શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નંદાણામાં નવનિર્મિત વિવેકાનંદ નગરનું શ્રીરામકૃષ્ણ સંઘના મુખ્ય સચિવ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્ હસ્તે ઉદ્ઘાટન
નવનિર્મિત ‘વિવેકાનંદ નગર’ (નંદાણા જિ.જામનગર)ના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીરામકૃષ્ણ સંઘના મુખ્ય સચિવ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ૧૨ માર્ચ, ૧૯૯૯ના રોજ આ શબ્દો ઉચાર્યા હતા : ગામને તમે હરિયાળું, ગોકુળિયું ગામ બનાવજો, સુંદર સ્વચ્છ રાખજો. અહીં એવું વાતાવરણ રચજો કે જેથી બીજા લોકોને આ ગામ પાસેથી કંઈ શીખવા-જાણવા મળે. અહીં મંદિર છે, શિક્ષણ-સંસ્કૃતિ અને આરોગ્ય ઘર પણ છે. પ્રેમ, સંવાદિતા, સહકાર અને સમભાવથી રહેજો. અપના હાથ જગન્નાથ – સ્વપુરુષાર્થથી આ ગામને શિક્ષણ-સંસ્કૃતિ-સંસ્કાર અને સભ્યતાનું કેન્દ્ર બનાવજો. સેવામય જીવન દ્વારા બીજાને મદદરૂપ થજો. એમણે વ્યવસ્થાતંત્રને અપીલ કરતાં કહ્યું હતું કે, આ ગામને દવાખાનાની સુવિધા મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. અમે-શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ-તો ‘શિવભાવે જીવસેવા’નું કાર્ય પૂરું કર્યું. હવે સાચું કાર્ય તમારે કરવાનું છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા અને સ્વામીજી તમારા જીવનને સુખમય, આનંદમય અને સેવામય બનાવે તેવી પ્રાર્થના.
પોતાના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ આ ગામને સુંદર અને સ્વર્ગ જેવું બનાવવા માટે ગ્રામજનોને હાકલ કરી હતી. આ પ્રસંગે મુંબઈ સમાચારના મહેલી કામાએ જણાવ્યું હતું કે આ વિવેકાનંદ નગરને જોઈને હું ઘણો આનંદ અનુભવું છું. રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ એક કણમાંથી એક વટવૃક્ષ ઊભું કરી દીધું છે. આજે ‘મુંબઈ સમાચાર’ના વાચકોની મનોકામના પૂર્ણ થઈ છે એથી હું અનહદ આનંદ અનુભવું છું. આ પ્રસંગે ‘મુંબઈ સમાચાર’ના ગિરિશ ત્રિવેદીએ મુંબઈ સમાચારે ૧૮૨૨થી જનતાના જાગ્રત પ્રહરી તરીકે કરેલી સેવાની યાદ અપાવી હતી. શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દેખાડો કર્યા વગર, કોઈ અગવડતાઓની ફરિયાદ કર્યા વગર જે સેવા કાર્ય કરે છે તેની પ્રશંસા જામનગરના નિવાસી કલેક્ટર શ્રી પંડ્યાએ કરી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ મુંબઈના વડા, સ્વામી વાગીશાનંદજીએ આ પ્રસંગે પોતાની શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમના અંતે સ્વામી મુક્તિનાથાનંદજીએ આભારવિધિ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે ૯૦ લાભાર્થીઓ પૈકી ત્રણ લાભાર્થીઓને મકાનની સનદ શ્રીમદ્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્ હસ્તે અપાઈ હતી. કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. ગામની બાળાઓએ સ્વાગત-ગીતથી મહેમાનોને આવકાર્યા હતા.
શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ અભિવાદન સમારંભ
શ્રીરામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ૧૫મી માર્ચના રોજ સવારે રાજકોટ પધાર્યા. સાંજના ૭.૩૦ વાગ્યે એમના અભિવાદન-સન્માન સમારંભમાં સૌ પ્રથમ સ્વામી પ્રમાનંદજી, સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી આદિભવાનંદજીએ મહારાજશ્રીનું પુષ્પમાળા અર્પણ કરીને તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ૪૦૦ જેટલા રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ભક્તજનોની આ સભામાં રાજકોટ શહેરની સમાજ-શિક્ષણ-જાહેરસેવા સાથે સંકળાયેલી સંસ્થાઓએ શાલ અને પુષ્પમાળા અર્પણ કરીને મહારાજશ્રીનું સન્માન કર્યું હતું. અભિવાદનનો પ્રતિભાવ આપતાં તેઓશ્રીએ કહ્યુંઃ ‘સોમનાથ, દ્વારકાનાથ, નરસિંહ અને જલારામની ભૂમિ પર ફરીથી આવતાં અત્યંત આનંદ અનુભવું છું. અમારાં બધાં સેવાકાર્યો શ્રીઠાકુર કૃપાથી અમે કરીએ છીએ. શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની કૃપાથી જ અમે ટકી રહીએ છીએ એટલે સૌના માટે એમની કૃપા જ મહત્ત્વની છે. જે કંઈ સેવા કાર્ય કે કામ કરો તે આત્મસમર્પણના ભાવથી કરજો. શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની અમીદૃષ્ટિ સૌના પર ઊતરે તેવી પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે મહારાજશ્રીના પુસ્તક ‘અમૃતના પંથે’નું વિમોચન એમના વરદ્ હસ્તે થયું હતું. આ પુસ્તકનો પરિચય આપતાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કહ્યુંઃ ‘આ નાનું પુસ્તક આપણને સૌને અમૃતનો પંથ ચીંધી જાય છે. શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના બે-બે લેખો મળીને આ અમૃતનું આચમન કરાવતા ‘ષટ્દલ’ સમા આ પુસ્તકમાં મહારાજશ્રીએ શ્રીમા પર વિશેષ ઊંડાણપૂર્વક લખ્યું છે. શ્રીમાનું વ્યક્તિત્વ અને માતૃત્વ જ એવું છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વડત્રામાં નવનિર્મિત શ્રીમા શારદાનગરનું શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ્ હસ્તે ઉદ્ઘાટન
નવનિર્મિત ‘શ્રીમા શારદાનગર’ (વડત્રા – જિ. જામનગર)નો સમર્પણવિધિ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ્ હસ્તે ૧૯ માર્ચ, ૧૯૯૯ના રોજ સંપન્ન થયો. વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નવનિર્મિત ‘શ્રીમા શારદાનગર’ ગામના મુખ્ય દરવાજે નાની બાલિકાઓએ શ્રીફળ-કળશ અને સ્વાગત-ગીત સાથે સ્વામીજીનું સન્માન કર્યું હતું. મહારાજશ્રીએ સમાજમંદિરનું મંગળ ઉદ્ઘાટન કરીને શ્રીમંદિરમાં આરતી-પૂજાવિધિ પણ કર્યો હતો. ૩૦ નિવાસી મકાનો સાથે ગ્રામવાસીઓને શિક્ષણ- સંસ્કૃતિ-આરોગ્યમંદિર અને બાલક્રીડાંગણ પણ અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સભાજનોને સંબોધતાં મહારાજશ્રીએ આ ગામના સહુ લોકોનું કલ્યાણ થાઓ, મંગળ થાઓ અને સૌ સુખી-સમૃદ્ધ બને તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સરકારી તંત્ર આ ગામને થોડી વધુ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે તેવી અપીલ પણ તેમણે કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મુર્મુએ સભાને સંબોધી હતી.
વૈદિક મંત્રોચ્ચારથી શરૂ થયેલા આ કાર્યક્રમનું સંચાલન શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કર્યું હતું. આ સમગ્ર આયોજનમાં સાથ સહકાર આપનાર જિલ્લાના, તાલુકાના અધિકારીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી મુર્મુના વરદ્ હસ્તે ૩૦ લાભાર્થીઓ પૈકી ૩ને મકાનોની સનદ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભાર દર્શન રાજકોટના જાણીતા આર્કિટેક્ટ શ્રી ગિરિશભાઈ મારુએ કર્યું હતું.
Your Content Goes Here




