શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તથા કચ્છ રેલવે કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ માલીયાસણ પ્રાથમિક શાળામાં સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન થયું હતું. કેમ્પમાં સામાન્ય રોગોની સારવાર, બી.પી. તથા ડાયાબિટિસની તપાસ, આયુર્વેદિક સારવાર તથા મોતિયાનું નિદાન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ૧૧૨ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો.

પુરસ્કાર વિતરણ સમારંભ – બારમી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત ક્વિઝ સ્પર્ધામાં રાજ્યના કુલ ૩૩ જિલ્લાની ૫૧૬ શાળાઓમાંથી ૪૨,૦૯૬ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર તેમજ જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ કુલ ૧૧૩ વિજેતાઓને તા. ૩ માર્ચના રોજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમારંભમાં ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા મુખ્ય અતિથિરૂપે પધાર્યા હતા. આ ઉપરાંત રાજકોટ (દક્ષિણ)ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા; રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજી તથા રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી ઉપસ્થિત રહ્યા હતા તથા તેઓના વરદ હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

નામાંકન પામેલ શાળાના આચાર્યો તથા શિક્ષકોને તથા દરેક જિલ્લાના આશ્રમ તરફથી નિયત થયેલ કોઓર્ડિનેટર્સને પુરસ્કૃત કરાયા હતા. શ્રી મૂળુભાઇ બેરા તથા શ્રી રમેશભાઈ ટીલાળાએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના પુસ્તક વાંચવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ, અમદાવાદ તરફથી ‘ગુજરાતમાં રામકૃષ્ણ ચળવળ’ એ વિષય પરના સોવેનિયરનું વિમોચન થયું હતું. ક્વિઝ સ્પર્ધાના ઈન્ચાર્જ સ્વામી ધર્મપાલાનંદજીએ આભારદર્શન અને સમાપન ગીત પ્રસ્તુત કર્યું હતું.

મહાશિવરાત્રિની ઉજવણી

૮મી માર્ચ, ૨૦૨૪ના રોજ આશ્રમ પરિસરમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. મંદિરમાં વિશેષ ચાર પ્રહરની પૂજા કરવામાં આવી. પૂજા દરમિયાન વિવિધ સ્તોત્રો, ભજન અને શિવ-નામ સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું તથા શિવ-નૃત્ય પણ કરવામાં આવ્યું હતું. લગભગ ૧૦૦૦ ભક્તોએ શિવજીને અભિષેક પણ કર્યો હતો.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૮૯મી જન્મતિથિ મહોત્સવ

આશ્રમ મંદિરમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૮૯મી જન્મતિથિની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા અને હોમનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. સવારે ભજન અને કીર્તન સાથે આશ્રમ-પ્રાંગણમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું જીવન અને સંદેશ’ વિષય પર પ્રવચન આપ્યું. સાંજે શ્રીરામકૃષ્ણ-નામ-સંકીર્તન અને સંધ્યા આરતી પછી ભજનો ગાવામાં આવ્યાં. આ પ્રસંગે ૧૭૦૦થી વધુ ભક્તોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો.

ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાની આશ્રમ મુલાકાત

ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા તા. ૧૦ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા. તેઓએ મંદિરમાં દર્શન કરીને વિવેકાનંદ બૂક વર્લ્ડની મુલાકાત લીધી તેમજ ‘વ્યક્તિત્વ વિકાસ’ પ્રકલ્પના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. તેઓએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ નાનપણથી જ તેઓના પ્રેરણાસ્રોત રહ્યા છે તથા સ્વામીજીના વિચારો તેમને પ્રત્યેક કાર્યમાં બળ પૂરું પાડે છે.

Total Views: 211

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.