ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ૧લી માર્ચ, ૨૦૦૬ બુધવારે ૨૫૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભક્તો તેમજ અન્ય નાગરિકોની સર્વધર્મ શોભાયાત્રા શહેરના જીમખાના રોડ, ફૂલછાબ ચોક, યાજ્ઞિક રોડ થઈને આશ્રમ સુધી નીકળી હતી. સર્વધર્મ સમભાવને વ્યક્ત કરતા ફ્‌લોટ્‌સ અને વેશભૂષા સ્પર્ધાના ૧૨૦ સ્પર્ધકોએ દેવદેવીઓના વિશેષ રૂપે સર્વધર્મ સમભાવનું અદ્‌ભુત વાતાવરણ ઊભું કર્યું હતું.

આ શોભાયાત્રા ૯ કલાકે આશ્રમના પટાંગણમાં જાહેરસભામાં ફેરવાઈ ગઈ હતી. આ સભામાં જિલ્લા કલેક્ટર શ્રીમતી મોનાબહેન ખંધારે બાળકોને અભિનંદન પાઠવીને શ્રીરામકૃષ્ણદેવના સર્વધર્મસમભાવ અને સ્વામીજીના શ્રદ્ધા અને આત્મશક્તિના સંદેશને જીવનમાં ઉતારવા અને રાષ્ટ્રોદ્ધારના સ્વામીજીએ ચીંધેલા માર્ગે આગળ વધવા હાકલ કરી હતી. અતિથિવિશેષ રાજકોટના પોલિસ કમિશ્નરશ્રી નિત્યાનંદજીએ વિદ્યાર્થીઓને શ્રીરામકૃષ્ણદેવના ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’, ‘શિવભાવે જીવસેવા’ના આદર્શને અને સ્વામીજીએ આપેલા નિર્ભયતા અને શક્તિના બોધને જીવનમાં ઉતારવા કહ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી અને બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. ત્યાર પછી જી.કે. ધોળકિયા શાળાના વિદ્યાર્થીઓએ ‘ગણેશ વંદના’; કે.જે. ભાલોડિયા સ્કૂલના વિદ્યાર્થીઓનું ‘જાગો ભારતવાસી’; લાલ બહાદૂર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું નાટક; એસ.એન.કે. સ્કૂલના વિદ્યાર્થીઓ ‘વૈકુંઠ છોડ હરિ’; શાળા નં. ૯૦ના વિદ્યાર્થીઓનું ‘રાજ મને લાગ્યો કસુંબીનો રંગ’નું સમૂહગાન ઉપરાંત મુરલીધર હાઈસ્કૂલના ભૂમિ ત્રિવેદી, એસ.એન.કે.ના નીલ ઓડેદરા, રમેશભાઈ એમ. છાયાના નીલા પરમારના સંક્ષિપ્ત વક્તવ્યોનો કાર્યક્રમ રજૂ થયો હતો. કાર્યક્રમના પ્રારંભે શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ સૌનું સ્વાગત કર્યું હતું. 

૧ માર્ચ, ૨૦૦૬ના રોજ બુધવારે સંધ્યા આરતી પછી રાજકોટના સુખ્યાત સિતારવાદક અત્તા મહંમદ ખાન એસ. પઠાનના સિતારવાદનનો કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ મંદિરમાં ભાવિક ભક્તજનોએ માણ્યો હતો. 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ૨જી માર્ચ, ૨૦૦૬ ગુરુવારે ૫૦૦ જેટલા ભાવિકજનોની ઉપસ્થિતિમાં વિવેક હોલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ ગાયિકા ડો. મોનિકાબહેન શાહના શાસ્ત્રીય ગાનનો કાર્યક્રમ યોજાયો હતો. એમના મધુરકંઠેથી વહેલા શુદ્ધ કલ્યાણ, બિહાગ, કિરવાણી અને ભૈરવી રાગનાં શાસ્ત્રીભજનો ભાવિકોએ માણ્યાં હતાં. શ્રી દેવેન્દ્રભાઈ દવેએ તબલાં પર સંગત આપી હતી અને હારમોનિયમના સૂર શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલના સંગીત શિક્ષક શ્રી શરદભાઈ દવેએ પુરાવ્યા હતા. ધૃતિબહેને અને અમીબહેને તાનપુરાથી સંગાથ આપી હતી. કાર્યક્રમના પ્રારંભે શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ સૌનું સ્વાગત કર્યું હતું. 

૪ અને ૫ માર્ચ, ૨૦૦૬, શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ મિશન, રાંચી (મોરાબાદી)ના સેક્રેટરી સ્વામી શશાંકાનંદજી મહારાજે સંધ્યા આરતી પછી ૭.૩૦ કલાકે મંદિર નીચેના હોલમાં ‘શ્રીરામકૃષ્ણ ચરિત માનસ’ પર રામાયણની શૈલીમાં ભાવવાહી ગાન સાથે કથા રજૂ કરી હતી. આ કથાનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. 

૫ માર્ચ, ૨૦૦૬, રવિવારે સ્વામી શશાંકાનંદજી મહારાજની નિશ્રામાં સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી એક આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે શ્રીમા શારદાદેવીના શિષ્ય તથા સ્વામી વિવેકાનંદનો દિવ્ય સંગ મેળવનાર એવા સ્વામી અતુલાનંદજીનાં સંસ્મરણોની રજૂઆત કરીને એક ઉચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ સાધેલ માનવ એટલે કે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વ્યાવહારિક સ્થિતિમાં કેવાં હોય તેની માર્મિક વર્ણન કરીને દિવ્ય વાતાવરણ ઊભું કરી દીધું હતું. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર તથા શ્રીમાનામ સંકીર્તનથી થયો હતો. સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે અને કનખલના સ્વામી મંગલાનંદજી મહારાજે પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં.

૫ અને ૬ માર્ચના રોજ સવારે ૭.૩૦ થી ૯ વાગ્યા સુધી સ્વામી શશાંકાનંદજી મહારાજે ‘શ્રીમત્‌ ભગવદ્‌ગીતા’ પર પોતાનાં વ્યાખ્યાન આપ્યાં હતાં.

૧૪મી માર્ચ, મંગળવારે સવારે ૯ થી ૧૦.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીચૈતન્ય મહાપ્રભુના જન્મદિનના ઉપલક્ષ્યમાં શ્રી હરિનામ સંકીર્તનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બહોળી સંખ્યામાં ભક્ત ભાઈ-બહેનોએ ભાવવિભોર બનીને ભાગ લીધો હતો અને આ મંગલકારી પ્રસંગે અબિલ-ગુલાલનાં છાટણાં કર્યાં હતાં.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ત્રણ દિવસના જ્ઞાનયજ્ઞનું થયેલું આયોજન

૧૦ માર્ચના રોજ અનુક્રમે સ્વામી વિવેકાનંદ વિશે વ્યાખ્યાનની એક જાહેર સભાનું આયોજન થયું. શ્રી રત્નુ સાહેબ, સ્વામી નિખિલેશ્વરાનંદજી સ્વામીજીના જીવનપ્રસંગો અને સ્વામીજીનું ભારતભ્રમણ તથા અમેરિકા યાત્રા વિશે પ્રવચનો આપ્યાં હતાં. 

૧૧ માર્ચના રોજ શ્રીમા શારદાદેવીના જીવન કવન વિશે વ્યાખ્યાનની સ્વામી નિખિલેશ્વરાનંદજીના અધ્યક્ષ સ્થાને એક જાહેર સભાનું આયોજન થયું. શ્રી જયશ્રીબહેન જોષીએ શ્રીમાના જીવનપ્રસંગો વિશે પ્રવચન આપ્યું હતું. બંને દિવસ આશ્રમની બાલભજન મંડળીએ ભજનનો કાર્યક્રમ આપ્યો હતો.

૧૨ માર્ચ, રવિવારે ના રોજ આધ્યાત્મિક શિબિરમાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને લીંબડીનાં ૩૫૦ જેટલાં ભક્ત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ આધ્યાત્મિક શિબિરને સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી ધ્રુવેશાનંદજીએ સંબોધી હતી. ભક્તોનો પ્રતિભાવ અને પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ સૌએ માણ્યો હતો. સ્વામી આદિભવાનંદજી મહારાજે આ ભવ્ય જ્ઞાનયજ્ઞમાં પ્રાસંગિકતા મુજબ પ્રવચન આપ્યાં હતાં.

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.