૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ સંસ્થાના સ્થાપનાના વાર્ષિક દિન નિમિત્તે પશ્ચિમ બંગાળના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સ્વામીજીના પૈતૃકગૃહ અને સાંસ્કૃતિક કેન્દ્રની મુલાકાતે પધાર્યા હતા તે વખતે તેમણે આપેલ પ્રવચન અને અન્ય કાર્યક્રમોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અહેવાલ અહીં પ્રસ્તુત છે. – સં.
સંસ્થાના સ્થાપનાના વાર્ષિક દિન નિમિત્તે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ પશ્ચિમ બંગાળના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સ્વામીજીના પૈતૃકગૃહ અને સાંસ્કૃતિક કેન્દ્રની મુલાકાતે પધારીને ત્રણ મહિના પહેલાં પ્રારંભ થયેલ ‘શેરીનાં બાળકોની સાંધ્યશાળા’માં બપોર પછી ૩.૪૦ કલાકે ગયા હતા. સ્વામીજીના જન્મસ્થળની આજુબાજુ ફૂટપાથ પર રહેનારાં ગરીબ મજૂર-કારીગરનાં ૨ થી ૧૪ વર્ષની ઉંમરના ૧૫૦ જેટલાં બાળકો અભ્યાસ કરે છે. તેઓ માબાપને ઘરમાં કે દુકાનમાં સહાય કરે છે. દરરોજ પાંચ મિનિટના ‘હરિ ૐ રામકૃષ્ણ’ના સંકીર્તન અને એક મિનિટના ધ્યાનથી વર્ગો શરૂ થાય છે. ઔપચારિક શિક્ષણ બારાક્ષરી, અંકગણિત, ચિત્રનું શિક્ષણ અપાય છે. ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયોના અભ્યાસવર્ગો પણ ચાલે છે. વર્ગકામ પછી બાળકોને પૂરતો નાસ્તો અપાય છે. મનને સંસ્કારશિક્ષણથી ભરીને આ બાળકો ઘરે પાછાં ફરે છે.
મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત વિદ્યાર્થીઓએ ‘હરિ ૐ રામકૃષ્ણ’ના સંકીર્તનથી કર્યું હતું. પછી એમણે પ્રતીક રૂપે બે વિદ્યાર્થીઓને ગણવેશ આપ્યા હતા. મુખ્ય સભાખંડમાં જતી વખતે તેમણે બંને હાથ ઊંચા કરીને ‘અહીં સુખ શાંતિથી રહો, સુખ શાંતિથી રહો’ એવી શુભેચ્છા પાઠવી.
સાંધ્યશાળામાંથી તેઓશ્રી સ્વામીજીના ર્જીણોદ્ધાર થયેલા પૈતૃક નિવાસ્થાન અને મ્યુઝિયમ જોવા ગયા. ત્યાં એમણે સ્વામીજીની છબિને ફૂલો અર્પણ કર્યાં. તેમણે સર્વધર્મસમન્વયના પ્રતિકની તકતીનું અનાવરણ કર્યું અને ત્યાર પછી પૈતૃક નિવાસ્થાન અને મ્યુઝિયમની મુલાકાત લીધી. એમની સાથે રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ, સ્વામી અનિરુદ્ધાનંદજી મહારાજ અને સ્વામી જિતાત્માનંદજી (સંસ્થાના સચિવ) હતા. જાહેર સભા પહેલાં સ્વામીજીના નિવાસસ્થાનના સુદીર્ઘ વરંડામાં શ્રીરામકૃષ્ણદેવના પ્રેરક જીવનપ્રસંગોના તૈલચિત્રો અને લખાણો વાળા ‘રામકૃષ્ણ દર્શનમ્’ના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ મંચ પર વિદ્યુત પ્રકાશની રોશનીથી કર્યો હતો. શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે સ્વામી વિવેકાનંદના કેટલાક ગ્રંથો અને ૫.૬ ઈંચની ગોલ્ડ પ્લેટવાળી સ્વામીજીની ધ્યાનસ્થ મુદ્રાવાળી છબિ પ્રતિક રૂપે અર્પણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે જો સમાજે ટકી રહેવું હોય તો રામકૃષ્ણ મિશનના દર્શન અને પ્રવૃત્તિઓ સાથે તેણે હાથ મિલાવવા પડશે. આ પ્રસંગે શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે પણ સંબોધન કર્યું હતું. સંસ્થાના સચિવ સ્વામી જિતાત્માનંદ સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે પૂછ્યું: ‘મહારાજ, આ બાળકોના ભોજનની વ્યવસ્થા કેવી રીતે થાય છે?’ સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું: ‘માગીભીખીને ચલાવીએ છીએ.’ મુખ્યમંત્રીએ પૂછ્યું: ‘મહિને કેટલો ખર્ચ આવે છે?’ અંદાજિત ખર્ચ અપાતાં એમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની સરકાર આ ખર્ચ ઉપાડી લેવા તૈયાર છે.
સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું: ‘અમારાથી બનશે ત્યાં સુધી વ્યવસ્થા કરીશું અને જરૂર જણાયે આપને અવશ્ય મળીશું.’ સ્વામી વિવેકાનંદ સમાજમાં ઉત્ક્રાંતિ લાવવા ઇચ્છતા હતા. શહેરના આ બાળકોમાંથી એક દિવસ ભારતના રાષ્ટ્રપતિ, નોબેલ પારિતોષિક વિજેતા રાષ્ટ્રને સાંપડે એવી જીવંત આશા રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ સેવે છે.’
સન્માનનીય મુખ્યમંત્રીશ્રીનું વક્તવ્ય
પ્રિય શ્રોતાજનો,
આ તીર્થક્ષેત્રમાં આવીને હું ઘણો આનંદ અનુભવું છું. હું આ જ વિસ્તારનો છું અને આ જ વિસ્તારમાં મારો જન્મ અને ઉછેર થયો છે. જો કે મારા બાળપણથી જ સ્વામીજીના આ નિવાસસ્થાન વિશે હું જાણતો હતો પરંતુ એ વિશેની સાચી જાગૃતિ તો હું કોલેજનો વિદ્યાર્થી બન્યો ત્યારે આવી. મારું પોતાનું ઘર પણ શ્યામપુકુરમાં છે અને હું દરરોજ કોલેજ જતાં સ્વામીજીના નિવાસસ્થાન પાસેથી પસાર થતો. કોલેજ જતી આવતી વખતે આ મકાનની આવી દશા જોઈને મને ઘણું દુ:ખ થતું. અલબત્ત, તે વખતે આવી ઊંડી ગ્લાનિની લાગણી અનુભવવા સિવાય બીજું હું કંઈ કરી શકું તેમ ન હતો. પછીથી હું સરકારમાં જોડાયો અને મને જાણવા મળ્યું કે રામકૃષ્ણ મિશને સ્વામીજીના પૈતૃક નિવાસસ્થાનના ર્જીણોદ્ધાર કરવાનું કામ ઉપાડી લીધું હતું ત્યારે અમારી સરકારે શક્ય તેટલી સહાય આ ઉમદા કાર્યમાં કરી હતી. સ્વામીજીના આ પૈતૃક નિવાસસ્થાનના પૂર્ણ રીતે થયેલા ર્જીણોદ્ધાર પછીની તેની પુન:સ્થાપનાના આ પ્રથમવર્ષના અંતે આપણે અહીં મળ્યા છીએ. અહીં ઉપસ્થિત સંન્યાસીઓની સમક્ષ સ્વામીજી વિશે બોલવું એ મારા માટે યોગ્ય નહિ ગણાય. મેં એમના વિશે આટલું જાણ્યું છે કે પોતાના ૩૯ વર્ષના અલ્પ આયુકાળમાં (૧૮૬૩ થી ૧૯૦૨) ભારતીય આધ્યાત્મિકતા અને પશ્ચિમની આધુનિકતાના સંયોજનવાળી એક નવી સંસ્કૃતિની સ્થાપના માટે એમણે અત્યંત પુરુષાર્થ કર્યો હતો. ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં તેઓ ઉપસ્થિત થયા ત્યારે આંતરરાષ્ટ્રિય મંચ પરથી સાંભળવા જેવો એક પ્રથમ ભારતીય અવાજ તેઓ બન્યા. ભારતમાં પાછા ફર્યા પછી એમણે પોતાના વિચારો અને આદર્શો આપણને સૌને સમજાવ્યા. તેમને સ્પષ્ટ ખ્યાલ આવ્યો હતો કે જ્યાં સુધી ગરીબ અને પદદલિત લોકોને ઉન્નતિના પથે લઈ ન જવાય ત્યાં સુધી કંઈ થઈ શકવાનું નથી; સાથે ને સાથે જ્યાં સુધી જ્ઞાતિ અને ધર્મ-સંપ્રદાયને કારણે જન્મેલા પૂર્વગ્રહો અને ભેદભાવોનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આપણે કંઈ મેળવી શકવાના નથી.
એ યુગના એ મહાન વિચાર અને આદર્શોનાં વાત અને ચિંતન સહજતાથી કરી શકીએ છીએ, પરંતુ એ જમાનાના ધર્મ-સંપ્રદાય, વર્ણજ્ઞાતિની સમસ્યાઓ વિશે સ્વામીજીએ ગહનતાથી વિચાર્યું હતું અને આપણને સૌને કહ્યું પણ હતું. તેમણે કહ્યું હતું કે આ ભારતના ગરીબો અને પીડિતો જ આજના દિવસ સુધી આપણા માટે એક મહાન ખજાના રૂપ રહ્યા છે. આજે આપણા સમાજમાં જેની મોટી ઊણપ દેખાય છે તેવા ચારિત્ર્ય, શક્તિની અગત્ય પર એમણે આપણને વારંવાર કહ્યું છે. પોતાના વિચારો કે ઉપદેશોમાં શિસ્ત, યશ, અભ્યાસ અને ચારિત્ર્ય દ્વારા દૃઢ બનેલ સ્વામીજીના જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે. આજે એ વિચારો આપણી સમક્ષ આદર્શમાનવ માટે સેવાના પૂર્ણ આદર્શના પ્રતીક રૂપે ઊભરી આવે છે.
સ્વામીજીએ પોતાનો ક્ષરદેહ ત્યજી દીધો, પરંતુ ૧૮૯૭માં સ્થપાયેલ રામકૃષ્ણ મિશન આપણા માટે મૂકી ગયા છે. આપણે જાણીએ છીએ કે કોઈ મૃત્યુથી પર નથી, પરંતુ કેટલીક એવી મહાન વિભૂતિઓ હોય છે કે જે મૃત્યુ પછી પણ એમની વાણી દ્વારા આપણને પ્રેરતા રહે છે. સ્વામી વિવેકાનંદ પણ એક આવી વિભૂતિ છે. સ્વામીજીએ સ્થાપેલ રામકૃષ્ણ મિશન આપણું એક ગૌરવ છે. બંગાળ અને સમગ્ર ભારતભરમાં અને ભારત બહારનાં બીજાં રાષ્ટ્રો કે જ્યાં મિશનનાં કેન્દ્રો આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાં એનો પ્રભાવ જોવા મળે છે. સ્વામીજીએ પ્રબોધેલ ભારતની આધ્યાત્મિકતા અને પશ્ચિમની આધુનિકતાના સંયોજનવાળા સુસંવાદી આદર્શની આજના વિશ્વને ઘણી આવશ્યકતા છે. એટલે જ હિંસાને કારણે લોહીથી ખરડાયેલ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે સ્વામીજીએ પ્રબોધેલ ઉપદેશોને શીખવા માટે પશ્ચિમના જગતે અહીં અવારનવાર આવવું પડે છે. જો કે રામકૃષ્ણ મિશનની બધી પ્રવૃત્તિઓથી હું પૂરેપૂરો વાકેફ નથી, છતાં આપણા રાજ્યમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે એના વિશે હું ઠીક ઠીક જાણું છું. રાજ્યની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં રામકૃષ્ણ મિશનની સંસ્થાઓ શિક્ષણના ક્ષેત્રે મોખરાનું સ્થાન ભોગવે છે. રાજ્યના શ્રેષ્ઠ ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓ રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાંથી આવે છે. પૂર, અતિવૃષ્ટિ, વાવાઝોડાં જેવી પ્રાકૃતિક આપત્તિઓ વેળાએ બીજી સેવાભાવી સંસ્થાઓ આગળ આવે કે ન આવે, પણ રામકૃષ્ણ મિશન હંમેશાં આ માનવ સેવાના કાર્યમાં અમારી સાથે રહ્યું છે. રામકૃષ્ણ મિશનની આવી સેવાના ઘટના પ્રસંગોની યાદી ઘણી મોટી બની રહે તેમ છે. માંદા ઉદ્યોગોમાંથી છૂટા થયેલા કામદારોને બેલૂર મઠમાં વ્યાવસાયિક તાલીમ પણ અપાય છે કે જેથી આવા અસંખ્ય મજૂરો, કારીગરો પોતાનું ગુજરાન ચલાવવા સક્ષમ બને છે. આવી મહાન જવાબદારી ઉપાડી લેવા માટે હું શ્રીરામકૃષ્ણ મિશનનો ઋણ સ્વીકાર કરું છું અને ફરી ફરીને એમને અભિનંદન પાઠવું છું.
આધુનિક સંશોધનના કૃષિક્ષેત્રમાં અને એમાંય ખાસ કરીને બાયોટેક્નોલોજીનું કાર્ય પણ રામકૃષ્ણ મિશને ઉપાડી લીધું છે. હું નરેન્દ્રપુરમાં જઈ આવ્યો છું અને ત્યાં સિદ્ધાંતોના જ્ઞાનને કેવી રીતે કાર્યરૂપ આપવામાં આવે છે અને ખેડૂતોના લાભાર્થે તેનો કેટલો સારો ઉપયોગ થાય છે એ મેં પ્રત્યક્ષ રૂપે જોયું છે. આ ક્ષેત્રમાં આ સંસ્થા આપણને વધુ અમૂલ્ય સેવા આપવા માટે વધુ આગળ આવશે તેવી મારી પાકી ખાતરી છે. હમણાં જ બનેલી બે બીના મારા મન સમક્ષ આવે છે. એક વખત સંજીવ મહારાજ – સ્વામી અનિરુદ્ધાનંદ કંઈક કામ માટે આવ્યા હતા. મેં તેમને કહ્યું: ‘મહારાજશ્રી, દુષ્કાળને કારણે અમે પુરુલિયા જિલ્લામાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. અમારી પાસે ખર્ચને પહોંચી વળવા ફંડ છે પણ એનું સુયોગ્ય માળખું અને એ કાર્ય કેવી રીતે પાર પાડવું એમાં અમે ઊણપ અનુભવી છીએ. તમે આને માટે કોઈ વ્યવસ્થા ગોઠવી શકો ખરા?’ પછી અમારા બંનેનાં અનેકવિધ કાર્ય અને રોકાણોને લીધે અમે એકબીજાને મળી શક્યા નહિ અને આ કાર્ય માટેના અનુકાર્યનો વિચાર ન કરી શક્યા. પરંતુ હું જ્યારે પુરુલિયા ગયો ત્યારે ત્યાંના કલેક્ટરશ્રીએ મને જણાવ્યું કે રામકૃષ્ણ મિશન દ્વારા ખેતીવાડી માટે અત્યંત આવશ્યક એવા જળનિયંત્રણ અને જળસંગ્રહના કાર્યને સરકારી સહાય વગર ઉપાડી લીધું છે અને તે પણ એક સ્થળે નહિ પણ બબ્બે સ્થળે આવાં કાર્યો શરૂ કરી દીધાં છે! સરકાર તરીકે જે અમારી ફરજ હતી તે કાર્ય મૂક સેવકની ભાવનાથી રામકૃષ્ણ મિશને ઉપાડી લીધું છે.
એક બીજી ઘટના યાદ આવે છે. હિંદુસ્તાન લીવર લિમિટેડે ટાટા અને આઈસીઆઈસીઆઈ બેંકની સાથે જેના દ્વારા ગરીબ સ્ત્રીઓ અને બાળકોને વિનામૂલ્યે પોષક આહાર મળી રહે એવો એક કરાર કર્યો. આ કાર્યનો પ્રારંભ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં થવાનો હતો. ઉપર્યુક્ત સંસ્થાઓ ખાનગી સંસ્થાઓ હતી અને એમને અમારા રાજ્યમાં સરકારી રાહ કરતાં બીન સરકારી સેવાભાવી સંસ્થાની સાથે રહીને કામ કરવાનું પસંદ હતું. રામકૃષ્ણ મિશનને આવાં કાર્યમાં સામેલ કરવું એ શ્રેષ્ઠ બની રહેશે એમ મેં સૂચવ્યું. એનું કારણ એ છે કે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ જ આવાં કાર્યને પૂરી નિષ્ઠાથી કરવા અને તેને સફળ બનાવવા સમક્ષ છે. માત્ર રામકૃષ્ણ મિશન જ ગામડાંમાં આવું સારું કાર્ય કરી શકે છે, કારણ કે એમના આદર્શોનું મૂળ સ્રોત એમાં જ છે. અને આવાં કાર્ય માટેની જવાબદારીની ભાવના અને ખંતનિષ્ઠા પણ એમનામાં રહેલી છે. ઘણા મોટા ખર્ચથી સ્વામીજીના પૈતૃક નિવાસસ્થાનનું નવીનીકરણ પૂરું થયું, પરંતુ હજી સાવ પૂર્ણ થયું નથી. આપણી સામાજિક જવાબદારીના કાર્યની પૂર્તિ સાથે પૂરું થશે. આપણે સૌએ એ કાર્યમાં સહાય કરવી જાઈએ. આજે મેગા સિટિ કોલકાતાએ કેળવણી, ઉદ્યોગ, વ્યાપાર, સંસ્કૃતિ અને બીજી ઘણી બાબતોમાં વધુ પ્રગતિ સાધવાની છે. જો આ શહેરે દરેક ક્ષેત્રમાં ખરેખર એક મહાન આંતરરાષ્ટ્રિય શહેર બનવું હોય તો રામકૃષ્ણ મિશનને દૂર રાખીને એ શક્ય બનવાનું નથી. કોલકાતાનો સર્વાંગીણ વિકાસ રામકૃષ્ણ મિશન સાથે સુસંકલિત રીતે સંકળાયેલો છે. આપ સૌને આભાર અને અહીં ઉપસ્થિત સંન્યાસીઓને મારા પ્રણામ.
Your Content Goes Here




