સંસારના વિચારોથી તપ્ત મન ત્યારે ‘જ્યોત’નાં પવિત્ર વિચારો / કથનોથી ભરેલાં પાનાં ઉથલાવે છે ત્યારે ખૂબ ખૂબ અહોભાવ થાય છે, એ સંતો તરફ, એ લેખકો તરફ- અને મહેનત કરીને આ બધી પવિત્ર વાણી તદ્દન પાણીના મૂલ્યે અમારી તરફ – મોકલી આપતા આપ સૌ સંચાલકો તરફ.
મહેન્દ્ર કંસારા, વડોદરા
દીપાવલી અંકમાં વાંચ્યું કે, સમગ્ર જગતમાં શ્રીરામકૃષ્ણ મિશન કેવી રીતે કામ કરી રહ્યું છે. તે વાંચી ખૂબ જ આનંદ થયો. વળી, તેમાં પણ જ્યોતિબહેન થાનકી અને સુરેશ દલાલના લેખ વાંચવાની ખૂબ જ મજા આવી અને તેમાંથી પ્રેરણા મળી.
– અભય જે. પંડિત, પોરબંદર
આપનો જાન્યુઆરી ૧૯૯૮નો અંક રસપૂર્વક વાંચ્યો. આ સામયિક દ્વારા આધ્યાત્મિક, માનસિક અને બૌદ્ધિક તેમજ મનના ઉદ્વેગોને શાંતિ અર્પે છે અને સારી રીતે સમજવામાં સહાયરૂપ બને છે. આપના સમાચારદર્શનમાં આગળના અંકમાં કોઈ નિબંધ અથવા વ્યાખ્યાનનું આયોજન કરો / કરવામાં આવે તો તેની નોંધ આગળથી કરશોજી.
જાડેજા દર્શનીબા,પોરબંદર
ખરેખર દીપોત્સવી – ૯૭નો અંક મોહિત અને આકર્ષિત સરસ મજાનો રહ્યો અને આવતા વર્ષમાં આવા વધુ સરસ અંક આપો આગળ આવે તેવું એ ઇચ્છું છું.
– નાથાભાઇ, ઉત્તમનગર
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકોનું મુખપૃષ્ઠ બહુ જ સુંદર છે.
– પ્રવીણ ટી. બબલા, મુંબઇ
યુવાનોના હૈયામાં વધારે તેજ લાવતું આ ‘રામકૃષ્ણ જ્યોત’ ખરેખર જબરી જ્યોત પ્રસરાવે છે. અને અમારા જેવા ગ્રામવાસીઓના હૈયામાં પ્રજ્વલિત જ્યોત બનાવે છે. અને ઘણા સાત્ત્વિક વિચારો મનને ઘણી શાંતિ આપે છે. ૧૯૯૭નો સપ્ટેમ્બર અંક નં. ૬માં યુવાનોની આજકાલ, કાવ્ય બાઇ મીરાંના દિવસો અને અંક નં. ૭-૮માંથી અમને ઘણું ઘણું જાણવા મળ્યું. દરેક અંકની બાળવાર્તા તો બાળકોને ખૂબ જ ગમે છે. મારા કાકાની દીકરી તો અંક આવતાં જ, પહેલાં તે બાળવાર્તા જોઇને પછી અમોને તે અંક આપે. ચિત્રો જોવાની તો તેને ખૂબ જ મજા પડે છે.
લીલુબેન, જૂનાગઢ
‘સફળતાના સાત – આધ્યાત્મિક નિયમો’ વાંચી જીવનમાં દરેક વ્યક્તિને વધારે અસર ન થાય તો કંઈ નહિ. પણ છેવટે પોતાનું પથ્થર જેવું દિલ પીગળ્યા વગર રહી ન શકે એટલી તો હું ખાતરી આપું છું.
– ઉત્પલ આચાર્ય, વાસણા – ધંધુકા
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ શ્રીરામકૃષ્ણ શતાબ્દી વિશેષાંક ઘણો જ સુંદર મનનીય અંક છે. સંપાદકીય લેખ ‘નમ્ર ઝાકળ બિંદુ’ જેવું કહીને અંકને જે શ્રીરામકૃષ્ણ મિશનની વિવિધ પ્રવૃત્તિનું નિર્દેશન કર્યું છે તે દાદ માગી લે છે. તો વળી સ્વામી વિવેકાનંદના વિવિધ વિચારશ્રેણીનો વિનિયોગ, જાહેરાતને પાને પાને કહીને સ્વામી વિવેકાનંદની વાણીને આત્મસાત્ કરવામાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ગુજરાતના માનસ વિકાસ માટેનું શ્રેષ્ઠ યોગદાન કહી શકાય.
– પ્રવીણ જી. પારેખ, વલસાડ
નવો ગ્રાહક થયેલ છું. થોડાં સૂચનો કરું છું જે આપને સુયોગ્ય લાગે તો અજમાવશો :
(૧) પહેલા તો અંકની છપાઇ અને કાગળને હિસાબે લવાજમ મામુલી છે. પણ તેમાં સુધારો કરવાનું કે કોઈ પણ વિષયને વ્યવસ્થિત પાના ઉપર છાપવો જેથી વાચક આકર્ષાય અને વાંચવાનું મન થાય. (૨) પોસ્ટની ટિકિટ ઘણી જ મોંઘી પડે તેથી અંકનું સ્ટેમ્પિંગ વગર પ્રી પોસ્ટનું લાઇસન્સ લઇ લેવું. (૩) કોઈ પણ સારા લેખકની એવી વાર્તા છાપો જે સત્ય ઘટના હોય -(૪) આરોગ્ય વિષે ખાસ વિભાગ રાખવો જોઈએ. જેમાં આયુર્વેદિક ઉપચાર જ હોય – અને દર્દનું ઉદ્ભવપણું કેવી રીતે અને ક્યાં કારણથી ઉદ્ભવે વિગેરે- (૫) નાટક સિનેમાના શોખીનને માટે એકાદ પાનું –(૬) ખાસ કરીને જૂનાં જમાનાની વાતો અને થઇ ગયેલા મહાન પૂર્વજોની ઇતિહાસ કથાઓનો સમાવેશ –
– હકમીચંદ તારાચંદ ઠોસાણી, ધારીવાલા, મુંબઇ
આજના યુગમાં જીવવાની મથામણ, સંસારની અથડામણ, આજનું ભાગતું જીવન, એમાં પીસાતા જતા માનવી. આ જીવન સમસ્યામાં જ્યાં કોઈ આપણી આસપાસ આત્મવિશ્વાસ જગાડનાર નથી, ત્યારે તેમાં કેટલાક નવયુવાન જીવનથી કંટાળી આત્મહત્યા સુધીના પગલાએ પહોંચી જાય છે, ત્યારે નવયુવાનોના પ્રેરણાદાયી સ્રોત તરીકે, શ્રીરામકૃષ્ણ પરમહંસ, શ્રીમા મા શારદાદેવી, સ્વામી શ્રી વિવેકાનંદ – તેમની અમૃતવાણી જે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સ્વરૂપે પ્રસિદ્ધ કરીને ખરેખર આપ જીવન જ્યોતને પ્રજ્જવલિત રાખવાનું અમૂલ્ય કાર્ય કરી રહ્યા છો. એ ઈશ્વરીયવાણી આપ જે રીતે જનજીવનમાં ફેલાવો છો તેનો લાભ સૌને મળે અને જનકલ્યાણની ભાવના દરેકમાં જાગે એવી શુભકામના સહ.
– રાજશ્રી પરબ, વલ્લભવિદ્યાનગર
Your Content Goes Here




