હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ અસુરોનાં માતા અદિતિના પુત્રો હતા. તેઓ ઘણા શક્તિશાળી હતા અને બધા અસુરો તેને માન આપતા. હિરણ્યાક્ષે આ વિશ્વને ઘણું પજવ્યું. એટલે મહાવિષ્ણુએ વરાહ અવતારરૂપે તેનો વધ કર્યો. તેનો મોટો ભાઈ હિરણ્યકશિપુ આનાથી ખૂબ ગુસ્સે થયો. તેણે અસુરો સમક્ષ પ્રતિજ્ઞા કરી કે પોતાના ભાઈના વધ માટે તે જ્યાં સુધી વિષ્ણુને નહિ હણે ત્યાં સુધી તે નહિ જંપે. ત્યાર પછી તેમણે બ્રહ્માંડના સર્વલોક પર પોતાનો અપ્રતિમ અધિકાર સ્થાપવા માટે ભયંકર તપશ્ચર્યા આદરી. તેના તપથી અભિભૂત થઈને બ્રહ્માજીએ સાક્ષાત્ દર્શન આપીને કહ્યું: “ભૂતકાળમાં કોઈ પણ ઋષિએ આવી ભયંકર કઠિન તપશ્ચર્યા કરી નથી. તે તપથી મારાં મનહૃદય જીતી લીધાં છે અને તું જે માગીશ તે વરદાન હું આપીશ.’ હિરણ્યકશિપુએ રાજી થઈને કહ્યુંઃ “હે પ્રભુ, જો તમે મને વરદાન આપવા ઇચ્છતા હો તો દેવી, માનવીઓ, પ્રાણીઓ કે તમારી સૃષ્ટિના કોઈ જીવો મને હણી ન શકે એવું વરદાન મને આપો. કોઈ મને દિવસે કે રાતે ન હણી શકે, ઘરમાં કે ઘરની બહાર ન હણી શકે અને શસ્ત્ર પણ મને ન હણી શકે એવું વરદાન આપો. આ ઉપરાંત લોઢા કે લાકડાંથી કોઈ મને ન હણી શકે તેવું વરદાન આપો. હું સમગ્ર વિશ્વનો સમ્રાટ બનું એવું વર આપો.’ બ્રહ્માજીએ આવવું અનન્ય વરદાનો આપ્યાં અને અંતર્ધાન થઈ ગયા.

આ વરદાનોથી શક્તિમાન બનીને તેના ભાઈના હણનારા વિષ્ણુની સામે બદલો લેવા તેણે પાકો નિશ્ચય કર્યો. તેણે ત્રણેય લોક ઉપર વિજય મેળવીને પોતાના અંકુશ હેઠળ લીધા. પછી વિષ્ણુને હણવા, તેની શોધ કરવા માટે વૈકુંઠ ગયો. આ જાણીને ભગવાન વિષ્ણુ અસુરોના હૃદયમાં પ્રવેશ્યા. તેઓ જાણતા હતા કે અસુરો બહિર્મુખી છે અને તેઓ ભીતર દૃષ્ટિ કરશે. નહિ અને તેમને જોઈ પણ નહિ શકે. વૈકુંઠ અને બીજા બધા લોકમાં અસુરોએ વિષ્ણુને સ્થળે સ્થળે શોધ્યા. તેમને બહારથી ક્યાંય ન જોયા એટલે માની લીધું કે મહાવિષ્ણુ મૃત્યુ પામ્યા છે.

આ પહેલાં જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા ગયો હતો ત્યારે દેવોએ અસુરી પર આક્રમણ કરીને તેમને હરાવ્યા હતા. હિરણ્યકશિપુની પત્ની કયાધુના ગર્ભમાં ઉછરતા પ્રહ્લાદને હણવાના ઇરાદાથી ઇન્દ્રે તેનું હરણ કર્યું. પરંતુ નારદજી વચ્ચે પડ્યા અને ઇન્દ્રને સમજાવ્યું કે કયાધુની કૂખે જન્મનારો બાળક ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત બનશે. એ સાંભળીને અને માનીને કયાધુને માનપૂર્વક છોડી મૂક્યાં. કયાધુ નારદજીની સેવા કરતાં કરતાં એમના આશ્રમમાં રહેવા લાગ્યાં. આશ્રમવાસમાં નારદજીએ તેણીને અને ગર્ભમાં રહેલા બાળકને ભગવાનની ભક્તિના પથ વિશે અમૃતવાણી સંભળાવી. મા કરતાં પણ વધુ પ્રમાણમાં પ્રહલાદે નારદજીના આ બોધને ગ્રહણ કર્યો. જ્યારે હિરણ્યકશિપુ તપ કરીને પાછો ફર્યો ત્યારે કયાધુ તેમની સાથે ગયાં અને થોડા સમયમાં પુત્ર પ્રહ્લાદને જન્મ આપ્યો.

નાનપણથી જ પ્રહ્લાદ મહાન ગુણવાન બાળક તરીકે જાણીતો બન્યો. સંતો અને વિદ્વાનોના અત્યંત ચાહક, દૃષ્ટાંત રૂપ એવી અનન્ય વર્તણૂક, સત્યનિષ્ઠા, ઇન્દ્રિયો પરના અજબના સંયમને લીધે તે સૌનું પ્રિયપાત્ર બની ગયો. સૌ કોઈ એને પોતાની સુહૃદજન ગણતા. તે મોટેરાંને માન આપતો, સંતોભક્તોની સેવા કરતો, દીનદુ:ખીને ચાહતો. અદ્દભુત જ્ઞાન, સંપત્તિ અને સૌંદર્યવાળો હોવા છતાં એમાંના એકેય એને ગર્વિષ્ઠ કે અહંકારી ન બનાવ્યો. તે અનાસક્ત, આત્મસંયમી, અચલદૃઢ મનવાળો હતો. અસુરપુત્ર હોવા છતાં તે અસુરપણાથી પર હતો. તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે અમાપ પ્રેમભક્તિ હતાં. વિષ્ણુ પ્રત્યેના ઊંડા પ્રેમભક્તિભાવથી તે સદૈવ આનંદપૂર્વક હસતો, સમાધિભાવમાં નાચતો અને ઈશ્વરદર્શનની ઝંખનાનાં આંસું પણ સારતો. એના મુખારવિંદ પર ઝળકતી આધ્યાત્મિક આનંદની જ્યોતિ ભૌતિક જગતમાં ડૂબેલા માનવને પણ શાંતિ અને આનંદ અર્પતી.

અસુરોએ શુક્રાચાર્યને પોતાના ગુરુ માન્યા હતા. હિરણ્યકશિપુએ પ્રહ્લાદને શુક્રાચાર્ય પાસે ભણવા મોકલ્યો. પ્રહલાદના પિતાએ તેને ભગવાન વિષ્ણુ પરનું વેર વાળવાનું સાધન બનાવવાનો નિર્ણય કર્યો. તેણે શુક્રાચાર્યને પ્રેમભક્તિના પાઠ ભણાવવાની ના કહી. ઊલટાનું હિરણ્યકશિપુ પોતે જ સર્વોચ્ચ પ્રભુ છે એવું પ્રહલાદને શિખવવાની સ્પષ્ટ સૂચના આપી. તેની સૂચના પ્રમાણે શુક્રાચાર્યે શિખવવાનું શરૂ કર્યુ કે હિરણ્યકશિપુ કરતાં મહાન બીજું કોઈ નથી અને તેથી તેની જ પ્રભુ તરીકે પૂજા કરવી અને એવું જ પ્રહ્લાદના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કર્યો પણ તેને શુક્રાચાર્યના શિક્ષણમાં રસ-આનંદ ન આવ્યો. એક દિવસે તેના પિતાએ પ્રહ્લાદને ખોળામાં બેસાડીને પૂછ્યું: ‘બેટા ! તારી દૃષ્ટિએ સત્યરૂપ અને સત્ત્વગુણશીલ કોણ છે ?’

પ્રહ્લાદે જવાબ આપ્યો :  ‘પિતાજી, સમગ્ર બ્રહ્માંડના કારણરૂપ મહાવિષ્ણુ સમક્ષ મારું મસ્તક નમી પડે છે. એમણે બધાં સજીવસર્જનને દૈહિક ચેતનાથી ભરી દીધાં છે. બધા જીવો શોકદુ:ખ, આનંદહર્ષ અનુભવે છે. એટલે મને લાગે છે કે જીવનનાં પાપતાપને દૂર કરનાર ભગવાન વિષ્ણુનાં શ્રીચરણકમળમાં શરણાગતિ સાધવી એમાં જ આપણું સર્વોચ્ચ કલ્યાણ રહેલું છે.’

ભગવાન વિષ્ણુ પ્રત્યેની અમાપ શ્રદ્ધાની વાણી સાંભળીને હિરણ્યકશિપુ ખડખડાટ હસી પડ્યો. કેટલાક વિષ્ણુભક્તોએ આ છોકરાના કાન ભંભેર્યા હોય એવું લાગે છે ! એટલે પુત્ર પ્રહ્લાદ કોઈ દુષ્ટ વિષ્ણુ ભક્તોને ન મળે તેવી ચોકસાઈ રાખવા શિક્ષકોને સ્પષ્ટ આદેશ આપ્યો. જ્યારે પ્રહ્લાદ ગુરુજીના ઘરે આવ્યો ત્યારે શિક્ષકોએ પોતાની પાસે બોલાવીને વિનમ્રતાથી પ્રહ્લાદને પૂછ્યું: ‘બેટા પ્રહ્લાદ, તું સુખી થાજે અમને સાચી વાત કહેજે, તને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો વિચાર ક્યાંથી મળ્યો ? અમે તો તને આવુ કાંઈ શીખવ્યું નથી.’ પ્રહ્લાદે જવાબ આપ્યોઃ ‘ભગવાન વિષ્ણુને મારા પ્રણામ હો. ભગવાન વિષ્ણુ જ એક માત્ર ગુરુશિક્ષક અને વિશ્વના પાલનહાર છે. જેમ લોચુંબક પ્રત્યે લોખંડના ટૂકડા આકર્ષાય તેમ મારું મન પણ સ્વાભાવિક રીતે બધી વસ્તુનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુમાં રત રહે છે.’ શિક્ષકોની નવાઈનો પાર ન રહ્યો. તેમણે ગુસ્સે થઈને બાળ પ્રહ્લાદને ધમકાવ્યો : “અહીં કોણ છે ? પેલી સોટી લાવો. આ છોકરો આપણને બદનામ કરી દેશે !’ આ સાંભળીને પ્રહ્લાદ તો અગલ-ધીર-સ્થિર ઊભી રહ્યો.

થોડા સમય પછી શિક્ષકીને પાકી ખાતરી થઈ કે પ્રહ્લાદે રાજકાજનું શિક્ષણ આત્મસાત્ કરી લીધું છે. તેઓ તેને હિરણ્યકશિપુ પાસે લઈ ગયા. પ્રહ્લાદે પિતાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. પિતા પુત્રને આનંદહર્ષથી ભેટી પડ્યો. પુત્રને ખોળામાં બેસાડ્યો અને તેને ચુંબન કર્યું. તેની આંખમાં હર્ષાશ્રુ વહેવા માંડ્યાં. તેણે પ્રહ્લાદને કહ્યું: ‘બેટા, તને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થજો. બેટા, આ સમય દરમિયાન તે તારા શિક્ષકો પાસેથી કર્યું અને કેવું ઉત્તમ શિક્ષણ મેળવ્યું તેની વાત કહે.’

પ્રહ્લાદે જવાબ આપ્યો : ‘પિતાજી, વિષ્ણુનું શ્રવણ, તેમનું ગુણગાન, તેમનું સ્મરણ, તેમની સેવા અને પૂજા, તેમને પ્રણામ કરવા, તેમના સેવક અને સખા બનવું, પોતાની જાત અને પોતાની પાસે જે કંઈ પણ હોય તે શ્રીપ્રભુને ચરણે ધરી દેવાં, આ નવધા ભક્તિથી ઈશ્વરને ભજવાનું ઉત્તમ શિક્ષણ મેં મેળવ્યું છે. કોઈ પણ માણસ આ નવધા ભક્તિના પથે ચાલે છે એ જ સૌથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવે છે. આટલું હું સમજ્યો છું.’

પુત્રના શબ્દો સાંભળીને હિરણ્યકશિપુએ શિક્ષકો તરફ ફરીને ક્રોધથી રાતાપીળા થઈને કહ્યું: ‘તમે કેટલા બધા નકામા અને વિકૃતત્ક્રુષ્ટ શિક્ષકો છો ! જે મારો દુશ્મન છે એનો પક્ષ લેવાનું અને મારા દીકરાના મનમાં આવા મૂર્ખ અને નિર્માલ્ય આદર્શો અને વિચારો ભરી દેવાનું તેમજ મારી સૂચનાની સંપૂર્ણપણે અવમાનના કરવાનું આ દુષ્કાર્ય તમે કેવી રીતે કરી શક્યા ?’ શિક્ષકોએ કહ્યું: ‘મહારાજ, આપ શાંત થાઓ અને આ કાર્ય માટે અમારા પર દોષારોપણ ન કરો. તમારો પુત્ર જે કહે છે એવું અમે કે બીજા કોઈએ એને શીખવ્યું નથી. એનું મન જ સ્વયંભૂ રીતે એ તરફ વળેલું છે. આ શબ્દો સાંભળીને હિરણ્યકશિપુએ પુત્રને પૂછ્યુંઃ ‘રે દુષ્ટ ! જો વિચારો તારામાં ક્યાંથી આવ્યા ?’ પ્રહલાદે જવાબ આપ્યો : ‘પિતાજી, જીવમાત્ર પોતાની ઇન્દ્રિયો અને તેમના વિષયો પરના સંયમના અભાવે જન્મમરણના કેરામાં ફસાય છે. તેઓ ભૌતિક સંપત્તિમાં અત્યંત ત્રાસક્ત રહે છે અને સર્વોચ્ચ પ્રભુ વિષ્ણુ પ્રત્યે પોતાના મનને ભાવભક્તિથી વાળી શકતા નથી. ભગવાન વિષ્ણુ જમોક્ષદાતા છે. જ્યારે ભક્તો પ્રભુના શરણાગતો તરફ પૂજ્યભાવના કેળવે ત્યારે તેમનાં મન પ્રભુ તરફ વળે છે.’ આટલું કહીને ભગવાન વિષ્ણુમાં મનને રત કરીને પ્રહૂલાદ શાંતિથી બેઠો રહ્યો.

પુત્રના આ શબ્દો સાંભળીને હિરણ્યકશિપુના ગુસ્સાનો પાર ન રહ્યો. તેણે તરત જ પોતાના ખોળામાંથી પ્રહ્લાદને હડસેલી મૂક્યો અને ચોકીદારોને આદેશ આપ્યો : ‘તે વિષ્ણુભક્તોની ઝંખના સેવે છે. એટલે તે મારો પુત્ર હોવા છતાંયે , મારો દુશ્મન છે. એને ગમે તે રીતે મારી નાખો.’

હિરણ્યકશિપુનો આદેશ સાંભળીને રાક્ષસ સૈનિકો મુલ્લાદના શરીર પર ભાલાં ભોકવા લાગ્યા. ભગવાન વિષ્ણુનાં ચરણકમળમાં જેનું મગ્ન બન્યુ છે એવા પ્રહ્લાદને આ ભોકાતાં ભાલાંની કંઈ અસર ન થઈ. હિરણ્યકશિપુની ચિંતાનો પાર ન રહ્યો. તેણે દુષ્ટ પ્રહ્લાદને મારી નાખવા હાથીના પગતળે ચાંપ્યો. ઝેરી સર્પો દ્વારા એના દેહમાં ઝેર ઓકાવ્યું. જ્યારે સાપ પોતાનું ઝેર પ્રહ્લાદના દેહમાં ઓકવા માંડ્યા ત્યારે પ્રહ્લાદ આનંદસમાધિભાવે ઊભો રહ્યો. એનું ચિત્ત તો ચોંટ્યું છે ભગવાન વિષ્ણુમાં. સાપના ડંખ પણ એણે ન અનુભવ્યા. ઊલટાનું સાપને પણ પોતાના આ કાર્યથી ક્ષોભ થયો.

પછી હિરણ્યકશિપુએ પ્રહ્લાદને મારી નાખવા આઠ દિગ્ગજને મોકલ્યા. આ મહાકાય હાથીઓએ બાળક પ્રહ્લાદને સૂંઢમાં લઈને જમીન પર પટક્યો, પોતાના દંતશૂળથી તેને મારવાનો પ્રયત્ન કર્યો. પ્રહ્લાદ તો ભગવાન વિષ્ણુમાં પોતાનું ચિત્ત ચોંટાડીને ધ્યાનાવસ્થામાં લીન છે. હાથીના દંતશૂળ પણ ભાંગીને ભૂક્કો થઈ ગયા પણ પ્રહ્લાદને પ્રભુએ રક્ષી લીધો. પછી પ્રહ્લાદને ઉકળતી કડાઈ અને ભડભડતી અગનઝાળમાં ફેંક્યો. ભયંકર અગ્નિ પણ તેને બાળી ન શક્યો. ભડભડતી અગનઝાળની વચ્ચે પ્રહ્લાદ તો વિષ્ણુના ધ્યાનમાં મગન છે. તેને મન તો આ બધું જાણે કે સુકોમળ શીતળ ગુલાબની પથારી !

(ક્રમશઃ)

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.