શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા
રૂપિયા ૪૦ લાખથી વધુ રકમનું થયેલ પૂરરાહતસેવાકાર્ય
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતમાં આવેલા પ્રલયકારી પૂર અને અતિવૃષ્ટિએ ઘણી મોટી તારાજી સર્જી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં પૂરપીડિત વિસ્તારોમાં તા. ૭ જુલાઈથી રાહતસેવાકાર્યનો પ્રારંભ થયો હતો. સૌ પ્રથમ રાજકોટ કલેક્ટર કચેરીની વિનંતી પ્રમાણે કલેક્ટર કચેરીમાં ફૂડપેકેટ્સ પહોંચતા કરવામાં આવ્યા હતા. ત્યાર પછી શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ અને સ્વયંસેવકોની ટુકડી જે તે સ્થળે પહોંચીને આણંદ જિલ્લાના આણંદ શહેર, તારાપુર, સોજિત્રા, ખંભાત અને બોરસદ તાલુકાના ૫૪ દૂરસુદૂરનાં ગામડાં; અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ૬ ગામડાં; ખેડા જિલ્લાના માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા તાલુકાના ૫૧ ગામડાં; અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને રાજુલા તાલુકાનાં ૪ ગામડાં; જુનાગઢ જિલ્લાનાં ૬ ગામડાં; એમ કુલ મળીને ૧૨૧ ગામડાંના પુરપીડિતોને ૯૫૪૦૧ ફૂડપેકેટ્સ, ૭૪૬૨ કીટ્સ, (૫ કી. લોટ, ૨ કી. બટેટા, ખીચડી, ૧ કી. મીઠું, અડધો કી. ખાંડ, ચા, મરી મસાલા, મીણબત્તી, બાકસ, સાડી, ધાબળો, ૨.૫ મિટર કાપડનો ટુકડો, ૫૦૦ ગ્રામ તેલની એક કીટ), ૧૧૧૫૦ પાણીના પાઉચનું વિતરણકાર્ય થયું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૧ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાનું પર્વ ૧૫૦૦ જેટલા ભાવિકજનોની ઉપસ્થિતિમાં ઉજવાયું હતું. સવારે મંગલ આરતી, ભજનગાન, વિશેષ પૂજાહવન, મંત્રપુષ્પાંજલિના કાર્યક્રમોનું આયોજન થયું હતું. બપોરે પૂજા હવન, આરતી પછી ભક્તજનોએ પ્રસાદ લીધો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વૃક્ષારોપણ
રાજકોટની નજીક ઢાંઢણી ગામે વૃક્ષરોપણદિન ઉજવાયો હતો. સ્વામી જીવેશ્વરાનંદજી મહારાજે ગામ લોકોને ૮૦૦ રોપાં આપ્યાં હતાં અને દસ વિસ્તારોમાં વાવ્યાં હતાં. આ પહેલાં વાવેલાં ૧૦૦ વૃક્ષો ઉછરીને મોટાં થઈ ગયાં છે.
રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેરોરિયલ, વડોદરા દ્વારા થયેલ પૂરરાહતસેવાકાર્ય
આ સંસ્થા દ્વારા વડોદરા શહેર, વડોદરા જિલ્લાના વડોદરા, પાદરા, કરજણ તાલુકા, આણંદ જિલ્લામાં ૯૭૮૭૩ લાભાર્થી કુટુંબીજનોમાં ૧૪૫૦૦ પાણીના પાઉચ, ૩૮૦૨૦ પેકેટ્સ – સૂકો નાસ્તો (વડોદરા જિલ્લાના તાલસાત, સાદદ, વીરપુર, હુસેપુર, કોઠવાડા, ગાવાસાદ ગામડાંમાં હેલીકોપ્ટર દ્વારા તથા વડોદરા શહેરમાં રૂબરૂ), ૨૦૧૬ સૂકા અનાજની કીટ, ૧૬૨૫ ધાબળા, ૬૮ વાસણની કીટ, ૧૨૫ તાલપત્રી, ૧૭૬૩ દર્દીઓની દાક્તરી સેવા, તથા ક્લોરિન ટેબલેટનું વિતરણ કાર્ય થયું છે. સૂકા નાસ્તામાં ગાંઠિયા, કેળા અને બટેટાની વેફર, બુંદી અને બિસ્કીટનો સમાવેશ થાય છે. સૂકા અનાજની કીટમાં ૧૦ કી. લોટ, ૫ કી. ઘઉં, ૧ કી. તેલ – મીઠું -ખાંડ, ચા અને મસાલાનો સમાવેશ થાય છે. વાસણની કીટમાં એક કડાઈ, ચાર થાળી, ચાર વાટકા, તપેલું, એક ગ્લાસ, ચમચી, પાણીનો જગ, એક ત્રાસ, એક તવેથાનો સમાવેશ થાય છે. ૬ માણસના એક કુટુંબને એક સૂકા અનાજની કીટ અપાઈ છે. ચાર વ્યક્તિના એક કુટુંબ દીઠ બે ધાબળા અપાયા છે. છ વ્યક્તિના એક કુટુંબ દીઠ તાલપત્રી અપાઈ છે. છ વ્યક્તિના એક કુટુંબ દીઠ ક્લોરિનની ટીકડી અપાઈ છે. ધાબળા અને તાલપત્રીનું વિતરણકાર્ય ચાલુ છે.
Your Content Goes Here




