(ઈ. સ. ૧૮૯૮ના ઑગસ્ટમાં “પ્રબુદ્ધ ભારત” (AWAKENED INDIA) માસિકને ઉદ્દેશીને લખાયેલ કાવ્ય)
જાગો, પુનરપિ!
નિદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિષે તું,
થાક્યાં તારાં કમલનયનને વિરામ દેતી,
ઉજ્જવલ સ્વપ્ન સુનેરી ભરેલી:
સત્યમયી હે,
વાટ જુએ છે જગત બધું તુજ આતુર આંખે.
તને કદીયે મૃત્યુ અડે ના!
આરંભો તવ કૂચ ફરીથી,
કોમલ પગલે
રસ્તા પરની ધૂળતણી યે
નિરાંતની નીંદરમાં લગીરે
ભંગ પડે ના!
અને છતાં યે જોમ ભરેલા દૃઢ કદમે સ્થિર,
પ્રસન્ન, નિર્ભય, મુક્ત હંમેશાં.
જગાડનાર હે,
આગે આગે!
રણઝણાવતી વદ તુજ વાણી.
ગયું ગેહ તુજ;
જ્યાં ઊછરી તું,
હેત ભરેલાં હૈયાં સંગે,
કુતૂહલ જે પ્રતિદિન તારો વિકાસ જોતાં.
અમોઘ કિન્તુ વિધિના નિયમો
આવે સઘળું ફરી ફરીને મૂળભણી નિજ,
ફરી ફરીને બળ મેળવવા.
ફરી આરંભો,
મેઘતણા કંદોરા પ્હેરી
હિમાચલની ભૂમિ થકી તુજ,
નિજ બલ આપી તને પ્રેરતી
રચવા અભિનવ સૃષ્ટિ અનોખી:
સુરસરિતા તુજ સૂર બાંધતી
લયમાં શાશ્વત ગીતતણા નિજ;
દેવદારની છાયા ઢાળે, શાંતિ ચિરંતન.
અધિકું સહુથી:
તું હિમાચલની સુતા પાર્વતી,
માતા કોમળ
શક્તિ રૂપે, જીવન રૂપે
સહુ ભૂતોમાં સંસ્થિત છે જે,
કર્તા છે જે કર્મતણી સૌ,
એક મહીંથી બહુ કરનારી,
જેની કરુણતાથકી ઊઘડે દ્વાર સત્યનાં,
અને બતાવે
એક ઈશ બસ
વ્યાપ્ત સૃષ્ટિમાં.
તને આપશે બલ અખૂટ એ,
અનંત કાંઈ પ્રેમસ્વરૂપી,
આશિષ આપે તને બધાંયે
દૃષ્ટાઓ, ૫૨ દિશા કાલથી,
પૂર્વજ કેરા પિતામહો જે,
જાણ્યું જેણે સત્ય એક એ,
અને શીખવ્યું સઘળાં જનને મીઠા-કડવા
તું એની કિંકરી ખરી છે;
રહસ્ય તુજને પ્રાપ્ત થયું છે
એક એ તણું.
અહો, પ્રેમ! ઉચ્ચારો વાણી-
સ્નિગ્ધ ગંભીર તમારી વાણી,
જુઓ કેટલી માયાસૃષ્ટિ દિયે આગળી
મિથ્યા સ્વપ્નતણાં દળનાં દળ દિયે ઉડાડી,
ને, કેવલ બસ સત્ય વિરાજે
નિજ મહિમામાં.
અને કહી દે સકલ સૃષ્ટિનેઃ
જાગ, ઊઠ તું,
પડી રહે ના માત્ર સ્વપ્નમાં!
સ્વપ્ન સેવનારી ધરતી આ કર્મભૂમિ છે;
કર્મ અહીં ગૂંથે છે માલા સૂત્ર વિનાની,
વૃન્ત વિનાનાં, મૂલ વિનાનાં,
પ્રબુદ્ધ ભારતને
રૂડાં, કૂડાં, વળી ભાવનાતણાં પુષ્પની,
શૂન્ય થકી થયાં જે;
આદિમ શૂન્યે ભળી જાય જ
સત્ય તણી અતિમૃદુ ફૂંકથી.
નિર્ભય થા,
ને, સત્યની આંખે મેળવ આંખો.!
એક બની જા સત્યની સંગે
મિથ્યા સ્વપ્નાં છોડ નકામાં,
ને, ન બને તો
સત્યોન્નત શમણાં જ સેવ તું
પ્રેમ ચિરંતન તણાં પરમ
નિષ્કામ કર્મનાં.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




