શ્રાવણ મહિનો તહેવારનો મહિનો છે, શિવ મહિમાનો મહિનો છે. શ્રાવણમાં શિવોપાસના શ્રેષ્ઠ ગણાય છે. શિવને જલાભિષેક અને બિલ્વપત્ર મંત્રોચ્ચાર સાથે અર્પણ કરાતાં હોય ત્યારે આપણે થોડી વાર શિવના ધ્યાનમાં લીન થઈ જઈએ છીએ. શ્રાવણ માસની પૂર્ણિમાને નાળિયેરી પૂર્ણિમા પણ કહે છે. ભારત અને નેપાળમાં યજુર્વેદના ઉપાસક બ્રાહ્મણો તથા ઘણા ક્ષત્રિયો તેમજ વૈશ્યો પણ નદીના પવિત્ર કિનારે જઈને યજ્ઞોપવીત બદલાવે છે. યજ્ઞોપવીત બદલવાના સામુહિક દર્શનો મોહક બની જાય છે. આ દિવસને આપણે રક્ષાબંધનના તહેવાર રૂપે પણ ઉજવીએ છીએ.
પૌરાણિક કથા પ્રમાણે જ્યારે શિશુપાલ રાજ્યસભામાં કૃષ્ણને અપશબ્દો કહેવા લાગ્યો અને શ્રીકૃષ્ણે પોતાનાં ફઈને આપેલા વરદાન પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે તેની 100 ભૂલો માફ કરી. જેવો 101મો અપશબ્દ એના મુખમાંથી નીક્ળ્યો, કે તરત ભગવાનના સુદર્શનચક્રે શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. સુદર્શનચક્રના ફરવાને લીધે ભગવાનની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું અને એ સભામાં ઉપસ્થિત દ્રૌપદીએ ઊભાં થઇને પોતાની સાડીનો છેડો ફાડીને ભગવાનની આંગળી પર બાંધ્યો અને રક્ત વહેતું અટકાવ્યું. આ જોઇને ગદ્ગદિત પ્રભુએ દ્રૌપદીને આશીર્વાદ આપ્યા અને તેમને પોતાનાં બહેન માન્યાં. જોગાનુજોગ તે દિવસ શ્રાવણ માસની પૂનમનો હતો. જ્યારે હસ્તિનાપુરની રાજ્યસભામાં દુશાસન દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરતો હતો ત્યારે શ્રીકૃષ્ણે ચીર પૂરીને લૂંટાતી આબરૂ બચાવી હતી.
આ રીતે રાખડી બાંધેલ બહેનની ઇજ્જત, આબરૂ, શીલની રક્ષા કરવી તે દરેક ભાઇનું પરમ કર્તવ્ય બને છે.
બીજી એક કથા પ્રમાણે રાક્ષસોના રાજા બલીને ભગવાન વિષ્ણુના વરદાન પ્રમાણે સ્વયં પ્રભુ નારાયણ તેનાં રાજ્યની રક્ષા કરશે એવું વચન આપ્યું હતું. હવે વરદાન અનુસાર પ્રભુને વૈકુંઠ છોડીને બલીની સાથે તેનાં રાજ્યની રક્ષા માટે જવું પડ્યું અને મા લક્ષ્મી વૈકુંઠમાં એકલાં પડી ગયાં. પ્રભુને પરત વૈકુંઠમાં લાવવા તો કેમ લાવવા? એ પ્રશ્ન ઊભો થયો.
ભગવાન નારાયણના પરમ ભક્ત એવા નારદે માતા લક્ષ્મીને એક ઉપાય બતાવ્યો. શ્રાવણી પૂનમના દિવસે મા લક્ષ્મી બલીના ઘરે ગયાં અને તેમના કાંડે રાખડી બાંધી. હવે પરંપરા અનુસાર બહેન જ્યારે રાખડી બાંધે અને ભાઇ પાસે તે જે કંઇ માગે, તે આપવું જોઈએ તેવી પ્રથા છે. એટલે બલીએ જેવું કહ્યું કે મા, માગો કે તરત જ લક્ષ્મીજીએ ભગવાન નારાયણને એના વરદાનથી મુક્ત કરી દેવા, એવું અભયવચન માગ્યું, બલી રાજાએ એ વચન આપ્યું પણ ખરું. આમ વૈકુંઠમાં ફરીવાર નારાયણ અને લક્ષ્મીનો મેળાપ થયો.
આ દિવસે બહેન ભાઇ પાસે ભાઇની શક્તિ અનુસાર જે કંઇ માગે, તે આપવું તે ભાઇનું પ્રથમ કર્તવ્ય બને છે. બહેનની રક્ષા કરવાની અને જરૂર પડ્યે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવાની તૈયારી પણ રાખવી પડે.
યમ અને યમુનાની કથા અનુસાર ભગવાન સૂર્ય નારાયણનાં પુત્રપુત્રી યમ અને યમુનાની આ પૌરાણિક કથા પ્રમાણે યમ મૃત્યુના દેવતા છે, તેના કાંડે જ્યારે તેમની બહેન યમુનાએ (ઉત્તર ભારતમાં વહેતી નદી) રાખડી બાંધી, ત્યારે મૃત્યુના દેવતાએ પોતાની બહેનને સદૈવ અમર રહેવાનું વરદાન આપ્યું. સાથે ને સાથે એવું પણ વરદાન આપ્યું કે જે કોઈ પૂર્ણ આસ્થા અને વિશ્વાસ સાથે આ તહેવારને ઉજવશે અને જે ભાઇ પોતાની બહેનની રક્ષા કરશે, તેને તેઓ અમરત્વ આપશે.
ભલે પોતે મૃત્યુના દેવ હોય, પણ બહેનના પ્રાણ થોડા હરી શકે? ભલભલા ચમરબંધીઓ તો શું સ્વર્ગલોકના દેવો પણ સ્ત્રી શક્તિ પાસે માથું નમાવતા હોય તો મારી અને તમારી શી વિસાત. આ શક્તિ જ્યારે કંઇ કરવા પર મક્કમ થઇ જાય ત્યારે કોનું ગજું છે કે આ શક્તિની હડફેટે ચડે?
શાસ્ત્રો ખોલીને જોઇ લો, જે જે હડફેટે ચડ્યા છે, એનાં કેવાં ફનાફાતિયાં થયાં છે. ભાઇ-બીજ અને રક્ષાબંધન બંને તહેવારો બહેનોનાં છે.
ઇતિહાસ મુજબ જ્યારે ગુજરાતના સુલતાન બહાદુર શાહે ચિત્તોડ પર ચઢાઇ કરી, ત્યારે ચિત્તોડના મહારાણાની વિધવા રાણી કર્ણાવતીએ દિલ્હીના સુલતાન મોગલ શહેનશાહ હુમાયુને ચિઠ્ઠી મોકલી. અને સાથે એક રાખડી પણ મોકલી અને મદદ કરવાની માગણી કરી.
તરત જ બાદશાહ હુમાયુએ સૈન્ય બોલાવ્યું અને ચિત્તોડ તરફ કૂચ કરી. પણ ક્યાં દિલ્હી અને ક્યાં ચિત્તોડ? બહાદુર શાહે ચિત્તોડનો કિલ્લો સર કર્યો અને રાણીને બંદી બનાવવા કિલ્લામાં પ્રવેશ કર્યો. એક વાયકાનુસાર એ સમયે રાણીના કિલ્લામાં અંદાજે 13000 સ્ત્રીઓ હતી. રાણી કર્ણાવતીએ બહાદુર શાહના હાથમાં આવીને અપમાનિત થવાને બદલે જૌહર પસંદ કર્યું.
થોડા દિવસોમાં રાણીનો ધર્મનો ભાઇ બાદશાહ હુમાયુ ચિત્તોડ પહોંચ્યો અને બહાદુર શાહને લડાઇમાં હાર આપીને ચિત્તોડ પર ફરી રાણાઓનું રાજ સ્થાપ્યું. રાણીના પુત્ર વિક્રમસિંઘને ગાદીનશીન કરીને પછી જ હુમાયુએ ચિત્તોડ છોડ્યું.
આમ, આ તહેવાર હિન્દુ હોય કે મુસ્લિમ કે કોઈ પણ કોમ કે જાત હોય, જ્યારે કોઈ બહેન કોઈ પુરુષને ધર્મનો ભાઇ માને ત્યારે કોઈ જાત-પાંત કે કોમ-જ્ઞાતિનાં વાડા નથી નડતા. તેઓ બસ ભાઇ-બહેન હોય છે.
ઇતિહાસની બીજી એક વાત અનુસાર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ-સિકંદરે જ્યારે પુરુ રાજા સાથે લડાઇ કરી, ત્યારે એલેક્ઝાન્ડરની પત્નીએ રાજા પુરુને રાખડી મોકલી અને ધર્મના ભાઇ બનાવ્યા. રાખડી મોકલીને બહેને પોતાના પતિનો જીવ બક્ષી દેવાની માગણી કરી. લડાઇ દરમ્યાન જ્યારે એલેકઝાન્ડરને રાજા પુરુ મારી શકે તેમ હતો, છતાંયે બહેનને આપેલ વચન અનુસાર જીવતો જવા દીધો.
આમ, શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં રક્ષાબંધન નિમિત્તે ભાઇ બહેનની ઘણી વાતો ઉપલબ્ધ છે. ઇન્દ્ર દેવ અને રાણી શચીની તેમજ ભગવાન ગણેશ અને સંતોષીમાતાની, એમ ઘણી કથાઓ છે. ભાઇ – બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક રૂપે ઉજવાતો પવિત્ર આ તહેવાર છે.
રક્ષા અને બંધન. આ બંને શબ્દોમાં જ આ તહેવાર અને આ તહેવાર સાથે જોડાયેલી મૂળ ભાવનાની વાત આવી જાય છે. કોઈની પણ રક્ષા કરવાના બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન. ભાઇના જીવનવિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક એટલે આ પર્વ. આ રક્ષણ એટલે અંતરથી અપાયેલા આશીર્વાદનું કવચ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, દેવી-દેવતાઓને સાચા મનથી કરેલી પ્રાર્થના વડે રચાયેલું સૂક્ષ્મ રક્ષણ.
રાખડીનાં પ્રત્યેક તાંતણામાં ભાઇ-બહેનનાં હૃદયનો નિર્વ્યાજ પ્રેમ નીતરતો હોય છે. રાખડી એ માત્ર અને માત્ર સૂતરનો દોરો નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. પોતાનો ભાઇ એની અંદરનાં શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, વગેરે ઉપર પણ વિજય મેળવે એવી આશા પણ રાખે છે.
મહત્ત્વ આ તાંતણાનું કે આ રાખડીનું નથી, પણ આ રાખડી બાંધતી વખતે બહેનનાં મનમાંથી જે ભાવનાઓ અને ભગવાનને જે પ્રાર્થના થઇ હોય તે પ્રાર્થનાના કવચથી ભાઇની રક્ષા થતી હોય છે. આ કવચ ભેદવું ખુદ ભગવાનને પણ કપરું થઇ પડે. જ્યારે તમે સાચા મનથી, સાચા હૃદયથી કોઈના માટે પ્રાર્થના કરો, ત્યારે આ સુરક્ષાકવચ આપોઆપ રચાઈ જાય. અંતરનાં અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે જે અંત:કરણથી આશીર્વાદ અપાયા હોય એનું મહત્ત્વ છે. શુદ્ધ ભાવે, ખરા અંતરથી કોઈનાં પ્રેય અને શ્રેય માટે કરાયેલી ઇચ્છાઓ ક્યારેય નિષ્ફળ જતી નથી. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં એક અનેરું અને અનોખું સામર્થ્ય છે. દૃઢ સંકલ્પ તો ચમત્કારોનો જન્મદાતા છે; રિદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ અને પ્રગતિનું ચાલકબળ અને પ્રેરણાદાયી સ્ત્રોત છે. ઘણાં ઋષિમુનિઓ, દેવી-દેવતાઓ અને રાક્ષસોએ પણ પોતાની અતિ દૃઢ સંકલ્પશક્તિ વડે જ ઇચ્છિત વરદાનો અને ફળો મેળવ્યાં છે.
સ્ત્રી માત્ર તરફ વિકૃતિની દૃષ્ટિએ ન જોતાં પવિત્ર દૃષ્ટિ રાખવી જોઈએ, એવો સંદેશ આપતો આ તહેવાર હાલ ભાઇ-બહેન પૂરતો અને કુટુંબ પૂરતો બની ગયો છે. આવી શ્રેષ્ઠ ભાવના ધરાવતા આ તહેવારને કોઈ જાતિ કે ધર્મ પૂરતો મર્યાદિત ન બનાવીને સાર્વત્રિક મંગલકામનાનો, વિશ્વકલ્યાણનો તહેવાર બનાવવો જોઈએ.
આ દિવસે બલરામજયંતી પણ ઉજવવામાં આવે છે. શ્રીકૃષ્ણના મોટાભાઇ એવા બલરામનો જન્મ પણ શ્રાવણી પૂનમનાં દિવસે થયો હતો.
આ દિવસને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ દિવસે માછીમાર ભાઇઓ સહકુટુંબ દરિયાદેવ (વરુણદેવ) પાસે જાય છે અને તેને નાળિયેર અર્પણ કરે છે, અને પછી માછીમારી કરવા દરિયો ખેડે છે. નાળિયેર અર્પણ કરીને તેઓ દરિયાદેવ પાસે પોતાની ખેપ સફળ થાય અને ખૂબ માછલીઓ પકડાય અને કોઈ વેપારી વહાણ હોય તો એનો માલસામાન સહીસલામત યોગ્ય સ્થળે પહોંચી જાય અને વળતી વખતે પણ વહાણ ભરેલું જ આવે તેવી પ્રાર્થના કરે છે. આ દિવસે મુંબઇનાં દરિયાકાંઠે જાણે કે નાળિયેરની ભરતી થઇ હોય એટલાં બધાં નાળિયેર જોવા મળે છે.
જનોઇપૂર્ણિમા ઉત્તરાખંડમાં પણ ઉજવાય છે. એને ત્યાંનાં સ્થાનિક રહેવાસીઓ ‘જન્યો પૂન્યુ’ કહે છે. ‘જન્યો’ એટલે જનોઇ કે જનોઉ અને ‘પૂન્યુ’ મતલબ પૂર્ણિમા. નેપાળમાં આ દિવસે ત્યાંનાં સ્થાનિક રહેવાસીઓ જાતજાતનાં ધાન્યથી બનાવેલું ‘ક્વાતિ’ નામનું સૂપ પીએ છે. ઉત્તરાખંડમાં આવેલ ચંપાવત નામના જિલ્લાના દેવીધુરા શહેરમાં આ દિવસથી ‘બગવાલ’નો મેળો યોજાય છે.
ઓરિસ્સામાં આ દિવસને ‘ગમ્હા પૂર્ણિમા’ કહેવામાં આવે છે. આ દિવસે સૌ પોતપોતાનાં ઘરે મીઠાઇઓ બનાવે છે અને સગાં-વહાલાં, મિત્રોમાં વહેંચે છે. ગાયો-બળદોને સરસ રીતે શણગારે છે. વાયકા અનુસાર ભગવાન જગન્નાથ (કૃષ્ણ ભગવાન) અને રાધાજી આ દિવસોમાં શ્રાવણી એકાદશીથી પૂનમ સુધી એમ આ પાંચ દિવસ વર્ષા ઋતુનો આનંદ માણે છે. આ દિવસોમાં ભક્તો તેમને (ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને) સુંદર, મનમોહક આભૂષણો અને વસ્ત્રો પહેરાવીને તૈયાર કરીને હિંડોળામાં જુલાવે છે. એને જુલન-યાત્રા પણ કહેવાય છે. આ જુલન યાત્રા, ઓરિસ્સા સિવાય બંગાળ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઉજવાય છે.
6 Comments
Leave A Comment
Your Content Goes Here






ખૂબ સરસ
લેખકનું નામ?
Khub j saras lekh chee…adbhut…🙏🙏
ખુબ સરસ માહિતીસભર લેખ.
જય હિંદ🙏
ખૂબ જ પ્રાસંગિક અને શાસ્ત્રો મા જે પ્રસંગો નો વિવિધ ઉલ્લેખ છે એ મુજબ અહી દરેક વાતો ને એક કથા સ્વરૂપ રજૂઆત કરી વાચકો ને ગમે તેવી રસપ્રદ શૈલી મા અહી નિરુપણ કર્યુ છે 🙏🌹