(૧૨મી જુલાઈ ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સાધુ વાસવાણી સ્કૂલનાં શિક્ષિકા બહેનો માટે એક સેમિનાર યોજાયો હતો. સેમિનારથી પ્રભાવિત થઈ તેઓએ પોતાના પ્રતિભાવો મોકલી આપ્યા હતા. આ પ્રતિભાવોથી પુરવાર થાય છે કે જો અનુકૂળ વાતાવરણ મળે તો આજના શિક્ષકોમાં પણ શિક્ષણક્ષેત્રે કંઈ કરી છૂટવાની ધગશ છે. અન્ય સંસ્થાઓને આવા સેમિનારો યોજવા માટેની પ્રેરણા પ્રાપ્ત થાય એ હેતુથી આ પ્રતિભાવોમાંથી થોડા અહીં રજૂ કરીએ છીએ.)
તારીખ ૧૨ જુલાઈ, મંગળવારે સાધુ વાસવાણી સ્કૂલના ટીચર્સનો રામકૃષ્ણ આશ્રમમાં જે સેમિનાર યોજાયો હતો તેને હું મારું સૌભાગ્ય સમજું છું. સ્વામીજીએ જે શિક્ષાનો અર્થ બતાવ્યો કે વિદ્યાર્થીઓમાં જે પૂર્ણતા છે તેને બહાર લાવવાની છે એવી જ રીતે આ સેમિનાર પણ શિક્ષકોમાં જે આદર્શ છે, તે બહાર લાવવા માટે ખૂબ જ મદદરૂપ હતો. શાળાની દરેક વસ્તુ સજીવ છે – ભીંત, બેંચ, ડસ્ટર, પોસ્ટર એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું.
બાળક એક ઉત્તમ શ્રોતા અને દર્શક છે. આથી શિક્ષકનું વર્તન, તેનો દેખાવ – શિક્ષકની દરેક ક્રિયાની અસર બાળક પર થાય છે, તે મુદ્દો ખાસ ગમ્યો. કિરણ બેદીનો દાખલો ખૂબ ગમ્યો. જાણવા મળ્યું કે, એક સ્ત્રી ગુનેગારોને પણ સારાં કર્મોની તાલીમ આપી શકે તો એક શિક્ષક કોમળ ફૂલ જેવાં બાળકોને કેટલી સરસ તાલીમ આપી શકે!
શિક્ષકો સાથેની ચર્ચામાં અમને મૂંઝવતા પ્રશ્નો જેવા કે શિક્ષકે બાળકને સજા કરવી કે નહિ, ગુસ્સાને કેવી રીતે કાબૂ કરવો એ પ્રશ્નના જે સમાધાન મળ્યા, તે માટે અમે બધા ખૂબ આભારી છીએ. પોતાના આત્માને જાગ્રત કરવાનો આ જે અમૂલ્ય મોકો મળ્યો તે હું ભૂલી શકીશ નહિ.
– માટા ઉષા એલ.
આશ્રમનું સ્વચ્છ સુંદર વાતાવરણ જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. આશ્રમમાં પગ મૂકતાં જ આશ્રમની અને ગુરુદેવની પ્રભાવિતતાથી મન નિર્મળ થઈ ગયું. શિક્ષક શું છે? શિક્ષકનું કાર્ય શું છે? તે વિશેના થોડાઘણા સામાન્ય વિચારો હતા. પરંતુ શિક્ષક એક ગુરુ કેમ બને તે માટે સ્વામી જિતાત્માનંદજી પાસેથી જાણીને મનની આશંકાઓ દૂર થઈ. સાંસારિક જીવનની સાથે આધ્યાત્મિક જીવન વિદ્યાર્થીને આપવું જોઈએ તે એક આદર્શ શિક્ષકની ફરજ છે, આશ્રમમાંથી આપેલી બુક ‘Call to the Nation’ વાંચીને આજના યુગની માગ અને યુવકો તેમ જ વિદ્યાર્થીના ચારિત્ર્યઘડતરની ખૂબ જરૂરિયાત છે તે જાણ્યું.
કિરણ બેદી અને ધ્રુવના સ્વામીજીએ આપેલાં ઉદાહરણ પરથી જો મનુષ્ય ધારે તો ખરાબ વૃત્તિના માણસને સારો બનાવી શકાય તે સાંભળી ખૂબ આનંદ થયો. શિક્ષકોએ બાળકમાં આત્મજ્ઞાન, રાષ્ટ્રજ્ઞાન તેમજ સામાજિક જ્ઞાન વિકસાવવાના પ્રયત્નો કરવા જોઈએ. રામકૃષ્ણ આશ્રમમાં ગોઠવેલ સાંસ્કૃતિક પ્રદર્શન ખૂબ જ ગમ્યું. જે નહોતા જાણતા તે જાણવા મળ્યું. આશ્રમનો ખૂબ આભાર.
– રાજ્યગુરુ પારુલ જી.
ટીચર્સ સેમિના૨ ખૂબ જ સરસ રહ્યો. સ્વામીજીનું વક્તવ્ય મનનીય હતું. સેમિનારમાં ગયા ત્યારે ખરેખર શિક્ષક થઈને ગયા હતા. પરંતુ ત્યાં મને વિદ્યાર્થી તરીકેનો એક સુખદ અનુભવ થયો. રામકૃષ્ણ આશ્રમનું દિવ્ય વાતાવરણ જ મનને પ્રફુલ્લિત કરી ગયું.
પૂ. જિતાત્માનંદજી સ્વામીના પ્રવચનમાંથી તેમના સારા વિચારો, રાષ્ટ્રઘડતર, નાગરિકઘડતર અને આત્મઘડતર માટેના વિચારો મનને સ્પર્શી ગયા. તેમણે આપેલ કિરણ બેદીનું દૃષ્ટાંત સ્ત્રી શક્તિને જાગૃત કરાવનારું હતું. બાળકોને કઈ રીતે જ્ઞાન આપવું, તેમનામાં રહેલ શક્તિને કઈ રીતે જાગૃત કરવી તે જાણવા મળ્યું.
પૂ. નિખિલેશ્વરાનંદજી સ્વામીએ સ્વામી વિવેકાનંદના, સંદેશની ઝાંખી કરાવી, આત્મશ્રદ્ધા કઈ રીતે પ્રાપ્ત થાય તેની સમજ આપી. રામકૃષ્ણ આશ્રમમાં ગોઠવેલ પ્રદર્શન ખરેખર જોવાલાયક હતું. તેમજ મહાન પુરુષોના જીવનચરિત્ર યાદ અપાવતા ફોટાઓ મનની સ્મૃતિને સતેજ કરનારા હતા. ખરેખર રામકૃષ્ણ આશ્રમમાં ગોઠવેલ શિક્ષક સેમિનાર દ્વારા ઘણું – ઘણું જાણવા શીખવા અને સમજવા મળ્યું.
– જોષી જાગૃતિ
Your Content Goes Here




