શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઇઓને લખ્યું હતું. ‘હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું. તેને મારા તરફથી પ્રેમપૂર્વકનાં લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે.’ આ ગ્રંથનું ભાષાંતર સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું છે, જે હજી અપ્રકાશિત છે. વાચકોના લાભાર્થે અમે તેને ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરું;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ;
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
દેખો મન ખેલિયા જે બાળક ગદાઈ;
દેખવાને જોઈએ એની કૃપાકણી ભાઈ!
જોયા વિના, લીલા નવ સમજી શકાય;
ચંદ્રનાં કિરણ જાણે ચંદ્રમાં સમાય.
અંતરની આંખો વિના જાણ કોણ કરે;
થાળી જેવો ચાંદો પણ તેજ કેવું ઝરે!
ક્રમે ક્રમે વધે વય દિન પ્રતિદિન;
દેખાડે સહુને ખેલ ગદાઈ નવીન.
સમજી શકે ન કોઈ, રહસ્ય અપાર;
એક બે સિવાય; ત્રીજો ચીનુ ચૂડીકાર.
હવેથી શ્રીપ્રભુ, જેથી કોઈને ન કળે;
રહે ત્રણ ચાર દી અજ્ઞાત કોઈ સ્થળે.
થતું ક્યાં ગમન, ને એ જાય કેવે ટાણે;
એ બધુંય ગુપ્ત કોઈ કશું નવ જાણે.
લુપ્ત અગાઉનો ભાવ, જરા ન ઉલ્લાસ;
ચિંતાતુર મુખ જાણે ઉદાસ ઉદાસ.
બાળપણથી તે આજ સુધી નિરંતર;
રંગ, રસ, પરિહાસ કેટલો સુંદર.
ખેલિયા અત્યાર સુધી જેઓ નિજ પાસ;
તેઓ વાત કરે તોય બોલે નહિ ખાસ.
બહુ જીદ અને હઠ તેઓ કરે ત્યારે;
ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે.
વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા;
સુંદર હરિનાં દરશન નવ થયાં.
ગમાર ને જડબુદ્ધિ રહ્યા અલ્યા તમે;
મધુરી શ્રીહરિકથા કરવી ન ગમે!
સકળ સંતાપ હરે હરિનું કથન;
સ્મરણ, મનન તથા સાધન ભજન.
તેમાં નહિ રુચિ ગમે માત્ર હસવાનું;
એમ કાઢ્યે કાળ અંતકાળે શું થવાનું?
અનિત્ય સંસાર આ, એ વિચારો જરાય;
હરિના ભજન વિના આયુ વ્યર્થ જાય.
હરિકથા પ્રભુ જ્યારે કહે સાથીઓને;
જોઈ રહે સામે, વાત ગમે નહિ કો’ને.
ભાગ્યવાન સંગીઓ એ, હરિ માગે નાહિ;
બહુ રાજી અંતરથી મળે જો ગદાઈ.
સમાધિમાં બ્રહ્માનંદ મળે ભલે બોલે;
ગદાઈના સંગસુખ સાથે ના’વે તોલે.
વાહ શી મધુરી નરલીલા ધરાધામે;
દેહ ધરી ખેલે હરિ માયાને મુકામે.
ખેલકર સહચર, સદા સંગે વાસ;
તેઓ પણ તલમાત્ર પામે ન આભાસ.
અમૃતસમાન પય, માતૃવક્ષે ધામ;
પીએ શિશુ, થાય પુષ્ટ, નવ જાણે નામ.
એવી રીતે શ્રીપ્રભુના સર્વ સહચર;
જાણે નહિ પરાનંદ, ભોગે નિરંતર.
પ્રભુસંગ – આનંદનું કરે આસ્વાદન;
રુક્ષ હરિકથા શાને કરે એ શ્રવણ!
પ્રભુસંગ સુખભોગી પ્રભુને જ ચ્હાય;
પ્રભુસંગ સુખાનંદમાં જ લીન થાય.
ભોગવ્યું એ સુખ જેણે, મર્મ તે જ જાણે,
પુષ્પ મધુરસ જેમ ભ્રમર પિછાણે.
મધુ મળે તો જ ખાય, બીજું નવ ખાય;
ભૂખે મરી જઈ પછી ભલે જીવ જાય.
ચાતક પિયાસી જળ સ્વાતિનું જ પીએ;
જાય પ્રાણ તોય પાણી બીજું નવ લીએ.
એ પ્રમાણે કર્યો જેણે પ્રભુસહવાસ;
કરે નવ કદી અન્ય સુખ-અભિલાષ.
ભક્તવાંછાકલ્પતરુ પ્રભુ ગદાધર;
ભક્ત જે જે માગે. આપે તેથીયે ઉપર.
સંગે ખેલવાનું ચાહે, સર્વસંગીગણ;
કરવાને તે સહુની વાસના પુરણ.
સમયાનુસારે ખેલ નવીન રચિત;
પ્રભુ ગદાધરનું ચરિત હરિ ચિત્ત.
મોહિત ને મુગ્ધચિત્ત સર્વે સંગીજન;
પ્રભુનો નવીન ખેલ કરી દરશન.
યોગાસનો ચોરાશી જે યોગીઓ જ જાણે;
પ્રભુ સર્વે બતાવે તે યોગીઓ પ્રમાણે.
બહુ દીર્ઘ આયુયુક્ત, ઋષિ મુનિજન; ;
આસન -અભ્યાસે આખું કાઢે જે જીવન.
સરવે સંસાર કેરાં સુખો પરિહરી;
ફળ, મૂળ, જળ કિંવા વાતાહાર કરી.
તોય નવ સિદ્ધ થાય, શ્રમ વૃથા જાય;
પ્રભુ કરી બતાવે એ વાતવાતમાંય.
યોગીને દુ:સાધ્ય, જેનું અસાધ્ય વિજ્ઞાન;
સ્વત:સિદ્ધ શ્રીપ્રભુને તેનું પૂર્ણ જ્ઞાન.
અંતરમાં રહ્યા સર્વે સિદ્ધિના ભંડાર;
ઇચ્છા થતાં વેંત તેઓ આવતા બહાર,
પ્રભુ દેહ રત્નાગાર, જાણજો ચતુર;
દેવોનેય દુર્લભ જે ભર્યું ત્યાં પ્રચુર.
ગામડાંનાં ભોથાં તે, આસન શું પિછાને!
બળદોનાં પૂંછ તાણી ખેડ કરી જાણે.
શાસ્ત્રો ભણવામાં બુદ્ધિ સાવ વિપરીત;
વ્યાકરણ સંધિ સુધી જાણે તે પંડિત.
આસન કોને કે’વાય, શું થાય આસને;
જ્ઞાન વિપ્ર, વૈષ્ણવોમાં નવ કોઈ કને.
આસનોથી થાય દેહ ખૂબ બળવાન;
કરવાનું સાધન એ કુસ્તી કે કમાન.
એવી રીતે બતાવતા આસનો ગુંસાઈ;
દેખી થતું જાણે અંગે હાડકાં જ નાંઈ.
દેખનારા બુદ્ધિહારા ભેચક સમાન;
બોલે, ‘ગદાઈમાં આવું આવ્યું ક્યાંથી જ્ઞાન!’
આજુબાજુ ગામેગામ ફેલી ગઈ વાત;
કુસ્તીમાં ગદાઈ થાય કોઈથી ન મ્હાત.
સર્વ તત્ત્વ સમજતો પેલો ચીનુ ખાસ;
કહેતો શ્રી પ્રભુજીને કરીને સંભાષ.
જાણું છું હું, જાણું છું હું તને ગદાધર;
ઊઠ્યું છે તોફાન તારા હૃદય ભીતર.
જવા લીલાસ્થળે તારો થયો છે નિરધાર;
એથી છોડી ખેલ, કરે વૈરાગ્ય વિચાર.
આપ્ત ભક્ત ચીનુભાઈ, દૃષ્ટિ તેની દૂર;
જાણતો કે ગદાઈ છે વિશ્વના ઠાકુર.
કામારપુકુરે જે જે દેખાડ્યું પ્રભુએ;
ખેલ વિના બીજું તેમાં કોઈ કૈં ન જુએ.
જાણવા, ન જાણવામાં જેઓ શક્તિમંત;
પ્રભુમુખ દેખી ભૂલ ખાતા એ તુરંત.
એ જ ઈશ્વરીય માયા, જે માયાને બળે;
બ્રહ્મા, વિષ્ણુ, મહેશની બુદ્ધિ પણ ચળે.
એવી માયા લઈ ખેલ કરે ગદાધર;
માયાપતિ માયાતીત પરમ ઈશ્વર.
ધરી નર-કલેવર માયાથી મોહિત:
પ્રભુ રામકૃષ્ણતણું વિચિત્ર ચરિત.
શ્રવણે – કીર્તને જાય માયાનું બંધન;
સ્મરણે, મનને થાય ત્રિતાપમોચન.
અંતર ઉજાસ આવે, મટે અંધકાર;
ભવસિંધુ અપાર આ થઈ જાય પાર.
કાંઠે બેસી દેખે ભવતરંત તોફાન;
રામકૃષ્ણ – પુરાણ આ મંગલ-નિધાન.
પૂરી કરી બાળ-લીલા, આપી બુદ્ધિ યથા;
ગાઈશું પ્રભુની હવે સાધનાની કથા.
Your Content Goes Here




