શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી
૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૪ને રવિવારે સવારે ૫.૦૦ વાગ્યાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં મંગલ આરતી, વિશેષપૂજા, હવન, ભજન, ગીત-સંગીત વગેરેનો કાર્યક્રમ યોજાયો હતો. સવારમાં ૭.૦૦ વાગ્યે ધો.૧ થી ૮નાં બાળકો માટે વિશ્વનાં અને ભારતનાં દેવદેવીઓની અને પયગંબરોની વેશભૂષાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૨૦ જેટલાં વિદ્યાર્થી ભાઈબહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાનાં વિજેતા ભાઈબહેનોને પારિતોષિક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.
બરાબર સવારે ૭.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજની આગેવાની હેઠળ સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, ભક્તજનો, શહેરના અગ્રણી નાગરિકો અને વિદ્યાર્થીઓની એક શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શ્રીરામકૃષ્ણ આશ્રમ – એસ્ટ્રોન ટોકિઝ – ટાગોર માર્ગ – વિદ્યાનગર રોડ – વિવેકાનંદ સ્ટેચ્યુના રસ્તે થઈને શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પરત થઈ હતી. આ શોભાયાત્રામાં સર્વધર્મ સમન્વયની ભાવનાને વ્યક્ત કરતા ફ્લોટ્સ સૌનું આકર્ષણ બની ગયા હતા. આ ફ્લોટ્સ સ્થાનિક શાળાઓએ તૈયાર કર્યા હતા. શોભાયાત્રા પૂરી થતાં બધા ભાવિકજનો શ્રીરામકૃષ્ણ પટાંગણમાં સભામાં ગોઠવાઈ ગયા હતા. આ સભાને ગુજરાતના નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે લોકોએ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણી માટે વધારે પ્રયત્નો કરવાની જરૂર છે અને શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના માર્ગે ચાલીને પોતાનું, સમાજનું અને રાષ્ટ્રનું મહત્તમ કલ્યાણ સાધવાનું છે.
કેન્દ્રના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ ભક્તજનોને સંબોધતાં કહ્યું હતું કે આ સંસ્થા એક વિશ્વવિદ્યાલયનું કાર્ય કરે છે. અહીંથી ચારિત્ર્યઘડતર, જીવનઘડતર અને આધ્યાત્મિક-સાંસ્કૃતિઘડતરનું શિક્ષણ મળે છે. આજે વિશ્વમાં દેશનો ઉદ્ધાર કરીને, દેશને ઉન્નતિને માર્ગે લઈ જઈને કામ કરનારા યુવાનોની જરૂર છે. રામકૃષ્ણ-વિવેકાનંદના માર્ગે આપણે ચાલીશું તો આપણા પોતાના કલ્યાણની સાથે સર્વનું કલ્યાણ સાધી શકીશું. સ્વામી જિતાત્માનંદજીએ આજે વિશ્વમાં રામકૃષ્ણ-વિવેકાનંદની ભાવધારા કેવી અને કેટલા પ્રમાણમાં પ્રસરી રહી છે તેની વાત કરી હતી. શ્રીરામ, સત્યપ્રતિષ્ઠા માટે અવતર્યા હતા; ભગવાન શ્રીકૃષ્ણે ધર્મસંસ્થાપના માટે માનવજન્મ લીધો હતો; અને ભગવાન શ્રીરામકૃષ્ણે સર્વધર્મ વચ્ચે સમન્વય સ્થાપવા માટે – જેટલા મત તેટલા પથ – ની અનુભૂતિ કરીને એક વૈશ્વિક ધર્મભાવના ઊભી કરવા માટે જન્મ ધારણ કર્યો હતો. સમગ્ર જગતે શાંતિ અને આનંદ જોઈતાં હોય તો શ્રીરામકૃષ્ણના ચીંધેલા માર્ગે ચાલવું જોઈએ. વિનાશ જોઈતો હોય તો સર્વધર્મ સમન્વયની ભાવના છોડીને ‘પોતે જ સાચા’ એ ધર્મભાવને વળગીને ચાલવું; પરંતુ વિશ્વમાં સૌને શાંતિ અને આનંદ જોઈએ છીએ, સર્વનું કલ્યાણ જોઈએ છીએ એટલે શ્રીરામકૃષ્ણે ચીંધેલા માર્ગે આપણે સૌએ ચાલવું રહ્યું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિદ્યાર્થીમંદિરના વિદ્યાર્થીઓ અને એસ.એન.કે.શાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સંગીતમય ભજન અને વૈદિક મંત્રોચ્ચારના કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
અમેરિકા અને નવી ઊભરતી વિશ્વસંસ્કૃતિમાં સનાતન હિંદુભાવધારા
૭ માર્ચ, ૦૪ને રવિવારે સાંજે ૪૦૦ જેટલા ભાવિકજનોની ઉપસ્થિતિના વર્જિનિયા યુનિ.ના પ્રાધ્યાપક અને ‘એનસાઈક્લોપિડીયા ઓફ હિન્દુઈઝમ’ના મુખ્ય સંપાદક પ્રો. કે.એલ. શેષગિરિ રાવે શ્રીરામકૃષ્ણ આશ્રમના સભાખંડમાં ઉપર્યુક્ત વિષય વિશે પોતાનું પ્રવચન આપ્યું હતું. પ્રવચન પછી રાજકોટ શહેરના અગ્રણીઓ સાથે હિંદુધર્મનો પશ્ચિમમાં પ્રભાવ વિશે ચર્ચા પણ થઈ હતી. ‘એનસાઈક્લોપિડીયા ઓફ હિન્દુઈઝમ’ ૧૮ વોલ્યુમમાં બહાર પડશે અને આના લેખન કાર્યમાં ૧૨૫૦ થી વધુ વિદ્વજ્જનોની સેવા લેવામાં આવી છે. આ ગ્રંથોમાં કલા અને સ્થાપત્ય, વૈશ્વિક સંદર્ભમાં સનાતન હિંદુધર્મ, ઇતિહાસ અને ભૂગોળ, ભાષા અને સાહિત્ય, તત્ત્વજ્ઞાન, હિંદુ રાજનીતિશાસ્ત્ર, ધર્મ અને આધ્યાત્મિકતા, સનાતન હિંદુધર્મ અને વિજ્ઞાન, સામાજિક સંસ્થાઓ અને આંદોલનો, આધ્યાત્મિક અનુશાસન અને અભ્યાસ, હિંદુત્વના અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ, નારીની સમસ્યાઓ જેવા વિષયોને આવરી લેવામાં આવશે. એમણે આપેલું વ્યાખ્યાન હવે પછીના ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકમાં પ્રસિદ્ધ કરીશું.
શ્રીમા શારદાદેવી ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ સ્પર્ધાઓ
વેશભૂષા સ્પર્ધામાં ધોરણ ૧ થી ૮ના ચાર જૂથમાં ૧૧૨ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. તે પૈકી પ્રથમ ૫, દ્વિતીય ૬, તૃતીય ૪, પ્રોત્સાહન ૯ એમ કુલ ૨૪ ઈનામો અપાયાં હતાં.
મુખપાઠ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃતમાં ધોરણ ૩ થી ૧૦ સુધીના ૩ જૂથમાં કુલ ૯૧૦ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. તે પૈકી પ્રથમ ૨૧, દ્વિતીય ૨૪, તૃતીય ૨૯, પ્રોત્સાહન ૭૬ એમ કુલ ૧૫૦ ઈનામો અપાયાં હતાં.
વક્તૃત્વ સ્પર્ધામાં ધો. ૫ થી ૧૧-૧૨ અને કોલેજ કક્ષાના ૩ જૂથમાં કુલ ૧૩૬ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. તે પૈકી પ્રથમ ૭, દ્વિતીય ૬, તૃતીય ૯, પ્રોત્સાહન ૧૭ એમ કુલ ૩૯ ઈનામો અપાયાં હતાં.
શિઘ્રચિત્ર સ્પર્ધામાં ધો. ૧ થી ૧૧-૧૨ અને કોલેજ કક્ષાના ૫ જૂથમાં કુલ ૩૫૫ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. તે પૈકી પ્રથમ ૫, દ્વિતીય ૬, તૃતીય ૭, પ્રોત્સાહન ૨૦ એમ કુલ ૩૮ ઈનામો અપાયાં હતાં.
નિબંધલેખન સ્પર્ધામાં ધો. ૫ થી ૧૧-૧૨ અને કોલેજ કક્ષાના ૩ જૂથમાં કુલ ૨૧૦ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. તે પૈકી પ્રથમ ૬, દ્વિતીય ૧૦, તૃતીય ૧૦, પ્રોત્સાહન ૧૮ એમ કુલ ૪૪ ઈનામો અપાયાં હતાં.
સ્મૃતિ અનુલેખન સ્પર્ધામાં ધો. ૫ થી ૧૧-૧૨ અને કોલેજ કક્ષાના ૩ જૂથમાં કુલ ૨૧૦ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. તે પૈકી પ્રથમ ૬, દ્વિતીય ૫, તૃતીય ૮, પ્રોત્સાહન ૨૫ એમ કુલ ૪૪ ઈનામો અપાયાં હતાં.
Your Content Goes Here




