રામકૃષ્ણ મિશન, વડોદરા

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૪ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એમ. એસ. યુનિ.ના ચંં.ચી.મહેતા સભાખંંડમાં ‘ભાવાત્મક વિચાર અને યુવાનોના બધા પ્રશ્નોનું નિરાકરણ’ વિશે એક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના સમાપન પ્રસંગે યોજાયેલ આ સમારોહનું ઉદ્‌ઘાટન એમ.એસ.યુનિ. વડોદરાનાં કુલપતિ ડૉ. શ્રીમતી મૃણાલિની દેવી પુઆરે કર્યું હતું. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર પછી આ સંસ્થાના સચિવ સ્વામી નિખિલાનંદજીએ બધા મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને વિષયની છણાવટ કરી હતી. માનસિક રોગોના નિષ્ણાત ડૉ. ડી.એમ.પલાણે આપણા વાતચીતના વ્યવહારમાં ભાવાત્મક વિચારોવાળા શબ્દો વાપરવાના મહત્ત્વ વિશે વાત કરી હતી. ‘વેદાન્ત કેસરી’ના સંપાદક સ્વામી આત્મશ્રદ્ધાનંદજી અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ યુવાનોના જીવનમાં ભાવાત્મક વિચારોનું મહત્ત્વ અને તેના દ્વારા થતું વિવિધ સમસ્યાઓનું સમાધાન એ વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ‘અખિલભારત’ના સંયોજક સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજે આજના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આવું માર્ગદર્શન કેટલું આવશ્યક છે તેની વાત પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં કરી હતી. આ પ્રસંગે નાની ઉંમરે વિશ્વના ચાર મહાસાગર અને સાત સમુદ્રો તરી જનાર કુમારી ભક્તિ શર્માએ વિદ્યાર્થીઓને પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે એન્ટાર્કટિકામાં તરવાનું સાહસ કરવાનું પણ વિચાર્યું છે. જાણીતા માર્ગદર્શક ડૉ. કિરણ સિંઘલોટે વિદ્યાર્થીઓને સમૂહ માર્ગદર્શન સત્રમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના ઉત્તર અને એમની સમસ્યાઓના ઉકેલની વાત અસરકારક રીતે રજૂ કરી હતી.

ભાવાત્મક વિચારથી અશક્યને શક્ય બનાવો

‘ભાવાત્મક વિચારની શક્તિ’ એ વિશે ૨૪ ઓગસ્ટના રોજ રામકૃષ્ણ મિશન,વડોદરા દ્વારા યોજાયેલ સમારંભમાં એવરેસ્ટનું અરોહણ કરનાર કુમારી અરુણિમા સિંહાએ પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પોતે પોતાના જીવનમાં હકારાત્મક વિચારો દ્વારા અશક્યને પણ કેવી રીતે શક્ય બનાવ્યું. આ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે જો તેમણે પોતાનો એક પગ ટ્રેનના અકસ્માતમાં ગુમાવ્યો ન હોત તો તેણે માઉન્ટ એવરેસ્ટના આરોહણનો વિશ્વવિક્રમ વિશ્વની (એક કૃત્રિમ પગ સાથે) વિકલાંગ મહિલા રૂપે કરી શક્યાં ન હોત. આ મહાકાર્ય કરવામાં તેમને ભાવાત્મક વિચારણા કામમાં આવી હતી.

માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરતાં પહેલાં એમને રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૧૩ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની છબીઓ ઉપહારરૂપે આપવામાં આવી હતી. તેમણે કહ્યું : ‘મારા માટે આ ઉપહાર એક શક્તિદાયી દવાની ટીકડી બની ગઈ. મને હંમેશાંં આ ત્રણેય મહામાનવની પ્રેરણા મળતી રહી છે.’ તેમણે કીલીમાંઝારો (આફ્રિકા) અને માઉન્ટ એલ્બ્રસ્ટ (રશિયા)નું આરોહણ પણ કર્યું છે.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી શ્રીમતી શુભાંંગિની દેવી ગાયકવાડે કહ્યું હતું કે અરુણિમા સિંહાની વાત સાંંભળીને હું અભિભૂત થઈ છું. જાણે કે એમનામાં દિવ્ય ઊર્જા હોય એવું લાગે છેે. સંંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મહેમાનોનું અને ઉપસ્થિત શ્રોતાજનોનું સ્વાગત કરીને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન – વિવેક

શ્રીરામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાંં મૂલ્યલક્ષી કેળવણી અને આપણા મહાન સાંંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની જાણકારી માટે ગુજરાતભરના યુવાનો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. સ્વામીજીના વિશ્વધર્મપરિષદના મહાન વિજયના ભવ્ય દિવસે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ ‘વિવેકાનંદ યુવાવાચનાલયનું ઉદ્‌ઘાટન થયું હતું. આ પુસ્તકાલયમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. પુસ્તકાલયમાં સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય ઘડતર અને માનવ ઘડતર વિશેનાં પુસ્તકો તેમજ ભારતના આધ્યાત્મિક સાંસ્કૃતિક વારસાનાં પુસ્તકો રહેશે. તેની સાથે વ્યક્તિત્વ વિકાસ, સામાન્ય જ્ઞાન અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પુસ્તકો રહેશે. પુસ્તકાલયનો સમય સોમ થી શનિ સુધી સાંંજના ૪ થી ૭ વાગ્યા સુધીનો રહેશે.

સર્વધર્મ સમન્વય પરિસંવાદ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ વિવેક હોલમાં બે સત્રનો પરિસંવાદ યોજાઈ ગયો.

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંંતી અને સ્વામીજીના ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના વિશ્વધર્મપરિષદના મહાન વિજય સંભાષણની સ્મૃતિ રૂપે રાજ્યકક્ષાના આ પરિસંવાદના પ્રથમ સત્રનો આરંભ સંસ્થાના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચારથી થયો હતો. ત્યાર પછી સ્વામીજીને શ્રદ્ધાંંજલિ રૂપે સંન્યાસીઓ અને આમંત્રિત વક્તાઓએ દીપપ્રાગટ્ય કર્યું હતું.

સ્વામીજીના વિશ્વધર્મપરિષદનાં વક્તવ્યના અંશો હીરલ પરમારે રજૂ કર્યા હતા. રાજકોટની ટી.જી.ઈ.એસ. વાડી શાળાના ૧૮ વિદ્યાર્થીઓએ સર્વધર્મ સમન્વયની પ્રાર્થનાઓ રજૂ કરી હતી. સ્વામી સર્વસ્થાનંદજીએ સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ફ્રોહર ફાઉન્ડેશન મુંબઈના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. સાઈરસ દસ્તૂરે ઝરર્થાેસ્ટી ધર્મ, રાજકોટના બિશપ જોસ ચિટ્ટુપારાંબિલે ખ્રિસ્તી ધર્મ, જ્યોતિબહેન થાનકીએ જૈન ધર્મ વિશે, અબ્દુલ સામી બુબીલે ઈસ્લામ ધર્મ વિશે, ડૉ. સુરુચિ પાંંડેએ હિન્દુ ધર્મ, સ્વામી સર્વસ્થાનંદજીને સ્વામી વિવેકાનંદના સર્વધર્મ સમન્વય વિશેના વિચારો રજૂ કર્યા હતા. મોરબીના રિયાઝ રાઝે સૂફી સંગીત રજૂ કર્યું હતું. રામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓએ સ્વામીજીનું પ્રિય સૂફી ગીત ‘તૂઝ સે હમને દિલકો લગાયા, જો કુછ હે સો તૂ હી હૈ’ રજૂ કર્યું હતું.

બન્ને સત્રના કાર્યક્રમને અંતે પ્રશ્નોત્તરીનો કાર્યોક્રમ રસપ્રદ રહ્યો હતો. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂરો થયો હતો. ભાગ લેનાર પ્રતિનિધિઓને પુસ્તકો અપાયાં હતાં.

Total Views: 374

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.