જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ;
જય જય ભગવાન જગતના ગુરુ,
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
બાળલીલા શ્રીપ્રભુની મહિમાથી પૂર્ણ;
ગાઓ મન સ્મરી ગુરુ, મોહ થશે ચૂર્ણ.
બહુજ મીઠી એ કથા અમૃતપૂરિત;
બાળલીલા સુણ્યે દૂર થવાનાં દુરિત.
ગદાઈના પિતાજી વિચારે એક દાડે;
ગદાઈને મોકલવો જોઈએ પાઠશાળે.
દિને દિને મોટો થાય છતાં માત્ર ખેલે;
તેલીઓનાં છોકરાં સંગાથે બધી વેળે.
ગદાધર માબાપના પ્રેમનું રતન;
તેમાં વળી સૌથી નાનો હતો એ નંદન.
સાહજિક ભણવામાં શિશુ દેખે વાઘ;
વિદ્યામાં ન ગદાઈને જરા અનુરાગ.
ભણવાની વાત બાળ રોજરોજ ટાળે;
ફોસલાવી સમજાવી મૂકીઓ નિશાળે,
જાય ગદાધર લઈ દફતર હાથે.
પાડોશના બાળ બીજા કેટલાય સાથે.
વિદ્યા શીખવામાં તેનું ચોટે નહિ મન;
રાતદિન રમ્યા કરે લઈ બાળજન.
બાળકો પ્રફુલ્લચિત્ત, સુખસીમા નહિ;
છૂટતાં નિશાળ ખેલે ગદાઈને લઈ.
આવડે ન ગદાઈને લેખનવાંચન;
માતાપિતા સમજાવે મધુર વચન.
પાઠશાળે ગુરુજીય કરે અનુનય;
ગદાઈને દેખે જાણે પોતાનો તનય.
કઠોર પ્રયોગે થાય હૃદયમાં દુ:ખ;
મારે નહિ તેમ ગાળ આણે નહિ મુખ.
ગદાઈ શાળાએ જાય એમ કહેવાય;
ભણવા કે ગણવાનું પણ નવ થાય.
બહુ જ રસિક કથા સુણ મન સુણ;
વધી ગઈ બાળકોની રમતો દ્વિગુણ.
પાઠશાળે છોકરાઓ ગદાઈને ચ્હાય;
છુટ્ટી પડ્યે લઈ તેને ખેલવાને જાય.
શાળા થકી દૂર જઈ બાળકો સકળ;
સુંદર કરે છે રાસલીલાની નકલ.
બીજાને સજાવે વેશ, ગદાઈએ સાજે;
તૈયાર કરી દે બધી રાસલીલા કાજે.
બચપણથી જ હતો શ્રુતિધર એવો;
બોલી દીએ પાઠ જેવો સુણ્યો હોય તેવો.
તબલાંના તાલ, વળી વેણુ તણો નાદ;
મંજીરાં બતાવે બોલી, કશું નહિ બાદ.
લીલાકારી રાસધારીનું ન પ્રયોજન;
એકલો ગદાઈ કરે સર્વ આયોજન.
લીલાનો ગદાઈ જે બતાવે અભિનય;
દેખી ડાયરેક્ટર માને પરાજય.
છાત્રો પાઠશાળા તણા જોડાઈને ખાંતે;
દિને જાય પાઠશાળે, ખેલ કરે રાતે.
ગુરુજીએ સાંભળ્યું એ સર્વ કાનેકાને;
ગદાઈ સહિત જાય છાત્રો ખેલવાને.
પુત્ર સમ પ્રેમ રાખે ગદાઈ ઉપર;
મીઠા શબ્દો બોલી ગુરુ બતાવે આદર.
એક દિન પાઠશાળા માંહે ગુરુ બોલે,
સુણું કીરતન મહીં કો’ ન તવ તોલે.
એવો છો નિપુણ એ અગાઉ જાણ્યું નાંઈ,
સુણાવો કીર્તનલીલા ગદાધરભાઈ.
સુણી ગદાધરે કરે લીલાનો પ્રારંભ;
મુખે બોલી વ્યક્ત કરે સર્વ સમારંભ.
વદનથી ગીત ગાય, હાથે તાલ દેય;
ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ;
વચ્ચે વચ્ચે સ્વરતાલ બોલી દે અઘાટ.
હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ;
એ આનંદ કેરું નવ થાય નિરૂપણ.
સુણી હાસ્યછોળો જેઓ રહેતા નિકટ;
છોડી કામકાજ, આવી સુણે ધીમીકટ.
પાઠશાળા થઈ જાણે બીજી નાટ્યશાળા,
ગદાઈની લીલા એક જોવા જેવી કળા.
શિક્ષક ને શિષ્યો વચ્ચે બીજી વાત નાંઈ;
વાટ જુએ ક્યારે આવે શાળામાં ગદાઈ.
બાળક ગદાઈ સારુ સહુએ આતુર;
પ્રણમું એ છાત્રો અને શિક્ષક ઠાકુર,
ગદાઈનું ચિંતવન કરે જેહ જન;
ધારું શિર પરે તેનાં યુગલચરણ.
મળે ન જે ધન, કર્યે તપ માથું દઈ;
કામારપુકુરવાસી ખેલે એ જ લઈ.
ગોપબાળો પણ રહે કામારપુકુરે;
એ સર્વેમાં નરબુદ્ધિ હીનબુદ્ધિ કરે.
કહું તને વાત મન, બીજું નહિ કાંઈ;
રંગ કરે ભગવાન બાળક ગદાઈ.
સાધારણ વાત નથી, કહું અતિ પ્રીતે;
વર્ણનથી પર, એ જ ખેદ રહ્યો ચિત્તે.
અદ્ભુત તાજુબી અતિવિસ્મય વિચાર;
જય શિશુરૂપી પ્રભુ ભવકર્ણધાર.
જય જય ચંદ્રમણિ જનની મધુર;
જય પિતા ખુદીરામ ચેટર્જી ઠાકુર.
શ્રી રામકુમાર જય જયેષ્ઠ સહોદર;
જય જય મધ્યભાઈ નામે રામેશ્વર.
જય ધની લુહારણ પૂજું હું ચરણ;
જય ગદાઈના સહચર બાલગણ.
જય જય બેનરજી માણેકઠાકુર;
જય જય પુણ્યભૂમિ કામારપુકુર.
જય જય ગામવાસી નર અને નારી;
જય જય બાલકબાલિકા ખેલકારી.
જય જય પશુપંખી વૃક્ષ લતા વન;
જય પુણ્યભૂમિરજ કલુષનાશન.
ગુરુ મહાશય કરે વિશેષ જતન;
જેથી ગદાધર શીખે લેખન – પઠન.
કિંતુ વિદ્યામાં ઉદાસ, થાય ન ઉન્નતિ;
બોલે નવ કંઈ ગુરુ દેખીને પ્રકૃતિ.
આંક પાડા એકું સુધી, લોકમુખે સુણું;
કરે સહેલી જોડણીઓ, એથી નહિ ઊણું.
સાદા સરવાળા શીખ્યા, જેને કહે યોગ;
બાદબાકી આવડી ન, કારણ વિયોગ.
સ્વાભાવિક યોગે મન, તેથી યોગ થયો;
વિયોગ ખરાબથી મગજ વાંકી ગયો.
પૂર્ણ થકી પૂર્ણ જતાં પૂર્ણ રહે જેને;
કેમ કરી આવડે વિયોગ બુદ્ધિ તેને.
આ તો બહુ ગૂઢ અંક, અંકશાસ્ત્રે નહિ;
જાણવા એ તત્ત્વ, જોઈએ સત્બુદ્ધિ સહી.
બાદ જતાં પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ થકી;
તોય બાકી રહે એ જ પૂર્ણ બ્રહ્મ નક્કી.
મહાવ્યય પુષ્ટિ સૃષ્ટિ વિશ્વચરાચર;
જમા ખર્ચ માંહે તોય એકરૂપ દર.
જમારૂપે પૂર્ણ બ્રહ્મ વિભુ સનાતન;
વ્યયરૂપે વિરાટમૂરતિ અગણન.
શેષરૂપે એ જ મળે, જેહ જમા થાય;
એથી ન વિયોગબુદ્ધિ ભેજામાં સમાય.
લોકો સમજી ન શકે આ બધા ખબર;
જાણે માત્ર એટલું, ન ભણે ગદાધર.
હિસાબ કિતાબ કેરી બુદ્ધિ નહિ ભાઈ;
પાટી માથે નાખી ધૂળ ખેલતો ગદાઈ.
આંક આપ્યે ભૂંસી નાખે પ્રભુ ગુણધામ;
તાડપત્ર પર લખે પ્રભુ કેરું નામ.
ગામડાંની પાઠશાળા જુની ત્યાંની રીત;
દાતા કર્ણ પોથી અને પ્રહ્‌લાદચરિત.
સરલ જોડણીવાળા વાક્ય સમુદાય;
વાંચતાં વાંચતાં વર્ણપરિચય થાય.
વર્ણપરિચય માટે ગુરુ પાઠશાળે;
પ્રહ્‌લાદચરિત્ર પોથી ભણાવે એ કાળે.
ગદાધર કરે વાંચવાનો એ સ્વીકાર;
પોથી આખી મોઢે થઈ વાંચી વારંવાર.
પ્રહ્‌લાદનો અનુરાગ ભગવાન પ્રતિ;
વાંચવામાં પ્રીતિ અતિશય તેને થતી.
એ કારણે પોથીપાઠ થતો અન્ય સ્થળેય;
મધુ યુગી પિંજારાના છાપરાની તળેય.
પાઠશાળા છૂટી ગયે, નાનો ગદાધર;
વાંચતો પ્રહ્‌લાદ-કથા રાખીને આદર.
સુંદર આખ્યાન, મન સુણો એકચિત્તે;
છાત્ર ગદાધર વાંચે પોથી કેવી પ્રીતે.
અતિ અનુરાગે પોથી વાંચી એક દિન;
બહુ લોકો નરનારી યુવાન પ્રાચીન.
ચારે બાજુ ધેરી તેને સુણે બેસી પાસે;
ગદાઈનો પોથીપાઠ પરમ ઉલ્લાસે.
જનમન આકર્ષક અતિ મીઠો સ્વર;
તેમાંયે સહુને પ્રિય બાળ ગદાધર.
છૂપાઈ વાનર એક કુતૂહલે ભાળે;
નિકટ આંબાનું ઝાડ, બેસી તેની ડાળે.
શ્રવણમાં મગ્ન થતાં ભાવને આવેશે;
ઝાડેથી વાનર નીચે આવે અવશેષે.
નહિ તેનો ત્રાસ કંઈ, ઊંચાં ગ્રીવા કર્ણ;
નિકટ બેસતો અડી ગદાઈનાં ચર્ણ.
જ્યાંહાં સુધી પાઠ તણો આવે નહિ પાર;
વાનરજી સુણે પોથી આનંદે અપાર.
પાઠ પૂરો થયે, પોથી નાનો ગદાધર;
સ્પર્શ કરી દેતો વાંદરાના શિર પર.
પ્રણમી શ્રીપદે વાંદરોય કર જોડે;
જવા આંબા પર પાછો છલાંગે એ દોડે.
કોણ હશે પશુદેહધારી ભક્તિમાન;
શું જાણ્યું? ચરણે તેને અનેક પ્રણામ.
જેહ કાંઈ કામારપુકુરે દેહ ધારે;
સ્થાવર જંગમ કિંવા જીવને આકારે.
પ્રભુ અવતારે દેવી દેવતા આગત;
પ્રભુની આજ્ઞાથી સર્વે સાથે સમાગત.
જો જો જો જો ખબરદાર ખબરદાર મન;
મરતાંય અન્યભાવ ના’વે કદાચન
ભગવાન! તારી લીલા મૂર્ખ હું શું લખું?
ભક્તિહીન, બધ્ધનેત્ર ગાઈ તે શું શકું?
હોત અંતરમાં લગારેકે ભક્તિધન;
ગાયે જાત બાળલીલા પેટ ભરી મન.

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.