રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં બાળસંસ્કાર શિબિર

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ હોલમાં ૧લી મેથી ૧૦ જૂન સુધી ધો. ૪ થી ૮ના બાળકો માટે એક બાળ-સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં વૈદિક સ્તોત્ર-મંત્રપાઠ, યોગાસન, પ્રાણાયામ, ગીત-સંગીત, ચિત્રકામ, વાર્તાકથન, ફિલ્મપ્રદર્શન અને ભારતના મહાન પયગંબરોના જીવન અને સંદેશ વગેરેનો કાર્યક્રમ હતો. આ બાળ-સંસ્કાર શિબિરના સમાપન સમારોહમાં બાળકોને પ્રોત્સાહન રૂપે શ્રીઠાકુર, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીના સંક્ષિપ્ત જીવન ચરિત્રો ભેંટ આપવામાં આવ્યાં હતાં. 

મૂલ્યલક્ષી કેળવણીના કાર્યક્રમોમાં શ્રીમતી કે.બી. જોશી કન્યા વિદ્યાલય, શ્રી બાલુબા કન્યા વિદ્યાલય, પોરબંદર, શ્રી આર.જી.ટી. કોલેજ, પોરબંદર તથા વિવેકાનંદ વિદ્યામંદિરના આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી ૦૬ થી માર્ચ ૦૬ સુધી ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને સ્વામી અવ્યયાત્માનંદ, સ્વામી ચિરંતરાનંદ અને જ્યોતિબહેન થાનકીએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ

૨૪ જૂનના રોજ શ્રીરામકૃષ્ણ સેવાકેન્દ્ર, આદિપુર (કચ્છ)માં શ્રીમા શારદા પ્રેરણા કેન્દ્રનો મંગલ પ્રારંભ કર્યો હતો. દર રવિવારે ત્રણ માસ સુધી ધ્યાન, પ્રાર્થના, સંગીત, વાર્તાકથન, ચિત્રકળા જેવાં બાલક-બાલિકાઓના સર્વાંગિણ વિકાસ માટે ઉપયોગી શૈક્ષણિક સહાભ્યાસિક પ્રવૃત્તિઓ થશે. એ જ દિવસે યોજાયેલી એક વિશેષ સભામાં બે સીવણયંત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભૂજમાં વિવેકાનંદ બાલકસંઘનો પ્રારંભ

૨જી જુલાઈ રવિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદે ભૂજના કેન્દ્રમાં ‘વિવેકાનંદ બાલકસંઘ’નો પ્રારંભ કર્યો હતો. બાળકોનાં ચારિત્ર્યઘડતર, જીવનઘડતર તેમજ સાર્વત્રિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. દર રવિવારે ત્રણ માસ સુધી ૫૦ બાળકો માટેની આ વિશેષ સંસ્કારશિબિર રહેશે.

ભજનસંધ્યા

૯ જુલાઈ, રવિવારે સંધ્યા આરતી પછી ૭.૩૦ કલાકે શ્રીરામકૃષ્ણ આશ્રમના ‘વિવેક હોલ’માં સંગીત નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલયનાં પ્રાચાર્યા શ્રીમતી પિયુબહેન સરખેલનાં શાસ્ત્રીય ભક્તિસંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૪૦૦ થી વધુ સંગીતરસિકોએ મનભરીને સંગીતને માણ્યું હતું.

૧૧મી જુલાઈ, મંગળવારે ગુરુપૂર્ણિમાના પાવનકારી પ્રસંગે સવારે ૫.૦૦ વાગ્યાથી શ્રીરામકૃષ્ણ મંદિરમાં મંગલા આરતી, ભજન, કીર્તન, વિશેષ પૂજા, હવન અને પ્રવચનો યોજાયાં હતાં. બપોરે ભોગ આરતી પછી ૧૨.૩૦ વાગે ૧૫૦૦ થી વધારે ભક્તોએ પ્રસાદ લીધો હતો.

ધાણેટી (કચ્છ)ના શ્રી મંદિરમાં સંગીતસંધ્યા

૧૫મી જુલાઈ, શનિવારે સાંજના શ્રીમંદિરમાં ધાણેટી ગામનાં બહેનો, શાળાના વિદ્યાર્થીઓ, શ્રી જીતુભાઈ અંતાણી અને સ્વામી વિનિર્મુક્તાનંદજી મહારાજનાં ભજનસંગીતની સંધ્યાનો કાર્યક્રમ ગ્રામ્યજનોએ માણ્યો હતો. સ્વામી વિનિર્મુક્તાનંદજી મહારાજના વરદ હસ્તે વૃક્ષારોપણ થયું હતું. ૧૦૦૦ જેટલા લોકોએ આ પ્રસંગે પ્રસાદ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આગામી કાર્યક્રમો

શ્રીરામકૃષ્ણ મિશન, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વિવિધ શિબિરો યોજાશે.

૨૫-૮-૨૦૦૬, શુક્રવારે સવારે ૮ થી ૧૨.૩૦ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના અગાઉથી નોંધાયેલા આચાર્યોની શિક્ષણશિબિર – નોંધણી ફી રૂ.૫૦/-

૨૬-૮-૨૦૦૬, શનિવારે સવારે ૮ થી ૧૨.૩૦ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના અગાઉથી નોંધાયેલા સંનિષ્ઠ શિક્ષકોની શિક્ષણશિબિર – નોંધણી ફી રૂ.૫૦/-

૨૭-૮-૨૦૦૬, રવિવારે ૮ થી ૧૨.૩૦ અગાઉથી નોંધાયેલા ભાવિક ભક્તજનો માટે આધ્યાત્મિક શિબિર – નોંધણી ફી રૂ.૫૦/-

૨૯-૮-૨૦૦૬, મંગળવારે ૮ થી ૧૨.૩૦ પ્રાથમિક શાળાના અગાઉથી નોંધાયેલા આચાર્યો, શિક્ષકો અને પી.ટી.સી.ના બીજા વર્ષના તાલીમાર્થીઓની શિક્ષણશિબિર – નોંધણી ફી રૂ.૫૦/-

૩૦-૮-૨૦૦૬, બુધવારે ૮ થી ૧૨.૩૦ અગાઉથી નોંધાયેલા યુવા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે યુવશિબિર – નોંધણી ફી રૂ.૨૦/-

૨૪ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ સુધી દરરોજ સંધ્યા આરતી પછી ૭.૩૦ કલાકે શ્રીરામકૃષ્ણ આશ્રમના ‘વિવેક હોલ’માં શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા પરનાં પ્રવચનો રહેશે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ

૪ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર યુનિ.ની સ્ટાફ એકેડેમિક કોલેજના નિયામક શ્રી ભદ્રાયુ વછરાજાની, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ પશુપાલન મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, સરદાર પટેલ એજ્યુ. ટ્રસ્ટ, સુરેન્દ્રનગરના નિયામકશ્રી વસંતભાઈ પટેલની નિશ્રામાં ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં બોર્ડમાં પ્રથમ આવેલ જાડેજા પાર્થરાજ અને રાણપરા ભાવિન તેમજ ધો. ૧૦માં પ્રથમ આવેલ અવનિ પી. શાહ, લીંબડીની શાળાઓમાં ધો.૧૦-૧૨માં પ્રથમ આવેલ ભાઈ-બહેનોનું સન્માન થયું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષશ્રીઓએ અને તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ૧૪૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોને સંબોધ્યાં હતાં. 

વિજ્ઞાનપ્રવાહમાં પ્રથમ આવનાર જાડેજા પાર્થરાજે આખું વર્ષ સુવ્યસ્થિત મહેનત કરીને કેવી રીતે ઉત્તમ પરિણામ મેળવી શકાય તેની વાત કરી હતી. રાણપરા ભાવિનીએ જુસ્સા ભરી પ્રેરકવાણીમાં ‘મેં મારા ઘરના બોર્ડ પર ધોરણ ૧૨માં પ્રથમ આવવા માટે મને કોઈ તાકાત રોકી નહીં શકે.’ એમ કહીને વિદ્યાર્થીઓનો જુસ્સો વધારી દીધો હતો.

સર્વપ્રથમ ગુજરાત રાજ્યમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રથમ આવેલ અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ વિદ્યાર્થીનું સન્માન થયું હતું.

સ્વામી આદિભવાનંદજીએ સૌને આશીર્વાદ પાઠવ્યા હતા અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્રસિંહ જાડેજાએ આભારવિધિ કરી હતી.

Total Views: 145

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.