રામકૃષ્ણ આશ્રમ, શિવાલય, શ્રીનગરનો સંક્ષિપ્ત ઈતિહાસ
૧૯૫૫ થી ૧૯૫૭માં વર્ષોના પ્રયાસોથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા કાશ્મીરના ભક્તજનોએ શ્રીનગરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસદનની સ્થાપના કરી. શ્રી આઈ.કે.કોલ (બુઝુ) અને એમના પરિવારજનો શ્રી એસ.એન. ભાણ, પ્રો. સી.એન. સપ્રુ, શ્રી એમ.એન.સપ્રુ, શ્રી ટી.એન. સપ્રુ અને કાશ્મીરી પંડિત સમાજના બીજા યુવા-વૃદ્ધ સભ્યોએ આ સદનની સમાજ સુધાર સમિતિની સ્થાપના કરી. સુખ્યાત વિદ્વાન અને સામાજિક કાર્યકર પંડિત ક્રિસનજીના વડપણ હેઠળ કાશ્મીરી પંડિતોનું સમાજસુધારણા કરતું, ધર્મ સુધારણાને વરેલ મંડળ હતું. એનું વડું મથક શિવાલય છોટાબાજાર, કરણનગર શ્રીનગર હતું.
ઉપર્યુક્ત સમાજસુધાર સમિતિએ શિવાલયમાં રામકૃષ્ણ આશ્રમ શરૂ કરવા જમીનનો એક ટુકડો સેવા સદનને આપીને પોતાનો ઉદાર હાથ લંબાવ્યો. શ્રી આઈ. કે. કોલ અને એમના સહકાર્યકરોએ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને વિવેકાનંદનું મંદિર બંધાવી આપ્યું. આ ત્રણેય વિભૂતિઓની આરસની મૂર્તિઓ મંદિરમાં પધરાવવામાં આવી અને કેરલમાંથી રામકૃષ્ણ સંઘના સ્વામી રામાનંદ નામના સંન્યાસીને આ આશ્રમનો હવાલો સોંપાયો. શ્રીમંદિરમાં પૂજાવિધિ ઉપરાંત રામકૃષ્ણ સંઘનાં પ્રકાશિત પુસ્તકો ભક્તજનો માટે પ્રાપ્ય બન્યાં.
સ્વામી રામાનંદજીએ પોતાનાં સમર્પણભર્યાં ભક્તિભાવ અને ઉષ્માભરી સેવાથી એક આધ્યાત્મિક ઉમદા વાતાવરણ ઊભું કર્યું. સાથે ને સાથે આશ્રમની દૈનંદિન પ્રવૃત્તિઓમાં પોતાને સહાયભૂત થાય એવા યુવાનોનું એક જૂથ પણ રચ્યું.
કાશ્મીરના સુખ્યાત કવિ અને કેળવણીકાર શ્રી જિંદા કોલ અને બીજા ભક્તજનો દર રવિવારે આશ્રમમાં આવતા અને શ્રીરામકૃષ્ણ કથામૃત તેમજ રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના ગ્રંથોનું વાચન કરતા અને તેની ચર્ચા પણ કરતા. આ બધું ૧૯૬૦ના મધ્ય સુધી ચાલતું રહ્યું.
૧૯૬૩માં આશ્રમના પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતીનો શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ પાવનકારી પ્રસંગે રામકૃષ્ણ મિશન, મુંબઈના સ્વામી સંબુદ્ધાનંદજી મહારાજ અને સ્વામી સ્મરણાનંદજી મહારાજે હાજરી આપી હતી.
૧૯૬૪-૬૫માં રામકૃષ્ણ મઠ-મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે, બેલૂર મઠના વ્યવસ્થાપક શ્રી ભરત મહારાજે (શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજે) અને શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આશ્રમની મુલાકાત લીધી હતી.
૧૯૭૧માં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસદન શ્રીરામકૃષ્ણ આશ્રમના નામે પ્રસ્થાપિત થયું. જમ્મુ-કાશ્મીર રાજ્યના રજિસ્ટ્રેશન ઓફ સોસાયટીઝ એક્ટ હેઠળ એની નામનોંધણી પણ થઈ છે.
સ્વામી મુખ્યાનંદજી, સ્વામી શાસ્ત્રાનંદજી, સ્વામી તીર્થાનંદજી, સ્વામી પ્રભાનંદજી, શ્રીમત્ રથિન મહારાજ અને સ્વામી શિવમયાનંદજી મહારાજ જેવા રામકૃષ્ણ સંઘના ઘણા વરિષ્ઠ સંન્યાસી આ આશ્રમમાં આવ્યા છે અને રહ્યા છે.
૧૯૭૪-૭૫ના વર્ષમાં સ્વામી રામાનંદજીનું માર્ગ અકસ્માતમાં આકસ્મિક અવસાન થયું. એમના સ્થાને કેરળના સ્વામી શંકરાનંદજીએ પોતાનો ચાર્જ સંભાળીને ૨૦૦૦ની સાલ સુધી કાર્ય કર્યું.
શ્રીમત્ સ્વામી ગૌરીશાનંદજી મહારાજ ૧૯૭૪-૭૫માં અહીં આવ્યા હતા અને એકાદ માસ રહ્યા હતા. એમણે શ્રીમા સારદાદેવી અને શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ સંન્યાસી શિષ્યોનાં સંસ્મરણો કહીને ભક્તોને સંતુષ્ટ કર્યા હતા.
૧૯૭૫ના વર્ષમાં બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ આશ્રમમાં રોકાયા હતા અને કાશ્મીર-ખીણના પ્રદેશોમાં પવનવેગી વ્યાખ્યાન-પ્રવાસ કર્યો હતો. તેમણે કોલેજ અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. એમણે અહીંના કેટલાક આશ્રમો અને સુપ્રતિષ્ઠિત સેવા સમાજની મુલાકાત પણ લીધી હતી. એમની કથા અને ઉપનિષદના વર્ગોમાં સેંકડો ભક્તજનો ભાવપૂર્વક આવતા.
શ્રીરામકૃષ્ણદેવનાં જીવનસંદેશના આ મહાન સ્વયંભૂ પ્રતિભાવ રૂપે સમાજ-સુધાર સમિતિના સંવાહકોએ આશ્રમને વધુ જમીન આપી અને એને લીધે નવું બે માળનું ભવન રચાયું.
આ આશ્રમના પટાંગણમાં રામકૃષ્ણ મંદિર, પુસ્તકાલય અને વાચનાલય, સભાખંડ, ક્લિનિકલ લેબોરેટરી અને દવાખાનું પણ ઉમેરાયાં. હવે આશ્રમની સેવા પ્રવૃત્તિઓ સુવ્યવસ્થિત રીતે ચાલુ થઈ.
૧૯૭૭-૭૮ના વર્ષમાં રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ અને તત્કાલીન ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનું શુભાગમન આ સંસ્થામાં થયું. તેઓ સુખ્યાત અમરનાથજી મંદિરમાં શિવજીનાં દર્શને ગયા હતા અને તેમણે આશ્રમમાં કેટલાંક વર્ગવ્યાખ્યાનો આપ્યાં હતાં તેમજ જિજ્ઞાસુ ભક્તોને મંત્રદીક્ષા પણ આપી હતી. રામકૃષ્ણ આશ્રમ સાથે સંલગ્ન યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ રામકૃષ્ણ સંઘમાં સંન્યાસી બનવા માટે જોડાયા હતા.
પંડિત જાનકીનાથ કૌલ (કમલ) નામના વિદ્વાન સાધકે આશ્રમમાં આપણાં શાસ્ત્રગ્રંથ અને કાશ્મીર શૈવ દર્શન વિશે ઘણાં વર્ગવ્યાખ્યાનો આપ્યાં હતાં. એમણે સંસ્કૃતમાં રચાયેલ શૈવશક્તિ સાહિત્યનો અંગ્રેજી અને હિંદીમાં અનુવાદ પણ પ્રસિદ્ધ કર્યો છે. આ અનુવાદ કૃતિઓ આશ્રમ દ્વારા પ્રગટ થઈ છે.
૧૯૮૩માં શ્રીરામકૃષ્ણ સંઘના તત્કાલીન ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે નૂતન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને કાશ્મીરના પ્રજાજનો માટે સેવામૂલક પ્રવૃત્તિઓ ખુલ્લી મૂકી હતી.
૧૯૮૫માં બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ફરીથી કાશ્મીરની ખીણના પ્રદેશોની મુલાકાતે આવ્યા હતા. એમણે પોતાનાં પ્રબુદ્ધ વ્યાખ્યાનોથી હજારો ભક્તજનોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.
૧૯૮૯માં બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ની સાથે બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી આત્માનંદજી મહારાજ પણ આશ્રમની મુલાકાતે આવ્યા હતા. આ સમય દરમિયાન આતંકવાદીઓનો ત્રાસ હોવા છતાં પણ એમનો આ પ્રવાસ ઘણો સફળ રહ્યો હતો.
૧૯૯૦ થી ૨૦૦૦ના વર્ષ દરમિયાન આતંકવાદીઓના ભયાનક ત્રાસ અને હિંસાને લીધે કાશ્મીર ખીણના પ્રદેશમાંથી કેટલાય હિંદુઓ નિરાશ્રિત બન્યા. આશ્રમ એ સમયે અડીખમ ઊભો રહ્યો. મંદિરની બધી સેવાઓ સાથે રાહતસેવા પ્રવૃત્તિ પણ ચાલુ રહી.
૧૯૯૯-૨૦૦૦ના વર્ષમાં સમાજ સુધાર સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ જસ્ટીસ જે.એન. ભટ્ટના નેજા હેઠળ એક ટ્રાન્સફરડીડ – ટ્રસ્ટની માલમિલકતની ફેરવહેંચણી-નો અમલ કર્યો. આ ડીડ પ્રમાણે સમગ્ર શિવાલય સંકુલ રામકૃષ્ણ આશ્રમને ટોકનના પાંચ લાખ રૂપિયા લઈને સોંપવામાં આવ્યું.
આ સમગ્ર પ્રક્રિયાઓને લીધે બેલૂર મઠના સંવાહકો માટે શ્રીનગર આશ્રમને શાખાકેન્દ્ર રૂપે સંલગ્ન કરવાનું કાર્ય વેગવાન બન્યું. ૨૦૦૭માં બેલૂર મઠના સંવાહકોએ શ્રીનગર આશ્રમને રામકૃષ્ણ સંઘના શાખા કેન્દ્ર તરીકે સમાવવાનો નિર્ણય કર્યો.
૨૫ માર્ચ, ૨૦૦૮ના શુભ દિને રામકૃષ્ણ આશ્રમ, રામકૃષ્ણ સંઘનું ૧૬૬મું શાખા કેન્દ્ર બન્યું. આ પાવનકારી ઐતિહાસિક દિવસે સ્વામી વિવેકાનંદની કાશ્મીરમાં આશ્રમ સ્થાપવાની ઇચ્છા પરિપૂર્ણ થઈ.
૨૫ માર્ચ, ૨૦૦૮ના રોજ રામકૃષ્ણ મઠ-મિશને ‘રામકૃષ્ણ આશ્રમ, શિવાલય, શ્રીનગર (કાશ્મીર)’નો હવાલો સંભાળ્યો. જમ્મુ કાશ્મીર રાજ્યના નિયમો પ્રમાણે લીઝ ડીડનો અમલ થયો અને શ્રીનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેની નોંધણી થઈ.
આ ડીડમાં રામકૃષ્ણ મિશન, બેલૂર મઠના ટ્રસ્ટી અને આસિ. સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુવીરાનંદજી અને રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગરના સેક્રેટરી શ્રી બી.એન. કૌલે પોતપોતાની સંસ્થાઓ વતી હસ્તાક્ષર કર્યા હતા. અદ્વૈત આશ્રમ, માયાવતીના અધ્યક્ષ અને રામકૃષ્ણ મિશનના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી બોધસારાનંદજી અને રામકૃષ્ણ મિશન, જમ્મુના સેક્રેટરી સ્વામી ગિરિજેશાનંદજી તેમજ શ્રીનગર આશ્રમના ભક્તજનો આ ઐતિહાસિક ઘટના પ્રસંગના સાક્ષી બની રહ્યા.
મોટી સંખ્યામાં શ્રોતાજનોની ઉપસ્થિતિમાં આશ્રમના સભાખંડમાં આ ઐતિહાસિક પ્રસંગની સ્મૃતિમાં એક જાહેર સભાનું આયોજન થયું હતું. શ્રીમત્ સ્વામી સુવીરાનંદજી મહારાજ અતિથિવિશેષ સ્થાને હતા. જમ્મુ અને કાશ્મીરના વધારાના એટર્ની જનરલ જેનાબ રિયાઝ એહમદ આ સભાના અધ્યક્ષ સ્થાને હતા. રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગરના સચિવે આ સંસ્થાની સ્થાવર જંગમ મિલકતના દસ્તાવેજો શ્રીમત્ સ્વામી સુવીરાનંદજીને સોંપ્યા હતા. ત્યાર પછી વૈદિક મંત્રોચ્ચાર અને સ્વામી ગિરિજેશાનંદજીના મધુર કંઠે ગવાયેલ ભજનો બાદ સભાનો આરંભ થયો હતો.
૧૬૬મા શાખા કેન્દ્ર તરીકે અસ્તિત્વમાં આવેલ રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગરના સાર્વત્રિક વિકાસ માટે સ્વામી સુવીરાનંદજીએ પોતાની શુભ ભાવના વ્યક્ત કરી હતી.
એમણે જણાવ્યું હતું કે કાશ્મીરના આ સુંદર પ્રદેશમાં એક આશ્રમ સ્થાપવાની સ્વામી વિવેકાનંદની ઇચ્છા અમારા માટે પૂરતું પ્રેરણા બળ બની ગયું હતું. અમારા માટે આ પ્રદેશમાં આશ્રમની સ્થાપના કરવી એ હિંમત, સાહસ અને પડકારભર્યું કાર્ય હતું. આ પ્રદેશના લોકોની આવશ્યકતાઓની પૂર્તિ કરે તેવા આધ્યાત્મિક અને સર્વસેવાનાં કાર્યો આ સંસ્થા દ્વારા સતત ચાલતાં રહે તેવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.
રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગરના સેક્રેટરીએ આ સ્મરણીય નિર્ણય લેવા માટે બેલૂર મઠના સંવાહકો પ્રત્યે ધન્યવાદપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ સમારંભના અધ્યક્ષ જેનાબ રિયાઝે કાશ્મીરની ખીણનાં પરંપરાગત મૂલ્યો અને પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખતા આવા કેન્દ્રને જોઈને હું આનંદ અનુભવું છું અને આ ખીણ પ્રદેશમાં કાયમી શાંતિ અને સમસંવાદનો ભાવ ઉદ્ભવે તેવી પ્રાર્થના કરું છું.
આશ્રમના ભક્ત અને વરિષ્ઠ સભ્ય પરેલાલ વત્તલે આભારવિધિ કરી હતી. સાથે ને સાથે આ સંસ્થાના ભૂતપૂર્વ સંવાહકો અને હાલના સંવાહકોને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા હતા. શ્રી જવાહરજીના મધુર કંઠે ગવાયેલ ભજનથી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
Your Content Goes Here




