(યુવા ભાઈ બહેનોને પોતાનાં જીવનમાં મળેલ સફળતાની વાતો તેમ જ પ્રેરણાના સ્રોતની વાતો લખી મોકલવા નિમંત્રણ આપ્યું હતું, તેના પ્રતિભાવરૂપે જે રચનાઓ પ્રાપ્ત થઈ તેમાંની થોડી તેઓની ભાષામાં અહીં પ્રસ્તુત કરીએ છીએ જેથી અન્ય લોકો પણ પ્રેરણા મેળવે. – સં.)
બોડી બિલ્ડર
મારા બાળપણથી જ મારું સ્વપ્ન રહ્યું કે શ્રેષ્ઠ બોડી બિલ્ડર બનવું. મેં ૧૬ વર્ષની વયથી આ માટેના પ્રયત્નો શરૂ કર્યા. હું ખૂબ મહેનત કરતો. પરંતુ લક્ષ્યપ્રાપ્તિ – જીતવાની શકિત માટેની તીવ્રતાનો અભાવ હતો. મને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાની અણમોલ તક મળતાં શક્તિનો ખજાનો મળી ગયો હોય તેમ લાગ્યું. ‘‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત વગર અટકો નહીં” તેમના આ સૂત્રે મને માર્ગ દર્શાવ્યો. એકવાર રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમની મુલાકાતથી મારામાં સંકલ્પ શકિત વધી. શરીર સૌષ્ઠવ માટેની બરોડા ખાતે થયેલ બોડી બિલ્ડર્સ સ્પર્ધામાં હું ગુજરાત ભરમાં પ્રથમ રહ્યો. મેં પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું.
સચિન રાજપૂત, ધરમપૂર
કલી બને ઉપવન મગર…
ફેબ્રુઆરી મહિનો ઠંડીનું રૌદ્રરૂપ બતાવી રહ્યો હતો. ૧૯૮૫ ની સાલ એટલે સાતમી વિધાનસભાની ચૂંટણીઓનું વર્ષ. મારી ઉંમર લગભગ ૨૫ પૂરા. મારા ગામના એક પીઢ આગેવાનને ત્યાં ગામના અગ્રણીઓની એક બેઠક યોજાઈ રહી હતી. બધા એકઠા થયાં. હું પણ એક યુવક અગ્રણી તરીકે ઉપસ્થિત હતો. બેઠકમાં મારા પિતાજીએ એક દરખાસ્ત મૂકી, અને કહ્યું: ‘‘આજે આપણે સૌ એકઠા થયા છીએ; બધાએ બધી બાબતોમાં સારો ઉત્સાહ બતાવ્યો છે. તો હવે આપણે આપણાં ગામમાં હાઈસ્કૂલ ઊભી કરવાના પ્રયત્ન કરવા જોઈએ. આપણી દીકરીઓ જે રીતે ગારીયાધાર આવ-જા કરે છે. તે જોઈ ત્રાસ ઉપજે છે. બધાંએ આ બાબત વિચારવું જોઈએ.” બધાએ વાત સાંભળી પણ કોઈએ કશો પ્રતિભાવ વ્યક્ત કર્યો નહીં. એક મેં દૃઢ નિર્ણય કર્યો કે આ ગામે હાઈસ્કૂલનું નિર્માણ કરવા બીડું ઝડપવું.
મારા ઘેર વિવેકાનંદજીની એક ખૂબ જૂની બુક “ભાષણો અને લેખો’’ ની પડેલી. તેનો કાગળ એવો તો જીર્ણ થઈ ગયેલો કે તેને વાળીએ તો ફાટી જાય. પણ તે ઉધઈ ખાઈ ગયેલ પુસ્તક મેં વાચ્યું. આ પુસ્તકે મારા જીવન ઉપર ઘણી મોટી અસર કરી. મેં ટ્રસ્ટનું નામ પણ ‘‘શ્રી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ” આપ્યું. હું તેનો મેનેજીંગ ટ્રસ્ટી બન્યો. ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કોઈપણને વચ્ચે રાખ્યા વગર કરાવ્યું. થોડા ધક્કા થયા પણ સફળ થયો.
અનુસ્નાતક કક્ષાએ ચોથા પેપર તરીકે ‘‘ગાંધી સાહિત્ય’’ મેં પસંદ કરેલું. તેણે પણ મારા જીવનમાં ક્યારેય એક પણ ડગલું વગર વિચાર્યુ કે ઉતાવળથી ન ભરવા માર્ગદર્શન આપ્યું. મને તા. ૧૦-૪-૮૯ ના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હિયરીંગમાં આવવા પત્ર મળ્યો. મારી સ્મૃતિ પ્રમાણે ૨૦ એપ્રિલ-૮૯ ના રોજ હિયરીંગ અમદાવાદ ખાતે રાખવામાં આવેલું. બોર્ડની સામે મેં આકડાંઓ સાથે ઘણી તાર્કિક રજુઆત કરી. ચેરમેનશ્રીએ મને રૂા. બે લાખ જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત ખાતામાં દિવસ-૧૫માં જમા કરવાની શરતે શાળા મંજૂર કરવાનું ઠરાવ્યું. હું નિરાશ તો થયો પણ આ ડિપોઝીટ માટે સુરત, મુંબઈ વગેરે સ્થળોએ ઘણાને આજીજી કરી. પરિણામ શૂન્ય. ત્યાં એકાએક ચમત્કાર થયો. સરકારશ્રીએ નીતિ બદલી ડીપોઝીટની રકમ ઘટાડી દીધી. મારામાં ઉત્સાહ વધ્યો. ડીપોઝીટ ભરી શાળા જુન-૧૯૮૯ થી શરૂ કરી. આ શાળાને પછી પણ ઘણા અવરોધમાંથી પસાર થવું પડ્યું. પણ સારી બાબતોમાં ઈશ્વર મદદ કરે જ. હવે શાળા ૮ થી ૧૦ નું સંપૂર્ણ એકમ બની. શાળાને પોતાનું મકાન નથી. આશા રાખું છું. હવે તો દાતાઓ મળશે. વિવેકાનંદજીના જીવનમાંથી મળેલી પ્રેરણા અનેકોનાં જીવન ઉજાળશે.
તખુભાઈ આ. સાંડસુર, મુ. વેળાબંદર તા. ગારીયાધાર
રૂા. ૧,૫૦૦ માંથી રૂા. ૭૫,૦૦૦ ની આત્મશ્રદ્ધા
હાલમાં હું મનોવિજ્ઞાન વિષયમાં એમ.ફીલ.નો અભ્યાસ કરી રહી છું. ૧૯૯૪ માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં મનોવિજ્ઞાન વિષયમાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. બી.એ. અને એમ.એ. ના અભ્યાસ દરમ્યાન બે સુવર્ણચંદ્રક અને એક રજતચંદ્રક પ્રાપ્ત કરેલ છે. જો કે આ બધુ મને એકાએક સિદ્ધ થયું નથી. ૧૯૮૯ થી શ્રીરામકૃષ્ણ આશ્રમ આવવાની શરૂઆત કરી તે વખતનો મારો સ્વભાવ એકદમ નિરાશાવાદી હતો. નાની એવી નિષ્ફળતા હતાશા તરફ દોરી જતી. આવા સમયમાં મેં શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા ચાલતા ‘યુથસ્ટડી સર્કલ’ કાર્યક્રમમાં ભાગ લેવાની શરૂઆત કરી અને સાથે આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન પણ સારા પ્રમાણમાં થવા લાગ્યું. ‘યુવાનોને’ નામના પુસ્તકની મારા મન ઉપર પ્રભાવક અસર પડી. આવા જ બીજા બે ગ્રંથો છે – ‘‘શ્રી – “શારદામણિ દેવીનું જીવન ચરિત્ર’’ અને ‘‘શ્રીરામકૃષ્ણ પરમહંસના ઉપદેશો.” ધીમે ધીમે મને મારી શકિતઓમાં શ્રદ્ધા જન્મી. નવી હિંમત અને શક્તિ પ્રાપ્ત થતાં અભ્યાસ પ્રત્યે મારું ધ્યાન એકાગ્ર બન્યું. એટલું જ નહિ, હતાશા સહન કરવાની શકિતમાં અપૂર્વ વૃદ્ધિ થઈ. ૧૯૯૧ માં મે મંત્રદીક્ષા લીધી. એ પછી મારા સ્વભાવમાં એટલું પરિવર્તન આવ્યું કે મારી માતા તથા ત્રણ બહેનોએ પણ પછીથી મંત્રદીક્ષા લીધી. ૧૯૯૩ માં રાજકોટમાં યોજાયેલ એક યુવા શિબિરમાં સ્વામી સોમેશ્વરાનંદજી મહારાજે જ્યારે શ્રોતાગણમાંથી બધાને પ્રશ્ન કર્યો કે ‘‘તમે તમારી જાતને કેવી માનો છો?” મેં જવાબ આપ્યો: “Weak (નિર્બળ)’’ ત્યારે સ્ટેજ પર મને બધાની વચ્ચે બોલાવી. માત્ર થોડી જ મિનિટોમાં એક Game (ખેલ)ના માધ્યમથી મારી શકિતનો આંક રૂા. ૧,પ૦૦ માંથી રૂા. ૭૫,૦૦૦ જેટલો કરી આપ્યો. ત્યારથી મને થયું કે મારી પાસે શકિતનો ખજાનો છે તેને કામમાં લગાડીશ. રાજકોટમાં યોજાયેલ એક અન્ય યુવા શિબિરમાં સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે કહેલા – ‘‘તમે જે કોઈ પણ કાર્ય કરો, તેમાં તમારી પોતાની આગવી છાપ છોડો” વાક્યની પણ મારા મન પર ખૂબ ઊંડી અસર પડી. મારા જીવનમાં બનેલા આ બધા પ્રસંગોએ મને મારા ધ્યેય સુધી પહોંચવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
તેજલ નસીત, રાજકોટ
પાંચ વર્ષમાં ચાર ગોલ્ડ મેડલ
મારો ૧ થી ૧૦ ધોરણનો અભ્યાસ એક નાનકડા ગામડામાં પૂરો કર્યો અને પછી આગળ ભણવા માટે રાજકોટ આવ્યો. પાંચમા ધોરણથી સ્વામી વિવેકાનંદ વિશે ઘણી વાતો સાંભળેલી તેનાથી પ્રભાવિત થયો હતો. પણ રાજકોટ આવ્યા પછી દરરોજ આશ્રમે જતો અને સ્વામીજી પાસેથી સ્વામી વિવેકાનંદ વિશેના નાનાં પુસ્તકો મેળવતો; તે વાંચતો, ખૂબ જ પ્રેરણા મળતી. પર્સનલ ડેવલપમેન્ટ પણ થયું. ૧૨ ધોરણ પછી કોલેજમાં ભણતો અને ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીને ટ્યુશન કરાવતો અને આ રીતે મારો પોતાનો ખર્ચ કાઢી લેતો. કોલેજ પૂરી કર્યા પછી Blue Cross માં ઓપન ઈન્ટવ્યુ આપ્યું. આશરે ૬૦ જેટલા ઉમેદવાર આવેલા અને એક જ જગ્યા હતી જેના માટે હું સીલેક્ટ થયો. પહેલા જ વર્ષે ગોલ્ડ મેડલ મેળવ્યો – બીજા વર્ષે પણ ગોલ્ડ મેડલ મળ્યો અને યુ. કે. – યુરોપ ટ્રીપ માટે પસંદ થયો. ત્રીજા વર્ષની શરૂઆતમાં જ ફિલ્ડ એકજીક્યુટીવ તરીકે પ્રમોશન મળ્યું – જે આટલા થોડા સમય ગાળામાં Rare હતું. તે વર્ષ પણ ગોલ્ડ મેડલ મળ્યો – પછીના વર્ષે રીજીયોનલ સેલ્સ મેનેજર તરીકે પ્રમોટ થયો – આ રીતે પાંચ જ વર્ષની સર્વીસમાં ચાર ગોલ્ડમેડલ મેળવ્યા અને અત્યારે ભારતના અમારી ટીમના ખૂબ જ સારા મેનેજરમાં મારી ગણના થાય છે. અત્યારે હું સૌરાષ્ટ્ર-કચ્છ માં આઠ મેડીકલ રીપ્રેઝન્ટેટીવની ટીમને સંભાળું છું. આ બધી સફળતાનું શ્રેય હું સદ્ગ્રંથોના વાચનને આપું છું.
– હરપાલ વાળા, રાજકોટ.
Your Content Goes Here




