‘ધ કેન્સસ સીટી સ્ટાર, કેન્સસ સીટી, મિસોરી’ નામના દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘પ્રાર્થનાની સફળતા’ અંગે એક સરખો સવાલ પૂછવામાં આવ્યો. તેના ત્રણેએ આપેલા જવાબનું ગુજરાતી ભાષાંતર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકોના લાભાર્થે અહીં આપીએ છીએ. – સં.
પોતાનાં સંતાનો માટે ઈશ્વર શ્રેષ્ઠ હોય તે જ હંમેશાં ઇચ્છે છે. તદન સ્વાર્થભરી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર મળતો નથી.
પ્રશ્ન હતોઃ તમારે કંઈ જોઈતું હોય અને તે માટે તમે પ્રાર્થના કરો ત્યારે વસ્તુ ઈશ્વરની ઇચ્છાથી માગવામાં આવી છે કે માત્ર આપણા સ્વાર્થ ખાતર – તે કેવી રીતે જાણી શકાય? આપણે કોઈ સ્વાર્થી હેતુ માટે પ્રભુને પ્રાર્થના કરીએ અને આપણો ઉદ્દેશ શુદ્ધ ન હોય, ત્યારે પણ શું પ્રભુ આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપતા હોય છે?
ત્રણેએ પોતપોતાની રીતે બહુ મનનીય જવાબ આપ્યા.
૧. ખ્રિસ્તી લેખક ધી રેવરન્ડ લીલી ગ્રેહામે કહ્યું : પ્રભુ આપણાં અંતઃકરણને અને આપણી સાચી ઇચ્છા કઈ છે તે જાણતા જ હોય છે. આપણા માટે શ્રેષ્ઠ શું છે તે પણ તેઓ જાણતા હોય છે. તેથી ડહાપણભર્યું તો એ છે કે આપણે સદાય આપણી પોતાના ઇચ્છા નહિ, પરંતુ પ્રભુની જે ઇચ્છા હોય, તેને માટે પ્રાર્થના કરવી જોઈએ. બાઈબલ (મેથ્યુ ૬:૧૦)માં ‘Lord’r Prayer’માં કહ્યું છે, આપણે પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુને વિનંતી કરવી જોઈએ કે, ‘હે પ્રભુ, જેમ સ્વર્ગમાં છે તેમ અહીં પૃથ્વી પર પણ તારી જે ઇચ્છા હોય તે પ્રમાણ જ થાઓ.’
આપણી ઇચ્છાઓ ઘણીવા૨ સ્વાર્થી અને મિશ્ર હોય છે. બાઈબલ (જેરેમીયહ ૧૭:૯)માં કહ્યું છે તેમ ‘અન્ય કોઈ પણ કરતાં હૃદય વધારે છેતરામણું હોય છે.’ પરંતુ એથી કાંઈ પ્રાર્થનાથી દૂર રહેવું એમ નથી, તેનો અર્થ માત્ર એટલો જ છે કે આપણે ઈશ્વર પ્રત્યે તદ્દન નિખાલસ રહેવું અને તેને કહેવું, ‘પ્રભુ, હું જે માણું છું તે જ તારી ઇચ્છા છે કે નહિ તે હું જાણતો નથી.’ તેથી વિશેષ તો આપણાં હૃદયનું પરિવર્તન કરવા પ્રભુને કહેવું જોઈએ કે જેથી અન્ય કાંઈ નહિ પણ માત્ર તેની ઇચ્છા હોય તે જ આપણે માગીએ. ‘જૂના કરાર’ (બ્યુક: ૨૨-૪૨)નું કથન છે કે પ્રભુ ઈસુએ વધસ્તંભ પર પીડા ભોગવતાં ભોગવતાં કહેલું, ‘હે પિતા, તારી ઇચ્છા હોય તો આ પ્યાલો પાસેથી લઈ લે; પરંતુ મારી ઇચ્છા નહિ, તારી ઈચ્છા પ્રમાણે જ થાઓ.’
તમારી પ્રાર્થના ‘જૂના કરાર’ (સામ ૫૧:૧૦-૧૨)ના સ્તુતિગાન સમાન હો. ‘હે પ્રભુ, મારું હૃદય શુદ્ધ કરો, મારા અવિચળ જુસ્સાને ફરી તાજો કરો,…. હું સ્વેચ્છાથી તારા આશ્રયમાં જ રહું.’
છેલ્લે એક વાત ખાસ યાદ રાખો કે પ્રાર્થના તો પ્રભુ પાસે વસ્તુઓ માગ માગ કરવાથી ઘણું ઘણું વિશેષ છે. પ્રભુના ગુણોની સ્તુતિ, તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી અને અન્ય લોકોને માટે પ્રાર્થના એ વધુ મૂલ્યવાન છે. પ્રાર્થનામાં આપણાં પાપનો નિખાલસ એકરાર કરાય અને પ્રભુની ક્ષમા મગાય. પ્રભુના આપણા પરના અગણિત ઉપકાર માટે તેમની સ્તુતિ કરી, તેમના પ્રત્યે નમ્રભાવે આભારની લાગણી વ્યક્ત કરીએ, આપણને તેઓ માફી આપે તે માટે પ્રાર્થના કરીએ અને સૌથી વધુ તો અન્યને માટે પ્રાર્થના કરીએ, તો પછી આપણી સ્વાર્થમય જરૂરિયાતો અને દુન્યવી ઇચ્છાઓ માટે પ્રાર્થના કરવાનું ધીરે ધીરે આપોઆપ બંધ થશે.
૨. શ્રી અરવિંદ ખેતિયા કે જેઓ એન્જિનિયર છે, તેમનો જવાબ : શ્રી એકનાથ ઈશ્વરનના પુસ્તક ‘The Bhagavad Gita for Daily Living Vol. 3 – To Love is to Know’ પર આધારિત છે. તેઓએ કહ્યું, ‘આપણી પ્રાર્થનાઓ ઇચ્છાઓથી મુક્ત નથી હોતી. તે ઈશ્વરની ઇચ્છા સાથે સુસંગત છે કે કેમ તે પણ આપણે જાણતા હોતા નથી. આ પ્રશ્નનો ઉત્તર ભગવદ્ ગીતાના ૧૪મા અધ્યાયમાંથી મળે છે.
ગીતાના ઉપદેશ મુજબ, આપણી ઇચ્છાઓ અને પ્રાર્થનાઓ સહિત આપણા જીવનની તમામ બાબતો, ત્રણ ગુણો વડે થાય છે. તે છે સત્ત્વ, રજસ્ અને તમસ. સત્ત્વગુણ શુદ્ધ છે, દુઃખરહિત છે અને તેના દ્વારા માણસ જ્ઞાન અને સુખ પ્રાપ્ત કરે છે. રજોગુણ દ્વારા સ્વાર્થમાંથી ઉદ્ભવતાં કર્મો થાય છે અને તે દુઃખને પ્રાપ્ત કરાવે છે. અને તમોગુણ એટલે જડતા, તેમાંથી પ્રમાદ અને ભ્રમણા જન્મે છે. આપણા સૌમાં આ ત્રણ ગુણો વધતી ઓછી માત્રામાં હોય જ છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘રજોગુણમાંથી ઉત્પન્ન થતી સ્વાર્થમય ઇચ્છા અને ક્રોધને તું આપણો સાચો શત્રુ અને તમામ દુઃખનું મૂળ જાણ.’ તેથી રજોગુણ પ્રેરિત સ્વાર્થી કર્મ કરના૨ માણસ રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે સ્વાર્થનાં કર્મો પાછળ ભટકી, દુઃખને નોતરે છે.
આપણી પ્રાર્થના વિશુદ્ધ બનાવવા અને ઈશ્વરની શું ઇચ્છા છે તે જાણવા, સત્ત્વના સામ્રાજ્યમાં પ્રવેશવાનું છે અને તે માગી લે છે સાધના. જ્યારે સત્ત્વ (સત્ય)ગુણની વૃદ્ધિ થાય, ત્યારે આપણી તમામ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનનો પ્રકાશ બહાર રેલાય છે.
જેઓ સત્યમાં (કે સત્યગુણમાં) સ્થિત છે તેમની સઘળી પ્રાર્થનાઓ ભક્તિભાવમાં પરિણમે છે. તેમને ઈશ્વરના પ્રેમ સિવાય કાંઈ જોઈતું હોતું નથી. તેઓ મનના આ ત્રણે ગુણોને અતિક્રમી જાય છે. તેઓ અંતરમાં રહેલા પ્રભુમાં સ્થિર બને છે, અને જીવમાત્ર પ્રત્યે સમતા અને એકતાનું સુખ અનુભવે છે.
ગીતાએ પ્રબોધેલ મનના પાયાના આ ત્રણ ગુણના સિદ્ધાન્તને જાણવાથી આપણી પ્રાર્થના સ્વાર્થી ઇચ્છાઓ પ્રેરિત કેમ હોય છે તે સમજાય છે. આને જીતીને, સત્ત્વની (સત્યની) ઉપાસના દ્વારા આપણને ઈશ્વરની ઇચ્છા જોડે એક થઈ શકીએ છીએ.
૩. ડૉ. સયીદ હસન, જેઓ ઇસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે, તેમણે ઉપરના જ પ્રશ્નનો જવાબ પવિત્ર ગ્રંથ કુરાનને ટાંકીને આ પ્રમાણે આપ્યો : ‘અલ્લાહે મનુષ્યો સર્જ્યો છે અને તેમને બુદ્ધિરૂપી એક ખાસ શક્તિ અને સ્વતંત્ર ઇચ્છાશક્તિ આપ્યાં છે. આ ગુણો આપણને પ્રાણીઓ વગેરેથી જુદાં પાડે છે અને આપણા પર ભારે જવાબદારી પણ મૂકે છે. આપણને તો અલ્લાહ આપણાં કર્મો વિશે પૂછશે કે તેણે આપેલ બુદ્ધિ અને તર્કશક્તિનો આપણે સાચી રીતે ઉપયોગ કર્યો છે કે નહિ?’
આપણે જેનો જવાબ આપવાનો છે તે પ્રશ્ન છે, ‘આપણે જે માગીએ તે અલ્લાહની ઇચ્છા છે કે માત્ર આપણી સ્વાર્થી માગણી છે, તે કેમ જાણવું?’ મારો જવાબ છે, ‘માનવો પ્રત્યેની અપાર દયાથી પ્રેરાઈ અલ્લાહે, સાચું શું અને ખોટું શું એ બે વચ્ચેનો ભેદ પારખવા કેટલાક નિયમો, માપદંડો અને અન્ય દોરવણી આપી જ છે. તે બધા પાક ગ્રંથ કુરાનમાં આપેલા જ છે, અને આ ગ્રંથને ખુદાતાલાએ તેથી તો ‘માપદંડ’ એવું સૂચક નામ આપ્યું છે. તેના ૧૧૪ પ્રકરણોમાંથી એકનું નામ બહુ સુયોગ્ય રીતે ‘માપદંડ’ રાખવામાં આવ્યું છે. સાચ્ચ અને જૂઠ, સાચી અને જૂઠી ભક્તિ અને વ્યાજબી શું અને ગેરવ્યાજબી શું – એ જાણવાનો માપદંડ ખુદાએ ઈન્સાનને આપેલ અણમોલ બક્ષિસ છે. આપણે આ માપદંડની ચાવી લાગુ કરીએ તો, સાચું શું અને જુઠ્ઠું શું – એ અંગે આપણે ચોક્કસ નિર્ણય કરી શકીએ. પ્રશ્નના બીજા ભાગ અંગે જણાવવાનું કે આપણે એ વાત બરાબર સમજી લઈએ કે ઈશ્વર કે અલ્લાહ આપણું કાંઈ બૂરું થાય તેમ કદિ ઇચ્છતો હોતો નથી. તેથી કોઈ સ્વાર્થથી પ્રેરાઈ એવી પ્રાર્થના કરે કે જે બીજાઓને વિપરીત અસર કરતી હોય તો, તેવી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળતો નથી. તો વળી કોઈ પ્રાર્થના એક વ્યક્તિ અંગે જ હોય, અને તે સ્વાર્થી પ્રાર્થના હોય, અથવા તે ખોટી ગણાય તેવી હોય, તો તેનો અલ્લાહ પ્રત્યુત્તર તો વાળે છે. પરંતુ આપણા વલણ અને વર્તન બદલાય તે હેતુથી તેવી પ્રાર્થના તે મંજૂર કરે છે. પછી થોડા સમયમાં જ તે વ્યક્તિને સમજાઈ જાય છે કે આ વસ્તુ સ્વાર્થી હોઈ મારે માગવી જોઈતી ન હતી.
ઈસ્લામને અનુસરનાર પ્રત્યેક મુસલમાન એક બહુ મહત્ત્વની પ્રાર્થના દિવસમાં ૨૮ વખત, પરંતુ કમ-સે-કમ ૧૭ વખત તો પોતાની બંદગીમાં કરે જ છે, તે પાક કુરાનના પહેલાં પ્રકરણમાં ૬ અને ૭ નંબરની કંડિકામાં આવે છે. તે છે, ‘હે ખુદા, અમને સરળ માર્ગ બતાવ, જેના પર તમે રહેમ દાખવી છે તેમને બતાવેલો માર્ગ અમને બતાવ, અને જેઓ તારાથી દૂર જતા હોય છે અને તારા ગુસ્સાને પાત્ર બને છે, તેમનો રાહ નહિ.’ આ કેવી સુંદર વિનંતી છે! પ્રભુ પાસેથી આથી વિશેષ કોઈ કાંઈ માગી જ ન શકે.
(ભાષાંતર : શ્રી પી.એમ. વૈષ્ણવ)
Your Content Goes Here




