(એડીશનલ કલેક્ટર અને ડાયરેક્ટર, DRDA, પોરબંદર. તેઓ શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે.)

પ્રાર્થના એટલે આપણાં દુઃખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી, પરંતુ પરમ તત્ત્વ સાથે ઐક્ય સાધવાની વાત છે ! શ્રીઠાકુરે કથામૃતમાં કહ્યું છે એમ જો કોઈ વ્યકિત ૩ દિવસ પૂર્ણ શ્રદ્ધાથી એકાગ્રચિતે અને અંતરના ઊંડાણથી ભગવાનને પ્રાર્થે તો ખુદ ભગવાનનાં દર્શન થાય છે. આ શક્તિ છે પ્રાર્થનામાં!

પ્રાર્થના એટલે શ્રદ્ધાપૂર્વકનું આંતરમનનું સમર્પણ! પ્રાર્થના એટલે તો પરમતત્ત્વ પ્રત્યે શ્રદ્ધા અને જાત પરત્વે વિશ્વાસનો સંગમ કરીને સાધવામાં આવતો સંવાદ!

પ્રાર્થના તો છે અંતરની આસ્થાને ટકાવી રાખનાર પ્રાણ! પ્રાર્થના છે દ્રૌપદીનો પોકાર! પ્રાર્થના એટલે ગજરાજની ગુહાર….! (ગજેન્દ્ર મોક્ષ યાદ છે ને?) પ્રાર્થના કોઈ કામ નથી, પરંતુ એક આંતરિક ગુણ છે. પ્રાર્થનાનો એક અર્થ ઉપાસના પણ થાય છે.

ઉપાસના = ઉપ + આસન (સહાયક + આસન).

કોઈને ‘મોટા’ બનાવીને, પોતે ‘નાના’ થઈને બેસવું એટલે ‘ઉપાસના’. પ્રાર્થના કરવાની નથી હોતી, બસ, પ્રાર્થનામય થઈ જવાનું હોય છે!

પ્રાર્થના એટલે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં લખેલ કોઈ સ્તુતિ નહીં, પરંતુ મનઃસ્થિતિની વાત છે. ઉછીનાં ઉદાહરણો કે અવતરણોનો આધાર લીધા વગર કહું તો મનની તમામ અવધારણાઓ, અવગુણો, અવરોધોથી પોતાની જાતને ઉપર ઉઠાવવાની જો કોઈ રીત હોય તો તે પ્રાર્થનામય બની જવું તે છે!

‘પ્રાર્થના આત્મા કી ખુરાક હૈ’ – એવું આપણે વાંચ્યું, સાંભળ્યું છે. તો પ્રશ્ન થાય કે આત્મા અદૃશ્ય છે અને એને વળી ખોરાકની શી જરૂર! પરંતુ પ્રાર્થના પણ ક્યાં સ્પર્શી શકાય એવા રૂપમાં હોય છે?!

શરીર ખોરાકથી બનેલું છે. પંચપ્રાણ-કોષની વાત કરીએ તો એ માંહેનો એક કોષ ‘અન્નમય કોષ’ છે એટલે કે માનવશરીર અને મનને ટકાવવા માટે અન્નની જરૂર છે, એ જ રીતે ચિદાનંદરૂપ આત્માને માટે ‘પ્રાર્થના’ની જરૂર છે.

સાધારણ માણસોની દુનિયામાં પ્રાર્થનાનો અર્થ કોઈ દેવી-દેવતા સામે ધૂપ-દીપ-અગરબત્તી કરી, હાથ જોડી, આરતી કરવી કે આંખો મીંચીને હોઠ ફફડાવીને પોતાને પીડતી પીડાઓનું બયાન કરવું. કોઈ ભૌતિક વસ્તુની યાચના કરવી અથવા તો પછી અમૂક સ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે, પોતાની જે સ્વરૂપમાં શ્રદ્ધા હોય એને સંબોધીને કરેલ વિનંતી! શું પ્રાર્થનાની આ વ્યાખ્યા બરાબર લેખાશે?

ના, આ પ્રાર્થના નથી. પ્રાર્થના અંતરથી ઊઠતી એક આરત છે કે જે સમસ્ત સૃષ્ટિના કર્તાહર્તા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે!

‘ફળે પ્રાર્થના હોય જો શુદ્ધ માના ધાવણ જેવી’

પ્રાર્થના અને કર્મકાંડને કોઈ સંબંધ નથી!

પૂજા-પાઠ, સ્તુતિ, સ્તવન એ બધું કર્મકાંડ છે. પરંતુ પ્રાર્થના એનાથી સાવ જુદી છે. પ્રાર્થના આધ્યાત્મિક માણસનો સ્વાભાવિક ગુણ છે કે જે સકારાત્મકતાના તાર વડે માણસને ચૈતન્ય સાથે જોડે છે.

‘પ્રાર્થના ભીતર કો માંઝતી હૈ.’ વ્યગ્રતા, દુઃખ અને નકારાત્મક ભાવનાના વાયરસને સાફ કરતું ‘સેલ્ફમેડ સેનીટાઈઝર’ છે.

પ્રાર્થના વિશે અંગત રીતે એમ કહીશ કે આપણાં દુઃખ, મનની પીડા કે વ્યથા પ્રાર્થના કરવાથી દૂર થાય છે, એ અતિશયોક્તિભર્યું લેખાશે. હા, એટલું જરૂર કહી શકાય કે પ્રાર્થનાથી માણસની તકલીફ, દુઃખ કે પીડા દૂર નથી થતાં પરંતુ એમના પ્રત્યે જોવાની માણસની દૃષ્ટિ જરૂર બદલાય છે! અને એ બદલાયેલી ‘મનઃસ્થિતિ’થી ‘પરિસ્થિતિ’ને જોવાનું આખું વલણ જ બદલાઈ જાય છે. મનને શાંતિ અને હળવાશની અનુભૂતિ થાય છે, જેનાથી મુશ્કેલીમાંથી માર્ગ શોધવા માટે મનને મદદ મળે!

મહાભારતનો એક પ્રસંગ છે. યુદ્ધની સમાપ્તિ પછી શ્રીકૃષ્ણ જ્યારે પાંડવોની વિદાય માગે છે ત્યારે પોતાનાં ફૈબા કુંતાજી શ્રીકૃષ્ણને પરબ્રહ્મ સ્વરૂપે ઓળખીને અનોખું વરદાન માગતાં કહે છે કે, ‘હે કૃષ્ણ! અમે જયાં સુધી જીવતાં રહીએ, અમને અપરંપાર વિપદાઓ (દુઃખો) આપો!’ શ્રીકૃષ્ણ સહિત સૌ કોઈને નવાઈ લાગે એવી આ વાત ખરેખર તો કુંતાજીની અંતરની આરતભરી પ્રાર્થના હતી કે જેમાં ભગવાન પાસે દુઃખ માગ્યાં છે! કારણ ગૂઢ છે પણ મજાનું છે કે પોતાના જીવનમાં લગાતાર દુઃખો આવ્યાં પરંતુ એ દુઃખના દિવસોમાં સાક્ષાત્‌ પ્રભુ એમનો પડછાયો થઈને રહ્યા એટલા માટે તો કુંતાજી ભગવાન પાસે દુ:ખ માગે છે, સુખ નહીં. કારણ કે સુખમાં ભગવાન ભુલાઈ જાય એમ બને, પરંતુ દુઃખમાં તો ઈશ્વરનું સ્મરણ સહજ બની રહે છે!

કબીરજીએ પણ કહ્યું છે ને, ‘દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, સુખ મેં સુમિરન જો કરે, ઉસે દુઃખ કાહે કો હોઈ?’

અંતત: અંગત રીતે પ્રાર્થના એટલે શ્વાસોચ્છ્વાસની આવ–જામાં અવિરત ચાલતું ઈશ (ઇષ્ટ!) નામ-સ્મરણ! જે કોઈ ભાષાનું મોહતાજ નથી. શ્રીઠાકુર પણ કહે છે કે હૃદયના ઊંડાણમાંથી એકદમ સાચા ભાવથી જયારે ઈશ્વરને પોકાર કરવામાં આવે છે ત્યારે એ પોતાના ભક્તની પ્રાર્થના જરૂરથી સાંભળે છે.

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.