ્યોગ સાહસોમાં કેવી રીતે કરી શકાય તે વિશે નિદર્શન અને માહિતી આપ્યાં હતાં. ટેક્પિડિયાના સંવાહક શ્રીહિરણ્મય મહંતોએ આ સંસ્થાના એક મહાન સાહસની ઉપયોગીતા વિશે વાત કરી હતી. આ સેમિનારમાં ૬૦૭ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સમારંભના અંતે વિશિષ્ટ વક્તાઓને સ્વામી વિવેકાનંદ વિશેનાં પુસ્તકો અને છબિ અપાયાં હતાં. સેમિનારના અંતે ચા-નાસ્તો અપાયાં હતાં
Your Content Goes Here




