મૂળ અંગ્રેજી પુસ્તિકા ‘રામકૃષ્ણ મઠ એન્ડ રામકૃષ્ણ મિશન – ધેય્‌ર હિસ્ટ્રી, આઈડિય્‌લ્સ, એક્ટિવિટિઝ’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે – સં.

અર્વાચીન યુગના યુગદૃષ્ટા તરીકે જેમની ગણના કરવામાં આવે છે તે ૧૯મી સદીના બંગાળના સંત શ્રીરામકૃષ્ણ પરમહંસે (૧૮૩૬ – ૧૮૮૬) સંન્યાસીઓ માટેના રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી. રામકૃષ્ણ મિશન પંજીકૃત મંડળ – રજિસ્ટર્ડ સોસાયટી છે; રામકૃષ્ણ મઠના સાધુઓ અને ગૃહસ્થ ભક્તો સાથે મળી, ખાસ કરીને ભારતમાં, વિવિધ સેવાકાર્યો કરે છે. શ્રીરામકૃષ્ણના પટ્ટશિષ્ય અને ધાર્મિક નેતા સ્વામી વિવેકાનંદે (૧૮૬૩-૧૯૦૨) તેની સ્થાપના કરી હતી; એક વિખ્યાત વિદેશી વિદ્વાનના શબ્દો અનુસાર સ્વામીજીની ગણના ‘અર્વાચીન જગતના એક મુખ્ય ઘડવૈયા તરીકે થાય છે.

મનુષ્ય જાતિની આધ્યાત્મિક પુન: જાગ્રતિ માટે સો કરતાં વધારે વર્ષોથી શાંત રીતે કાર્યરત, પંથોથી પર, વૈશ્વિક આધ્યાત્મિક આંદોલનને આ બે સંસ્થાઓએ ગતિમાન કરેલ છે. ભારતનું પ્રાચીન આધ્યાત્મિક તત્ત્વદર્શન, વેદાંત આ સતત થતા પરિવર્તનનું મુખ્ય પ્રેરણાબળ રહ્યું છે. વિવિધ સમયે ભારતમાં જુદાં જુદાં તત્ત્વદર્શનો જન્મ્યાં હતાં ખરાં પરંતુ, એ નાનાં નાનાં મંડળો પૂરતાં મર્યાદિત રહ્યાં હતાં. વેદયુગથી માંડીને આજના કાળ સુધી, ભારતની ધાર્મિક પરંપરાની પાછળ માત્ર વેદાંત જ મુખ્ય દર્શન રહ્યું છે. આજના કાળમાં, આ પ્રાચીન શાસ્ત્રને શ્રીરામકૃષ્ણે પરિષ્કૃત, એકીકૃત અને શક્તિપૂત કર્યું અને સ્વામી વિવેકાનંદે તેને અર્વાચીન ભાષામાં રજૂ કરી નાત, જાત, ધર્મ કે વર્ણના ભેદ વિના અખિલ જગતનાં બધાં લોકો માટે ઉપલબ્ધ કર્યું.

વેદાંત અને ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ ઓછામાં ઓછી ત્રણ હજાર વરસ પુરાણી હોવાનું મનાય છે. અનેક આંતરિક મતભેદો છતાં, પરદેશી હુમલાખોરોનાં અનેક આક્રમણો છતાં અને એક યુરોપીયન સત્તાના બે સદીના અંકુશ છતાં, એ સંસ્કૃતિ પોતાનું અખંડિત સાતત્ય જાળવી શકી છે તે હિન્દુ ધર્મના હાર્દરૂપ આધ્યાત્મિક ચેતનાને કારણે જ, જેનો કોઈ સ્થાપક નથી, જેની કોઈ વ્યાખ્યાયિત માન્યતા નથી, જેની કોઈ કેન્દ્રીય સત્તા નથી એવા પંથોનો વિશાળ અને સંકુલ સંઘ એટલે હિન્દુ ધર્મ પરંપરા. આમ છતાં, વેદાંતને નામે ઓળખાતા તત્ત્વદર્શન પર મુખ્યત્વે આધારિત હોવાને કારણે, અનેક સદીઓથી એણે સુસંગતતા, ચેતના અને દૂરગામી અસરને જાળવી રાખેલ છે.

દેવના ક્રોધનેત્ર કે માનવ ક્રોધને ભયે લોકો સ્વીકારતા હોય તેવી ધાર્મિક માન્યતા કે નિર્ધારિત મત વેદાંત નથી. શાશ્વત અને અનંતની ખોજની મનુષ્યની કાલાતીત ખોજને વેદાંત મૂર્ત કરે છે. પ્રાચીન ગ્રીક ફિલસુફોના તર્કો અને અર્વાચીન વૈજ્ઞાનિકો દ્વારા કરાતાં સંશોધનોને ઠીક ઠીક મળતી આવતી રીત અનુસાર, જીવનના રહસ્ય, મૃત્યુના રહસ્ય, ચેતનાના રહસ્ય, અને અસ્તિત્વના રહસ્ય વિષયક બાબતોમાં ભારતના પ્રાચીન ઋષિમુનિઓએ કરેલી ખોજનો એ નિષ્કર્ષ છે. પણ બાહ્ય અવલોકનો પર આધાર રાખતા આ પાશ્ચાત્ય ચિંતકોના કરતાં ભિન્ન રીતે, ઋષિઓ તરીકે પ્રસિદ્ધ પુરાણા ભારતીય સંતોએ યોગને નામે ઓળખાતી આંતરિક ધ્યાનની પદ્ધતિઓ વિકસાવી. ઋષિઓએ પ્રાપ્ત કરેલું ઇન્દ્રિયાતીત જ્ઞાન, એમની નિકટ બેઠેલા શિષ્યો દ્વારા ઊતરી આવ્યું. આ જ્ઞાનપ્રદાનની નોંધો ઉપનિષદોને નામે ઓળખાય છે. ઈ.સ.પૂ. ૮૦૦ થી ૩૦૦ના ગાળામાં પ્રગટેલાં મોટા ભાગનાં ઉપનિષદોની વિભાવનાઓને પછીની સદીઓમાં સુવ્યવસ્થિત કરવામાં આવી અને તે વેદાંત દર્શન તરીકે ઓળખાઈ. અર્વાચીન વિજ્ઞાને શોધેલાં ભૌતિક જગતનાં સત્યો અને નિયમો સર્વદેશીય છે તેમ આધ્યાત્મિક જગતને લગતાં સાર્વત્રિક સત્યો અને નિયમો એટલે વેદાંત.

વિવિધ સંપ્રદાયો, ચિંતન પરંપરાઓ અને વિધર્મોને પણ ભારતમાં ફૂલવા ફાલવા માટે મુક્ત વાતાવરણ પૂરું પાડનાર ધાર્મિક સહિષ્ણુતા અને સ્વાતંત્ર્યની ભાવના ભારતીય સંસ્કૃતિનું બીજું વિશિષ્ટ લક્ષણ છે. ધાર્મિક સ્વાતંત્ર્યને કચડીને કે વિરોધી મંડળીઓને કે પર સંસ્કૃતિનો નાશ કરીને નહીં પણ એમનાં ઉત્તમ લક્ષણોને પોતાની જાતમાં આત્મસાત કરીને ભારતીય સંસ્કૃતિ પાંગરી હતી. વિશેષમાં, ભારતીય સંસ્કૃતિના ઇતિહાસના નિર્ણાયક તબક્કાઓએ શ્રીકૃષ્ણ, શંકરાચાર્ય અને ચૈતન્ય આવ્યા હતા અને એમણે આ એકીકરણની પ્રક્રિયાને સરળ બનાવી હતી.

ઓગણીસમી સદીના આરંભમાં, બુદ્ધિનો અને વિજ્ઞાનનો આદર કરીને અને વટાળ પ્રવૃત્તિની ધગશ સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિએ ભારતીય સંસ્કૃતિ સામે મોટો પડકાર ફેંક્યો હતો અને, વ્યક્તિ સ્વાતંત્ર્ય, સામાજિક સમાનતા અને ન્યાય જેવાં બિનસાંપ્રદાયિક મૂલ્યોએ દેશના બૌદ્ધિકોને આકર્ષ્યા હતા. તે સમયે જ બરાબર શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ પ્રગટ થયા અને વેદાંતને પુન: ચેતનવંતું કરીને તથા પાશ્ચાત્ય સંસ્કૃતિનાં ઉત્તમ લક્ષણોને તેમાં સમાવિષ્ટ કરીને એ પડકારનો સામનો તેમણે કર્યો. ભૌતિકવાદના મહાપૂરને લીધે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોના થયેલા ઘસારાને કારણે પાશ્ચાત્ય જગત કટોકટીને ઉંબરે ઊભું હતું; એવા સમયે સમગ્ર વિશ્વ માટે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશનું મહત્ત્વ ઘણું છે.

શ્રીરામકૃષ્ણ

કલકત્તાની વાયવ્યમાં સાઠ માઈલ દૂર આવેલા કામારપુકુર નામના ગામડામાં એક ગરીબ અને ધાર્મિક બ્રાહ્મણ કુટુંબમાં ૧૮૩૬ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે શ્રીરામકૃષ્ણ જન્મ્યા હતા. એમના પિતા ક્ષુદિરામ ચટ્ટોપાધ્યાય હતા અને ચંદ્રામણિદેવી એમનાં માતા હતાં. બાળપણથી જ શ્રીરામકૃષ્ણને ભગવાનની અને અધ્યાત્મની લગન હોઈ એમને દુન્યવી બાબતોમાં ઓછો રસ હતો. એટલે વિધિવત શિક્ષણ તો એમણે નહીં જેટલું જ લીધું હતું. કોલકત્તામાં દક્ષિણેશ્વરમાં બંધાયેલા કાલીમંદિરમાં ઓગણીસ વર્ષની વયે એ પૂજારી નીમાયા હતા. ત્યાર પછીનાં અગ્યાર વર્ષો સુધી હિંદુ ધર્મની વિવિધ સાધનાઓમાં એ વ્યસ્ત રહ્યા હતા – અદ્વૈતની અનુભૂતિ સહિતનાં, આ સાધનામાર્ગોનાં બધાં ઉચ્ચ શિખરોને સર કર્યા પછી, ઇસ્લામ અને ખ્ર્રિસ્તી ધર્મના આધ્યાત્મિક પંથો ભણી એ વળ્યા. હિન્દુ ધર્મની વિવિધ આધ્યાત્મિક સાધનાઓ દ્વારા એમને જે પ્રાપ્તિ થઈ હતી તેની જ પ્રાપ્તિ આ પંથોએ પણ કરાવી. આ બધી અનુભૂતિઓ દ્વારા પરમ સત્ય અને ધાર્મિક જીવન વિશે નીચેનાં તારણો પર શ્રીરામકૃષ્ણ આવ્યા.

* માનવજીવનનું અંતિમ ધ્યેય ઈશ્વર સાક્ષાત્કાર છે કારણ, કેવળ એ જ માનવીને સર્વોત્તમ સુખ અને શાંતિ બક્ષે છે.

* વ્યક્ત કે અવ્યક્ત – સાકાર અને નિરાકાર – ઈશ્વર એક જ છે અને, જુદા જુદા ધર્મોમાં એ જુદે જુદે નામે ઓળખાય છે.

* જગતના ભિન્ન ભિન્ન ધર્મોમાં નિર્દેશેલા પંથો દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે.

* પરમ સત્ય ભણી લઈ જતા બધા ધર્મો સત્ય છે.

* ઈશ્વર સાક્ષાત્કાર માટે ચિત્તશુદ્ધિ આવશ્યક છે પરંતુ, મહાનમાં મહાન પાપી પણ પ્રભુકૃપાથી મુક્તિ પામી શકે છે.

* પરમાત્મામાં આ શ્રદ્ધા રાખીને, જાતને ઉતારી પાડવાને બદલે ભાવાત્મક અભિગમ કેળવવો જોઈએ.

* પરમાત્મા સ્વરૂપે પ્રભુ સૌ લોકોમાં વસે છે માટે, સૌનો આદર કરવો જોઈએ.

શ્રીરામકૃષ્ણે વિધિવત સંન્યાસ લીધો હોવા છતાં, એ સામાન્ય ગૃહસ્થની જેમ જ રહ્યા હતા અને, મંદિરના પ્રાંગણમાંના એમને રહેવા અપાયેલા ઓરડાની બહાર એ ભાગ્યે જ જતા. એમની પવિત્રતાની કીર્તિ પ્રસરવા લાગી અને, એમની આસપાસ મુખ્યત્વે કલકત્તાના શિક્ષિત વર્ગમાંથી શિષ્યો ટોળે વળવા લાગ્યા. પોતાના કેટલાક જુવાન શિષ્યોને તેમણે સંન્યાસની તાલીમ આપી. એ શિષ્યોમાંના અગ્રણી હતા સ્વામી વિવેકાનંદ. સને ૧૮૮૬ના ઓગસ્ટની ૧૬મી તારીખે શ્રીરામકૃષ્ણે પોતાનો દેહ છોડ્યો.

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. કોલકત્તાના એક સાધનસંપન્ન કુટુંબમાં ૧૮૬૩ની ૧૨મી જાન્યુઆરીને દિને એમનો જન્મ થયો હતો. એમના પિતા હતા વિશ્વનાથ દત્ત નામના એક વકીલ અને માતા હતાં ભુવનેશ્વરીદેવી. નરેનનો દેહ તંદુરસ્ત હતો એમની મેધા તેજસ્વી હતી અને પ્રકૃતિ આધ્યાત્મિક હતી. ગણિત, ઇતિહાસ ફિલસુફી વિષયો સાથે સ્નાતક થયા પછી એમણે કાયદાનો અભ્યાસ માંડ્યો હતો. પોતે કોલેજમાં ભણતા હતા ત્યારે, ૧૮ વર્ષની વયે, એ શ્રીરામકૃષ્ણને પહેલીવાર મળ્યા હતા.

પોતાના ગુરુના પ્રેમાળ માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક જ્યોતિ તરીકે એ વિકસ્યા. શ્રીરામકૃષ્ણના અવસાન પછી એમના ચૌદ શિષ્યો (બે પછીથી જોડાયા હતા) એ સ્વામી વિવેકાનંદના નેતૃત્વ હેઠળ રામકૃષ્ણ મઠને નામે ઓળખાતા સંન્યાસી મંડળની સ્થાપના કરી. 

એ સોળ સંન્યાસી શિષ્યોનાં નામ: વિવેકાનંદ, બ્રહ્માનંદ, યોગાનંદ, પ્રેમાનંદ, નિરંજનાનંદ, શિવાનંદ, શારદાનંદ, રામકૃષ્ણાનંદ, અભેદાનંદ, અદ્‌ભુતાનંદ, તુરીયાનંદ, અદ્વૈતાનંદ, ત્રિગુણાતીતાનંદ, સુબોધાનંદ, અખંડાનંદ અને વિજ્ઞાનાનંદ. કોલકત્તાના વરાહનગરમાં એક ખંડેર જેવા મકાનમાં મૂળ મઠની સ્થાપના કરવામાં આવી હતી.

આ મઠમાં બે વર્ષ રહ્યા પછી સ્વામી વિવેકાનંદે થોડાં વર્ષો ભારતમાં પરિવ્રાજક તરીકે પસાર કર્યાં. એ પ્રવાસ દરમિયાન ભારતમાંનાં કોટિ લોકોનાં દારિદ્ર અને પછાતપણું જોઈ એમનું અંતર ખૂબ દ્રવી ઊઠ્યું હતું. ગરીબાઈ છતાંયે લોકો હજી ધર્મને વળગી રહ્યા હતા અને પુરાણી આધ્યાત્મિક સંસ્કૃતિ એમની જિંદગીમાં ચેતનવંતી ધબકી રહી હતી. સમાજસુધારકો વિધવાના પુનર્લગ્નમાં અને મૂર્તિપૂજા દૂર કરવામાં વ્યસ્ત હતા ત્યારે, વિવેકાનંદે જોયું કે, દેશની સમૃદ્ધિના જનકો છે તે આમ સમુદાયનું શોષણ અને તેમની ઉપેક્ષા ભારતના પછાતપણાનું સાચું કારણ છે. ખેતીની સુધારેલી પદ્ધતિનું શિક્ષણ, ગ્રામોદ્યોગો અને સ્વાસ્થ્યમય જીવન દ્વારા એમની સ્થિતિ સુધારી શકાશે. પરંતુ સદીઓના શોષણને અને સામાજિક ત્રાસને કારણે ગરીબ લોકો અને તેમાંયે નીચલા ગણાતા વર્ગોના લોકો પોતાની જાતનું મૂલ્ય, આશા, અને આત્મનિર્ભયતા ગુમાવી બેઠા હતા. એટલે પોતાની જાતમાં આત્મશ્રદ્ધા પ્રેરે તેવા શક્તિના સંદેશની લોકોને આવશ્યકતા હતી. લોકોનો ઉદ્ધાર કરવા માટે ધર્મનિરપેક્ષ અને આધ્યાત્મિક બંને પ્રકારના શિક્ષણના લોકોમાં પ્રચારની જરૂર સ્વામીજીને દેખાઈ. અને આ માટે ‘રંકમાં રંક અને અધમમાં અધમને દ્વારે ઉદાત્તમાં ઉદાત્ત વિચારો આણે તેવા તંત્રની’, તેવી સંસ્થાની આવશ્યકતા હતી.

શિકાગોમાં વિશ્વ ધર્મપરિષદ ભરવાની યોજના વિશે ભારતમાંના પોતાના પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદના સાંભળવામાં આવ્યું. પોતાના ગુરુનો સંદેશ જગત્‌ સમક્ષ રજૂ કરવા માટેનો ઉચિત મંચ એ પરિષદ પૂરો પાડશે તેમ એમને લાગ્યું અને તેથી, એમણે અમેરિકા જવા નિર્ધાર કર્યો. લોકોનો ઉદ્ધાર કરવા માટે આર્થિક મદદ મેળવવાના બીજા કારણે પણ સ્વામીજીને અમેરિકા જવા પ્રેર્યા હતા – ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાંનાં સ્વામીજીનાં પ્રવચનોએ એમને વિશ્વવિખ્યાત બનાવ્યા. પશ્ચિમમાં સ્વામીજીએ જોયું કે, ત્યાંના લોકોએ પોતાના સામાજિક-આર્થિક સમસ્યાઓ ઠીક ઠીક હલ કરી લીધી છે અને હવે એ લોકો પરમ સત્યને તથા જીવનના અંતિમ અર્થને શોધે છે. એમની આ ઉચ્ચતર જરૂરિયાતોને વેદાંત સંતોષશે એમ સ્વામીજીને લાગ્યું હતું.

વિશેષમાં, સ્વામીજીમાં એવી આંતરસૂઝ પ્રગટી હતી કે શ્રીરામકૃષ્ણ વેદાંતનાં સનાતન સત્યોનું મૂર્તિમંત સ્વરૂપ હતા. ઠાકુરનું જીવન વેદાંતના પરમ સત્ય દર્શનનાં વચનોની સિદ્ધિરૂપ હતું અને, કેટલાંક વર્ષો પછી રોમાં રોલાંએ જણાવ્યા પ્રમાણે, ‘ત્રીસ કરોડ લોકોના બે હજાર વર્ષોના આધ્યાત્મિક જીવનની ફલશ્રુતિ’ શ્રીરામકૃષ્ણ હતા. એટલે શ્રીરામકૃષ્ણનાં જીવન અને અનુભૂતિઓની પડઘે વેદાંતને અર્વાચીન ભાષામાં મૂકીને જ આજના જગત સમક્ષ શ્રીરામકૃષ્ણના જીવનનો મર્મ ઉત્તમ રીતે સમજાવી શકાય.

લગભગ સાડા ત્રણ વરસ સુધી પશ્ચિમમાં વેદાંતનો પ્રચાર કર્યા પછી ૧૮૯૭ના જાન્યુઆરીમાં સ્વામી વિવેકાનંદ ભારત પાછા પધાર્યા હતા. પોતાને દરેક સ્થળે અપાયેલા ઉત્સાહભર્યા સ્વાગતના ઉત્તરરૂપે એમણે ભારતમાં વિવિધ સ્થળે પ્રવચનો આપ્યાં હતાં. આ પ્રવચનો દ્વારા સ્વામીજીની નેમ નીચે પ્રમાણે કાર્ય કરવાની હતી :

* લોકોમાં ધાર્મિક ચેતના જગાડવી અને પોતાના સાંસ્કૃતિક વારસા માટેનું ગૌરવ તેમનામાં જાગ્રત કરવું;

* હિંદુ ધર્મના પાયામાં રહેલાં તત્ત્વો ચીંધી બતાવી તેમાં એકતા લાવવી;

* પતિત લોકોની દશા તરફ શિક્ષિત લોકોનું ધ્યાન દોરવું અને, જીવન-વ્યવહારમાં વેદાંતનો અમલ કરવા બાબતની પોતાની યોજના સમજાવવી.

કોલકત્તામાં ૧ મે, ૧૮૯૭ના રોજ શ્રીરામકૃષ્ણના શિષ્યો અને ભક્તોની એક સભા બોલાવીને રામકૃષ્ણ મિશનની સ્વામીજીએ સ્થાપના કરી. ખાસ કરીને ગરીબ અને તક વગરના લોકોને શૈક્ષણિક, તબીબી અને ઈતર સામાજિક સેવા પૂરી પાડવામાં સંતો અને ગૃહસ્થો ખભા મિલાવી સાથે કામ કરે એવો એમનો હેતુ હતો.

શ્રીરામકૃષ્ણે વેદાંતને જે રીતે જીવી બતાવ્યું હતું અને પ્રબોધ્યું હતું તેના ચેતનવંતા સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકવાનું અને તેમનો પ્રચાર કરવાનું તંત્ર ગતિમાન કરી, સાડી ઓગણચાલીસ વર્ષોની વયે, ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજીએ આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો.

શ્રી શારદા દેવી

ત્રેવીસ વર્ષની વયના શ્રીરામકૃષ્ણ ગહન આધ્યાત્મિક સાધનામાં વ્યસ્ત હતા ત્યારે, એમનું મન સંસાર તરફ વાળવાના હેતુથી, કામારપુકુરવાસી એમનાં કુટુંબીજનોએ નજીકના ગામ જયરામવાટીમાં રહેતી શારદાદેવી નામની છોકરી સાથે એમનું લગ્ન કરાવી આપ્યું. રામચંદ્ર મુખર્જી અને શ્યામાસુંદરીદેવી નામનાં ધાર્મિક દંપતીની સૌથી મોટી પુત્રી શારદાદેવીનો જન્મ ૧૮૫૩ના ડિસેમ્બરની ૨૨મી તારીખે થયો હતો. કુટુંબ ખૂબ ગરીબ હતું અને બાળપણથી જ ઘરના કામકાજમાં અને પોતાનાં નાનાં ભાંડુઓને ઉછેરવામાં પોતાનાં માતાપિતાને મદદ કરવામાં જ શારદાનું બાળપણ વ્યતીત થયું હતું. અઢાર વર્ષની વયે પોતાના પિતાની સંગાથે એ પોતાના પતિ પાસે દક્ષિણેશ્વર ચાલતાં ચાલતાં ગયાં હતાં. શ્રીરામકૃષ્ણે એમને ખૂબ પ્રેમથી આવકાર્યાં અને, પોતાનું ઘરકામ કરતાં કરતાં પણ આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું તે તેમને શીખવ્યું. એ બંને પૂરી વિશુદ્ધ રીતે જીવ્યાં અને, પત્ની તરીકે શ્રીરામકૃષ્ણની સેવા કરતાં તથા તેમની શિષ્યા તરીકે શારદાદેવી સાધ્વીની જેમ દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં. દેવી સ્વરૂપે ઈશ્વરની ઉપાસના કરતા શ્રીરામકૃષ્ણે શારદાદેવીમાં દેવીરૂપનો વિશેષ આવિષ્કાર જોયો. એમણે શારદાદેવીનું દેવી તરીકે એકવાર વિધિપૂર્વક પૂજન કર્યું અને એમનામાં દિવ્ય માતૃત્વ જાગ્રત કર્યું.

શ્રીરામકૃષ્ણ ફરતા શિષ્યો વીંટળાવા લાગ્યા ત્યારે, શારદાદેવી એમને પુત્રવત ગણવા લાગ્યાં. ઠાકુરની મહાસમાધિ પછી, એમના શિષ્યોને એકત્રિત રાખવાનું કેન્દ્ર એ બન્યાં અને એ સૌ તેમને પૂજ્યશ્રી મા તરીકે આદર આપવા લાગ્યા. વખત વીતતાં એ પોતે મહાન ગુરુ બન્યાં અને એમની આસપાસ શિષ્યો વીંટાવા લાગ્યા. જગજ્જનનીની જ્યોતિર્મયી ચેતનામાં એ સૌને સમાવી લેવા માટે એમનું માતૃહૃદય ખીલી ઊઠ્યું. એક અભણ ગ્રામકન્યા સમસ્ત વિશ્વની પ્રજાને પોતાનાં બાળકો ગણે અને ‘અખિલ-જનની’ તરીકે આદર પામે તે સમગ્ર માનવજાતના ઇતિહાસમાં અનન્ય હતું.

એમનાં નિષ્કલંક પવિત્રતા, અસાધારણ સહિષ્ણુતા, નિ:સ્વાર્થ-સેવા, નિર્વ્યાજ-પ્રેમ, બુદ્ધિ અને આધ્યાત્મિક જ્યોતને લક્ષમાં લઈને, અર્વાચીન યુગમાં નારીઓ માટેના આદર્શ તરીકે શ્રીશારદાદેવીને સ્વામી વિવેકાનંદ માનતા. ભારતના પતન માટેનું એક અગત્યનું કારણ સદીઓ સુધીની સ્ત્રીઓની અવમાનના હતું. (સામાન્ય પ્રજાની ઉપેક્ષા એ બીજું હતું) તે સમજવાની ઐતિહાસિક સૂઝ સ્વામીજી પાસે હતી. પૂજ્ય શ્રીમાના આગમનથી અર્વાચીન યુગમાં નારીજાગૃતિનો આરંભ થયો હતો અને, માનવજાતની ભાવિ ઉન્નતિ માટે એનાં પરિણામો દૂરગામી હશે એમ એ માનતા.

પૂજ્ય શ્રીમાએ પોતાનું જીવન જયરામવાટી ગામમાં અને, શ્રીરામકૃષ્ણના શિષ્યોએ કોલકત્તામાં એમને માટે લીધેલા ઘરમાં ગાળ્યું હતું. બંને સ્થળોએ પોતાના જીવનના અંત સુધી ગૃહકાર્ય શ્રીમા જાતે કરતાં. ૧૯૨૦ના જુલાઈની ૨૧મીએ પૂજ્ય શ્રીમાએ આ લોકમાંથી વિદાય લીધી હતી.

રામકૃષ્ણ મઠની માફક જ, પૂજ્ય શ્રીમાને કેન્દ્રમાં રાખીને, સ્ત્રીઓ માટે, સંન્યાસિનીઓનો મઠ સ્થાપવાની સ્વામીજીની ઇચ્છા હતી. ૧૯૫૩માં પૂજ્ય શ્રી શારદામાના જન્મશતાબ્દિ વર્ષમાં, સાત મહિલાઓને બેલુડ મઠમાં બ્રહ્મચર્યની દીક્ષા અપાઈ ત્યારે સ્વામીજીની એ ઇચ્છા સંતોષાઈ હતી. ૧૯૫૯માં આઠ બ્રહ્મચારિણીઓને સંન્યાસ દીક્ષા અપાઈ હતી અને શ્રી શારદા મઠ નામે ઓળખાતો નવો પરિવ્રાજિકા મઠ દક્ષિણેશ્વરમાં કાલી મંદિર પાસે સ્થાપવામાં આવ્યો હતો. ૧૯૫૯થી જ રામકૃષ્ણ મઠથી એને તદ્દન અલગ રાખવામાં આવ્યો છે અને ત્યારથી એ સ્વતંત્ર રીતે કાર્યરત છે. રામકૃષ્ણ શારદા મિશન નામની એની જોડકી સંસ્થા ૧૯૬૦માં સ્થપાઈ હતી. રામકૃષ્ણ મઠ અને મિશનની માફક આ બે સંસ્થાઓ પણ શાળાઓ, હોસ્પિટલો અને અન્ય સેવાસંસ્થાઓનું સંચાલન કરે છે.

રામકૃષ્ણ મઠ

હિન્દુ સંન્યાસીપણાનું નવસંસ્કરણ અને અર્વાચીનીકરણ તે સ્વામી વિવેકાનંદની એક અગત્યની સિદ્ધિ હતી. કોલકત્તાની ઉત્તરે વરાહનગરમાં એક જર્જરિત મકાનમાં શ્રીરામકૃષ્ણની પ્રેરણા હેઠળ રામકૃષ્ણ મઠ નામનો નવો સંઘ સ્થાપવામાં આવ્યો હતો. પછીથી કોલકત્તામાં આલમ બજાર વિસ્તારમાં એને ખસેડાયો હતો. સ્વામી વિવેકાનંદના એક પાશ્ચાત્ય શિષ્યે આપેલાં નાણાંની સહાય વડે, ગંગાને પશ્ચિમ તટે, બેલુડમાં જમીનનો મોટો ટુકડો ખરીદવામાં આવ્યો હતો અને, ૧૮૯૯ની બીજી જાન્યુઆરીએ મઠ ત્યાં સ્થાયી થયો હતો.

૧૯૦૧ના જાન્યુઆરીની ૩૦મીએ સ્વામીજીએ ટ્રસ્ટ ડીડ કર્યું અને કેવળ સંન્યાસીઓની બનેલી મંડળીના હાથમાં ટ્રસ્ટનો વહીવટ સુપરત કર્યો ત્યારથી ‘રામકૃષ્ણ મઠ’ નામથી એ સંસ્થા પંજીકૃત (રજિસ્ટર્ડ) થઈ. દેશના વિવિધ ભાગોમાં એની શાખાઓની સ્થાપના કરવામાં આવી. ભારતની ત્રણ હજાર વરસ પુરાણી પરંપરામાં દૃઢમૂલ હોવા છતા અને, ૮મી સદીમાં શંકરાચાર્ય સ્થાપિત દશનામીનો ભાગ હોવા છતાં, પૂર્વની અને પશ્ચિમની સાધુ પરંપરાનાં ઉત્તમ તત્ત્વો સમાવિષ્ટ કરતા સાધુ પરંપરાના નવા પ્રકારનું રામકૃષ્ણ મઠ પ્રતિનિધિત્વ કરે છે.

સાધુજીવનના આ નવીન પ્રકારનું એક વિશિષ્ટ લક્ષણ સેવા ધર્મ પરનો ભાર છે. રામકૃષ્ણ મઠના બધા સંન્યાસીઓ બ્રહ્મચારી તરીકે દીક્ષા લે છે ત્યારે બ્રહ્મચર્યની અને દારિદ્ર્યની પ્રતિજ્ઞા સાથે ગરીબ, રોગી અને અભણોની સેવાની પણ તેઓ પ્રતિજ્ઞા લે છે. રામકૃષ્ણ મઠનાં કેન્દ્રો માત્ર સાધુઓનાં નિવાસસ્થાનો નથી પણ, સમાજની સેવાનાં કેન્દ્રો પણ છે.

સાધુજીવનના આ નવીન પ્રકારનું બીજું લક્ષણ એનો અર્વાચીન અભિગમ છે. બહારના દેખાવ ઉપર નહીં પણ, આંતરિક વિશુદ્ધિ અને અનાસક્તિ પર ભાર દેવામાં આવે છે. સંન્યાસીઓ સીવેલાં વસ્ત્રો પહેરે છે, અર્વાચીન સગવડોવાળા નિવાસોમાં રહે છે અને સંદેશ વ્યવહાર તથા પ્રવાસ માટે અર્વાચીન સાધનોનો ઉપયોગ કરે છે.

ત્રીજી બાબત આદિમાં સ્વામી વિવેકાનંદે ઘડેલા ચોક્કસ નિયમો અનુસાર સંતોનું વ્યક્તિગત અને સામૂહિક જીવન ચાલે છે. હા, ૧૮-૩૦ વર્ષોની વયના યુવાનોને તાલીમાર્થીઓ તરીકે પ્રવેશ આપવામાં આવે છે. એક વર્ષની અને ચાર વર્ષની ઉમેદવારી પછી, એ સાધકને બ્રહ્મચારીની દીક્ષા આપવામાં આવે છે અને, યોગ્ય જણાયું તો, બીજાં ચાર વર્ષ પછી, એને સંન્યાસદીક્ષા અને બીજું નવું નામ આપવામાં આવે છે.

વૈશ્વિક અભિગમ રામકૃષ્ણ મઠનું બીજું લક્ષણ છે. હિન્દુ ધર્મની વિવિધ જ્ઞાતિઓના લોકોને જ એ પોતાના સંન્યાસી સંઘમાં સ્વીકારે છે તેટલું જ નહીં પણ, બીજા ધર્મના અનુયાયીઓનો પણ સ્વીકાર કરે છે. ભિન્ન ભિન્ન પ્રદેશોના ભિન્ન ભિન્ન ભાષાઓ બોલતા ભારતીયો જ નહીં પરંતુ, ઉત્તર અને દક્ષિણ અમેરિકનો, રશિયનો, જાપાનીઓ અને અન્ય રાષ્ટ્રોના લોકો રામકૃષ્ણ મઠોમાં એક જ માતાપિતાનાં સંતાનો તરીકે રહે છે.

શ્રીરામકૃષ્ણે આ ચમત્કાર કર્યો છે. એ મનુષ્યજાતિના મોટા ચાહક હતા. નાત, જાત કે ધર્મના ભેદને એમનો પ્રેમ સ્વીકારતો નહીં. એમનો એ પ્રેમ સમગ્ર સંઘને એકસૂત્રે બાંધી રાખે છે. મિશનનું સભ્યપદ સૌને માટે ખુલ્લું છે. શિક્ષણસંસ્થાઓ, ઔષધાલયો અને હોસ્પિટલો અને બીજા પ્રકારની સંસ્થાઓના સંચાલનમાં સંસારીજનો સંન્યાસીઓને સહાય કરે છે. રામકૃષ્ણ મિશન ૧૯૦૯ની ૪થી મેને દિવસે સંસ્થા (સોસાયટી) તરીકે પંજીકૃત થઈ હતી અને એની શાખાઓ પણ ભારતભરમાં અને કેટલાક પરદેશોમાં કાર્યરત છે.

(ક્રમશ:)

Total Views: 312

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.