(વેદાંત સોસાયટી ઑફ ન્યુ યોર્કના સ્વામી તથાગતાનંદજી મહારાજના લેખ ‘Shri Ramakrishna and The Common Person’નું પ્રકાશન ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૦ના અંકમાં થયું હતું. તેનું શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ આંશિક ભાષાંતર અત્રે પ્રસ્તુત છે. – સં.)

વર્તમાન યુગાવતાર શ્રીરામકૃષ્ણ પ્રેમાવતાર છે. તેઓ જીવંત સચ્ચિદાનંદ છે. તેમના જ શબ્દોમાં, ‘મનુષ્યને પ્રેમ અને જ્ઞાનના પાઠ શીખવવા ઈશ્વર સ્વયં માનવદેહ ધરીને આવે છે.’

ઈશ્વર સચરાચરમાં વ્યાપ્ત છે, એ નિર્વિવાદ સત્ય છે. પરંતુ તેની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન છે. ઈશ્વરીય સત્તાની અભિવ્યક્તિ સર્વોત્તમરૂપે અવતારમાં થાય છે—ક્યાંક આંશિક, તો ક્યાંક પૂર્ણરૂપેણ.

શ્રીરામકૃષ્ણમાં આ અભિવ્યક્તિ વિરલ હતી. તેઓ એવા પ્રગાઢ ભક્તિભાવપૂર્વક સર્વત્ર ઈશદર્શન કરતા કે તેમનો દેહ પરમચૈતન્યથી પ્રકાશમાન ચિન્મય દીસતો અને નેત્રો અધ્યાત્મ તેજસભર ભાસતાં. તેમણે પોતાની અનુભૂતિઓને નિજી મૂડી જ બનાવી રાખી નહીં, પરંતુ તેમનું સમગ્ર અસ્તિત્વ એનું સંસારપંકમાં બદ્ધ જીવોમાં વિતરણ કરવા વ્યાકુળ બન્યું હતું. તેમની નિર્વ્યાજ ભક્તવત્સલતા નિહાળીને આપણે દિઙ્મૂઢ બની જઈએ છીએ. માનવકલ્યાણની આવી ઉત્કટ વ્યાકુળતા અન્યત્ર જોવા મળતી નથી.

તેઓ ભગવત્પ્રાપ્તિ માટે પાગલ બન્યા હતા, એવા જ પાગલ બન્યા હતા માનવમાત્રના ઉદ્ધાર નિમિત્તે. પતિત, નિરાધાર, ઉપેક્ષિત અને અજ્ઞાન-અંધકારમાં સબડતા જીવોનો ઉદ્ધાર કરવા તેમના પ્રાણ વ્યાકુળ બન્યા હતા. તેમનો પ્રત્યેક ઉપદેશ માનવકલ્યાણના ઉદ્ધાર નિમિત્તે હતો. તેમણે કદાપિ કોઈની ઘૃણા, નિંદા કે ઉપેક્ષા કરી નથી. સ્વામી વિવેકાનંદે લખ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણદેવ સ્ત્રીઓના તારણહાર હતા, જગતના તારણહાર હતા, ઊંચનીચ બધાના તારણહાર હતા.’

ઈશ્વરની જગદંબા કાલીરૂપે ઉપાસના કરીને ઠાકુર સ્ત્રીમાત્રમાં જગદંબાનાં દર્શન કરતા. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘મારા ગુરુદેવનો સ્ત્રીપૂજન પાછળનો ભાવ એ હતો કે દરેક સ્ત્રીમાં જગદંબાનો વાસ છે અને તે સિવાય બીજું કંઈ જ નહીં. મેં મારી નજરે જોયું છે કે સમાજ જે સ્ત્રીઓનો તિરસ્કાર કરે છે, તેમને ચરણે પણ મારા ગુરુદેવ પડતા અને રડતાં રડતાં કહેતા કે હે જગન્માતા! એક સ્વરૂપે તું જ વારાંગના છો અને બીજા સ્વરૂપે તું જ વિશ્વરૂપ છો. હે જગજ્જનની, હે માતા! હું તને પ્રણામ કરું છું.’

અહેતુક કરુણાવશ તેમણે અનેક જીવોનું જીવન-પરિવર્તન કર્યું હતું. નિરંતર ઈશ્વરોન્મત્ત સ્થિતિમાં રહેતા હોવા છતાં ઈશ્વર અને માનવ પ્રત્યેની અનર્ગળ કરુણાને લઈ તેમણે અવિરત અને અથકપણે સંસારમાં શુભત્વનું પ્રસારણ અને પ્રવહન કર્યું હતું. તેઓ સંસારદગ્ધ જીવોના, સાથે સાથે મુમુક્ષુઓના સુહૃદ હતા.

જીવમાં રહેલા શિવની, નરમાં રહેલા નારાયણની સેવા કરવાના પ્રયાસમાં તેમને અપમાન અને માનહાનિ વેઠવાં પડ્યાં હતાં. તેમનું સેવાગીત અને પ્રેમમંત્ર હતાં, ‘યત્ર જીવ તત્ર શિવ.’ આ સંગીત હજુય અબાધપણે ગુંજ્યા કરે છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, “મારા ગુરુદેવના જીવનનું બીજું એક મહાન તત્ત્વ—બીજાઓ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ. જીવનનો પૂર્વાર્ધ તેમણે ધર્મનું ઉપાર્જન કરવામાં અને ઉત્તરાર્ધ તેના વિતરણમાં ગાળ્યો… તેઓ ચોવીસ કલાકમાંથી વીસ વીસ કલાક સુધી લોકો સાથે વાતચીત કર્યા કરતા.

એક દિવસ નહીં, બલકે મહિનાઓના મહિના સુધી આ ક્રમ ચાલુ રહ્યો. અંતે પરિણામ એ આવ્યું કે વધારે પડતા પરિશ્રમને કારણે ગુરુદેવનું શરીર ભાંગી પડ્યું. માનવજાતિ પ્રત્યે તેમને એવો અગાધ પ્રેમ હતો કે તેમની કૃપા મેળવવા આવનાર હજારો માણસોમાંથી અતિ સામાન્ય માણસ પણ વંચિત રહેતો નહીં… તેઓ કહેતા, ‘એક પણ મનુષ્યને હું સહાય કરી શકું તો આવાં હજારો શરીરો છોડવા તૈયાર છું. એક માણસને પણ સહાયભૂત થવું એ ગૌરવની વાત છે.’”

શ્રીરામકૃષ્ણ પ્રત્યેક પર અહેતુક પ્રેમ અને કરુણા વરસાવે છે. તેઓ આપણને ઈશ્વરને ચાહવાનું શીખવે છે, ઉચ્ચતર આધ્યાત્મિક જીવનયાપન કરવાની આશા બંધાવે છે. તેઓ સંસારમાં દિવ્ય પ્રેમના મૂર્તિમંત કલ્પવૃક્ષ જેવા છે અને તેમણે આપણને એ અમૂલ્યનિધિના વારસદાર બનાવ્યા છે.

સહુની સેવા

એક વખત એક ગરીબ માણસ ગંદા પગ લઈને તેમના ઓરડામાં પ્રવેશીને તેમની પથારીમાં બેઠો. તેણે કહ્યું, ‘ઓ રામકૃષ્ણ, મારા માટે હોકો ભર.’ ઠાકુર હોકો ભરવા તૈયાર થયા એટલે ઉપસ્થિત ભક્તોએ ઠાકુરના હાથમાંથી હોકો લઈ લીધો અને પોતે તૈયાર કરીને પેલા માણસને આપ્યો. તે માણસ હોકો પીઈને જતાં જતાં બોલ્યો, ‘ભાઈ, હું રામ છું.’ તે માણસના ગયા પછી ભક્તોએ ઠાકુરને કહ્યું, ‘તમે શા માટે હોકો ભરવા તૈયાર થયા? તમારે અમને કહેવું જોઈતું હતું.’ પ્રેમમૂર્તિ ઠાકુરે જવાબ આપ્યો, ‘બીજાની સેવા કરવામાં ખોટું પણ શું છે?’

એક વખત મથુરબાબુના મિત્ર દક્ષિણેશ્વરનો બાગ જોઈને અત્યંત રાજી થયા. ત્યાં બાગમાં ઠાકુરને જોઈને તે મિત્રે ઠાકુરને એક પુષ્પગુચ્છ તૈયાર કરી લાવવા કહ્યું. ઠાકુરે તરત જ સુંદર પુષ્પગુચ્છ તૈયાર કરીને આપ્યો. તે મિત્રે રાજી થઈને મથુરને કહ્યું, ‘જુઓ, તમારા માળીએ મારા માટે કેવો સરસ પુષ્પગુચ્છ તૈયાર કરી આપ્યો? આવો અદ્‌ભુત માળી તમને ક્યાંથી મળ્યો?’ મથુરે કહ્યું કે ચાલો, એ માળીને મળીએ. એટલામાં ઠાકુર મળ્યા. મથુરે મિત્રને કહ્યું, ‘આ માળી નથી. તે પરમહંસ છે.’ પ્રેમમૂર્તિ ઠાકુરનો કેવો નિરહંકાર સેવાપ્રેમ!

એક વાર બે સ્ત્રીઓ ઉપવાસ કરીને ઠાકુર પાસે આવી. ઠાકુર નારીમાત્રમાં જગદંબાનાં દર્શન કરતા હોવાથી સ્ત્રીઓ દૈહિક કઠોરતા આચરે તે તેમને પસંદ ન હતું. ઠાકુરે તે સ્ત્રીભક્તોને કહ્યું, ‘તમે શા માટે ઉપવાસ કર્યો? અહીં આવો ત્યારે તમારે ભોજન કરીને આવવું. સ્ત્રીમાત્ર જગદંબાનાં વિભિન્ન રૂપ છે. હું તેમનાં દુ:ખ-કષ્ટ જોઈ શકતો નથી.’ આમ કહીને પ્રેમમૂર્તિ ઠાકુરે ફળ, મીઠાઈ વગેરે ખાવા આપ્યાં.

દક્ષિણેશ્વરમાં એક વાર વૈષ્ણવધર્મની વાત ચાલી. ઠાકુરે કહ્યું, ‘એ મતમાં ત્રણ બાબતનું પાલન કરવાની વાત છે—નામમાં રુચિ, જીવ પર દયા અને વૈષ્ણવપૂજન.’ સર્વ જીવ પર દયા એમ બોલતાં જ ઠાકુર સમાધિસ્થ થયા. બાહ્યદશામાં આવીને બોલ્યા, ‘જીવ પર દયા, જીવ પર દયા? હટ્‌ સાલા! મગતરામાં મગતરું તું, તે જીવ પર દયા કરવાનો? દયા કરનારો વળી તું કોણ? ના, ના, જીવ પર દયા નહીં, શિવજ્ઞાને જીવસેવા.’ જીવમાત્ર પ્રત્યે પ્રેમાવતાર ઠાકુરનું કેવું કરુણામય હૃદય!

સ્વામી વિવેકાનંદ રચિત ‘શ્રીરામકૃષ્ણ સ્તોત્રમ્‌’માં તેઓ કહે છે,

आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह:।
लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्‌॥

અર્થાત્‌ જેમનો (શ્રીરામકૃષ્ણનો) પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાળ તરફ પણ વહેતો હતો. પ્રકૃતિથી પર અતિમાનવ હોવા છતાં જેમણે સદા લોકકલ્યાણનો માર્ગ ત્યજ્યો ન હતો…

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ અને ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં ઠાકુરનાં અનંત, નિર્વ્યાજ, અહેતુક પ્રેમ અને કરુણાનાં અગણિત દૃષ્ટાંતો છે. ઉચ્ચ કે નીચ, સૌ કોઈ આ પ્રેમાવતારના પ્રેમપાશમાં બદ્ધ થયા હતા, થઈ રહ્યા છે અને થતા રહેશે.

એક વાર દક્ષિણેશ્વર આવેલા એક ભક્તને લાટુ મહારાજે કઠોર શબ્દો કહ્યા. આ વાત જાણીને ઠાકુરનું હૈયું કકળી ઊઠ્યું અને લાટુ મહારાજને કહ્યું, ‘અહીં જે કોઈ આવે તેને કઠોર વાણી ન કહેવી. તેઓ સાંસારિક દુ:ખ-કષ્ટથી તો બળી-ઝળીને અહીં આવે છે. જો અહીં પણ તેમને કટુ વેણ સાંભળવાં પડશે તો તેઓ જશે ક્યાં? કાલે તું તેને ઘેર જા અને એવી રીતે વર્તન કર કે તેં જે કંઈ કહ્યું છે તે ભૂલી જાય.’

લાટુ મહારાજ બીજા દિવસે ભક્તગૃહે જઈ, તેને મધુર વચન કહી પાછા આવ્યા. ઠાકુરે લાટુ મહારાજને પૂછ્યું, ‘શું તેં તેને મારા પ્રણામ કહ્યા?’ લાટુએ ‘ના’ કહ્યું એટલે ઠાકુરે કહ્યું, ‘ફરી જા અને મારાં વંદન કહી આવ.’ ભક્તગૃહે જઈને લાટુ મહારાજે તેને ઠાકુરના પ્રણામ કહ્યા એટલે ઠાકુરની ભક્તવત્સલતા જોઈને તે ભક્ત રડી પડ્યો. પછી ઠાકુરે લાટુ મહારાજને કહ્યું, ‘હવે તારી ભૂલ માફ.’ જોયું ઠાકુરનું હૈયું કેવું પ્રેમપૂરિત હતું!

મથુરબાબુ સાથે વારાણસી-વૃંદાવનયાત્રાએ જતાં માર્ગમાં વૈદ્યનાથ ધામમાં શિવદર્શન માટે સૌ દેવઘર રોકાયા. ત્યાં બાજુના ગામના લોકોની ગરીબી જોઈ ઠાકુરનું હૈયું રડી ઊઠ્યું અને મથુરબાબુને કહ્યું, ‘તમે જગદંબાના કારભારી છો. આ લોકોને શરીરે ચોળવાનું તેલ, એક ટંક પૂરતું ભોજન અને વસ્ત્ર આપો.’ નાણાંકીય જોગવાઈના અભાવે મથુરે ‘ના’ કહ્યું. ઠાકુરે કહ્યું, ‘ધિક્કાર છે! ત્યારે તો મારે હવે કાશી નથી આવવું. હું તો અહીં આ દુ:ખી લોકો પાસે જ રહીશ.’ પ્રેમાવતાર ઠાકુરની કરુણાપૂર્ણ વ્યાકુળતાથી આર્દ્ર બનીને મથુરે ઠાકુરની દરિદ્રનારાયણ-સેવાની ઇચ્છા પૂર્ણ કરી.

ઠાકુર મથુરબાબુ સાથે મથુરની જન્મભૂમિ રાણાઘાટ ગયા ત્યારે મથુરના ગણોતિયાઓની દશા જોઈને ઠાકુરે તેમનો વેરો માફ કરવા કહ્યું. આનાકાની પછી મથુરે ઠાકુરની ઇચ્છાથી ગણોતિયાઓનો વેરો માફ કર્યો. ધનના સ્પર્શમાત્રથી ઠાકુરનાં અંગો ઠરડાઈ જતાં હતાં, એ જ ધનના અભાવથી દુ:ખી લોકોનાં કષ્ટ પ્રેમાવતાર ઠાકુર સહી શકતા ન હતા. કેવી વિલક્ષણ વિશિષ્ટતા!

કાશીપુરમાં ઠાકુર ગળાના કેન્સરની અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા ત્યારે તેમણે શ્રી ‘મ’ને કહ્યું હતું, ‘આ બધું જે હું આનંદપૂર્વક વેઠી રહ્યો છું, તે એમ ન કરું તો તમારા સૌના શોકનો પાર ન રહે. આવી વેદના ભોગવવા કરતાં આ શરીર ભલે પડી જાય એમ જો તમે કહો તો એ હમણાં પડી જાય.’ પોતાના સંગમાં રહેલા સહવાસીઓનો વિચાર કરીને પ્રેમમૂર્તિ ઠાકુર કેવું દુ:ખ સહી રહ્યા હતા!

કાશીપુરના નિવાસકાળે ભવનની નજીક જગન્નાથ રથયાત્રા નિમિત્તે મેળો ભરાયો હતો. ઠાકુર શશીને (સ્વામી રામકૃષ્ણાનંદને) મેળો જોવા જવાનું કહેવા છતાં ઠાકુરને મૂકીને જવા માગતા ન હતા. ઠાકુરના અતિ આગ્રહથી શશી મેળો જોવા ગયા અને બે પૈસાની એક છરી લઈ આવ્યા. એ જોઈ ઠાકુર રાજી થયા અને કહ્યું, ‘મેળામાં જવાનું અઅને નાની એવી ચીજ પણ ખરીદવાનું ચૂકવું નહીં. ગરીબ લોકો મેળામાં વેચવા માટે ઘેર બનાવીને વસ્તુઓ લઈ આવે છે; એવી આશાએ કે લોકો ખરીદે અને પોતાની રોજીરોટી નીકળે. સંભવ હોય ત્યાં સુધી જૂની પરંપરા જાળવી રાખવી અને બીજાને પણ તેમ કરવા પ્રેરિત કરવા.’

રસિક મંદિર-ઉદ્યાનનો મહેતર હતો. તે ઠાકુરની કૃપા મેળવવા ઝંખતો. પરંતુ નિમ્ન જાતિનો હોવાથી તે ઠાકુરને પ્રણામ વગેરે કરી શકતો ન હતો. તે ઠાકુરને ‘પિતા’ કહેતો. એક વાર ઠાકુર પંચવટી તરફથી પાછા ફરતા હતા ત્યારે રસિકે પૂછ્યું, ‘ઠાકુર, મારું શું થશે?’ ઠાકુરે આશીર્વાદ આપતાં કહ્યું, ‘અંતકાળે તું મારાં દર્શન પામીશ.’ આ વચન સત્ય ઠર્યું. રસિકના આંગણામાં તુલસીક્યારો હતો. જીવનના અંતિમકાળે રસિકે તુલસીક્યારા પાસે સભાનાવસ્થામાં ઠાકુરનું નામ લેતાં લેતાં દેહત્યાગ કર્યો હતો.

નરેન્દ્રનાથના મિત્ર હાજરા પ્રત્યે ઠાકુર ઉદાસીન હતા છતાં નરેન્દ્રના આગ્રહવશાત્‌ ઠાકુરે તેના પર કૃપા કરી હતી અને હાજરાએ પણ રસિકની જેમ જીવનના અંતકાળે ઠાકુરની કૃપા પ્રાપ્ત કરીને શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો હતો.

દક્ષિણેશ્વરના અભણ માળી ભર્તાભારીને ઠાકુર અત્યંત સ્નેહ કરતા. તેણે એક વાર જોયું તો ઠાકુર બિલ્વવૃક્ષ નીચે ધ્યાન કરતા હતા અને તેમના દેહમાંથી તેજસ્વી દિવ્ય પ્રકાશ રેલાઈ રહ્યો હતો. તે આભો બની ગયો. બીજા દિવસે અશ્રુપૂર્ણ નેત્રે તે ઠાકુરના ચરણે પડ્યો અને આશિષની યાચના કરી. ઠાકુરે કહ્યું, ‘તેં ગઈ કાલે જે સ્વરૂપ જોયું છે તેનું ધ્યાન કરજે. પંચવટીનો આ રસ્તો સાફ કરજે. ભવિષ્યમાં અહીં અનેક લોકો આવશે.’ આ શબ્દો દ્વારા ઠાકુરે સૌને ખાતરી આપી છે કે મુક્તિ માટે તેમનાં વચનનું પાલન આવશ્યક છે.

મથુરબાબુની ઠાકુર પ્રત્યેની અવિચળ ભક્તિ જોઈને બાબુનો કુલપુરોહિત ચંદ્ર હાલદાર અદેખાઈથી બળતો હતો. હાલદારને એમ કે ઠાકુરે મથુર પર કંઈક વશીકરણ કર્યું છે. એક દિવસ ઠાકુર જાનબજારના ભવનમાં અર્ધબાહ્યદશામાં હતા ત્યારે તેમને એકલા જોઈને હાલદાર ઠાકુરના અંગને ઠેલા મારતાં મારતાં બોલવા લાગ્યો, ‘બોલ, કેવી રીતે બાબુને વશમાં લીધા છે? વગેરે.’ બોલી ઠાકુરને લાત મારીને તે ચાલ્યો ગયો. જો આ વાત મથુરને જાણવામાં આવશે તો તેઓ હાલદારને કઠોર શિક્ષા કરશે એમ જાણીને કરુણાવતાર ઠાકુર ચૂપ રહ્યા. જુઓ, આપણા પ્રભુ વિવિધ ભાવધારી હતા. હાલદારની બાબતમાં શિષ્યનું હૃદયપરિવર્તન કરનાર ગુરુ ન હતા, પરંતુ તેને સાધારણ ભક્ત જાણી તેનામાં અજ્ઞાની-નારાયણ, દુષ્ટ-નારાયણ રૂપનાં દર્શન કર્યાં હશે.

ઠાકુર ઉચ્છૃંખલના પણ ઉદ્ધારક હતા. તેનાં ઉદાહરણ છે ગિરીશચંદ્ર ઘોષ અને કાલિપદ ઘોષ. એવું કોઈ પાપ નથી કે ગિરીશે આચર્યું ન હોય. તે નશાખોર, વ્યભિચારી, નાસ્તિક અને રંગીલા હતા. એમણે કહ્યું હતું, ‘મારા જીવનમાં મેં એટલો તો દારૂ પીધો છે કે તેની બાટલીઓને એક ઉપર એક મૂકવામાં આવે તો એ ઊંચાઈ એવરેસ્ટ શિખરને આંબી જાય!’ તેમણે ઠાકુરને અનેક વાર અપમાનિત કરીને અપશબ્દો કહ્યા હતા. આવા ગિરીશ ઠાકુરને શરણે ગયા, મુખત્યારનામું આપ્યું અને પતિતોદ્ધારક ઠાકુરે તેમનો ઉદ્ધાર કર્યો. કરુણાવતાર ઠાકુરના પ્રેમપાશથી ગિરીશના મિત્ર કાલિપદનો પણ ઉદ્ધાર થયો હતો.

કાલીમંદિરના માલિકોની દાસી ભગવતી એક વાર ઠાકુરનાં દર્શને આવી. યુવાવયે તેનું ચારિત્ર સારું ન હતું. પરંતુ દયાસાગર, પતિતપાવન ઠાકુરે ભગવતી આવી એટલે તેની સાથે જૂની વાતો કરી. ભગવતીએ ઠાકુરનો ચરણસ્પર્શ કરીને પ્રણામ કરતાંવેંત ઠાકુર ‘ગોવિંદ, ગોવિંદ’ કહીને જાણે વીંછીએ ડંખ માર્યો હોય તેમ ઊભા થઈ ગયા. દાસી તો જીવતાં મરેલી જેવી થઈ ગઈ. દયાસિંધુ પ્રેમાવતાર ઠાકુરે કરુણાપૂર્ણ સ્વરે કહ્યું, ‘તમારે લોકોએ એમ ને એમ ત્યાંથી જ પ્રણામ કરવા.’ આમ કહી દાસીને ભુલાવીને રાજી કરવાનો પ્રયાસ કરવા લાગ્યા.

વિનોદિની નટી ગિરીશચંદ્રના થિયેટરમાં અભિનેત્રી તરીકે કામ કરતી હતી. ‘ચૈતન્યલીલા’ નાટકમાં તેણે ભજવેલ શ્રીચૈતન્યનું પાત્ર નિહાળીને ઠાકુરે અભિભૂત થઈ તેને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. ઠાકુરના સ્પર્શ અને આશીર્વાદથી અનૈતિક જીવનયાપન કરનાર વિનોદિનીનું જીવનપરિવર્તન થઈ ગયું હતું. તેણે પોતાની જીવનકથામાં નોંધ્યું છે, ‘સંસારના લોકો મારું અપવિત્ર જીવન જોઈને ભલે ગમે તેવું બોલે, મને પરવા નથી. મને ઠાકુરની આશિષ મળી છે. તેમનો પ્રેમાળ આશાભર્યો બોધ હજુય મને ટકાવી રાખે છે. હું ઘોર નિરાશામાં સપડાઉં છું ત્યારે તેમનું મધુર, કરુણામય મુખારવિંદ મારા હૃદયમાં નીરખું છું અને તેમનો પ્રેમમય સ્વર સાંભળું છું.’

ઠાકુર પ્રત્યેની યોગિનમાની ભક્તિથી તેમનો ભાઈ અત્યંત નારાજ હતો. ઠાકુરની સાન ઠેકાણે લાવવા તે મન્મથ નામના મવાલીને લઈ આવ્યો. ઠાકુર તેને ત્યાં ગયા ત્યારે મન્મથ દરવાજે ઊભો હતો. ‘કેમ છે?’ એમ કહી ઠાકુરે તેનો સ્પર્શ કર્યો. મન્મથ ઘૂંટણિયે પડ્યો અને ઠાકુરની માફી માગી. પછીથી મન્મથ ભક્ત બની ગયો અને જીવનના અંતિમ દિવસોમાં ઠાકુરને સંબોધીને ‘પ્રિયનાથ, પ્રિયનાથ,’ એમ રડી રડીને પોકારતો. આમ, તેની પણ સદ્‌ગતિ થઈ.

પશુ પણ ઠાકુરના પ્રેમમાં ભાગીદાર બન્યાં હતાં. નવગોપાલ ઘોષનાં પત્ની નિસ્તારિણી ઘોષ એક વાર દક્ષિણેશ્વર આવ્યાં હતાં. ચોકીદારો મંદિરની બિલાડીનાં બચ્ચાંને હડધૂત કરતા હોવાથી તેમણે ઠાકુરના ઓરડામાં આશરો લીધો હતો. ઠાકુરે નિસ્તારિણીને આ બચ્ચાં તેમના ઘેર લઈ જવા કહ્યું. નિસ્તારિણીએ ‘હા’ પાડી. આ જોઈ ઠાકુરે આશીર્વાદ આપતાં કહ્યું, ‘તારી ઉપર જગદંબાની કૃપા ઊતરશે. તારું મંગલ થાઓ. તને તારા ઇષ્ટનાં દર્શન થાઓ.’

ઠાકુર ભક્તોના ઘેર ઘોડાગાડીમાં જતા. દૂબળા ઘોડા મુસાફરોનો ભાર ખેંચી ન શકે ત્યારે ઠાકુરને અસહ્ય કષ્ટ થતું, જાણે કે ઘોડાગાડીવાળો તેમને ચાબુક મારી રહ્યો છે.

ઠાકુરનું હૃદય મનુષ્ય તથા પશુ પ્રતિ સમાનપણે કરુણામય હતું, તેથી હજુ કેટલું વર્ણન કરવું! ઠાકુરના દિવ્ય પ્રેમથી ઉદ્‌ભવેલ આધ્યાત્મિક તરંગે વિશ્વને તરબોળ કરી મૂક્યું છે.

Total Views: 32

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.