(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. – સં.)

સ્નાનયાત્રાના પાવનકારી દિવસે કલકત્તા પાસે આવેલ દક્ષિણેશ્વરમાં શ્રીશ્રીભવતારિણી કાલીમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ હતી. ૨૨ જૂન, ૨૦૨૪ના રોજ આ જ પાવનકારી દિવસે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું એક વધુ શાખા-કેન્દ્ર રામકૃષ્ણ મઠ, આદિપુરરૂપે ઉમેરાયું. ગુજરાતમાં સૌથી જૂનું કેન્દ્ર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; પછી રામકૃષ્ણ મિશન, લીંબડી; રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર; રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા; રામકૃષ્ણ મઠ, અમદાવાદ; રામકૃષ્ણ મઠ, ભુજ અને હવે આદિપુરમાં રામકૃષ્ણ મઠ અને મિશનનું સાતમું કેન્દ્ર શરૂ થયું.

આ કેન્દ્ર શરૂ થવામાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની કૃપા તો અવશ્ય છે જ. એ ઉપરાંત અનેક મહાપુરુષ અને ઉદાર મનના મહાનુભાવોનાં આશા, વિશ્વાસ, શ્રદ્ધા-ભક્તિ અને સહાયતાથી આ કેન્દ્રની શરૂઆત થઈ છે.

કરાચીમાં રામકૃષ્ણ મઠ હતો અને ત્યાં ઘણાય સિંધી લોકો પરમ પૂજ્ય રંગનાથાનંદજી મહારાજના સંપર્કમાં હતા. જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે શ્રી ભાઈકાકાની દૂરદર્શિતા તેમજ પરમ પૂજ્ય સ્વામી રંગનાથાનંદ મહારાજની સહાયતાથી સિંધી લોકો માટેની આદિપુર-ગાંધીધામમાં વસાહત શરૂ થઈ. કરાચીનો આશ્રમ વેચીને તેના પૈસા બેલુર મઠમાં જમા કરવામાં આવ્યા હતા.

બીજા એક સિંધી આગેવાન કાકા તોલાણી પણ પૂજ્ય સ્વામી રંગનાથાનંદ મહારાજ સાથે ઘનિષ્ઠ રૂપે સંકળાયેલા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેઓ મુંબઈ આવ્યા અને વેપાર શરૂ કરીને એમાં ખૂબ સફળતા મેળવી. ત્યાર બાદ તેમણે આદિપુર-ગાંધીધામમાં પોતાના જે સિંધી લોકો વસતા હતા તેમના શિક્ષણ અર્થે તોલાણી ફાઉન્ડેશનની શરૂઆત કરી અને તેમાં પણ એમને ખૂબ જ સફળતા મળી.

૨૧ સપ્ટેમ્બર, ૧૯૭૭ના રોજ ‘પ્રભુદર્શન’ નામના ખૂબ જ સુંદર ઓડિટોરિયમનું તોલાણી કાકાએ પરમ પૂજ્ય સ્વામી રંગનાથાનંદજી મહારાજના કરકમલો દ્વારા ઉદ્‌ઘાટન કરાવ્યું. ત્યારે પ્રથમ વાર તોલાણી કાકાએ રંગનાથાનંદજી મહારાજ સમક્ષ આગ્રહ વ્યક્ત કર્યો અને વિનંતી કરી કે કરાચી જેવો આશ્રમ આદિપુરમાં થાય તો ખૂબ જ સારું કહેવાય.

તોલાણી કાકાએ આદિપુરમાં અત્યારની જે જગ્યા છે તે પણ બતાવી અને સિંધ રિસેટલમેન્ટ કોર્પોરેશન પાસેથી આ જમીન આધ્યાત્મિક કેન્દ્ર અને સમાજસેવા માટે મળે તે અર્થે પ્રયત્ન કરવાની પણ રજૂઆત કરી. પૂજ્ય સ્વામી રંગનાથાનંદજીએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો અને આશીર્વાદ આપીને કહ્યું તમે લોકો એક મંડળી રચો, થોડી થોડી સેવા શરૂ કરો, ભવિષ્યમાં એક સુંદર કેન્દ્ર શરૂ થશે.

૧૯૮૮માં (પ્રિભદાસ) તોલાણી કાકાએ અંતિમ શ્વાસ લીધા. તેમની અંતિમ ઇચ્છા હતી કે આદિપુરમાં પણ રામકૃષ્ણ મઠ સ્થપાય. મોહન ચંદનાની તેમના ખૂબ નજીકના મિત્ર હતા અને તોલાણી કાકાની અંતિમ ઇચ્છા મુજબ તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ગયા અને આદિપુરમાં રામકૃષ્ણ મઠ બને તે માટે શું શું કરવું જોઈએ તે માટેની બધી વિગતો પૂછી.

ત્યાંના તત્કાલીન અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી મુમુક્ષાનંદ મહારાજે એક સેવા-કેન્દ્ર સ્થાપવાની વાત કહી અને તેના ઉદ્‌ઘાટનમાં શ્રીરામકૃષ્ણ જ્યોતના સંપાદક સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજને આદિપુર મોકલ્યા. તેમના હસ્તે આદિપુરમાં ૧૯૯૧માં રામકૃષ્ણ સેવા કેન્દ્રનું રજિસ્ટ્રેશન થયું અને ધીરે ધીરે એ લોકોએ સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી‌.

ત્યાર બાદ મોહન ચંદનાની, લક્ષ્મણ દરિયાણી સાહેબના પિતાજી, ભૃગુઋષિ વ્યાસ સાહેબ અને અન્ય મહાનુભાવોએ પ્રયત્ન કરી સિંધ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા રામકૃષ્ણ સેવા કેન્દ્રને આધ્યાત્મિક અને સેવા-કાર્ય માટે અત્યારની જમીન પ્રાપ્ત કરાવી.

ત્યાર બાદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સહાયતાથી આ જમીન પર ૨૦૦૩માં પ્રાર્થના મંદિર તથા ૨૦૦૯માં શારદાભવનની સ્થાપના થઈ અને રામકૃષ્ણ સેવા કેન્દ્રે વિવિધ પ્રકારની સેવા-પ્રવૃત્તિ શરૂ કરી. તેમાં તોલાણી કાકાનાં સુપુત્રી અંજના હજારે, લક્ષ્મણ દરિયાણી, માવજીભાઈ સોરઠીયા, રાજુભાઈ જોષી, ભારતીબેન, રશ્મિબેન, સુનિલભાઈ ઠાકુર, હિમાંશુભાઈ, સુગંધાબેન, વિશાલ તન્ના, પ્રિયકાન્તભાઈ, વઝીરભાઈ, નિર્મલભાઈ, સંદીપ, બેન અદિતિ, તેજસ્વિની, પ્રમેશભાઈ વેદ વગેરે કેટલાય ભક્તોની સહાયતાથી આ રામકૃષ્ણ સેવા કેન્દ્ર ધમધમવા લાગ્યું. અંજનાબેન હજારેની અધ્યક્ષતા તથા માર્ગદર્શન હેઠળ અવારનવાર આ કેન્દ્રને બેલુર મઠની શાખા તરીકે સ્વીકારવાની સૌ ભક્તો વિનંતી કરવા લાગ્યા.

તોલાણી કાકાનાં સુપુત્રી અંજનાબેન બેલુર મઠના ટ્રસ્ટી મંડળના કોઈ પણ સંન્યાસી આવે તેમને વારંવાર વિનંતી કરતાં અને કહેતાં, ‘હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારા પિતા તોલાણી કાકાની તેમજ સ્વામી રંગનાથાનંદ મહારાજની ઇચ્છા હતી કે આદિપુરમાં રામકૃષ્ણ મઠનું કેન્દ્ર બને, તો સત્વરે બેલુર મઠનું શાખા કેન્દ્ર બને તેવી હું વિનંતી કરું છું.’

ઠાકુર, મા અને સ્વામીજીની કૃપાથી ૨૦૨૧માં બેલુર મઠે રામકૃષ્ણ સેવા કેન્દ્રની વિનંતી સ્વીકારી અને પોતાના શાખા-કેન્દ્ર તરીકે સ્થાપવા માટેની પરવાનગી આપી. આ અતિ ઉત્સાહભર્યો અને આનંદદાયક સંદેશ સાંભળ્યાના બે મહિના પછી અંજના હજારેએ આ જગતમાંથી વિદાય લીધી.

બેલુર મઠના આદેશ પ્રમાણે ૬ માર્ચ, ૨૦૨૨ના રોજ સ્વામી મંત્રેશાનંદ તથા સ્વામી તિતિક્ષાનંદજી મહારાજને આદિપુરમાં રામકૃષ્ણ સેવા કેન્દ્રને રામકૃષ્ણ મઠમાં રૂપાંતરિત કરવા માટેની વિધિવત્‌ પ્રક્રિયામાં સહાયક રૂપે મોકલવામાં આવ્યા. શ્રી લક્ષ્મણભાઈ દરિયાણી સાહેબ, વિશાલભાઈ તન્ના વગેરેની અત્યંત ઉત્સાહ, શ્રદ્ધા અને સહકારભરી સહાયતાથી આ કાર્ય આગળ વધવા લાગ્યું.

ચેરિટી કમિશ્નર ભુજ – રાજકોટની પરવાનગી, સિંધુમેન્ટ કોર્પોરેશનની પરવાનગી, કંડલા ટ્રસ્ટ પોર્ટની પરવાનગી શ્રીમાની કૃપાથી કુનેહપૂર્વક પાર પડી. ભુજ જિલ્લાના મુખ્ય ચેરિટી કમિશ્નરે ૯ મે, ૨૦૨૩થી છ મહિના સુધીમાં આ સેવા-કેન્દ્રને રૂપાંતરિત કરવા માટેની સમય-મર્યાદા આપી.

હવે મુખ્ય પ્રશ્ન જંત્રી શુલ્કનો હતો. ભારતમાં વિવિધ સરકારો રામકૃષ્ણ મઠ-મિશનને જંત્રી નિ:શુલ્ક કરી આપે છે. તે અનુસાર ગુજરાત સરકારને પણ જંત્રી-નિઃશુલ્કની વિનંતી કરવા માટે મુખ્યમંત્રી અને ગાંધીનગરના મુખ્ય ચેરિટી કમિશ્નરને આ બાબતની રજૂઆત કરવા માટે સ્વામી મંત્રેશાનંદે અને બીજા ભક્તોએ વારંવાર તેમની મુલાકાત લીધી.

આ દરમિયાન ભુજ ચેરિટી કમિશ્નરે આપેલ સમય-મર્યાદા પૂર્ણ થવાના આરે હતી ને ફરી તેમને સમય-મર્યાદા વધારવા માટે વિનંતી કરી. ભુજ કમિશ્નરે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કહ્યું કે ફરી ચાર મહિના એટલે કે ૯ માર્ચ, ૨૦૨૪ સુધીમાં રામકૃષ્ણ સેવા-કેન્દ્રમાંથી રામકૃષ્ણ મઠ તરીકે રૂપાંતરણ કરવા માટેનો વિધિ પૂર્ણ કરી લેવાનો રહેશે.

અનેક પ્રયત્નો કરવા છતાં સરકારે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ લેખિત પત્ર દ્વારા જાણ કરી કે જંત્રી નિઃશુલ્ક થઈ શકશે નહીં. હવે સમય ખૂબ ઓછો હતો, લગભગ દોઢ મહિનામાં આ કાર્ય પૂર્ણ કરવાનું હતું! પરંતુ જંત્રીની રકમ લગભગ ૧ કરોડને ૩૦ લાખ જેટલી હતી. આવડી મોટી રકમ ક્યાંથી લાવવી?

બેલુર મઠના કાયદા વિભાગના અધ્યક્ષની સલાહ લેવામાં આવી ત્યારે જાણવામાં આવ્યું કે કરાચી આશ્રમ દ્વારા જે રકમ પ્રાપ્ત કરી હતી તે સિંધી લોકોની વસાહત (આદિપુર) વચ્ચે જે આશ્રમ બને ત્યાં આ રકમનો ઉપયોગ કરવો એવો ઠરાવ પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી રંગનાથાનંદ મહારાજ કરી ગયેલ છે! આશ્ચર્યની વાત એ છે કે તે રકમ વ્યાજ સાથે વધતાં વધતાં રામકૃષ્ણ મઠ બનવા માટે જે જંત્રીની જરૂર હતી (એક કરોડ અને ૩૦ લાખ) બરાબર તેટલી જ થઈ હતી!

આ ઠરાવ અંગેની વાત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સહસચિવ મહારાજને કરતાં તે રકમ તરત રામકૃષ્ણ મઠની સ્થાપના માટે જંત્રીરૂપે સરકારને ૬ માર્ચ, ૨૦૨૪ના રોજ જમા કરાવવામાં આવી. આમ, કાયદાકીય રીતે રામકૃષ્ણ મઠ, આદિપુરની સ્થાપના થઈ! જાણે એક દિવ્ય યોજના! રામકૃષ્ણ મઠ, આદિપુરના ભક્તોને ચમત્કાર અને દિવા સ્વપ્ન જેવી ઘટના લાગતી હતી!

પછી બેલુર મઠના વરિષ્ઠ સંન્યાસીની આવવાની રાહ જોતા હતા અને ૨૨ જૂન, ૨૦૨૪ના રોજ સ્નાનયાત્રાના પાવન દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના સહસચિવ પરમ પૂજ્ય સ્વામી બોધસારાનંદજી મહારાજના હસ્તે એક ભવ્ય કાર્યક્રમ અંતર્ગત આધિકારીક રૂપે રામકૃષ્ણ મઠ, આદિપુરની સ્થાપનાની જાહેરાત થઈ. આ ભવ્ય કાર્યક્રમનું youtube ચેનલ પર પ્રસારણ થયું હતું.

રામકૃષ્ણ મઠ, આદિપુરના ભક્તો, પ્રશંસકો, ઉદાર દિલના વેપારીઓ, ઉદ્યોગપતિઓની સહાયથી વિવિધ ક્ષેત્રમાં સેવાનો વ્યાપ જાણે વિભિન્ન ધારાવાળા ઝરણારૂપે વહી રહ્યો છે.

આધ્યાત્મિક—ધાર્મિક-પ્રવૃત્તિઓ

શ્રીપ્રાર્થના-મંદિરમાં દરરોજ શ્રીઠાકુરની પૂજા, સંધ્યા આરતી તથા એકાદશીના દિવસે રામનામ સંકીર્તન, પૂર્ણિમાના દિવસે શ્યામનામ સંકીર્તન, અમાસના દિવસે શિવનામ‌ સંકીર્તનનું આયોજન થાય છે. તદુપરાંત શ્રીઠાકુર, શ્રીમા, સ્વામી વિવેકાનંદની તથા અવતાર-પુરુષોની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે.

સાપ્તાહિક પ્રવચનો

સોમવારે શ્રીરામકૃષ્ણ પુરાણ અને શ્રીરામકૃષ્ણ કથા-પ્રસંગ, મંગળવારે શ્રીમા નામ-સંકીર્તન, બુધવારે વિષ્ણુ-સહસ્રનામ, ગુરુવારે યુવા ભાઈઓ માટે ધ્યાનસત્ર, શુક્રવારે ભગવદ્‌ ગીતા પર અધ્યયન, શનિવારે જપસત્ર, રવિવારે ઉપનિષદ પર પ્રવચન યોજાય છે. ઉપરાંત સ્વામીજીઓનાં સત્સંગ, ભજન, રામચરિત માનસકથા, ભાગવત-કથા વગેરેનું અવારનવાર આયોજન થતું હોય છે.

સ્વાસ્થ્ય સેવાઓ

મોબાઇલ મેડિકલવાન દ્વારા આદિપુરની આસપાસનાં ગામડાં અને પછાત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને સાપ્તાહમાં 11 જગ્યાએ નિયમિત સ્વાસ્થ્ય ચિકિત્સા કરીને અને મફત દવાનું વિતરણ કરવામાં આવે છે. દરરોજ સરેરાશ 70થી વધુ દર્દીઓ આનો લાભ લે છે.

આશ્રમમાં સવારે અને સાંજે એક-એક કલાક હોમિયોપેથીક ડોક્ટર દર્દીઓને નિઃશુલ્ક તપાસીને જરૂરત અનુસાર દવા જે તે દર્દીને દવા પણ આપે છે. મહિનામાં સાત અલગ અલગ જગ્યાએ હોમિયોપેથીક કેમ્પ યોજાય છે. મહિનાની ત્રીજી તારીખે નેત્ર-કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા કેમ્પનું આયોજન ગોઠવવામાં આવે છે.

મૂલ્યલક્ષી કેળવણી-પ્રવૃત્તિ

રામકૃષ્ણ મઠ, આદિપુર દ્વારા ‘સ્વામી વિવેકાનંદ બાલ સંસ્કાર કેન્દ્ર’ અને પછાત વિસ્તાર ખોડિયાર નગરમાં ‘સ્વામી વિવેકાનંદ બાળક સંઘ’ ચલાવવામાં આવે છે. તેમાં બાળકોને સંસ્કાર સાથે જ્ઞાન, ગમ્મત, પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. બાળકો માટે પ્રવાસ સાથે ઉનાળુ અને શિયાળુ કેમ્પ, વક્તૃત્વ, મુખપાઠ, ગીતાપાઠ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તોલાણી ભાઈઓની હોસ્ટેલમાં ‘સ્વામી વિવેકાનંદ સ્ટડી સર્કલ’ ચલાવાય છે.

રામકૃષ્ણ-વિવેકાનંદ અને વેદાંત સાહિત્યના મોબાઇલ બૂકસ્ટોલ સાથે શાળા-કોલેજોમાં મૂલ્યલક્ષી કેળવણીનો પ્રચાર કરવામાં આવે છે. વળી, યુવા સંમેલન, વ્યક્તિત્વ વિકાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવે છે. બહેનો માટે ‘શ્રીમા સારદા પ્રશિક્ષણ કેન્દ્ર’માં ચાર મહિનાના કોર્સમાં સિલાઈ, મડ-વર્ક, કુશન-વર્ક અને દોરી-વર્ક શિખવાડવામાં આવે છે. પ્રશિક્ષણના અંતે દરેક બહેનને સર્ટિફિકેટ અને સાત-આઠ બહેનોને અત્યંત રાહત દરે સિલાઈ મશીન પણ આપવામાં આવે છે.

આશ્રમમાં ગૌશાળા છે. તેમાં ચાર ગાયો અને બે નંદી ભગવાન છે.

રાહતકાર્ય

૩૫ જરૂરિયાતમંદ કુટુંબને રેશનકીટ આપવામાં આવે છે. આ ઉપરાંત કુદરતી આફત વખતે જરૂરિયાત મુજબ વસ્તુઓ—ભોજન વિતરણ, જાડી-મોટી પ્લાસ્ટિક સીટનું વિતરણ, શિયાળામાં સ્કૂલોમાં નોટબૂક, સ્વેટર અને જરૂરિયાતમંદ લોકોમાં ધાબળાનું પણ વિતરણ કરવામાં આવે છે.

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.