(રાગ માંડ – તાલ દાદરા)

પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન-પન્થ ઉજાળ. ધ્રુ૦

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન-પન્થ ઉજાળ (૧)

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય. (૨)

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર. (૩)

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ. (૪)

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર. (૫)

કર્દમભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર. (૬)

રજની જશે ને પ્રભાત ઉજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણવાર. (૭)

(LEAD KINDLY LIGHTનો ભાવાનુવાદ)

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.