આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : જીવંત દૃષ્ટાંતો
આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : લે. સ્વામી વીરેશ્વરાનંદ. પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૩-૫૦
પોતાના જીવનના સાત દાયકા શ્રીરામકૃષ્ણ સંઘમાં વિતાવનાર, રામકૃષ્ણ મિશનના દસમા અધ્યક્ષપદને શોભાવનાર અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના કાર્યને માટે જાત ઘસી નાખનાર કર્મઠ સંન્યાસી સ્વામી વીરેશ્વરાનંદે આપેલાં બે વ્યાખ્યાનો અને લખેલા એક લેખના અનુવાદનું આ નાનું પણ ભક્તિસભર અને અર્થગર્ભ સંકલન છે.
રામકૃષ્ણ મઠ કે મિશનમાં જોડાનારને આધ્યાત્મિક આદર્શો શોધવા દૂર ક્યાં જવું પડે? ઈ. સ. ૧૮૩૬ થી ૧૮૬૩ સુધીના ૨૭ વર્ષના ગાળામાં કલકત્તા અને એને કેન્દ્ર લઈ દોરેલી લગભગ ૧૦૦ કિ.મિ.ની ત્રિજ્યાથી ખંડાતા ભૂમિ ભાગમાં જે લોકોત્તર વ્યક્તિઓનું પ્રાગટ્ય થયું હતું તેની સરખામણી કેવળ પેરિકિલસના સમયના એથેન્સ સાથે થઈ શકે. એ અમૂલ્ય રત્નમાળામાંથી ઘણાં અનુપમ રત્નો, શ્રીરામકૃષ્ણ પરમહંસે, શ્રી શારદામાએ અને સ્વામી વિવેકાનંદે ભારતને અને સમગ્ર જગતને ઉચ્ચ આધ્યાત્મિક આદર્શો પૂરા પાડ્યા છે.
વિશ્વ આજે અનેક રીતે એકતા તરફ પ્રયાણ – કરી રહ્યું છે. ઓગણીસમી સદીની ત્રીજી પચ્ચીસીમાં અંગ્રેજ કવિ ટેનિસને રાષ્ટ્રોની સંસદ અને જનસમુદાયના સમવાય તંત્ર (Parliament of Nations and Federation of Man)ની કલ્પના કરી હતી. ધીમે ધીમે બે ડગલાં આગળ વધતાં તો એક પગલું પાછળ હઠતાં, જગતનાં રાષ્ટ્રો એ આદર્શ ભણી જઈ રહ્યા છે. વિજ્ઞાનને કે વિચારને રાષ્ટ્રના સીમાડામાં કોઈ બાંધી રાખી શકે તેમ નથી. રૂઢિચુસ્તતા તરફનું વલણ ધર્મસંપ્રદાયોના મરણિયા પ્રયાસો છે. અને, ધર્મની બાબતમાં પણ શ્રીરામકૃષ્ણની પ્રબળ પ્રેરણાથી સ્વામી વિવેકાનંદે ચીંધેલો વેદાન્તનો માર્ગ રૂઢિચુસ્તતાની સંકુચિતતાની જંજીરોને તોડી, ચોદિશ ફેલાતો જાય છે.
આ આ પુસ્તિકામાં, આધુનિક યુગના આ પરિપ્રેક્ષ્યમાં આ શ્રીરામકૃષ્ણ, શ્રી શારદામા અને સ્વામી વિવેકાનંદના ભવ્યોદાત્ત જીવનના કેટલાક ઉદાત્ત અંશો દ્વારા એમના યુગપ્રવર્તક સંદેશ ઉપર પ્રકાશ કેન્દ્રિત કરવામાં આવ્યો છે.
નાતાલને પ્રસંગે ઈસુની જન્મભૂમિ બેથલેહેમમાં જે બન્યું એમાં ધર્મઝનૂનની સંકુચિત દૃષ્ટિ સિવાય બીજું કશું જોવા મળતું નથી. એ ઝનૂન અને સાચા ધર્મો વચ્ચે પ્રવર્તતા વૈમનસ્યને દૂર કરવાનો માર્ગ (પૃ.૮) શ્રીરામકૃષ્ણે આપણને બતાવ્યો છે. આજના યુગમાં ક્ષીણ થઈ ગયેલી ઇશ્વરમાં શ્રદ્ધા શ્રીરામકૃષ્ણ આપણને પુન: આપી છ(પૃ.૭). જીવની શિવરૂપે સેવા કરવાનું શ્રીરામકૃષ્ણે પ્રબોધ્યું અને એ બોધને સ્વામી વિવેકાનંદે તથા તેમના ગુરુભાઈઓએ રામકૃષ્ણ મિશન દ્વારા વ્યવહારુ સ્વરૂપ આપ્યું. તે સ્પષ્ટ રીતે જ અધિકાર નહીં પરંતુ કર્તવ્ય ઉપર જ ભાર મૂકે છે. (પૃ.૯) સ્વામી વીરેશ્વરાનંદે યોગ્ય જ કહ્યું છે કે, ‘આપણી સમક્ષ ગમે તેટલા પ્રશ્નો હોય, તો પણ, શ્રીરામકૃષ્ણે તે બધાના ઉકેલો માટે આપણને સાધન આપ્યાં છે. (પૃ. ૧૨).’
આપણે સૌ જેટલું શ્રીરામકૃષ્ણ કે સ્વામી વિવેકાનંદ વિશે જાણીએ છીએ એનાથી દસમા ભાગનું પણ શ્રીશારદામા વિશે જાણતા નથી. એનું એક કારણ એ હોઈ શકે કે, ‘વિશ્વની સામ્રાજ્ઞી જયરામવાટીમાં એક- અકિંચન નારીનો પાઠ ભજવીને ઘર વાળેઝૂડે છે, વાસણો માંજે છે, ચોખા છડે છે અને પોતાના ભક્તોના ભોજન બાદ એમની પત્રાળીઓ ઉપાડે છે.’ (સ્વામી પ્રેમાનંદનું અવતરણ, પૃ.ર૪) શ્રીમાએ પ્રવચનો આપ્યાં નથી, પોતાના સમાધિદર્શનનો લાભ કોઈને આપ્યો નથી કે નથી કોઈ ગુરુચરણ સેવ્યાં, આમ છતાં શ્રીશારદામાની ઝાંખી વીરેશ્વરાનંદજીએ આપણને બરાબર કરાવી છે. ‘નમ્રતા, દયા અને પ્રેમની જે મૂર્તિ હતાં, માનવજાતિની યાતનાઓથી વિદ્ધ હૃદય એમની આંખોમાંથી જ ડોકાઈ રહેતું. જેમનો પ્રેમ પાઠ પુણ્યશીલ અને પાપી વચ્ચે કશો ભેદ કરતો નહિ અને જેનો તાગ ન મળે છતાં જેમાં અવગાહન કરવામાં તૃપ્તિનો અનુભવ થાય એવી વિભૂતિ (પૃ:૨૫) મા હતાં. એમની વત્સલતાએ ડાકુઓ વશ થતા અને પાગલોમાં ડહાપણ આવતું. શ્રીરામકૃષ્ણ સાથેનું એમનું દાંપત્ય જગતમાં જોટો ન મળે તેવું હતું. શ્રીરામકૃષ્ણ, શ્રીશારદામાને ‘મૂર્તિમતી જગદંબા રૂપે’ જોતા હતા (પૃ.ર૬). કારણ કે મા ખરેખર તેવાં જ હતાં, પોતાના આધ્યાત્મિક જીવનમાં શ્રીમાના પ્રદાનનો શ્રીરામકૃષ્ણે ઉઘાડો એકરાર કર્યો હતો (પૃ.ર૭). આ બે મહાન વિભૂતિઓનાં દાંપત્ય જીવનનો જગતને જે સંદેશ છે તે સ્વામી વીરેશ્વરાનંદે અદ્ભૂત રીતે અહીં સંક્ષેપમાં રજુ કર્યો છે. જગતની માતાઓ અને સંન્યાસિનીઓ માટે (પૃ.૩૬) માનું જીવન આદર્શ રૂપ છે.
પુસ્તિકાના અંતિમ લેખમાં, એક નાના વ્યાખ્યાનરૂપે, સ્વામી વીરેશ્વરાનંદ સ્વામી વિવેકાનંદનો સંદેશ સંભળાવે છે. ગાગરમાં સાગર સમાવવાનાં આ પ્રયત્નમાં સ્વામી વીરેશ્વરાનંદ સફળ થાય એ વિશે શંકા નથી. કારણ કે સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓ અને શિષ્યોને હાથે પોતે ઘડાયા હતા. સ્વામી વિવેકાનંદનું આર્ષદર્શન (પૃ.૪૨), ભારતના પતન અંગેનું સ્વામીજીનું પૃથકકરણ (પૃ.૪૦). શ્રીરામકૃષ્ણને અનુસરી સ્વામી વિવેકાનંદે આપેલા ધર્મનો અર્થ તે (પૃ.૪૨) બાબતો ચોટદાર ભાષામાં રજૂ કરી સ્વામી વીરેશ્વરાનંદ કહે છે કે પોતે ‘સ્વામી વિવેકાનંદના સંદેશનાં થોડાં પાસાંની ટૂંકમાં રજૂઆત કરી છે.’ (પૃ.૪૪)
સ્વામી વિવેકાનંદના પશ્ચિમવાસ ઉપર વેધક પ્રકાશ નાંખનાર વિખ્યાત અમેરિકન લેખિક મેરી લૂઈ બર્કે કહ્યું છે કે ‘શ્રીરામકૃષ્ણ અને એમના શિષ્યો’ (ને એમનાં શિષ્યો)નાં શક્તિ, જ્ઞાન અને પ્રેમ આત્મસિદ્ધિના સઘળા પંથોમાં પ્રાણ પૂરશે (‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ – જૂન ૧૯૮૯, પૃ.૧૩૦). આ ત્રણ લેખોની નાની પુસ્તિકા શ્રીરામકૃષ્ણ, શ્રીશારદામા અને સ્વામી વિવેકાનંદનો સંદેશ રજૂ કરતું વિરલ બિલીપત્ર છે.
આ સુવાક્ય અને સુંદર અનુવાદ બદલ શ્રીમતી રંજનબહેન જાનીને અભિનંદન ઘટે છે.
દુષ્યત પંડ્યા, જામનગર
Your Content Goes Here




