(ગતાંકથી આગળ)

રાસમણિ હંમેશા ન્યાયને ખાતર લડ્યાં. સરકારને વગર કારણે હેરાન કરવી કે પડકારવી તેવો તેમનો ઈરાદો ન હતો. હકીકતમાં, ૧૮૫૭માં સિપાઈઓના બળવા વખતે – કટોકટીના કાળમાં તેમણે સરકારને ખોરાક, જરૂરી પશુ અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવાની મદદ કરેલી. બ્રિટિશ સરકારે આ રાજભક્તિની કદર પણ કરી હતી.

ગમે તેમ, આ બધી બાબતની કેટલાક સૈનિકોને બહુ કદર નહોતી. રાસમણિના ઘર પાસે લશ્કરની બૅરેક હતી. અહીંથી પસાર થનાર રાહદારીને કેટલાક સૈનિકો તંગ કરતા કે લૂંટી પણ લેતા. તેઓ બાજુની દુકાનો લૂંટતા. એક વાર કેટલાક પીધેલ સૈનિકો એક માનવીને ઉપદ્રવ કરતા હતા. રાસમણિના જમાઈઓએ છાપરા પરથી આ જોયું, અને તેમનાથી આ સહન થયું નહિ. તેમણે પોતાના ચોકીદારોને આ પીધેલ સૈનિકોને ભગાડી મૂકવા હુકમ કર્યો. આ ઝઘડામાં એક સૈનિક ઘવાયો. પેલો ઘવાયેલ સૈનિક બૅરેકમાં ગયો અને સાથી મિત્રોને આ બાબતની વાત કરી. ગુસ્સે થયેલા સૈનિકોનું એક ટોળું તરત જ બહાર ધસી આવ્યું અને એણે રાસમણિના મહેલ પર હલ્લો કર્યો. ચોકીદારોએ તેમને ખાળવા મહેનત કરી પણ નિષ્ફળ! કારણ, પેલા સૈનિકો પૂરા હથિયારબંધ અને સંખ્યામાં ચડિયાતા હતા. કેટલાક ચોકીદાર ઘવાયા અને બીજા નાસી છૂટ્યા. રાસમણિએ પોતાનાં સંબંધીઓને પાછલી બારીએથી નાસી છૂટવાની આજ્ઞા કરી પણ પોતાનો જીવ બચાવવા પ્રયત્ન ન કર્યો. ઉઘાડી તલવાર સાથે પૂજનખંડના બારણે રક્ષા કરવા તેઓ ઊભાં. સદ્‌ભાગ્યે પેલા સૈનિકો મકાનના તે ભાગમાં આવ્યા નહિ. તેમણે મહેલના મોટા ભાગમાં ઉથલપાથલ કરી નાખી. કીમતી ચીજ-વસ્તુઓ, ફર્નિચર, ચિત્રો, બારીઓ અને તમામ વાજિંત્રોનો નાશ કર્યો. તેમણે રાસમણિના પાળેલ મોર અને બીજાં પક્ષીઓ-પ્રાણીઓને નિર્દય રીતે મારી નાખ્યાં. રાતના દસ વાગ્યા સુધી આ ધ્વંસ ચાલુ રહ્યો. આ હુમલા વખતે મથુર ઘેર નહોતા. એ આવ્યા અને મહેલમાં જે બન્યું તે જોઈને તરત જ બૅરેકમાં ગયા અને કમાન્ડિંગ ઑફિસરને મળ્યા. મથુર સાથે તે તરત દોડી આવ્યા અને તેમણે બ્યુગલ વગાડ્યું. તે પછી સૈનિકો તેમની બૅરેકમાં પાછા ફર્યા. આ ગમખ્વાર ઘટના પછી ૧૨ વિશ્વાસુ અંગ્રેજ સૈનિકોને બે વર્ષ સુધી ચોકી કરવા રાસમણિએ નીમ્યા. બ્રિટિશ સરકાર પાસેથી પોતાની મિલકતના નુકસાન બદલ તેમણે વળતર પણ લીધું.

૧૮૫૦માં ભગવાન જગન્નાથની યાત્રા માટે રાસમણિ પુરી ગયાં. એ દિવસોમાં કલકત્તાથી પુરી સુધીની રેલ કે સારો રસ્તો નહોતો. યાત્રીઓ હાડમારી ખમી શકે તો ગંગામાર્ગે નીચાણમાં હોડીથી મુસાફરી કરીને બંગાળના ઉપસાગરને ઓળંગી શકે. રાસમણિએ ઘણી હોડીઓમાં સંબંધીઓ, મિત્રો, ચોકીદારો અને નોકરો, ખોરાક અને બીજી જરૂરતના વિશાળ કાફલા સાથે તેમની યાત્રા શરૂ કરી. એ ઘણી લાંબી સફર હતી. તેઓ જેવા બંગાળના ઉપસાગરમાં પહોંચ્યા કે અચાનક દરિયાઈ તોફાન તેમને નડ્યું. તેણે હોડીઓને જુદી જુદી દિશામાં વેરવિખેર કરી નાખી. રાત ઢળી ગઈ હતી અને દરિયો હજુ તોફાની હતો. રાસમણિએ પોતાના ખલાસીઓને કિનારા નજીક હોડીમાં લંગર નાખવા હુકમ કર્યો. એક દાસી સાથે તે નીચે ઉતર્યાં અને આશ્રય માટે ભાળ મેળવવા દૂર અજવાળું જોઈ તે ત્યાં ગયાં તો કોઈ ગરીબ બ્રાહ્મણનું નાનું ઝૂંપડું હતું. રાસમણિએ પોતાની સાચી ઓળખ ન આપી પણ એ ઝૂંપડાવાસીએ પોતાની સાથે ઉદારતાથી આ બે મહિલાઓને રાતનો આશરો આપ્યો. બીજી સવારે આ પરિવારને રાસમણિએ સો રૂપિયા આપ્યા. એટલામાં હોડીઓ પાછી એકત્ર થઈ ગઈ હતી અને તેમણે યાત્રા શરૂ કરી.

રસ્તામાં રાણી રાસમણિએ જોયું કે સુવર્ણરેખા નદીની પારથી પુરી સુધીનો રસ્તો ઘણો બિસ્માર હાલતમાં હતો. યાત્રીઓની સગવડ માટે રસ્તો દુરસ્ત કરાવવા એમણે પછીથી નાણાં આપ્યાં. પુરીમાં મંદિરના મુખ્ય ધામમાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાને ૬૦ હજારની કિંમતના મુકુટ ધરાવ્યા. મંદિરના સાધુઓ અને ગરીબોને જમાડ્યા.

બીજે વર્ષે રાસમણિ ગંગાસાગર (સાગર -સરિતા સંગમ), ત્રિવેણી અને નવદ્વીપની (ચૈતન્યની જન્મભૂમિ) યાત્રાએ ગયાં. પાછા ફરતાં ચંદનનગર પાસે લૂંટારાઓએ તેમની હોડી પર હલ્લો કર્યો. રાસમણિના ચોકીદારોએ તેમના પર ગોળીબાર કર્યો અને એક લૂંટારો ઘવાયો. પછી રાસમણિએ બંનેને ગોળીબાર બંધ કરવા હુકમ કર્યો અને લૂંટારાના સરદાર સાથે વાત કરવા જણાવ્યું.

લૂંટારાએ કહ્યું, “મા, અમારે પૈસા જોઈએ. જો અમારી માગણી પૂરી નહિ થાય તો લોહીની નદી વહેશે.”

રાસમણિએ કહ્યું, “તમારે કેટલા રૂપિયા જોઈએ? તમારી ટોળીમાં કેટલા આદમી છે?”

“અમે બાર છીએ.”

રાસમણિ : “અત્યારે મારી પાસે કાંઈ રોકડ નથી. આવતી કાલે સાંજે તમને બાર હજાર રૂપિયા મોકલીશ. જો આ વાત તમને કબૂલ ન હોય તો મારો સોનાનો નેકલેસ અને ચાંદીનાં થોડાં વાસણ છે એ તમે લો.”

લૂંટારો : “અમને તમારી વાત કબૂલ છે. જો કાલે સાંજ સુધીમાં અમને રકમ મળશે નહિ તો તમારી મુસાફરી બંધ!”

રાસમણિ વચનમાં પાકાં હતાં. બીજી સાંજે એક ખેપિયા મારફત તેમણે બાર હજાર રૂપિયા મોકલાવ્યા.

પ્રેમ અને સમર્પણ, અશ્રુ અને પ્રાર્થનાથી યાત્રાળુઓ યાત્રાધામને પવિત્ર બનાવે છે. તેમની સાદગી, ઈશ્વર પ્રેમ એવું એક આધ્યાત્મિક વાતાવરણ સર્જે છે કે, પૂજા-દર્શન માટે આવનાર પર તેની અસર થાય છે. ભારતમાં વારાણસી -પ્રકાશનું એક શહેર- આવી પવિત્ર જગ્યા છે. ૧૮૪૭માં રાસમણિને ભગવાન વિશ્વેશ્વર શિવ અને અન્નપૂર્ણાની યાત્રા કરવાની ઇચ્છા થઈ. એ વખતે કલકત્તા અને વારાણસી વચ્ચે ટ્રેન નહોતી એટલે હોડી દ્વારા ત્યાં જવાનું તેમણે વિચાર્યું. ૨૫ હોડીઓનો કાફલો ૬ મહિનાની જરૂરિયાત સાથે તૈયાર હતો. ખોરાક અને અન્ય ચીજ-વસ્તુઓ માટે ૭ હોડીઓ હતી. એક પોતાના માટે, ત્રણ પુત્રીઓ અને તેના પરિવાર માટે ત્રણ, બે ચોકીદારો માટે, બે નોકરો માટે, ચાર અન્ય મિત્રો અને સંબંધીઓ માટે, બે જાગીરના અધિકારીઓ માટે, એક ધોબી માટે, એક હોડી ચાર ગાયો માટે, અને એક વધારાની. રાસમણિના પ્રસ્થાનની આગલી રાતે જગદંબા તેમને સ્વપ્નમાં આવ્યાં અને કહ્યું, “તમારે વારાણસી જવાની જરૂર નથી. ગંગાના કિનારે એક સુંદર સ્થાને મારી મૂર્તિની સ્થાપના કરો અને ત્યાં મારી પૂજા અને ભોગની વ્યવસ્થા કરો. આ મૂર્તિમાં હું સતત હાજર હોઈશ અને હંમેશાં તમારી પૂજા ગ્રહણ કરીશ.” (આ બનાવની બીજી વાત આમ કહેવાય છે રસમણિએ તેમની યાત્રા શરૂ કરી અને પહેલી રાતે તેઓ દક્ષિણેશ્વર પાસે થંભ્યાં અને અહીં તેમને આ સ્વપ્ન આવ્યું.) રાસમણિએ તરત જ પોતાની યાત્રા અટકાવી દીધી. યાત્રા માટે ભેગી કરેલી સાધન-સામગ્રી બ્રાહ્મણો અને ગરીબો વચ્ચે વહેંચી દીધી અને યાત્રા માટે ખરચવાની રકમ જમીન ખરીદવા જુદી મૂકી રાખી.

એમ કહેવાય છે કે, ગંગાનો પશ્ચિમ કિનારો વારાણસી જેટલો જ પવિત્ર છે. રાસમણિએ ગંગાની સામે પાર બાલી અને ઉત્તરપરામાં પ્રથમ જમીન ખરીદવા પ્રયત્ન કર્યો. તેમણે મોટી રકમની ઑફર કરી પણ એ જમીનના માલિકોએ, કેવળ ક્ષુલ્લક અદેખાઈથી એ જમીન તેમને વેચી નહિ. છેવટે તેમણે ગંગાના પૂર્વ કિનારે, કલકત્તાથી થોડા માઈલ ઉત્તર, દક્ષિણેશ્વરમાં લગભગ ૨૦ એકર જમીન ખરીદ કરી. બંગલા સહિતનો જમીનનો આ ભાગ એક અંગ્રેજની માલિકીનો હતો અને બીજો, તજી દીધેલો ભાગ જ્યાં પાક. મુસલમાનોને દફનાવવામાં આવતા તે કબ્રસ્તાન હતો. જમીનનો પ્લોટ કાચબાની ઢાલના આકારમાં -વચ્ચેથી ઊંચો અને ચોમેરથી ઢળતો હતો. તંત્રશાસ્ત્ર પ્રમાણે આવી જગ્યા શક્તિપૂજા માટે શુભ ગણાય.

મંદિર સંકુલનું બાંધકામ ૧૮૪૭માં શરૂ થયું અને એને પૂરું થતાં આઠથી વધારે વર્ષ લાગ્યાં. મા કાલીના મુખ્ય મંદિરની બાજુમાં કૃષ્ણનું મંદિર હતું અને શિવનાં નાનાં નાનાં બાર મંદિર હતાં. રાસમણિએ પચાસ હજાર રૂપિયા જમીન માટે ખર્ચ્યા, એક લાખ સાઠ હજાર રૂપિયા નદી પર ફુરજો બાંધવા ખર્ચ્યા અને મંદિર સંકુલ માટે નવ લાખ રૂપિયા ખર્ચ્યા. મંદિરના નિભાવ માટે કેટલીક મિલકત ખરીદવા વધારામાં રૂપિયા બે લાખ છવ્વીસ હજાર ખર્ચ્યા.

રાસમણિની એ અંતરની ઇચ્છા હતી કે, તેમણે પોતે બંધાવેલ મંદિરમાં રોજ પક્વ અન્ન ભોગ તરીકે ધરાવાય અને પુણ્યશાળી જનો તે રોજ સ્વીકારે. પણ જ્ઞાતિના નિયમ અનુસાર રાંધેલા અન્નનો ભોગ મંદિરમાં દેવ સમક્ષ ફક્ત બ્રાહ્મણ જ ધરી શકે. રાસમણિ બ્રાહ્મણ નહોતાં એટલે ઈશ્વરની અને પુણ્ય-જનોની સેવામાંથી તે બાકાત હતાં. તેમને દુ:ખ થયું કે, તેમના બધા પૈસા અને મહેનત નકામાં ગયાં. શાસ્ત્ર સંમત પૂજન-કર્મના વિધિ-વિધાનના અર્થઘટનમાં નિષ્ણાત પંડિતોને તેમણે પત્રો લખ્યા. તેમને આશા હતી કે જ્ઞાતિના ચુસ્ત અને અટપટા નિયમોમાંથી ગમે તેમ કોઈ રસ્તો શોધી કાઢશે.

રાસમણિને એક સિવાયના બધા પત્રો ધારણાથી વિરુદ્ધના મળ્યા. રામકુમાર ચેટર્જી, શ્રીરામકૃષ્ણના વડીલ બંધુ તરફથી એક પત્ર હતો. તે વખતે રામકુમાર કલકત્તામાં એક સંસ્કૃત પાઠશાળા ચલાવતા હતા અને શ્રીરામકૃષ્ણ તેમની સાથે રહેતા હતા. તેમનું સૂચન હતું : “રાણીએ બ્રાહ્મણને મંદિરની મિલકતનું ઔપચારિક દાન કરવું. આ બ્રાહ્મણ પૂજામાં કાલીની મૂર્તિ મૂકવાની અને ભોગની વિધિ કરે.” આમાં ધર્મશાસ્ત્રના કોઈ નિયમનો ભંગ થતો નહોતો અને સામાજિક દરજ્જો ગુમાવ્યા સિવાય બ્રાહ્મણો મંદિરમાં પ્રસાદ લઈ શકે તેમ હતું.

રાસમણિને આનંદ થયો અને રામકુમારની સલાહ પર તરત જ અમલ શરૂ કર્યો. પરિવારના ગુરુને મંદિરની મિલકત તબદીલ કરી આપી અને ગુરુના પ્રતિનિધિ તરીકે એમણે પોતાની પાસે માત્ર એના મેનેજર તરીકે વહીવટ કરવાનો અધિકાર રાખ્યો હતો.

જો કે મંદિરનું બાંધકામ હજુ પૂરું થયું નહોતું. પણ રાસમણિને શક્ય તેટલું વહેલું એનું અર્પણ કરવાની ફરજ પડી. શ્રીરામકૃષ્ણે નીચેની વાત કહી :

“મૂર્તિ ઘડવાનું શરૂ થયું ત્યારથી રાણીએ આત્મસંયમ કેળવવાનું શરૂ કર્યું. દિવસમાં ત્રણ વાર તે નહાતાં, સાદો શાકાહારી ખોરાક લેતાં, જમીન પર સૂતાં અને તેમણે પોતાની શક્તિ મુજબ જપ, પૂજા અને પ્રાર્થના શરૂ કર્યાં.” આ દરમિયાન મૂર્તિને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે એક પેટીમાં બંધ રાખી હતી. રાણીને સ્વપ્નમાં આજ્ઞા થઈ, “મને આ રીતે તું ક્યાં સુધી કેદમાં રાખીશ? મને ગભરામણ થાય છે. શક્ય તેટલી ત્વરાથી મને પધરાવો.” આ આજ્ઞા મળતાં જ રાણી ઉત્સાહિત થઈ ગયાં અને શુભ દિવસ શોધી કાઢવા પંચાંગ જોવડાવ્યું. સ્નાનયાત્રા (ભગવાન જગન્નાથનો સ્નાન-દિન) પહેલાં આવું કોઈ મુહૂર્ત આવ્યું નહિ. તે દિવસે તેમણે મૂર્તિ પધરાવવાનું નક્કી કર્યું.”

(ક્રમશ:)

ભાષાંતરકાર : પ્રો. જે. સી. દવે

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.