(સ્વામી નિત્યજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન આશ્રમ, ભોપાલના સચિવ છે. – સં.)
૧૬ ફેબ્રુઆરી, ૧૯૮૧ના પરમ પૂજ્યપાદ ગુરુદેવ (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ) ભક્તો પર કૃપા કરવા માટે પટણા (બિહાર) સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમમાં પધાર્યા હતા. ૧૭ ફેબ્રુઆરીએ પૂજ્ય મહારાજે ભક્તોને મંત્રદીક્ષા આપી. હું પણ આ ભાગ્યવાનોમાં એક હતો. ૧૬ ફેબ્રુઆરીએ સાંજે ૫.૩૦ વાગ્યે એક સભાનું આયોજન કરવામાં આવેલ હતું તથા સભાપતિ તરીકે પૂજ્ય મહારાજે આસન શોભાવેલ.
તે સભામાં ગુરુના મહિમા પર પ્રકાશ પાડીને તેમણે કહ્યું હતું, “જો ઈશ્વર પ્રસન્ન ન થાય તો ગુરુ રક્ષા કરી શકે છે પરંતુ જો ગુરુ પ્રસન્ન ન થાય તો ઈશ્વર પણ રક્ષા કરી શકતા નથી.” પછી થોડી વાર થોભીને તેમણે કહ્યું, “પરંતુ હંમેશાં યાદ રાખવું કે ગુરુ ક્યારેય નારાજ થતા નથી.” આજે આટલાં વર્ષ પછી પણ તેમની આ આશ્વાસન વાણી મારા કાનમાં ગુંજી રહી છે.
૧૮ વર્ષ સુધી તેમના સાંનિધ્યમાં રહ્યા પછી હું પણ ડંકા ઉપર ઠોકીને ઘોષણા કરી શકું છું, “ગુરુ ક્યારેય નારાજ થતા નથી.” જે સદ્ગુરુ છે તેઓ માતાની જેમ પોતાના શિષ્યોની ત્રુટિઓને અવગણીને પોતાના સ્નેહસિંચનથી તેમને વંચિત રાખતા નથી તથા તેમના કલ્યાણની કામના કરે છે.
ગુરુદેવના આશીર્વાદ શિરોધાર્ય કરીને રામકૃષ્ણ મઠમાં જોડાવવાની ઇચ્છા સાથે ૧૮ નવેમ્બર, ૧૯૮૬ના રોજ હું કાંકુડગાછિ સ્થિત રામકૃષ્ણ યોગોદ્યાન મઠ પહોંચ્યો. ત્યારે પૂજ્ય મહારાજ ત્યાં જ રહેતા હતા. મને જોઈને તેઓ બહુ ખુશ થયા. હું સાધુ બનવા માટે આવ્યો છું તે જાણીને તેમણે મને એક ધાબળો આપ્યો અને તેને સરખી રીતે ગડી વાળવાનું કહ્યું.
હું સરખી રીતે ગડી વાળી શકતો નહોતો તે જોઈને સ્નેહપૂર્વક તેમણે કહ્યું, “જુઓ, સાધુ બનવા આવ્યો છે તો ધાબળાની ગડી કેમ વાળવી તે શીખવું પડશે.” પછી તેમણે એક સેવકને બોલાવીને કહ્યું, “આને ધાબળાની ગડી વાળવાનું શીખવી દો.” તેમની કેવી કૃપા હતી! સાધુ માટે બે બળ છે—હરિનામ અને ધાબળો. પૂજ્ય મહારાજે આ બંને બળ મને પ્રદાન કર્યાં. પછીના દિવસે તેમણે આશીર્વાદ આપીને મને બેલુર મઠ મોકલી દીધો. ત્યારથી હું અહીં જ છું તથા તેમણે આપેલ ધાબળો આજે પણ મારું બળ છે.
મઠમાં જોડાયા બાદ મારા પિતાશ્રી મને ઘરે પાછા લઈ જવા માટે બેલુર મઠ આવ્યા હતા. હું ઘરે પાછો જવા માટે તૈયાર નહોતો. ત્યારે તેમને કોઈએ સલાહ આપી કે જો તેના ગુરુદેવ આદેશ કરે તો આપનો છોકરો પાછો ઘરે જઈ શકે. તેથી ગુરુદેવ પાસે જઈને તેઓ વિનંતી કરવા લગ્યા.
ગુરુદેવે તેમના મસ્તક પર હાથ ફેરવીને સરસ રીતે સમજાવીને કહ્યું, “જુઓ, હું પોતે સંન્યાસી છું. તેથી હું તેને ઘરે પાછો જવા માટે કેવી રીતે કહી શકું?” પછીથી તેઓ કહ્યા કરતા હતા, “રામેશ્વરના પિતાજી તેને ઘરે પછો લઈ જવા માટે આવેલા. મારી પાસે આવીને રડવા લાગ્યા. મેં તેમના મસ્તક પર હાથ રાખીને તેમને સમજાવીને શાંત કર્યા.”
આવી રીતે જો ગુરુદેવે મારી રક્ષા ન કરી હોત તો મારા માટે સાધુ બનવાનું સંભવ થઈ શકત? ગુરુદેવની કૃપા વગર કંઈ જ સંભવ નથી.
મેં શાસ્ત્રોમાં વાંચેલ કે જેમણે ઈશ્વરદર્શન કર્યું હોય તે જ સાચા ગુરુ બની શકે છે. તેથી મને સ્વાભાવિકપણે જિજ્ઞાસા થઈ કે જેમને મેં મારા પથપ્રદર્શક બનાવ્યા છે તેમણે ઈશ્વરદર્શન કર્યું છે કે નહીં? પણ આવો પ્રશ્ન હું તેમને કેમ પૂછી શકું?
અંતર્યામી ગુરુદેવે સ્વયં કૃપા કરીને મારો આ સંદેહ દૂર કરી દીધો હતો. તેમના સાંનિધ્યમાં રહીને હું બહુ સારી રીતે જાણી શક્યો કે તેઓ સદ્ગુરુ છે, ભવરોગવૈદ્ય છે. શાસ્ત્રોમાં સદ્ગુરુનાં જેટલાં લક્ષણ બતાવેલ છે તે બધાં જ તેમનામાં વિદ્યમાન છે. શાસ્ત્ર અનુસાર જે શાસ્ત્રજ્ઞ હોય, પવિત્ર હોય, કામગંધરહિત હોય, બ્રહ્મવિદ્ હોય, ઇંધણ વિનાના અગ્નિની જેમ શાંત હોય, અકારણ કૃપાસિંધુ હોય અને શરણાગતવત્સલ હોય તે જ સાચા ગુરુ છે. આ બધા ગુણ તેમનામાં હતા.
પ્રત્યેક વ્યક્તિનું કલ્યાણ કેમ થાય તેની જ તેમને એકમાત્ર ચિંતા રહેતી હતી. તેમના પ્રેમની કોઈ તુલના કરી શકાય નહીં. ભગવાન શ્રીરામકૃષ્ણદેવના માતૃભાવનો તેમની અંદર વિશેષ પ્રકાશ જોવા મળતો. કોઈ કોઈ ભક્ત તો તેમને ‘મા’ કહીને જ બોલાવતા. તેમના સહવાસમાં આવવાનો જેમને મોકો મળ્યો હતો તે લોકો તેમના અલૌકિક પ્રેમને આજે પણ યાદ કરીને વિહ્વળ થઈ જાય છે. તેઓ બધાની સંભાળ રાખતા. જો કોઈ લાંબા સમય સુધી તેમની પાસે ન આવે તો તેઓ અધીર બની જતા તેમજ જ્યારે મુલાકાત થાય ત્યારે અવારનવાર આવતા રહેવાનું કહેતા.
મારા પ્રત્યે પણ તેમની એક જ ફરિયાદ હતી, “રામેશ્વર તો મારી પાસે આવતો જ નથી.” તેમના પ્રેમથી ખેંચાઈને બધા તેમની પાસે દોડી જતા. તેઓ જ્યાં જાય ત્યાં ભક્તોની ભીડ જામી જતી.
રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ બન્યા પછી તેઓ મુખ્યત્વે બેલુર મઠમાં જ રહેતા. મઠના નિયમો અનુસાર મઠના સાધુ-બ્રહ્મચારી રોજ પરમાધ્યક્ષ મહારાજને પ્રણામ કરવા જાય છે. બધા સાધુ-બ્રહ્મચારીગણ તેમનાં દર્શન કરવા ઉત્સુક રહેતા તથા પ્રણામનો સમય (ઠંડીના દિવસોમાં સવારે સાડા સાત વાગ્યે તેમજ ગરમીના દિવસોમાં સવારે સાત વાગ્યે) થતાં જ તેમના નિવાસસ્થાને દોડી જતા. પ્રણામના સમયે જુદા જુદા વિષયો પર વાતચીત થતી ત્યારે તેમના અગાધ જ્ઞાનભંડારનો થોડો ઘણો પરિચય અમને મળતો. કોઈ પણ વિષય હોય, તેઓ તેના ઊંડાણમાં જઈને તેના પર વિશેષ પ્રકાશ પાડી શકતા હતા.
તેમના તરફ સાધુ-બ્રહ્મચારીઓને જેટલું આકર્ષણ હતું, તેનાથી કંઈક વધારે આકર્ષણ સાધુ-બ્રહ્મચારીઓ તરફ તેમને હતું. કોઈ વાર કોઈ કારણોસર થોડા દિવસ સુધી પ્રણામ કરવાનું બંધ રહેતું તો તેઓ અમને મળવા બેચેન બની જતા. ચિકિત્સા વગેરે કાર્યને લીધે તેઓ મઠની બહાર થોડા દિવસો રહેતા ત્યારે મઠમાં પાછા ફરવા માટે અધીર થઈ જતા. અમને લોકોને જોઈને તેમનો વાત્સલ્યભાવ ઊમટી પડતો હતો. અમે લોકો પણ બાળકની જેમ કોઈ વાર તેમની પાસેથી ચોકલેટ લેવા માટે હઠ કરતા. પહેલાં તો તેઓ ‘ના’, ‘ના’ કરતા પરંતુ હાર તો તેમની જ થતી, અમે લોકો જોઈતી વસ્તુ પ્રાપ્ત કરતા અને તેઓ પ્રેમપૂર્ણ નેત્રો વડે જોતા. બધા નિર્ભય થઈને તેમની પાસે જતા. તેઓ સંઘાધ્યક્ષ હતા છતાં નવા આવેલા બ્રહ્મચારી પણ તેમની પાસે જવા માટે સંકોચ કે ભયનો અનુભવ કરતા નહીં. મિત્રની જેમ તેમની પાસે છૂટથી બધી વાતો થઈ શકતી હતી.
યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવ સદા આનંદમય પુરુષ હતા. નરેન્દ્ર વગેરે યુવક ભક્ત જ્યારે તેમની પાસે આવતા ત્યારે હાસ્યરસથી ભરપૂર વાર્તાઓ, ટૂચકાઓ તેમજ જુદી જુદી ઘટના સાંભળીને તથા કટાક્ષ કરતી વખતે તેમના દેહની અંગ-ભંગિમાઓને જોઈને હસતા હસતા લોથપોથ થઈ જતા.
આવા સદાનંદમય પુરુષને અમે શ્રીગુરુદેવ (ભૂતેશાનંદજી)ની અંદર જોયા. અમે જ્યારે તેમની પાસે જતા ત્યારે તેઓ પણ આવી રીતે અમારું મનોરંજન કરતા. તેમની દરેક વાત ઉપર હાસ્યની લહર ઊઠતી.
જે લોકો બહાર હોય તેઓ ફક્ત ઠહાકા (હસતી વખતે થતો મોટો અવાજ) સાંભળી શકતા. વાર્તાઓ અને ઘટનાઓ કહેવાની, ટૂચકા સંભળાવવાની તથા હાસ્ય સંબંધિત ઘટનાઓનું વર્ણન કરવાની તેમની એક અપૂર્વ શૈલી હતી. સાથે સાથે જુદા જુદા ભાવો વ્યક્ત કરતી શારીરિક મુદ્રાઓનું પ્રદર્શન કરવામાં પણ તેઓ નિપુણ હતા.
તેમનો સ્વભાવ બાળક જેવો હતો. પાંચ વર્ષના બાળકની જેમ તેમનો બધો વ્યવહાર સહજ અને નિષ્કપટ રહેતો.
તેમની બુદ્ધિશક્તિ અદ્ભુત હતી. કોઈ પણ ઘટના કે વસ્તુને એક વાર સરખી રીતે જોઈ લે, સાંભળી લે કે વાંચી લે પછી કાયમને માટે તેમના સ્મૃતિપટલ પર અંકિત થઈ જતી તથા પછી ફરીથી તેનું પુનરાવર્તન કરી શકતા હતા. તેમના શ્રીમુખેથી ઘણી ઘટનાઓને એકથી વધારે વખત સાંભળવાનો મને અવસર મળ્યો હતો. દરેક વખતે બરાબર એક જ પ્રકારનું વર્ણન, એક પણ શબ્દ અહીં કે ત્યાં જોવા ન મળે. શરીરત્યાગના થોડા દિવસો પહેલાં અમારા વિશેષ આગ્રહને કારણે તેમના પ્રારંભિક દિવસોની કેટલીક ઘટનાઓ વિશે અમારી સમક્ષ વર્ણન કરેલ હતું.
દરેક ઘટનાનું એવું સજીવ વર્ણન કે જાણે હમણાં જ બની હોય! વાર્તાલાપના ક્રમમાં જ્યારે તેઓ લૌકિક સાહિત્ય અથવા ધાર્મિક ગ્રંથોમાંથી અવતરણ પ્રસ્તુત કરતા ત્યારે અમે લોકો આશ્ચર્યચકિત થઈ જતા. પ્રત્યેક અવતરણનું સચોટ વર્ણન અને આવર્તન કરતા તો લાગે કે જાણે બધું સાહિત્ય તેમને કંઠસ્થ છે. આટલી મોટી વયે આવી યાદશક્તિ ક્યાંય જોઈ નથી. તેમની જીભ ઉપર સરસ્વતી વિરાજમાન હતી. તેમનામાં જલદીથી વિચારવાની અને સમજવાની શક્તિ અતિશય હતી, તેઓ હાજરજવાબી હતા. તેનું પ્રમાણ અમને તેમની સાથેના વાર્તાલાપ પરથી મળતું.
શાસ્ત્રોમાં લખેલ છે કે શ્રીગુરુના શરણાગત થઈને, તેમની સેવા કરીને, તેમને પ્રશ્નો પૂછીને ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેનાથી વિપરીત અમારે આમાંથી કંઈ પણ કરવાનું નહોતું. તેઓ પોતે અમને પાસે ખેંચીને અમારા અજ્ઞાનના અંધકારને દૂર કરવા સદા તત્પર રહેતા હતા. અમે જ્યારે પણ તેમની પાસે જતા ત્યારે તેઓ અમને આધ્યાત્મિક પ્રશ્ન પૂછવાનું કહેતા અને આ પ્રશ્નોના ઉત્તર આપીને અમારાં બધાં સંશયો અને દ્વન્દ્વોને દૂર કરી દેતા. જટિલમાં જટિલ આધ્યાત્મિક તત્ત્વોને પણ તેઓ એટલાં સરળ અને સહજ ઢંગથી સમજાવતા કે એક બાળક પણ સમજી શકે.
વાર્તાલાપના સમયે બીજા વિષયોની ચર્ચા વધારે થાય ત્યારે તેઓ કહેતા, “આજે શું કોઈ સારો પ્રસંગ નહીં હોય?” બધા લોકો તેમને પ્રશ્ન પૂછવાની હિંમત ન કરતાં કાગળ પર લખીને પ્રધાન પ્રશ્નકર્તાની પાસે પ્રશ્નો જમા કરાવી દેતા. તેથી મહારાજ વચ્ચે વચ્ચે પૂછતા, “પ્રશ્નપત્ર ક્યાં છે?” અમારા સંશયોને દૂર કરવા તેઓ સદા કેટલા તત્પર રહેતા! તેમની આવી અહેતુકી કૃપા હતી.
માનસિક સતર્કતા તથા વિચારોની સહાયતાથી આત્મવિશ્લેષણ ઉપર તેઓ વિશેષ ભાર મૂકતા. પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠા હોવી તે તેમને બહુ પ્રિય હતી. વિચારપૂર્વક બધી સમસ્યાઓનું સમાધાન-સૂત્ર શોધવાનું તેઓ કહેતા. બીજાને ઉપદેશ આપવાને બદલે પોતાના જીવનનું નિર્માણ કરવું તે તેમની દૃષ્ટિએ વધારે સારું હતું.
આવા સદ્ગુરુના શરણે આવી તેમની કૃપા પ્રાપ્ત કરવાનું દેવદુર્લભ સૌભાગ્ય પામીને અમે કૃતાર્થ છીએ. તેમને મારી એ જ પ્રાર્થના છે કે તેઓ અમને શક્તિ પ્રદાન કરે કે જેથી અમે તેમના બતાવેલા માર્ગ પર આગળ ચાલીને શ્રીપ્રભુના ચરણો સુધી પહોંચી શકીએ.
Your Content Goes Here




