એક પ્રાર્થના છે :

‘હું મંદિરે જાઉં, કૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા છે.’

જેમણે ઈશ્વરને ઓળખ્યા હોય એ પરમ સંતોષી બની જાય અને એમની સામે બધાં ધન દોલત ધૂળ. પ્રભુના પ્યારાને કામિની- કાંચનનો મોહ ન હોય. ઈશ્વરનાં જ્ઞાન-દર્શને આ મોહની કાંચળી ઉતારી નાખી હોય છે. આવા વૈરાગી નિર્મોહી જ પ્રભુપ્રેમના અધિકારી બની શકે.

શીખ શિરોમણિ ગુરુ ગોવિંદસિંહ ધર્મોપદેશ આપતા આપતા અને તીર્થાટન કરતા કરતા યમુનાના કિનારે બેઠા હતા. એમને ત્યાં આવેલા જોઈને એમનો એક શ્રદ્ધાળુ ભક્ત યમુના કિનારે આવ્યો અને ગુરુ સાથે થોડી હરિચર્ચા કરી. અંતે પ્રણામ કરીને ગોવિંદસિંહજીનાં ચરણમાં સોનાનાં બે કંગન મૂક્યાં અને બોલ્યો, “હે મહારાજ! આપના ભક્તની આ એક ભાવભેટ સ્વીકારો.” ગુરુએ એક કંગન હાથમાં લીધું. તેના પર હાથ ફેરવવા લાગ્યા. ધનવાન ભક્તની નજર ત્યાં જ મંડાણી હતી. થોડી વારમાં ભક્તે જોયું તો ગુરુ જે કંગન પર હાથ ફેરવતા હતા તે ઓચિંતાનુ યમુનાના વહેતા નીરમાં પડી ગયું. ગુરુ ગોવિંદસિંહ તો નિશ્ચલ રહ્યા. પણ પેલો ધનવાન તો ખાબક્યો યમુનામાં કંગન શોધવા પ્રયત્ન કર્યો પણ પાણીમાં ક્યાંય મળે નહીં ભક્ત તો આકુળવ્યાકુળ બનીને ‘કંગન ક્યાં ગયું?’ ‘ક્યાં ગયું?’ના જપ જપે છે. ભક્તની વિહ્‌વળતા જોઈને ગુરુ ગોવિંદસિંહે બીજું કંગન પણ નદીમાં ફેંકતાં કહ્યું, ‘ભાઈ, તું એને એ બાજુ નિરર્થક શોધે છે. એ તો એ તરફ જ પડ્યું છે.’ પેલો ધનિક તો એના તરફ તાકી જ રહ્યો. એને ગુરુનું આ વર્તન વિચિત્ર લાગ્યું. એ કંઈ બોલવા જતો હતો ત્યાં જ ગુરુ ગોવિંદસિંહે કહ્યું, ‘જો ભાઈ, સોનું, ચાંદી રૂપિયા પૈસાનો મોહ ન રાખવો. એ માનવનું અધ:પતન નોતરે છે અને પ્રભુના પ્રેમથી દૂર રાખે છે. જેમણે પ્રભુની નજીક પહોંચવું હોય એમણે આ મોહ જતો કરવો જ રહ્યો.’

‘તમે મને ભલે એ કંગન પ્રેમપૂર્વક, ભક્તિભાવથી આપ્યાં હોય પણ મારે તો એ માટીતૂલ્ય જ હતાં એટલે તો એને નદીમાં વહાવી દીધાં.’ આ સાંભળીને પેલા ધનિક શિષ્યનું માથું શરમથી ઝૂકી ગયું. તેને આજે નિર્મોહની સાચી સમજણ પડી. એનું પણ ભાન થયું કે મોહી, લોભી એવા મેં સોનાના કંગનનું પ્રલોભન આપીને ગુરુના દિલને કેટલું દુ:ખ પહોંચાડ્યું! ગુરુ ગોવિંદસિંહની વૈરાગ્યવૃત્તિ, ત્યાગવૃત્તિ જોઈને એ એમનાં ચરણમાં પડી ગયો.

નિર્મોહી વૈરાગી બનીને જ સાચા વૈષ્ણવજન બની શકાય અને ત્યારે ઈશ્વરનાં દ્વાર ખૂલી જ જાય.

‘છેતરવા કરતાં છેતરાવું ભલું’

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે!
નિર્મળ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે.
જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ કરો, નિ:સંશય કરો હે.

રવીન્દ્રનાથ ટાગોરની આ પ્રાર્થનાના મર્મને જાણનાર, જીવનશુદ્ધિને સાધના ગણનાર, મંગલ એટલે કે જ્યાં શ્રેયસ્ પ્રેયસ્ બન્નેનો સુભગ સમન્વય સધાતો હોય અને જાગૃત રહીને પરકલ્યાણ જ જેમની જીવનયાત્રાનું પરમ સુખદાયી સંગીત બની ગયું હોય એવા સંતો જ આપણા જીવનને સુખદાયી, શાંતિદાયી, આનંદદાયી બનાવી શકે. એમનું જીવન ઝરણું આપણને શૈત્ય, પાવનત્વ બક્ષે છે.

હજરત નિજામુદ્દીન ઓલિયાના એક શિષ્ય હતા, શેખ ઉસ્માન ખૈરાબાદી. તેઓ ધર્મનિષ્ઠ અને વિદ્વાન હતા. પોતાનો પેટગુજારો રાંધેલાં શાકભાજી વેચીને કરતા. આ શાકભાજી ખરીદવા કેટકેટલાં માણસો આવતાં. ભૂલથી કોઈ ગ્રાહક ખોટા રૂપિયા આપી જાય તો મોઢા પરનો ભાવ બદલ્યા વિના જાણીબૂઝીને એ ખોટો સિક્કોય લઈ લેતા અને ગ્રાહકોને સાચવતા. આવી રીતે એની સતત બનાવટ કરનારાં ગ્રાહકો વધવા માંડ્યા. એટલું જ નહીં પરંતુ એવી વ્યક્તિઓના મનમાં આ ધારણા પણ બંધાઈ ગઈ કે, શેખ ઉસ્માનને સારા-નરસા સાચા-ખોટા વચ્ચે ભેદ નથી લાગતો. એટલે લોકોય ઇરાદાપૂર્વક ખોટા રૂપિયા પધરાવી જતા અને શાકભાજી ખરીદી જતા. આવું તો એમના મૃત્યુપર્યંત ચાલ્યા કર્યું. છેતરનારા છેતરતા રહ્યા અને શેખ ઉસ્માન વિદ્વાન હોવા છતાંય છેતરાતા રહ્યા! અજબ દુનિયાના છેતરનાર અને અજબનો અલગારી આ શેખ ઉસ્માન!

કોઈને છેતરવા કરતાં છેતરાવું ભલું તે જ પોતાનું જીવનસૂત્ર ગણીને જીવન જીવતા શેખ ઉસ્માનનો અંતિમ કાળ નજીક આવ્યો. એણે પરવરદિગાર રહેમદિલ ખુદાને બંદગી કરી, ‘હે પરવરદિગાર! તું જ સાક્ષી છે કે લોકો મને ખોટા રૂપિયા આપીને માલ લઈ જતા અને હું એ ખોટા રૂપિયા સ્વીકારી લેતો. ક્યારેય એ ખોટો રૂપિયો પાછો આપવાનો ક્ષણભર મને વિચારેય ન આવ્યો અને કોઈનેય આ રૂપિયો પાછો નથી આપ્યો. આવું જીવન જીવવાનો આજની ઘડી લગી મેં પ્રયત્ન કર્યો છે. તેય મનમાં કોઈ પણ જાતનો અહંકાર, અભિમાન લાવ્યા વિના : છતાંય એક માનવી તરીકે મેં કોઈ ખોટું કામ કર્યું હોય તો હે ખુદા! મારા પર રહેમ રાખજે, અમીદૃષ્ટિ કરજે, હે રહેમદિલ! તારા દરબારમાં બધા ખુદાના બંદા સત્યના બંદા જ હશે. એમની સાથે મારા જેવા એક ખોટા બોદા રૂપિયા જેવા આ નાચીજ બંદાને સ્થાન આપજે. હું તારા દરબારમાં જ્યાં ત્યાં પડ્યો રહીશ.’ આ અંતિમ શબ્દો સાથે એમણે ફાની દુનિયા છોડી દીધી.

જીવનની પરમ નિર્મળતા, નિરહંકારિતા અને સાચુકલા હૃદયની પ્રાર્થના ઈશ્વરનાં ઘરનાં બારણાં ખોલવવા માટે પૂરતાં છે.

સંકલનકર્તા : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 335

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.