પેરેન્ટિંગ તથા કેરિયર ગાઈડન્સ સેમિનાર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એ.વી.પી.ટી.આઈ., સરકારી પોલિટેકનિક, સરકારી ઇજનેરી કોલેજ અને  બી.કે.મોદી ફાર્મસી કોલેજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૯મી જૂન, ૨૦૧૮ને શનિવારે સાંજે ૬ થી ૮ દરમિયાન આશ્રમના વિવેક હોલમાં આ શિબિરનું આયોજન થયું હતું. જે તે સંસ્થાના નિષ્ણાત અધ્યાપકોએ ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ પછી ક્યા ક્યા અભ્યાસક્રમો, કેવી કેવી ગુણવત્તા સાથે પ્રાપ્ય છે તેની વિગતવાર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોના માર્ગદર્શક ઉપાયો અને સચોટ સૂચનો નિષ્ણાતોએ આપ્યાં હતાં. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે ચારિત્ર્ય નિર્માણ પર પોતાનું પ્રવચન આપ્યું હતું.

આધ્યાત્મિક શિબિર

તા. ૧૦મી જૂન, ૨૦૧૮ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી આશ્રમના વિવેક હોલમાં ધ્યાન વિશેની શિબિરનું આયોજન થયું હતું. કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓના ભજનથી થયો હતો. પ્રારંભમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મનની એકાગ્રતા કેળવવા ધ્યાનનું કેટલું મહત્ત્વ છે તે વિશે ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું. પ્રવચન પછી એમણે ધ્યાનની પ્રાયોગિક પ્રેક્ટિસ કરાવી હતી. ધ્યાનની અને એકાગ્રતાના આ પ્રત્યક્ષ વ્યવહારથી ભાગ લેનાર ભાવિકોના મનને શાંતિ અને આનંદ મળ્યાં હતાં. આ ઉપરાંત સ્વામી પ્રભુસેવાનંદ અને સ્વામી મંત્રેશાનંદે ધ્યાન અને એકાગ્રતા તેમજ તેને પરિણામે મળતા શાંતિ અને આનંદના પ્રસંગોનું વાચન કરીને વિવરણ કર્યંુ હતંુ. અલ્પાહારના વિરામ પછી દોઢેક કલાકનો પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. ભાવિકોના પ્રશ્નોના ઉત્તર સ્વામી નિખિલેશ્વરાનંદે આપ્યા હતા. કાર્યક્રમના અંતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત શિબિરાર્થીઓએ ભોજન પ્રસાદનો આનંદ માણ્યો હતો.

અરાઈઝ ! અવેય્ક ! નો નાટ્ય પ્રયોગ

તા. ૧૦મી જૂન, ૨૦૧૮ને રવિવારે સાંજે ૭.૩૦ કલાકે આશ્રમના વિવેક હોલમાં નઅરાઈઝ ! અવેય્ક !થનામના સ્વામી વિવેકાનંદનાં જીવનસંદેશ પર આધારિત એક અત્યંત મર્મસ્પર્શી નાટકનો આનંદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ માણ્યો હતો. શ્રી મનીષભાઈ પારેખ દ્વારા નિર્દેશિત આ નાટકમાં શિકાગોની ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ડંકો વગાડનાર, વિશ્વવંદ્ય વિભૂતિ યુગનાયક, પથપ્રદર્શક સ્વામી વિવેકાનંદનાં જીવન અને એમણે કરેલાં ભારત જાગરણના અદ્ભૂત કાર્યને ઉજાગર કરતાં પ્રસંગોનું અભિનય સાથે કલાકારોએ ઉત્તમ નિરૂપણ કર્યું હતું. આ નાટક આજના યુવાનોને સહજ અને સરળ રીતે સ્વામી વિવેકાનંદનાં દિવ્યજીવન અને ઉપદેશની પ્રેરણા આપવા સક્ષમ બની રહ્યું. વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા શાળા, કોલેજોમાં આ નાટકના બહોળા પ્રમાણમાં પ્રયોગો થવા જોઈએ.

સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણને (ઈ.સ. ૧૮૯૧-૯૨)

૧૨૫ વર્ષ પૂર્ણ થયાં તેના ઉપલક્ષ્યમાં ભવ્ય ઉજવણી

સમગ્ર ભારતના પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે ગુજરાતનાં અનેક સ્થળોએ વિચરણ કર્યું હતું, જેમાં અમદાવાદ, વઢવાણ, લીંબડી, ભાવનગર, સિહોર, પાલિતાણા, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, માંડવી, માતાનો મઢ આશાપુરા, નારાયણ સરોવર, કોટેશ્વર, નડીયાદ અને વડોદરાનો સમાવેશ થાય છે.

સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણને ૧૨૫ વર્ષ પૂરાં થયાં તેના ઉપલક્ષ્યમાં આ બધાં સ્થળોએ નગરના શ્રેષ્ઠીઓ, અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના સહયોગ સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પ્રેરણાથી વિદ્યાર્થીવૃંદ, શિક્ષકો અને અધ્યાપકો તથા શહેરના પ્રબુદ્ધ નાગરિકો માટે વાર્તાલાપો-જાહેર સભાઓ તથા પ્રદર્શનો, ફિલ્મ શો વગેરે કાર્યક્રમો યોજાતા રહે છે.

જૂનાગઢ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, અધિકારીઓ અને શ્રીસ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, તળાવ દરવાજાના સહયોગથી તા. ૨૦-૦૬-૨૦૧૮ને બુધવારના રોજ સાંજે ૪ કલાકે શ્રીસ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, તળાવ દરવાજામાં આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી શરૂ થઈ એમ.જી. રોડ, કાળવા ચોકથી બેઠાપુલ થઈને દોમડીયાવાડી સુધી એક શોભાયાત્રાનું આયોજન થયું હતું અને સાંજે ૬ થી ૮ કલાક સુધી દોમડીયાવાડીના સભાખંડમાં જાહેર સભાનું આયોજન થયું હતંુ. આ જાહેર સભામાં રામકૃષ્ણ મિશન પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી, રાજકોટના સંન્યાસી મંંત્રેશાનંદજી અને જૂનાગઢના પ્રબુદ્ધજનોએ પોતાનાં પ્રવચનો દ્વારા યુગનાયક સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલી આપી હતી. શોભાયાત્રામાં અને જાહેરસભામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી પૂર્ણરૂપાનંદજી, રામકૃષ્ણ કેન્દ્ર (ગીર તળેટી) જૂનાગઢના વિજય મહારાજ તથા શિવનિકેતન આશ્રમ, જૂનાગઢના સ્વામી દલપતગિરિજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ હતી.

ડે. કલેક્ટરશ્રી પરેશભાઈ અંતાણી, કેશોદ તાલુકાના ડે. કલેક્ટર રેખાબા સરવૈયા, બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રાચાર્ય શ્રી રાજેશભાઈ ભટ્ટ, શિક્ષણવિદ્દ શ્રી પ્રદીપભાઈ ખીમાણી અને ઉદ્યોગપતિ શ્રી ભાવેશભાઈ વેકરિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી આદ્યાશક્તિબહેન મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રામાં શાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ દ્વારા શણગારેલ પ્લોટ તૈયાર કર્યો હતો. શહેરના પ્રબુદ્ધજનો અને અગ્રણીઓ ઉપસ્થિત હતા. આ શોભાયાત્રાને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી આદ્યાશક્તિબહેન મજમુદારે લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આંતરરાષ્ટ્રિય યોગદિવસની ઉજવણી

તા. ૨૧મી જૂનના રોજ દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રિય યોગદિવસની ઉજવણી કરે છે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિર નીચેના હોલમાં ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ સાંજના ૭-૪૫ થી ૯ વાગ્યા સુધી નસંવાદિતા અને શાંતિ માટે ચાર યોગનો સમન્વયથ એ વિશે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં સ્વામી પ્રભુસેવાનંદજી, સ્વામી મંત્રેશાનંદજી, સ્વામી રઘુવીરાનંદજી, સ્વામી દયાર્ણવાનંદજીએ સ્વામી વિવેકાનંદજી દ્વારા રચિત ચાર યોગો પરનાં પ્રવચનોમાંથી વાચન કર્યું હતું. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આજના વિષમયુગમાં મનનાં શાંતિ અને આનંદ માટે રાજયોગ, જ્ઞાનયોગ, પ્રેમયોગ અને ભક્તિયોગ  કેટલા પ્રાસંગિક છે તેની વિગતવાર છણાવટ કરી હતી. આધ્યાત્મિકતા તરફ આગળ ધપવા જેમ શારીરિક ક્ષમતાની જરૂર છે તેવી જ રીતે અને તેના કરતા પણ વધારે પ્રમાણમાં મનની એકાગ્રતા અને ધ્યાન તેમજ જ્ઞાન, શ્રદ્ધાભક્તિનું કેટલું મહત્ત્વ છે તે વાત તેમણે સમજાવી હતી.

‘વૈશ્વિક સભ્યતા માટે સર્વધર્મસમન્વયનું મહત્ત્વ’ એ વિષય પર આયોજિત સેમિનાર

ઇન્ટરફેય્થ હાર્મની ફોર ગ્લોબલ સિવિલિઝેશન – પ્રિ-પાર્લામેન્ટ ઇવેન્ટ

આગામી ૧ નવેમ્બર, ૨૦૧૮થી ૭ નવેમ્બર, ૨૦૧૮ સુધી કેનેડાના ટોરન્ટો શહેરમાં વિશ્વધર્મ પરિષદ યોજાશે. તેની પૂર્વે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આશ્રમના વિવેક હોલમાં સવારે ૯ :૦૦ થી સાંજના ૬ :૪૫ સુધી ૨૪મી જૂન, ૨૦૧૮ને રવિવારે યોજાયેલ ઉપર્યુક્ત પરિષદમાં જુદા જુદા ધર્મના વિદ્વત્-જનોએ વૈશ્વિક સભ્યતાને, સંસ્કૃતિને અને આધ્યાત્મિકતાને ટકાવી રાખવા સર્વધર્મ સમન્વયની કેટલી મોટી આવશ્યકતા છે તેની વિગતવાર છણાવટ કરી હતી.

સમારંભનો પ્રારંભ રાજકોટના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. ત્યાર પછી શહેરની વિવિધ ધર્મ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સર્વધર્મની પ્રાર્થનાનું સુંદર આયોજન થયું હતું. ત્યાર બાદ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ ચેનૈઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, વિશ્વધર્મ પરિષદની સમિતિના સભ્યા ડૉ. ભદ્રાબહેન શાહ, વિશ્વધર્મ પરિસદના એમ્બેસેડર ડૉ. જયેશ શાહની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનો મંગલ આરંભ કર્યો હતો. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને આ પ્રિ-પાર્લામેન્ટ ઇવેન્ટનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સહિષ્ણુતા અને સમભાવ એ હિન્દુધર્મના બે મહાન આદર્શાે છે. જે સમયે ભારતવર્ષ પર પશ્ચિમની કેળવણી અને સંસ્કૃતિનો જબરો પ્રભાવ પડ્યો હતો એ સમયે સ્વામી વિવેકાનંદે ભારતીયોમાં ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરનું અભૂતપૂર્વ સિંચન કર્યું હતું. ૧૮૯૩ની કોલંબોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં આપેલ પોતાના ઐતિહાસિક વક્તવ્ય દ્વારા ભારતના વેદાંતની અને હિન્દુધર્મની વિશ્વભરમાં વિજયધ્વજા ફરકાવી એમણે આ સાથે નવભારતના નિર્માણનો પાયો પણ નાખ્યો. તેમણે વૈશ્વિક સહિષ્ણુતાના સ્વીકારની તાતી આવશ્યકતા વિશે પણ નિર્ભિક રીતે વાત કરી. આ સહિષ્ણુતા આજની પણ પરમ આવશ્યકતા છે. ૧૨૦ વર્ષ પહેલાં સર્વધર્મસમન્મવયના આદર્શના માત્ર વિચારો જ નહીં પણ તેનું આચરણ કરીને સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યું.

પ્રથમ સત્રના અધ્યક્ષ સ્થાનેથી શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીએ પોતાનું પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.

વિશ્વશાંતિ પરિષદના અધ્યક્ષ અને ઇસ્લામધર્મના પ્રતિનિધિ સામી બુબેરેએ કહ્યુ કે ઇસ્લામ પ્રેમ, એકતા, કરુણા અને સૌહાર્દતાનો ધર્મ છે. ધાર્મિક વૈવિધ્યમાં દુનિયાનું સૌંદર્ય જોવા મળે છે, આ બાબત પર કુરાન ભાર મૂકે છે. બધા મનુષ્યો ઈશ્વરનું સર્જન છે અને બધા એક સમાન છે. જીવો અને જીવવા દો એ શાંતિ અને સમૃદ્ધિ માટે આવશ્યક છે.

ગાંધીનગરના આર્ક બિશપ થોમસ મેકવાને જણાવ્યું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશ ઈશુએ આપ્યો છે. જેમ તમારા પિતા પ્રભુ તમને પ્રેમ કરે છે એવી જ રીતે તમે બીજાને પ્રેમ કરશો તો વિશ્વમાં પ્રેમનો સંદેશો ફેલાશે.

બેલુર મઠના પ્રોબેશનર્સ ટ્રેઈનીંગ સેન્ટરના આચાર્ય સ્વામી આત્મશ્રદ્ધાનંદજીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે આપણો સનાતન ધર્મ સૌથી પ્રાચીન ધર્મ છે. સ્વામી વિવેકાનંદે વેદ-વેદાંત અને ઉપનિષદનો સાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો. શ્રીરામકૃષ્ણે કહ્યું છે તેમ પાણીને જે આકારના પાત્રમાં મૂકો તેવો આકાર ધારણ કરે છે પણ વાસ્તવિક રીતે પાણીને આકાર નથી. એવાત ‘એકમ સત્ વિપ્રા : બહુધા વદન્તિ’ સત્ય કે ઈશ્વર તો એક જ છે પણ વિદ્વત્-જનો એને જુદા જુદા નામે ઓળખે છે. આ સિદ્ધાંતને જીવનમાં જીવીએ તો સર્વધર્મ સમભાવ એની મેળે સર્જાય જાય.

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર તિબેટિયન સ્ટડીઝ, વારાણસીના ઉપકુલપતિ પ્રો. ગેશે નાગ્વાંગે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે દરેક ધર્મે પોતાના અનુયાયીઓને સારા માનવી બનતા શીખવવું જોઈએ. જ્યાં સુધી સારા વ્યક્તિ નહીં બને ત્યાં સુધી વૈશ્વિક ભાઈચારાનું ધ્યેય સફળ બનાવવું દુષ્કર છે. બધા ધર્મોએ પોતાના અનુયાયીઓને બીજા ધર્મનો સમાદર કરતાં કરવા જોઈએ.

પારસીધર્મના હાઈ પ્રિસ્ટ, મુંબઈના યેઝદી પી એફ પંથકીએ જણાવ્યું હતું કે અમે અમારા ધર્મ સાથે ભારત આવ્યા અને ભારતના લોકો સાથે દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા. અમે ક્યારેય ધર્મ પરિવર્તન કરાવ્યું નથી. દરેક ધર્મની વ્યક્તિ એવું વિચારે કે હું બીજાને હાનિરૂપ નહીં બનું તો સર્વધર્મ સમભાવનું મિશન સફળ થાય.

વીરાયતન વિદ્યાપીઠ કચ્છના સ્થાપક અને સંશોધક સાધ્વી શીલાપીજીએ કહ્યું હતું કે મહાવીર સ્વામીએ કહ્યું  છે કે સત્યને અનેક ચહેરા છે. આપણી મર્યાદાને કારણે આપણે જે વિચારીએ છીએ અને એને સત્ય માની લઈએ છીએ.જૈનધર્મમાં અનેકાંતના સિદ્ધાંતનો સમાવેશ થયો છે. ધર્મ કે સંપ્રદાયના નામે, ક્યારેક પોતાના ઇષ્ટ ભગવાનના નામે પરસ્પર ઝઘડા બધે થતા રહે છે. મારો ધર્મ કે સંપ્રદાય શ્રેષ્ઠ છે એ પ્રસ્થાપિત કરવા વિખવાદો ઊભા થાય છે. ધ્યાન આપણા જીવનનો દૈનિક કાર્યક્રમ બની જવો જોઈએ. ભાષા, વેશ, સંપ્રદાય, જાતિ, જ્ઞાતિ ભલે અલગ અલગ હોય પણ બધાંનાં શરીરમાં એક જ લોહી વહે છે. એ જાણીએ તો બધાં સમાન બની જાય.

બીજા સત્રમાં ચર્ચાનો વિષય હતો ‘રોલ ઓફ એજ્યુકેશન એન્ડ મીડિયા ઈન ઈન્ટર ફેય્થ હાર્મની – સર્વધર્મ સંવાદિતા અને શિક્ષણ તેમજ જાહેર પ્રચાર પ્રસારના સાધનોના પ્રદાન વિશે ડૉ. જયેશ શાહે કહ્યું હતું કે પ્રચાર પ્રસારના સાધનો અને સોશ્યલ મીડિયા નકારાત્મક કાર્ય કરે છે. આ બન્નેએ પોતાનાં વલણો બદલવાની જરૂર છે. નવગુજરાત સમયના મુખ્ય તંત્રી શ્રી અજય ઉમટે આ પ્રસંગે સ્વામી વિવેકાનંદે ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં આપેલા વ્યક્તવ્યને ટાંકીને કહ્યું હતું કે સ્વામીજીની સ્પષ્ટ ચેતવણી મળી હોવા છતા પણ આ વિશ્વમાં આપણે બે વિશ્વયુદ્ધો અને ૯/૧૧ જેવી ગોજારી ઘટનાઓ જોઈ છે. સર્વધર્મસમન્વય વિશે સ્વામી વિવેકાનંદનાં સંદેશને યોગ્ય મહત્ત્વ આપવાની ઘડી આવી ચૂકી છે.

ત્રીજા સત્રમાં એનસીઈઆરટીના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીરાજપૂતે જણાવ્યું હતું કે આપણે કેળવણીને એક નવો આયામ આપવાની જરૂર છે કે જેનાદ્વારા માનવી માનવ બને. વિદ્યાર્થીઓને વિવેક વૈરાગ્યનું જ્ઞાન આપવું જોઈએ.

શીખધર્મ વિશે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી, અમૃતસરના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી બીબી કિરનજોતે જણાવ્યું હતું કે ગુરુનાનકે ઈશ્વર એક છે એવો ઉપદેશ આપ્યો છે. એમના દેહાંત પછી હિન્દુઓ તેમનો અગ્નિસંસ્કાર કરવા ઇચ્છતા હતા અને મુસ્લિમો તેમને દફનાવવા ઇચ્છતા હતા એ બાબત બિનસાંપ્રદાયિકતાનું દર્શન કરાવે છે. ધર્મના નામે હિંસા, ઝઘડા કે વિવાદ નિરર્થક છે.

સમાપન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી રામકૃષ્ણ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદે પોતાના પ્રવચનમાં કહ્યું કે છેલ્લા નવ કલાકથી શ્રોતાઓ આટલી સંખ્યામાં શાંતિ અને ધ્યાનપૂર્વક બધા વક્તાઓને સાંભળ્યા તે ખરેખર શ્રોતાઓનો અનન્ય ઉત્સાહ દર્શાવે છે.

આ સેમિનારમાં ટોરન્ટોમાં યોજાનારી વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલીજિયન્સની સમિતિના ટ્રસ્ટી ડૉ. ભદ્રાબહેન શાહ અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટોરન્ટોની પરિષદમાં હાજર રહેવા માગતા લોકો માટે વિશેષ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી.

૨૦૧૮ની વિશ્વધર્મ પરિષદને લગતી માહિતીનો વીડિયો શો ભોજન પછી શ્રોતાઓએ માણ્યો હતો. ભાગ લેનાર દરેક પ્રતિનિધિઓને આધ્યાત્મિકતા વિશેનાં પુસ્તકો અને બધા વક્તાઓને મોમેન્ટો અર્પણ કરાયાં હતાં. ૭૫૦ પ્રતિનિધિઓએ આ સેમિનારનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ યુ ટ્યુબ અને ફેશબૂક દ્વારા  થયું હતું.

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.