રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ
રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના બપોરે ૩ઃ૩૦ કલાકે યોજાઈ ગઈ. આ સભામાં પ્રસ્તુત રિપોર્ટની રૂપરેખા નીચે આપવામાં આવેલ છે.
રામકૃષ્ણ મિશને નિમ્નલિખિત માન્યતા પ્રાપ્ત કરેલ છેઃ
૧) ભારત સરકારની NIRF તરફથી શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તા ક્રમાંક સૂચિમાં મિશનની ચાર આટ્ર્સ અને સાયન્સ કોલેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. શારદાપીઠ કેન્દ્ર (બેલુર મઠ)ને સાતમો ક્રમાંક, રાહરા કેન્દ્ર (કોલકાતા)ને અગિયારમો ક્રમાંક, નરેન્દ્રપુર કેન્દ્ર (કોલકાતા)ને વીસમો ક્રમાંક તેમજ કોઈમ્બતુર મિશન સેન્ટરને પાંસઠમો ક્રમાંક આપવામાં આવ્યો છે.
૨) ભુવનેશ્વર કેન્દ્ર (ઓરિસ્સા) તથા માલદા કેન્દ્ર (પશ્ચિમ બંગાળ)ની હાઈસ્કૂલને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વળી બન્ને કેન્દ્રોને સંબંધિત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર તેમજ પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા છે.
૩) ચેન્નાઈ મઠની પ્રાથમિક શાળાને તામિલનાડુ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શાળાનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે.
૪) મિશનની વૃંદાવન ખાતે આવેલ દવાખાનાની મોલેક્યુલર લેબોરેટરીને NABL દ્વારા માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ મળ્યું છે.
૫) આસામના કરીમગંજ કેન્દ્રને મુખ્ય મંત્રી તરફથી નાગરિક સુવિધામાં વધારો કરવા બદલ CAWDનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે.
રામકૃષ્ણ મિશનનાં નવાં શાખા કેન્દ્રો:
૧) રાજસ્થાનમાં અજમેર તથા ઉત્તર દિનાજપુર (પશ્ચિમ બંગાળ)માં રાયગંજ ખાતે નવાં કેન્દ્રોનો શુભારંભ થયો છે.
૨) વિવેકાનંદ આશ્રમ, અગરતલાના સબ સેન્ટર રામકૃષ્ણ મિશન ધાલેશ્વરને સ્વતંત્ર કેન્દ્ર તરીકે જાહેર કરાયું છે.
૩) રામરહિમપુર આશ્રમના સબ સેન્ટર તરીકે અમરકાનન (બાંકુરા જિલ્લો, પશ્ચિમ બંગાળ)માં નવું ઉપકેન્દ્ર શરૂ કરાયું છે.
૪) બોલપુર (જિલ્લો વિરભૂમ, પશ્ચિમ બંગાળ)માં નવું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
૫) રામકૃષ્ણ મઠ, ચેન્નાઈનું સબ સેન્ટર તાંજાવુર, તામિલનાડુમાં શરૂ કરાયું છે.
નવાં વિકાસ કાર્યો:
૧) કોવિડ-૧૯ મહામારી દરમિયાન ચેન્નાઈ વિદ્યાર્થીભવન દ્વારા ત્યાંની નિવાસી હાઈસ્કૂલ તથા પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે ૬૩૦ ટેબલેટ પીસીનું વિતરણ કરવામાં આવ્યું.
૨) કોઈમ્બતુર મિશન વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાના આદર્શોનો પ્રચાર-પ્રસાર કરવાના ઉદ્દેશથી ઓનલાઈન પ્રોગ્રામ ‘Iyal, Isai, Nadagam’ શરૂ કરાયો.
૩) RKMVERI (ડીમ્ડ યુનિવર્સિટી) બેલુર દ્વારા કોલકાતાના નરેન્દ્રપુર ઓફ કેમ્પસ ખાતે M.Sc in MdBT કોર્ષ શરૂ કરવામાં આવ્યો તથા રાંચી ઓફ કેમ્પસ ખાતે પેથોલોજી લેબોરેટરી, મોલેક્યુલર બાયોલોજી એન્ડ ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી સ્થાપવામાં આવી.
૪) રુરકેલા કેન્દ્ર દ્વારા ‘જ્ઞાન-યાત્રા’ નામક મોબાઈલ ઓડિયો-વિડિયો યુનિટ શરૂ કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ ઓન લાઈન ટ્યુટોરિયલ ક્લાસ, મોટીવેશનલ કેમ્પ તથા મૂલ્યલક્ષી શિક્ષણ પ્રદાન કરવાનો છે.
૫) શિલોંગ કેન્દ્ર દ્વારા એક ઓન લાઈન મેગેઝિન ‘Ka Jingshai-The Light’ ત્યાંની ત્રણ સ્થાનિક ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું.
શૈક્ષણિક કાર્ય:
મઠ તથા મિશને પોતાની ૫૩૯ શાળા-કોલેજો અને ૧૦૫૬ અનૌપચારિક શિક્ષણ કેન્દ્રો દ્વારા કુલ ૨,૩૧,૮૬૮ વિદ્યાર્થીઓને રૂ. ૪૫૧.૭૮ કરોડની વિદ્યાકીય સહાય આપી.
તબીબી કાર્યો:
મઠ અને મિશનની ૧૪ હોસ્પિટલમાં ૭૨,૩૮૨ ઇન્ડોર દર્દીને સારવાર આપવામાં આવી. મઠ અને મિશનની ૧૨૩ ડિસ્પેન્સરી, ૪૪ મોબાઈલ મેડિકલ યુનિટ અને ૩૫૬ મેડિકલ કેમ્પ દ્વારા ૩૧,૯૦,૨૬૫ દર્દીઓને આઉટડોર સારવાર આપવામાં આવી. ૭ નર્સિંગ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ૭૭૬ વ્યક્તિને પ્રશિક્ષણ આપવામાં આવ્યું. ૨ મેડિકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ૧૬૮ વિદ્યાર્થીઓએ સંશોધન કાર્યનો લાભ લીધો. ઉપરોક્ત બધાં કાર્યો પાછળ રૂપિયા ૨૬૨.૧૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો.
રાહત અને પુનર્વસન કાર્ય:
મઠ અને મિશને રાહત અને પુનર્વસન કાર્ય પાછળ કુલ રૂપિયા ૩૪.૨૦ કરોડનો ખર્ચ કર્યો, જેનાથી ૩૩.૧૧ લાખ લોકો લાભાન્વિત થયા.
૧) કોવિડ-૧૯ મહામારી રાહતકાર્ય:
કુલ ૪,૫૧,૪૭૬ પરિવારો મઠ-મિશનની વિવિધ સહાય દ્વારા લાભાન્વિત થયા.
રામકૃષ્ણ મિશનનું વડું મથક, ૨૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોનાં ૧૨૭ કેન્દ્રો દ્વારા રાશન કિટ, લીલાં શાકભાજી, ફળફળાદિ, નાસ્તાનાં પેકેટ, પાણીની બોટલ, માસ્ક, સેનિટાઇઝર, સાબુ, વોશીંગ પાઉડર, વસ્ત્રો અને તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લખનૌ અને વૃંદાવન કેન્દ્રોની હોસ્પિટલમાં કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યા હતા.
કનખલ, હરિદ્વારની હોસ્પિટલે ફ્લુ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું.
૨) વાવાઝોડા રાહતકાર્ય:
ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડું, તામિલનાડુમાં નિવાર અને બુરેવી વાવાઝોડું, પશ્ચિમ બંગાળમાં અંફાન વાવાઝોડું.
૩) અગ્નિપ્રકોપ રાહતકાર્ય, ૪) પૂર રાહતકાર્ય, ૫) કુદરતી આફત રાહતકાર્યો, ૬) ગંગાસાગર રાહતકાર્ય, ૭) શીતપ્રકોપ રાહતકાર્ય, ૮) આર્થિક પુનર્વસન,
૯) વાવાઝોડા પુનર્વસન:
* બુલબુલ વાવાઝોડું: બેલઘરિયા (કોલકાતા) કેન્દ્ર દ્વારા સુંદરવન વિસ્તાર (જિલ્લો દક્ષિણ ૨૪ પરગણાં, પશ્ચિમ બંગાળ)માં બે માળના વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરાયું તથા આફતગ્રસ્ત ૨૬ પરિવારોને સબમર્સીબલ પમ્પવાળો કૂવો અને બે ઓરડાવાળાં મકાનો સુપ્રત કરવામાં આવ્યાં.
* અંફાન વાવાઝોડું: નીચેનાં ત્રણ કેન્દ્રો દ્વારા ૨૩૦ પરિવારોને નવાં મકાનો માટે કે મરામત કરવા માટે સામગ્રી પૂરી પાડવામાં આવી. (i) કોન્ટાઈ, જિલ્લો પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ બંગાળ. (ii) મનસાદ્વીપ, જિલ્લો દક્ષિણ ૨૪ પરગણાં, પશ્ચિમ બંગાળ. (iii) ટાકી, જિલ્લો ઉત્તર ૨૪ પરગણાં, પશ્ચિમ બંગાળ.
ગ્રામ્ય અને આદિવાસી કાર્ય:
મિશન અને મઠ દ્વારા ગ્રામ્ય અને આદિવાસી સેવા અન્વયે સામાજિક, તબીબી, શૈક્ષણિક અને જનકલ્યાણ ક્ષેત્રે કુલ રૂપિયા ૭૧.૬૨ કરોડનો ખર્ચ કરાયો અને ઉપરોક્ત સેવા દ્વારા આશરે ૩૩.૯૫ લાખ લોકો લાભાન્વિત થયા.
સર્વસાધારણ કલ્યાણ કાર્ય:
મઠ અને મિશન દ્વારા ઉપરોક્ત સેવાકાર્ય હેઠળ- ખાદ્યસામગ્રીની કીટ, આરોગ્યલક્ષી કીટ, શૈક્ષણિક કીટ, વસ્ત્ર અને ધાબળા, અપંગો માટે ત્રણ પૈડાંવાળી સાઇકલ, સિલાઈ મશીન, તૈયાર ખાદ્યાન્ન, શૈક્ષણિક શિષ્યવૃત્તિ અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય સહાય કરવામાં આવી. ઉપરોક્ત સેવાકાર્ય માટે કુલ રૂપિયા ૨૧.૩૦ કરોડ ખર્ચવામાં આવ્યા અને ૨૭.૬૧ લાખ લોકો લાભાન્વિત થયા.
ભાવધારાનો પ્રચાર અને પ્રકાશન કાર્ય:
મિશન અને મઠ દ્વારા ૮,૩૮૭ વર્ગો અને પ્રવચન દ્વારા આશરે ૧૬,૬૩,૨૬૩ લોકોને માનવીય મૂલ્યો અંગે પ્રશિક્ષિત કરવામાં આવ્યા. ૧૨૭ ગ્રંથાલયોનો ૧,૩૮,૩૦૦ લોકોએ લાભ લીધો. પ્રકાશન કેન્દ્રો દ્વારા ૮૦ નવાં પુસ્તકોનું પ્રકાશન કરાયું અને ૫૮૯ પુસ્તકોનું પુનઃ પ્રકાશન થયું. વિવિધ ૧૩ ભાષાનાં ૧૬ સામયિકોના ૨,૧૯,૬૯૭ ગ્રાહકો છે. પ્રકાશન કાર્ય પાછળ કુલ રૂપિયા ૧૦.૩૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો.
ભારત બહારની પ્રવૃત્તિઓ:
i) વેદાંત સેન્ટર ઓફ સિડની, ઓસ્ટ્રેલિયા હેઠળ લાંબા સમયથી કાર્યરત એડેલેઈડ, બ્રિસબેન, કેનબેરા, મેલબોર્ન તથા પર્થનાં કેન્દ્રોને તેનાં સબ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે.
ii) મેમનસીંગ (બાંગ્લાદેશ)માં આવેલ કેન્દ્ર દ્વારા દુર્ગાપુર (જિલ્લો ગ્રેટર મેમનસીંગ)માં વિવેકાનંદ અનાથાશ્રમની શરૂઆત કરવામાં આવી.
iii) અમેરિકાના પોર્ટલેન્ડ કેન્દ્ર દ્વારા તેના સ્કેપોઝ રિટ્રીટ સેન્ટર માટે ૧૬૯ એકર જમીન સંપાદિત કરાઈ.
iv) બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, સીંગાપોર, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ઝામ્બિયાનાં કેન્દ્રો દ્વારા કોવિડ-૧૯ રાહતકાર્ય અંતર્ગત રાશન કીટ, તૈયાર ભોજન, સાબુ, સેનેટાઇઝર, ડીટર્જન્ટ પાઉડર, માસ્ક, હાથનાં મોજાં વગેરેનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું.
v) ૨૩ દેશોમાં ૬૫ કેન્દ્રો દ્વારા વિભિન્ન તબીબી, શૈક્ષણિક, સાંસ્કૃતિક, કલ્યાણકીય, નૈતિક અને આધ્યાત્મિક સેવાઓ પ્રસારિત કરવામાં આવી.
આ તકે રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠના સેવાકીય કાર્યક્રમો આગળ ધપાવવા માટે અમારા સભ્યો અને મિત્રોના મળેલા સહકાર બદલ અમે તેમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
મહાશિવરાત્રી મહોત્સવ
શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં ૧ માર્ચ, ૨૦૨ર ને મંગળવારના રોજ મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. આ પવિત્રપર્વ નિમિત્તે રાતના ૯ થી સવારના ૪ઃ૩૦ સુધી ચારેય પ્રહર ષોડશોપચાર પૂજા, હવન, ભજન, વૈદિક મંત્રોચ્ચાર, શિવમહિમા ગાન વગેરેનું આયોજન થયું હતું. મંદિર પરિસરમાં વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત શિવ નૃત્ય પણ કરવામાં આવ્યું હતું.
શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ
૪મી માર્ચ, ૨૦૨૨ ને શુક્રવારના રોજ શ્રીરામકૃષ્ણદેવની ૧૮૭મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે સવારે ૫.૦૦ વાગ્યે મંગલા આરતી બાદ વૈદિક મંત્રોચ્ચાર, સ્તોત્રપાઠ અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રીમંદિરમાં સવારના ૮.૦૦ વાગ્યાથી વિશેષપૂજા, ભજન, હવન, કીર્તનભજન પછી ભોગ આરતી થઈ હતી. મુખ્ય મંદિરની આસપાસ શોભાયાત્રા તેમજ સાંજે ૫.૪૫ વાગ્યે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન અને સંધ્યા આરતી અને ત્યાર બાદ ભક્તિગીતો યોજાયાં હતાં.
કોરોના રાહતકાર્ય
૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ જામનગર જિલ્લાના જામ-ખંભાળિયાની સરકારી શાળા -કોલેજના વિદ્યાર્થીઓ અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં ૭૦૦ માસ્ક, ૨૫ લિટર સેનિટાઈઝર અને ‘શક્તિદાયી વિચાર’ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૪ માર્ચ, ૨૦૨૨ ના રોજ જામનગરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં ૫૦ રાશન કીટનું વિતરણ થયું હતું. કીમના જરૂરિયાતમંદ લોકોમાં ૨૦૦ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું. દરેક કીટમાં ૫ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠું, ૧ લિટર ખાદ્ય તેલ, ૨૫૦ ગ્રામ ચા પાવડર, ૧૦૦ ગ્રામ હળદર, ૧૦૦ ગ્રામ મરચું પાવડર, ૧૦૦ ગ્રામ જીરુ પાવડર, ૧ નંગ સાબુ અને 1 બાકસનો સમાવેશ થાય છે.
૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ જામનગર જિલ્લાના જામ-ખંભાળિયાની સરકારી શાળા અને સરકારી કોલેજના વિદ્યાર્થીઓને ૪૯૪ શર્ટ પીસ અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ૨૫૬ શર્ટ પીસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર
૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી તિતિક્ષાનંદ સાથે સ્વામી મંત્રેશાનંદ રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર ખાતે બેલુર મઠના કેન્દ્ર તરીકે જોડાણની સુવિધા આપવા અને અન્ય સેવા પ્રવૃત્તિઓ શરૂ કરવા પહોંચ્યા. તે જ દિવસે સાંજે ભુજના સ્વામી સુખાનંદની અધ્યક્ષતામાં એક જાહેર સભા પણ યોજાઈ હતી. સ્વામી તિતિક્ષાનંદ, સ્વામી મંત્રેશાનંદ, સ્વામી મેધજાનંદે ‘સ્વામી વિવેકાનંદની પ્રાસંગિકતા’ વિષય પર વક્તવ્ય આપ્યાં હતાં. ભુજના સ્વામી વિશ્વહિતાનંદ અને રાજકોટના સ્વામી પૂર્ણરૂપાનંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. લક્ષ્મણ એચ. દરીયાણી અને શ્રી માવજીભાઈ સોરઠીયાએ પણ આદિપુર કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે રજૂઆત કરી હતી.
Your Content Goes Here





