સ્વામી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨૩મી જૂને હૈદ્રાબાદથી મુંબઈ થઈને રાજકોટ આવ્યા અને ૨૭મી એ મુંબઈ માટે હવાઈ માર્ગે રવાના થયા. તે દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વિશેષ ઉત્સાહ અને હર્ષનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ૨૪મીએ સાંજે તેમણે ‘વ્યવહારુ વેદાંત’ (Practical Vedanta) પર પ્રભાવક જાહે૨ પ્રવચન આપ્યું હતું. ૨૩, ૨૫ અને ૨૬ દરમિયાન રોજ સાંજે ભક્તોની બેઠકમાં તેમણે સારગર્ભિત વાર્તાલાપો આપ્યા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલ દ્વિ-દિવસીય મૅનૅજમૅન્ટ વર્કશૉપ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પહેલી અને બીજી જુલાઈના રોજ યોજાયેલ દ્વિ-દિવસીય વર્કશૉપમાં જાણીતા મૅનૅજમૅન્ટ કન્સલ્ટન્ટ શ્રી એન. એચ. આત્રેયે કહ્યું હતું કે વૈશ્વિક હરિફાઈમાં સફળ થવા માટે ભારતીય મૂલ્યો પર આધારિત મૅનૅજમૅન્ટ આવશ્યક છે. યશ પેપર મિલ અયોધ્યા, મૅનન પીસ્ટન કોલ્હાપુર, સ્ટાન્ડર્ડ સ્વીચગીયર, જલંધર, વિજય વાયર ઍન્ડ ફિલામેન્ટસ, મૈસુર વગેરે અનેક કંપનીઓ ભારતીય આદર્શ- ‘‘સહવીર્યમ્ કરવાવહૈ’’ પ્રમાણે ‘સૅલ્ફ મૅનૅજિંગ ટીમ’ના માધ્યમથી આર્થિક ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રોમાં અદ્ભુત સફળતા કેવી રીતે મેળવી રહી છે, તેની રોચક કહાણી મુંબઈના મૅનૅજમૅન્ટ કન્સલ્ટન્ટ શ્રી સુરેશ પંડિતે રજૂ કરી હતી. મૅનૅજમૅન્ટ ગુરુ રૂપે પ્રખ્યાત વડોદરાના શ્રી જી. નારાયણે ગીતાના શ્લોકોને અંગ્રેજી ભાષામાં ગાઈને પ્રતિનિધિઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આધુનિક મૅનૅજર ગીતા અને ઉપનિષદના ઉપદેશ દ્વારા કેવી રીતે રાજર્ષિ બની કાર્યકુશળતા કેળવી શકે છે તેની છણાવટ તેમણે રસપ્રદ શૈલીમાં કરી હતી. આર્થિક રૂપે પડી ભાંગેલી કેટલીક કંપનીઓ ભારતીય મૂલ્ય પર આધારિત તરકીબોથી કેવી રીતે પ્રગતિના પંથે જઈ રહી છે તેની વિગતવાર કહાણી સ્વામી સોમેશ્વરાનંદજીએ રજૂ કરી હતી. ટૅલ્કો, ટિસ્કો, ઈન્ડિયન ઑઈલ, ઍક્સેલ, ઈફકો વગેરે અનેક કંપનીઓ ભારતીય મૂલ્યો પર આધારિત મૅનૅજમૅન્ટમાં વિશેષ રસ દાખવી રહી છે, તેની વિગતવાર હકીકતો સ્વામી જિતાત્માનંદજીએ રજૂ કરી હતી. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ નેતૃત્વના ગુણ કેળવવા માટે સ્વામી વિવેકાનંદજી મૉડેલ રૂપે કેવી રીતે પ્રેરણારૂપ બની શકે છે તેની ચર્ચા કરી હતી. જાણીતા ઉદ્યોગપતિ શ્રી શશીકાંતભાઈ મહેતાએ આધ્યાત્મિક મૂલ્યોને મૅનૅજમૅન્ટમાં કેવી રીતે વણી લઈ શકાય તેની વાત કરી હતી. આ વર્કશૉપનું ઉદ્ઘાટન જાણીતા ઉદ્યોગપતિ શ્રી અતુલભાઈ શ્રૉફના હસ્તે દીપ પ્રગટાવી થયું હતું. ૩૦૦થી વધુ ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ઑફિસરો અને શિક્ષક ભાઈ-બહેનોએ આ વર્કશૉપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમેરિકાના એક ઉદ્યોગપતિએ વર્કશૉપના અંતમાં પોતાના પ્રતિભાવો રજૂ કરતાં કહ્યું હતું કે છેલ્લાં ૨૮ વર્ષોથી તેઓ દેશવિદેશમાં સેમિનારોમાં ભાગ લઈ રહ્યા છે, પણ આ અનુભવ સૌથી વિશેષ નિરાળો રહ્યો.

રામકૃષ્ણ મિશન, આંદામાન વિકાસના પંથે

આંદામાનમાં પૉર્ટ બ્લેય૨માં તાજેત૨માં શરૂ થયેલ રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્રમાં અત્યારે ૫થી ૧૬ વર્ષની ઉંમરના નિરાશ્રિત બાળકો માટે નિવાસગૃહ ચાલે છે જેનો લાભ ૫૦ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. સ્થાનિક યુવકો માટે રોજગારની વ્યવસ્થા કરવાના ઉદ્દેશથી અને આ ટાપુના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું આયોજન થઈ રહ્યું છે:

૧. બાળકો માટે સાંસ્કૃતિક કેન્દ્ર. ૨. સુથારકામ, દરજીકામ, ઈલૅક્ટ્રીક વાયરિંગ વગેરે ધંધા શીખવવા માટેનું પ્રશિક્ષણ કેન્દ્ર. ૩. વિવિધ ભાષાઓ શીખવવા માટેની શાખા. ૪. આઈ. એ.ઍસ. વગેરે પરીક્ષાઓની તૈયારી માટેના કોચિંગ કલાસ. ૫. જાહેર જનતા માટે અને બાળકો માટે ગ્રંથાલય. ૬. ઑડિટોરિયમ.

આ સમસ્ત યોજનાઓ માટે લગભગ રૂ. ૧૨૨ લાખનું ભંડોળ એકઠું કરવું પડશે. ઈચ્છુક દાનવીરો ‘સૅક્રેટરી, રામકૃષ્ણ મિશન, પૉર્ટ બ્લેયર’ના નામથી ચેક/ડ્રાફ્ટ મોકલાવી શકે છે. (દાનની રકમ ૮૦ જી. હેઠળ આવકવેરામાંથી કપાતને પાત્ર રહેશે.)

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.