(ગતાંકથી આગળ)
વિદેશી વિદ્વાનોએ જ્યારે પરમહંસદેવને આ રીતે પૂજ્ય અને આરાધ્ય માન્યા છે ત્યારે એટલું તો ચોક્કસ જણાઈ આવે છે કે તેઓને પરમહંસદેવની અંદર એક નવીન પ્રકાશનું દર્શન થયું છે. હવે હું પૂછું છું જરા એટલું તો કહો કે જેમણે બધા દેશોની બધી જાતિઓને, બધા જ ધર્મોનું અનુસરણ કરનારાઓને, બધા જ ધર્મોની જાણકારી મેળવવા પ્રયત્ન કરી રહેલાઓને, સમાન રૂપે પ્રકાશ આપ્યો છે તેઓ છે કોણ? મૂરખમાં મૂરખ અને આંધળામાં આંધળો પણ એ સ્વીકારશે કે શ્રીરામકૃષ્ણદેવ જ જગદ્ગુરુ છે. તેઓ ચાંદામામાની જેમ સહુના છે. તેમણે ક્યો ધર્મ આપ્યો છે એની ચર્ચા હું પાછળથી કરીશ. રામ અને કૃષ્ણે રામકૃષ્ણ બનીને સમગ્ર વિશ્વને મુગ્ધ કર્યું. એ શું એમનો મહિમા નથી? અહીંના લોકો જો એ જોઈ ન શકે તો કહેવું પડશે કે એમનાં આંખ, કાનમાં કાંઈક ખોડ છે. અથવા તો એમની બુદ્ધિ ઠેકાણે નથી. અથવા તો બીજા કોઈ કારણથી એમને જોવા સાંભળવામાં કોઈ મુશ્કેલી છે.
હજારો લોકોનાં આંખ, કાન અને બુદ્ધિમાં વિકાર થયો છે. આવું કહેવાથી એવું લાગશે કે હું નાને મોઢે મોટી વાત કરી રહ્યો છું પણ મને એટલું તો બોલવાનો અધિકાર છે કે જેઓ રામકૃષ્ણદેવને જુએ છે તેઓ શુદ્ધ મન, સરળ પ્રાણ અને સહજ બુદ્ધિથી એમને જુએ. જે બુદ્ધિથી મનુષ્યે ભગવાનને ગુમાવી દીધા છે, જે બુદ્ધિથી તે પારકી નિંદા અને પારકી પંચાતને સત્યનું જ રૂપ માની બેઠો છે, જે બુદ્ધિથી તે પોતાની અંદર હિંસા અને દ્વેષની આગ જલાવીને પાછો એવું માની રહ્યો છે કે પોતે પરમ શાંતિનો અનુભવ કરી રહ્યો છે, જે બુદ્ધિથી જૂઠ્ઠાણું, પ્રપંચ અને દુષ્ટતાને ગુણ માનીને તેનો હાર પહેરીને બેઠો છે, જે બુદ્ધિથી કામ-કાંચનનો ગુલામ બનીને પોતાને સમાજનો અગ્રગણ્ય શ્રેષ્ઠી માની બેઠો છે, જે બુદ્ધિથી માનવતાના બદલે પશુતા દાખવીને પોતાને ગૌરવશાળી માની રહ્યો છે, જે બુદ્ધિથી અંતરતમથી એકવાર મા કહીને પોકારી શકતો નથી, એવી કપટી, અપવિત્ર, કુટિલ, હીન બુદ્ધિ લઈને જે સત્ય કરતાંય વધારે સત્ય, શુદ્ધાતિશુદ્ધ પવિત્રતા કરતાં પણ વધારે પવિત્ર એવા રામકૃષ્ણદેવને જોવા જાય તો તે શું જોઈ શકે? એ જ ને, કે તેઓ એક શૂદ્રના મંદિરના પૂજારી બ્રાહ્મણ છે, એક એવા પાગલ છે કે જેમને માતાપિતાએ કાઢી મૂક્યા છે, અવગણના કરી છે, સમાજે ઉપેક્ષા કરેલા હીન મૂર્ખ અને રખડું લોકોના ગુરુ છે કે જેઓ પાછળથી ગળાના રોગથી મૃત્યુ પામ્યા!
આ તો મેં આંખ-કાનના વિકારોની વાત કહી. હવે મુશ્કેલી કેવી છે, એ સાંભળો. ગરમીના દિવસો છે. એક દિવસ દક્ષિણેશ્વરમાં પંચવટીની શીતળ છાયામાં શ્રીરામકૃષ્ણદેવની પાસે એમના કેટલાક ભક્તો બેઠે છે. ઈશ્વર વિષેની વિવિધ વાતો થઈ રહી છે. વાત વાતમાં એંડદહ, દક્ષિણેશ્વર, અને વરાહનગરના લોકો વિષે વાત થવા લાગી. આ લોકોનો ઠાકુર પ્રત્યે જટિલા – કુટિલાનો ભાવ છે. આથી એક ભક્તે કુતૂહલથી ઠાકુરને પૂછ્યું : દૂર સુદૂરથી લોકો અહીં આવીને શાંતિ પ્રાપ્ત કરીને પાછા જાય છે. જ્યારે આ લોકો ભલા કેમ આવતાં નથી? ઠાકુરે એક પણ શબ્દ મુખથી બોલ્યા વગર એક ગાય તરફ ઈશારો કર્યો. આ ગાય ગંગાકિનારે દોરડાથી બાંધેલી હતી અને ગંગા તરફ જોતી છટપટતી હતી. ભક્તોએ ગાયને જોઈ પણ તેઓ કંઈ સમજી શક્યા નહીં. રામકૃષ્ણદેવની કેવી લીલા! બરાબર એ જ વખતે ત્યાં ચાર-પાંચ છૂટ્ટી ગાયો આવી, ગંગાના પાણીમાં ઊતરીને ધરાઈને પાણી પીધું અને પછી પાછી ઉપર આવી ગઈ. ત્યારે ઠાકુરે સમજાવતાં કહ્યું : તે ગાય ખૂબ તરસી છે, પણ તે બાંધેલી છે, એટલે પાણીની આટલી બધી નજીક હોવા છતાં પણ તે પાણી પી શકતી નથી. અને પેલી ગાયો મુક્ત છે એટલે તરસ લાગી કે તુરત જ આવીને પાણી પી ગઈ. ત્યાંના લોકો આવી જ રીતે બંધાયેલા હોવાથી આવી શક્તા નથી.
આ સંદર્ભમાં ઠાકુર એક બીજી વાત કહે છે : દીવાની નીચે તો અંધારું જ રહે છે. પણ તેનો પ્રકાશ દૂર સુધી પડે છે. એ રીતે મહાપુરુષોની પાસેના લોકો એ જોઈ શકતા નથી પણ જેઓ દૂર રહે છે, તેઓ તેમના જ્ઞાનથી મુગ્ધ બને છે. ઠાકુર એક વૃક્ષની ઉપમા આપે છે કે જેના બી નીચે નથી પડતા પણ માઈલો દૂર ફેંકાય છે, જ્યારે વૃક્ષ તો ત્યાં જ હોય છે. એ જ રીતે મહાપુરુષોનો પ્રભાવ દૂર સુદૂર પડે છે અને તેઓ દૂરના લોકોથી જ સન્માનિત થાય છે.
છેલ્લી વાત! જીવ ચાર પ્રકારના હોય છે. નિત્યમુક્ત, મુક્ત, મુમુક્ષુ અને બદ્ધ. નિત્યમુક્ત તો મોટેભાગે માયાની જાળમાં પડતા જ નથી. મુક્તજીવ જાળ તોડીને ભાગી જાય છે. મુમુક્ષુ જાળને કેવી રીતે કાપવી તેના પ્રયત્નમાં રહે છે. પરંતુ બદ્ધ તો જાળમાં સપડાયેલો છે પણ તેમાંથી ભાગવાનો જરા સરખો પણ પ્રયત્ન કરતો નથી. ઊલટાનો તે તો કાદવમાં છૂપાવાનો પ્રયત્ન કરે છે. બદ્ધજીવની ઓળખ એ છે કે કામ-કાંચન સિવાય બીજી પણ કોઈ વસ્તુ છે, એનો એને વિચાર જ નથી આવતો. પૈસા કમાવા, ખાવું-પીવું, પહેરવું-ઓઢવું અને વંશવેલો વધારવો એને જ બદ્ધજીવ પોતાના જીવનનો ઉદ્દેશ માને છે.
જેવી રીતે ભૂત રામ-નામ સાંભળી શકતું નથી, એવી જ રીતે બદ્ધજીવ ભગવાનની કથા સાંભળી શકતા નથી. તેઓ કહે છે : ‘આ બધું સાંભળવાથી શું થાય? એના કરતાં ચાલો જરા મજા માણી આવીએ. વળી કોઈ બીજો કહે છે : ‘ચાલો ઘરનું કામકાજ કરીએ.’ આ બધું સાંભળવા માટે તો પાછળની આખી જિંદગી પડી છે.’ વળી કોઈ તો એવી એવી વાત કહે છે કે જેને સાંભળીને પ્રાયશ્ચિત કરવું પડે. તેઓ કહે છે : ‘કૃષ્ણે કર્યું તો લીલા થઈ અને અમે કરીએ તો બદમાશી કહેવાય!’ આ બધા લોકોની સમક્ષ જો સ્વયં કૃષ્ણ મોરમુકુટ ધારણ કરીને હાથમાં બંસી લઈને રાધાની સાથે આવીને ઊભા રહે, તો પણ તેઓ વિશ્વાસ નહીં કરે ઊલટાનું તેઓ તો કહેશે: ‘હા જી, તમે લોકો ક્યા થિયેટરના છો!’ કંઈ ખૂબ સજી-ધજીને આવ્યાં છો ને!’ અવતારમાં વિશ્વાસ જાગવો ખૂબ જ મુશ્કેલ છે. ડોક્ટર મહેન્દ્રનાથ સરકાર તો એટલા મોટા માણસ હતા, તો પણ તેઓ શ્રીરામકૃષ્ણ સમક્ષ બોલી ઊઠ્યા હતા કે, ‘જેમણે છૂપાઈને વાલીને માર્યો, પોતાની સગર્ભા પત્નીને વનમાં કાઢી મૂકી એવા રામને હું ભગવાન નથી માનતો.’
હજુ એક મુશ્કેલીની વાત કરું છું તે સાંભળો – ત્યાંના લોકો ખૂબ ભણેલા છે, પંડિત છે. ખૂબ વાંચી – લખીને તેમનું હૃદય વિદ્યાના અહંકારથી ભરાઈ ગયું છે. પણ જેઓ, વિદ્યાભ્યાસ કરીને નિરહંકારી બને છે, એમનો જ વિદ્યાભ્યાસ સાચો વિદ્યાભ્યાસ કહેવાય અને એવા અભ્યાસથી અવિદ્યાનો કીચડ સાફ થાય છે. વિદ્યાનો ઉદ્દેશ્ય એ જ છે. વિદ્યા તો મહાવિદ્યાનું દર્શન કરાવે છે. પણ જ્યાં પંડિતાઈનું અભિમાન પેસી જાય છે, ત્યાં અવિદ્યાની પકડ વધારે મજબૂત બની જાય છે. આ વિદ્યાના અહંકારથી જ તેનો સર્વનાશ થઈ રહ્યો છે, એ હકીકત તે જાણવા દેતી નથી. ઈશ્વરના માર્ગનો એકમાત્ર કાંટો હોય તો તે છે, અહંકાર, આ અહંકાર જ છે અવિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપ.
અહંકાર પણ ઘણા પ્રકારના હોય છે. માત્ર વિદ્યાનો અહંકાર હોય છે, એવું નથી. ધનનો અહંકાર તો ઘણો મોટો હોય છે. અને જ્યાં વિદ્યા અને ધન બંને ભેગાં થાય ત્યારે તો પૂછવું જ શું? અહંકાર પદનો હોય છે. કુળનો હોય છે. અવિદ્યાએ જુદી જુદી દિશાઓમાં જુદા જુદા રંગનાં દોરડાંઓ ફેલાવી રાખ્યાં છે. તે જેને જેવું જાણે છે, તેવાં જ દોરડાંથી તેને બાંધીને પોતાના વશમાં રાખે છે.
પાઠક : પરમહંસદેવની પરીક્ષા દેવાની કઈ વાત હતી? તેઓનું પરીક્ષા આપવાનું ક્યા પ્રકારનું હતું?
ભક્ત : ઘણી બધી વાતો છે : સાંભળો.
પરમહંસદેવના મોટા ભાઈ રાણી રાસમણિના દક્ષિણેશ્વરના મંદિરમાં રાણીના આગ્રહથી ભવતારિણીની નિત્યપૂજા અને સેવા માટે પૂજારી તરીકે આવ્યા હતા. ત્યારે પરમહંસદેવ મોટાભાઈની પાસે ક્યારેક ક્યારેક આવીને રહેતા. એક દિવસ જ્યારે તેઓ બગીચામાં ફરી રહ્યા હતા, ત્યારે મથુરબાબુએ એમનાં દર્શન કર્યાં. રક્તવર્ણા અધરો, સુંદર નેત્રો, વિશાળ વક્ષસ્થળ, લાંબી ભુજાઓ અને બાલ રવિ સમાન એમના દેદીપ્યમાન દેહને જોઈને તેમનાં મન- પ્રાણ એમના પ્રત્યે આકર્ષાયા. ત્યારબાદ તેમણે આ સુંદર યુવાનની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેઓ તો મોટા ભટ્ટાચાર્યના નાના ભાઈ છે! મથુરબાબુએ મોટાભાઈ રામકુમારને વિનંતી કરી કે તેઓ પોતાના નાનાભાઈને પોતાની પાસે બોલાવી લે અને તેમને મા કાલીની પૂજાનો ભાર સ્વીકારવા કહે. જ્યારે મોટાભાઈએ નાનાભાઈને મથુરબાબુની ઇચ્છા જણાવી ત્યારે નાનાભાઈએ કહ્યું : ‘મોટા માણસ પાસે જવું અથવા તો પૂજાનો ભાર સ્વીકારવો એ મારાથી નહીં બને.’ મથુરબાબુએ એ માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળતાં તેઓ થોડા દિવસો ચૂપ બેસી રહ્યા.
શ્રીરામકૃષ્ણ નાનપણથી જ દેવી-દેવતાઓની માટીની સુંદર સુંદર મૂર્તિઓ બનાવતા. માટીની મૂર્તિમાં આંખ કોતરવામાં તો તેઓ ભારે પાવરધા હતા. એવી આંખ બનાવી દેતા કે મૂર્તિ જીવંત બની જતી. જ્યારે ગામમાં પૂજાની પ્રતિમા બનતી ત્યારે સહુથી પહેલી તે ગદાઈને બતાવવામાં આવતી. ઠાકુર નાનપણમાં પણ જ્યાં સુધી તેઓ પોતે પ્રતિમાની આંખો બનાવતા નહીં ત્યાં સુધી કોઈના ય મનને સંતોષ થતો નહીં.
તેમના મોટાભાઈ જ્યાં રહેતા હતા ત્યાં તેમણે ગંગાની માટીમાંથી શિવ અને નંદીની મૂર્તિ બનાવીને રાખી હતી. એક દિવસ મથુરબાબુની દૃષ્ટિ આ મૂર્તિઓ ઉપર પડી. શિવ અને નંદીને જોઈને એમને એવું લાગ્યું કે આ તો જાણે જીવંત છે! આ મૂર્તિ કોણે ઘડી છે, તેની તપાસ કરાવીને તેમણે તે રાણીને બતાવીને કહ્યું કે ‘આ મૂર્તિ બનાવનારને જો મા કાલીની પૂજા સોંપવામાં આવે તો મા કાલી શીઘ્ર્ર જાગ્રત થશે.’ પછી તેમણે આ વિચારને અમલમાં મૂકવા ઠાકુરના મોટાભાઈને વિશેષ આગ્રહપૂર્વક કહ્યું : ‘આપના ભાઈને મા કાલીની પૂજામાં રાખવા જ પડશે.’ મોટાભાઈના વારંવારના આગ્રહનો ઠાકુર ઈન્કાર ન કરી શક્યા. એમણે કહ્યું : ‘જો હૃદુ (હૃદય) મારી મદદમાં રહેશે તો હું કરીશ.’ આ સાંભળીને મથુરબાબુના આનંદનો પાર ન રહ્યો અને તેમણે ઠાકુર અને હૃદયનું માસિક વેતન નક્કી કરીને પૂજા કાર્યની જવાબદારી સોંપી દીધી!
વચ્ચે વચ્ચે મથુરબાબુ ઠાકુર પાસે આવીને ભગવત્ચર્ચા કરતા. અને ઠાકુરના મધુર કંઠે ગવાતાં ભજનો સાંભળતા. આ રીતે કેટલાક દિવસો પસાર થયા.
ઠાકુર શ્રીશ્રી કાલી માનો સાજ-શણગાર સજતા. તેઓ દરરોજ માને નવી નવી રીતે સજાવતા. આ જોઈ મથુરબાબુ અને રાણીને ભારે આશ્ચર્ય થતું. પછી તો ઠાકુરે સમગ્ર પૂજાવિધિ સંભાળી. રોજે રોજ માની પૂજા કરતાં કરતાં તેમના મનમાં જુદા જુદા ભાવો જાગવા લાગ્યા. વચ્ચે વચ્ચે તો એમને એવું લાગતું કે જાણે બાહ્ય જગત છે જ નહીં, ક્યારેક ક્યારેક તો પોતાના શરીરનું ભાન પણ વિસરાઈ જતું. તેમનું મન વ્યાકુળ બનીને માની પાછળ પાછળ દોડતું રહેતું અને મુખમાંથી મા, માનો તીવ્રતમ પોકાર ઊઠતો રહેતો. ક્યારેક ક્યારેક તો મા, મા કહીને એટલું બધું રડતા કે આંસુથી જમીન ભીની થઈ જતી. ક્યારેક ક્યારેક તો માને ચામર જ ઢોળતા રહેતા તો ક્યારેક વળી માખણ – મિસરી હાથમાં લઈને ‘લે મા, તું ખા’ એમ કહેતા મા કાલીના મુખ પાસે ઊભા રહેતા. કોઈ કોઈ વખત તો પૂજા કરતી વખતે પૂજાના ફૂલ માનાં ચરણોમાં ચઢાવવાને બદલે પોતાના મસ્તક ઉપર મૂકી દેતા અને બાહ્યભાનથી રહિત થઈને બેસી રહેતા. તો વળી ક્યારેક મા કાલીનો શ્વાસ ચાલે છે કે નહીં તે જોવા માટે તેના નાક પાસે રૂ લઈ જતા. વળી કોઈ કોઈ દિવસ આરતીના ઘંટારવ બંધ થઈ જાય, નોબતખાનું શાંત થઈ જાય તો પણ ઠાકુરના હાથની ઘંટી રણઝણતી જ રહેતી અને પંચપ્રદીપથી આરતી ઉતારવાનું બંધ જ ન થતું. જાણે ઠાકુર મૂર્તિમંત યંત્ર બની ગયા ન હોય! હૃદય ઠાકુરનો ભાવાવેશ જોઈને તેમને પકડી રાખતો અને પછી તેઓ બાહ્યભાન ખોઈને સ્થિર થઈ જતા. કાલીવાડીના બ્રાહ્મણોએ માન્યું કે આ તો વાઈનો રોગ છે. આટલા દિવસો સુધી ઠાકુર મનુષ્યોની દૃષ્ટિમાં મનુષ્ય જ હતા. પણ હવે તો પાગલ મનાવા લાગ્યા. સામાન્ય મનુષ્યોના સ્વભાવ સાથે મેળ ન ખાવાથી જ તો મનુષ્યને પાગલ માનવામાં આવે છે.
(ક્રમશ:)
Your Content Goes Here




