(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે લેખંબા ખાતે રામકૃષ્ણ મઠ, અમદાવાદમાં પ્રાર્થનામંદિર અને સાધુનિવાસનું ઉદ્‌ઘાટન થયું હતું. તેનો શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ આલેખેલ અહેવાલ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

ગુજરાતનાં પાટનગર યુગ્મ શહેરો અમદાવાદ-ગાંધીનગર માટે દીર્ઘકાલીન પ્રતિક્ષિત એવું આંતરરાષ્ટ્રીય ફલક પર લબ્ધપ્રતિષ્ઠિત અને સ્વામી વિવેકાનંદે સ્વયં સ્થાપેલ રામકૃષ્ણ મઠ, બેલુરની શાખા અમદાવાદમાં ડિસેમ્બર, ૨૦૨૧થી વસ્ત્રાપુરમાં કલ્યાણ ટાવરમાં રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્રને હસ્તાંતરિત કરી શરૂ કરાઈ હતી.

અહીં એ પણ એક ખાસ નોંધનીય ઘટના લોકોએ યાદ કરવાની રહે છે કે રામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદે સંન્યાસી બનીને ભારતભરમાં વિચરણ કર્યું હતું. તેઓએ ગુજરાતમાં પણ અન્ય સ્થળોની સાથે સાથે અમદાવાદની ભૂમિને પણ પાવન કરી હતી અને તે વખતના સબજજ શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીના મહેમાન બન્યા હતા.

આ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા સાણંદ તાલુકાના લેખંબા ગામમાં ભક્તો અને શુભેચ્છકોના ઉમદા સહકારથી ખાનગી જમીન મેળવાઈ હતી.આ લેખંબા ગામ સાણંદથી નળસરોવરના રસ્તે સાત કિલોમીટરના અંતરે આવેલું છે. સાચું ભારત ગામડાઓમાં વસેલું છે. સ્વામી વિવેકાનંદના આ વિધાનને અહીં યોગ્ય ઠરાવાયું છે. આ મઠનું મંડાણ થતાં આ ગામ અને આસપાસના વિસ્તારના લોકોને શિક્ષણ અને આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ નિઃસ્વાર્થ સંચાલન હેઠળ મળશે.

પ્રથમ તબક્કે બનેલ નૂતન પ્રાર્થનાખંડ અને સાધુનિવાસનું પરમ પૂજ્ય શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજીના હસ્તે ઉદ્‌ઘાટન થયું.

પ્રથમ તબક્કાના નિર્માણની વિગતો આપતાં રામકૃષ્ણ મઠ,અમદાવાદના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભુસેવાનંદજીએ જણાવ્યું હતું કે ભક્તો અને દાતાઓના સહકારથી અત્યારે પ્રારંભિક તબક્કામાં પ્રાર્થનાખંડ, સાધુનિવાસ તેમજ ભોજનકક્ષનું નિર્માણ થઈ ગયું છે. તેનું ઉદ્‌ઘાટન સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સત્તરમા પરમાધ્યક્ષ ૯૬ વર્ષીય શ્રીમદ્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ્ હસ્તે તારીખ નવમી ડિસેમ્બર, ૨૦૨૪, સોમવારે થયું હતું.

આ પ્રસંગે ત્રણ દિવસ ઉદ્‌ઘાટન સમારોહ તારીખ આઠમી ડિસેમ્બર, રવિવારથી દસમી ડિસેમ્બર, મંગળવાર સુધી ઉમંગભેર ઉજવાયો હતો. પ્રથમ દિવસે સવારે પરમ પૂજ્ય શ્રીમદ્ સ્વામી ગૌતમાનંદજી મહારાજે લેખંબામાં પધરામણી કરી. તેઓશ્રીને એક સુશોભિત રથમાં બિરાજમાન કરાયા હતા. તેઓશ્રીનું ભારતીય સંસ્કૃતિની પરંપરાગત શૈલી મુજબ સામૈયું કરીને, લોકો દ્વારા પુષ્પવૃષ્ટિ તેમજ ડ્રોન દ્વારા પણ પુષ્પવૃષ્ટિ કરીને, હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

બપોરના સત્રમાં રામકૃષ્ણ મિશન, શ્રીનગરના સચિવ શ્રીમત્ સ્વામી વિનિર્મુક્તાનંદજી, પ્રખ્યાત ગુજરાતી ગાયક શ્રી વિકાસભાઈ પરીખ તથા
શ્રી નિરંજનભાઈ પંડ્યાએ ભજનો અને ભક્તિગીતો રજૂ કર્યાં હતાં. ધર્મસભાના સત્રમાં રામકૃષ્ણ વેદાંત સેન્ટર, સેક્રામેન્ટો, યુ.એસ.એ.ના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રપન્નાનંદજીએ અધ્યક્ષીય ભાષણ આપ્યું હતું. રામકૃષ્ણ વેદાંત સેન્ટર, બોર્ન ઍન્ડ, યુ.કે.ના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સર્વસ્થાનંદજીએ ઈશ્વરપ્રાપ્તિ એ જ લક્ષ્ય છે એમ સમજાવ્યું હતું.

રામકૃષ્ણ મિશન, સિંગાપુરના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સમચિત્તાનંદજીએ ‘શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા અને આધ્યાત્મિક જીવન’ એ વિષય પર શાસ્ત્રોનું વૈવિધ્ય તથા માહાત્મ્ય વર્ણવ્યું હતું અને સિંગાપુરમાં ધર્મોની સંવાદિતા જાળવી રાખવા માટે કાયદો ઘડાયેલો છે એ વિશેષતા દર્શાવી હતી. રામકૃષ્ણ મઠ, હૈદરાબાદના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી બોધમયાનંદજી દ્વારા મનનીય પ્રવચન અપાયું હતું. ઉપસ્થિત શ્રોતાગણે આ બધાં પ્રવચનો મનભરીને માણ્યાં હતાં.

આ ધર્મસભા પછી માલધારી રાસ મંડળ, સુરેન્દ્રનગર તરફથી શ્રી નટવરભાઈ પરમારના નેતૃત્વ હેઠળ ‘ગોપરાસ’, જુડ્વો રાસ, દાંડિયારાસ રમાયા હતા, જેનો પૂર્વપ્રાસંગિક પરિચય શ્રી ઘનશ્યામભાઈ ગઢવીએ આપ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત નૃત્યકલાકારો શ્રી ભરત બારીયા, અક્ષય પટેલના જૂથે પ્રજ્વલિત દીપમાળા સાથે નૃત્યવંદના તેમજ  ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ,…’ અને ‘ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો..’ એ ભજનો પર આધારિત અને ‘વાગ્યાં ડાકલાં માનાં’ મહાકાળીને આહ્વવાન કરતી તથા ‘રામ આયેંગે મેરી ઝોંપડી કે ભાગ ખૂલ જાયેંગે..,’ એ સંગીતબદ્ધ શબ્દોથી નૃત્યવંદના પ્રસ્તુત કરી હતી.

આ સમારોહના બીજા એટલે કે મુખ્ય દિવસે નવમી ડિસેમ્બર, સોમવારે વહેલી પ્રભાતે પાંચ વાગ્યે મંડપમાં મંગલ આરતી અને વૈદિક મંત્રોચ્ચાર થયા બાદ સુપ્રભાતે નવનિર્મિત પ્રાર્થનાખંડની પ્રદક્ષિણા ફરતે સતત ભજનસભર દિવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સાધુઓ પ્રથમ હરોળમાં અને તેમના પછી દર્શનાર્થી ભક્તો જોડાયા હતા અને પવિત્ર વાતાવરણમાં પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત પ્રાર્થનાખંડ અને સાધુનિવાસનું લોકાર્પણ થયું હતું.

નૂતન પ્રાર્થનાખંડમાં વિશેષ આસન પર પ્રતિષ્ઠિત આસનસ્થ થયેલ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદામણિદેવી તેમજ સ્વામી વિવેકાનંદની શોભાયમાન તસવીરોનાં દર્શન દરમ્યાન ભક્તિગીતો અને વિશેષ પૂજા-અર્ચના થયાં હતાં.

મંડપમાં એક કલાક  સુધી શારદા સંગીત અકાદમી, ઇન્દોરનાં ડૉ.આભા ચૌરસિયા અને ડૉ.વિભા ચૌરસિયાએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પીરસ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલ જાહેરસભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભુસેવાનંદજીએ સ્વાગત વક્તવ્ય બાદ પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા અને મંચસ્થ વક્તા સ્વામીજીઓનું સ્વાગત પાઘડી, કચ્છી શાલ, સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘ભારતમાં આપેલાં ભાષણો’ તેમજ સ્વામી વિવેકાનંદનો ફોટો, અશોક સ્તંભ, ખાદીનો રાષ્ટ્રધ્વજ જેવાં વિવિધ પ્રતીકોથી સન્માન કર્યું હતું.

આ સન્માનમાં લેખંબાના સરપંચ શ્રી અભેસિંહ રાણા તથા સાણંદના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ પટેલ જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વામી વિવેકાનંદનો ગુજરાત સાથેનો સંબંધ તથા તેમના રાષ્ટ્રના કલ્યાણ માટે વિચારોને રજૂ કર્યા હતા. સેવાકાર્યો માટે રામકૃષ્ણ મઠ અને મિશનની પ્રસરતી શાખાઓ અંગે વિગતે વાત કરી હતી. ગુજરાતમાં  ‘વિવેકાનંદ ટુરિસ્ટ સર્કીટ’ માટે રૂપિયા ૧૨૦ કરોડ ગુજરાત સરકારે ફાળવ્યા છે એમ તેમણે જણાવ્યું ત્યારે શ્રોતાવર્ગમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.

સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સહસચિવ શ્રીમત્ સ્વામી તત્ત્વવિદાનંદજીએ શ્રીરામકૃષ્ણના વૈશ્વિક, સાર્વજનીન મંદિર વિશે મહત્ત્વપૂર્ણ વાતો કરી હતી. ભારતીય સંસ્કૃતિ મંદિરકેન્દ્રી રહી છે અને રામકૃષ્ણ ભાવધારા એ અસીમ, શુદ્ધ ધર્મની ધારા, અદ્વૈત સ્થિતિની છે, વૈશ્વિક સ્તરીય છે અને એમાં ઈશ્વરપ્રાપ્તિ માટે વ્યાકુળતા સાથે સેવાયોગ છે, આ નવધર્મ છે એટલે વૈશ્વિક, સાર્વજનિક છે, જે સહુની ચેતનાને જગાવતી રહે છે એમ રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજીએ સમજાવ્યું હતું.

પોતે સાણંદનું સંતાન છે એટલે આત્મીયભાવથી લેખંબા ગામમાં આ મઠના આગમનને વધાવીને ગૌરવ ગણાવીને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી ડૉ.જયેન્દ્રસિંહ જાદવે છટાદાર શૈલીમાં સ્વામી વિવેકાનંદના કેળવણીના આધારસ્તંભ ‘મનુષ્યનિર્માણ અને ચરિત્રનિર્માણ’ થકી ભારત વિકસિત ભારત બની રહેશે, તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને-યંત્રપ્રજ્ઞાને ચૈતન્યપ્રજ્ઞા પાછળ રાખી દેશે એવો વિશ્વાસ એમણે પ્રગટ કર્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ ઉદ્‌ઘાટનની ઘડીને રળિયામણી ગણાવીને અનુરોધક વાણીમાં કહ્યું હતું કે અમદાવાદ શહેર જેમ ઝડપથી વિકસતું શહેર છે તેમ રામકૃષ્ણ મઠ, અમદાવાદ પણ દ્રુત ગતિથી વિકસતું મઠનું કેન્દ્ર બની રહયું છે તેનો આનંદ છે, આ મઠ ભાવિ પ્રકલ્પોમાં સરકારશ્રીના સહયોગથી આગળ વધે છે, છેલ્લા દાયકાથી કેટલીય જમીનો જોયા પછી આખરે જમીન મળવાનું કામ અટકી જતું હતું પણ હવે લેખંબાના લોકો ભાગ્યશાળી છે કે આ નિર્માણમાં આ ગામની ભૂમિ પસંદ થઈ છે, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિવેકાનંદના વિચારોને વરીને દેશસેવા કરી રહ્યા છે.

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ખાસ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે પોતે આગળ વધ્યા છે તેમાં આ સંસ્થાનું મહત્ત્વનું પ્રદાન છે. સ્વામી વિવેકાનંદના વિચારોને અનુસરીને ભારત ચોક્કસ વિકસિત દેશ બનશે. આધ્યાત્મિકતા અને દીર્ઘકાલીન વિકાસ આ બંને ભારત ઇચ્છે છે જે ભારતને વિશ્વગુરુ બનવા સુધી લઈ જઈ શકશે. ઊર્જાવાન યુવાનો દેશને જોઈએ છે તેનું આહ્વવાન કરીને આ રામકૃષ્ણ મઠ ગુજરાત અને ભારતને નવી ચેતના પૂરી પાડશે એવો વિશ્વાસ એમણે પ્રગટ કર્યો હતો. સાણંદનાં સંસ્મરણો તાજાં કરીને અને રામકૃષ્ણ મઠ ગુજરાતના અનેક સંકટકાળે લોકોની સેવા માટે આગળ ધસી આવેલ છે, એ તેઓશ્રી સારી રીતે જાણે છે એમ કહી, આ તબક્કે, આ ઉદ્‌ઘાટન પ્રસંગે, ભાવભરી શુભેચ્છાઓ પ્રગટ કરી હતી. ૨૪ મિનિટના આ વીડિયો સંદેશમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરાનો દિલારામ બંગલો સ્વામી વિવેકાનંદનું સ્મૃતિમંદિર બનાવવા માટે પોતે પ્રત્યક્ષપણે બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને રૂબરૂમાં સોંપ્યો હતો તેની પણ વાત કરી હતી. સ્વામી વિવેકાનંદે ભારતભ્રમણ દરમ્યાન ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદમાં ૧૮૯૧માં આવ્યા હતા અને ગુજરાત વિચરણ કરતાં શિકાગો વિશ્વધર્મપરિષદની સભામાં ભાગ લેવા માટેની માહિતી મળી હતી. પોરબંદરમાં ગહન ગ્રંથોનું અધ્યયન પણ સ્વામીજીએ કર્યું હતું, આમ કહી તેઓએ ગુજરાતનું ગૌરવ પણ પ્રગટ કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટનો પ્રારંભ થઈ રહ્યો છે, એ વાતને તેમણે હર્ષપૂર્વક વધાવી લીધી હતી.

આ ધર્મસભાના સમાપન સમયે પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજે પ્રસન્નવદને કહ્યું હતું કે જે કામ પાંચ-પચીસ વરસે પૂર્ણ થાય એવો અંદાજ હતો તેને બદલે માત્ર અઢી વર્ષમાં થઈ ગયું તેનો ખૂબ આનંદ છે. આ શ્રીરામકૃષ્ણદેવની કૃપા છે. શ્રીરામકૃષ્ણનો પ્રેમ ભારતને એક કરે છે. આપણે બધાં પરમાત્માનાં સંતાનો છીએ, આત્મા સ્વરૂપ છીએ, ભેદભાવ નથી. સ્વામી વિવેકાનંદનો ભારતપ્રેમ વિશ્વજનીન છે. બીજા દેશોના લોકોનો દેશપ્રેમ પોતાની હદ સુધી સીમિત હોય છે જ્યારે આપણે એવા નથી. આપણો દેશપ્રેમ, ભારત પ્રત્યેનો પ્રેમ બીજા દેશોને જોડે છે, વિસ્તરે છે, આપણે તો ‘વસુધૈવ કુટુંબકમ્’માં માનીએ છીએ. આપણું ગણતંત્ર આ પ્રકારનું છે. આ લેખંબા પર શ્રીરામકૃષ્ણની કૃપા છે. સહુને સૌભાગ્ય પ્રાપ્ત થાઓ, એવાં આશીર્વચન તેઓએ આપ્યાં હતાં.

ત્યાર પછી બાળ-કલાકારો સુતીર્થ સરકાર તેમજ સુપ્રીતા સરકારે ઠાકુરનાં ભક્તિગીતો પ્રસ્તુત કર્યાં હતાં. કોલકાતાના પ્રખ્યાત ઓડિસી નૃત્ય કલાકાર શ્રી જગત જ્યોતિ બેનરજીએ શિવતાંડવ તેમજ ગીત-ગોવિંદમાંથી પસંદ કરેલા અંશો ઉપર ઓડિસી નૃત્ય રજૂ કર્યું હતું અને બેંગલુરુના ષડજ અકાદમીના સ્થાપક હિન્દુસ્તાની ગાયક શ્રી દત્તાત્રેય વેલણકરે ભક્તિસંગીત પીરસ્યું હતું.

સાંજે ધાણેટી-કચ્છના ગ્રામીણ ભક્તસમૂહે ગીતાબહેન રણછોડ છાંગાના નેતૃત્વ હેઠળ પ્રખ્યાત બેડારાસ અને દેશી રાસગરબા રમીને તેનું ભાવમય નિદર્શન કર્યું હતું. ત્યાર બાદ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર શ્રી સાંઈરામ દવેએ તથા શ્રી બિમલભાઈ મહેતાએ તેમના બંનેના વાદકોના જૂથે લોકડાયરાની લોકપ્રિય અને હળવી શૈલીમાં ઠાકુરનાં કાલી-દર્શનની તાલાવેલી સહિતના જીવનપ્રસંગો અને નરેન્દ્રનાથ સાથેની સંગતની ઘટનાઓ સૌપ્રથમ વખત જ લેખંબામાં રજૂ કરીને શ્રોતાજનોનાં દિલ જીતી લીધાં હતાં.

નૂતન પ્રાર્થનાખંડમાં સ્વામી વિવેકાનંદ રચિત અને સંગીતબદ્ધ કરેલ શ્રીરામકૃષ્ણદેવની સંધ્યાઆરતી પણ પ્રથમ દિવસથી જ દીપ, શંખ, વસ્ત્ર, પુષ્પ અને ચામરથી નિયત વિધિવિધાન મુજબ થઈ હતી.

ત્રીજા દિવસે, દસમી ડિસેમ્બર, મંગળવારે અગાઉથી નોંધાયેલા જિજ્ઞાસુઓને પરમ પૂજ્ય શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજે પ્રાર્થનાખંડમાં આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું, જે આધ્યાત્મિક તકનો દિવ્ય પ્રસંગ અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ સ્થાને અંકિત થયો હતો.

સમાપનના દિવસે સવારે રામકૃષ્ણ મઠ, હરિપદ, કેરળના શ્રીમત્ સ્વામી વીરભદ્રાનંદજીએ ધ્યાન પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે દૈનિક જીવનમાં ધ્યાનની કળા સાધી લેવાથી આધ્યાત્મિક જીવનમાં આગળ વધી શકાય છે. શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજી દ્વારા ‘માર્ગદર્શિત ધ્યાન’ ઉપસ્થિત લોકોને કરાવાયું હતું તથા શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરાવ્યો હતો. રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુખાનંદજીએ ‘શ્રીરામચરિતમાનસ’ના પ્રસંગો પર સંગીતમય શૈલીમાં ચોપાઈઓ રજૂ કરીને ભગવાનના નામનું માહાત્મ્ય સમજાવ્યું હતું.

સમાપનના અંતિમ સોપાનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત સામયિક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સંપાદકીય સહકાર સમિતિના સદસ્ય શ્રીમત્ સ્વામી ગુણેશાનંદજીએ  ‘શ્રીમદ્‌ ભાગવત’માં મોક્ષના માર્ગની સમજૂતિ આપીને રામકૃષ્ણ ભાવધારાના અનુસંધાને વ્યાખ્યાન આપ્યું હતું. સમૂહમાં શ્રીરામકૃષ્ણ શરણમ્ ધૂન અને જયઘોષ પછી આ કાર્યક્રમો સંપન્ન થયા હતા.

આ ત્રણેય દિવસોમાં સવારે નવ વાગ્યાથી  રાતે નવ વાગ્યા સુધી ‘યશોગાથા ગુજરાતની’ તથા ‘સ્વામી વિવેકાનંદ અને ગુજરાત’ વિષયક શ્રી ઘનશ્યામભાઈ ગઢવી દ્વારા રજૂ થયેલું પ્રદર્શન લોકોએ નિહાળ્યું હતું.

આ ઉદ્‌ઘાટન સમારોહ ભવ્ય ભારતના અને ખાસ કરીને ગુજરાતની ભવિષ્યની પેઢીના નિર્માણના ઇતિહાસમાં દિશાસૂચક બની રહેશે તેમજ નવવેદાંત પરનું સ્વામી વિવેકાનંદનું ચિંતન અને દર્શન આપનાર અને પ્રબુદ્ધ અને દેશભક્ત નાગરિકોનું ઘડતર કરનાર બની રહેનાર છે, કેમ કે આ મઠ હવે બીજા તબક્કાના નિર્માણકાર્ય માટે લોકોના ઉદાર સહયોગ તરફ મીટ માંડે છે કે હજી ‘રામકૃષ્ણ સાર્વજનીન મંદિર’, અદ્યતન ટેક્નોલોજી પર આધારિત ‘વિવેકાનંદ થીમ પાર્ક’, અન્ય શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ માટેનાં ભવન સત્વરે બંધાય અને સ્વામી વિવેકાનંદે પોતે આપેલા મંત્ર ‘આત્માનો મોક્ષાર્થમ્ જગત્‌ હિતાય ચ’ને સિદ્ધ કરવા તરફ ગતિ થાય.

આ જ મંત્રને એમણે આ મઠનો મુખ્ય મંત્ર ગણાવ્યો છે જે મઠનું વડું મથક પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં બેલુર મઠ ખાતે આવેલું છે. આજે તેની વિશ્વભરમાં, દેશવિદેશમાં ૨૮૩ જેટલી શાખાઓ છે જેમાં ભારતમાં ૨૧૫ અને ૬૮ જેટલી શાખાઓ વિદેશમાં છે. ગુજરાતમાં રાજકોટમાં આવેલ શ્રીરામકૃષ્ણ આશ્રમ છેક ૧૯૨૭માં શરૂ થયેલ અને એમાં બેલુર મઠની પ્રતિકૃતિ સમું શ્રીરામકૃષ્ણદેવનું મંદિર દિવ્ય અને પવિત્ર આંદોલનસભર વાતાવરણ ધરાવે છે. લીંબડી, પોરબંદર, વડોદરા ભુજ, અમદાવાદ અને આદિપુર—આમ ગુજરાતમાં હાલમાં સાત શાખાકેન્દ્રો છે. વિશેષમાં ભારતમાં બારસો જેટલાં ભક્તો દ્વારા સંચાલિત સેવાકેન્દ્રો પોતાનાં કેન્દ્રો પોતાને ત્યાં મઠ બની જાય તેની પ્રતીક્ષામાં છે. ગુજરાતમાં પણ આવાં દસ કેન્દ્રો મઠના સંન્યાસીઓના માર્ગદર્શન હેઠળ સેવાકાર્યો કરી રહ્યાં છે. સામાન્યતઃ દરેક રાજ્યના પાટનગરમાં આ મઠ-મિશનનાં શાખાકેન્દ્રો થયેલાં છે. હવે ગુજરાતમાં પાટનગર સમાં યુગ્મશહેર ગાંધીનગર-અમદાવાદ જિલ્લામાં આ લેખંબા ગામ ભાગ્યશાળી બન્યું છે જ્યાં બહુજનહિતાય અને બહુજનસુખાય હેતુઓને વરેલી વિવેકાનંદે સ્વયં સ્થાપેલી સંસ્થાએ પધરામણી કરી છે. આ અનેરા પ્રસંગે દેશવિદેશમાંથી રામકૃષ્ણ મિશનના ૧૨૬ સ્વામીજીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ૩૦,૦૦૦થી વધુ ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો.

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.