રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૨૭, એપ્રિલ, ૧૯૮૦ના રોજ રામકૃષ્ણ મિશન, ન્યુદિલ્હીમાં વિવેકાનંદ ઓડિટોરિયમમાં ‘પ્રબુદ્ધ નાગરિકતા’ વિશે આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ભૂમિકા

છેલ્લાં ત્રીશ વર્ષમાં અનેક અવસરે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં મેં વ્યાખ્યાનો આપ્યાં છે; પરંતુ આજે એક અનોખો પ્રસંગ છે કારણ કે રામકૃષ્ણ મિશન કેન્દ્ર, ન્યુદિલ્હીના સેક્રેટરી સ્વામી બુધાનંદજીએ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક રીતે અને એમાંય ખાસ કરીને ‘પ્રબુદ્ધ નાગરિકતા’ વિશે વિસ્તારપૂર્વક હું ચર્ચા કરું એવી ઇચ્છા વ્યક્ત કરી છે. આ વિષયની ચર્ચા ભારતમાં આપણા સૌ માટે અત્યંત રસની અને મહત્ત્વની બાબત છે. મેં આ વિષય પર અનેક વાર વ્યાખ્યાનો આપ્યાં છે, પરંતુ એ બધાં વ્યાખ્યાનો કેવળ ગીતા અને ઉપનિષદોની વ્યાખ્યાના ઉપલક્ષ્યમાં ગૌણ વિષય રૂપે ચર્ચા કરી છે. આ પહેલાં વીશેક વર્ષો અગાઉ સભાજનોથી ખચોખચ ભરેલા શિલોંગના ગેરિસન થિયેટરમાં વિશેષ કરીને ‘નાગરિકતાનાં નૈતિક મૂલ્યો’ વિશે મેં સઘન ચર્ચા સાથેનું વ્યાખ્યાન પણ આપ્યું છે. 

પરંતુ આજે સમગ્ર વ્યાખ્યાનમાળાના આ વિષયની સંપૂર્ણ વિષયવસ્તુ સાથે આ વિષય પર પ્રથમ વાર બોલું છું. ‘પ્રબુદ્ધ નાગરિકતાની ચર્ચા’વાળા આ સમગ્ર પરિચર્ચાના વ્યાખ્યાનોનો એ જ એક માત્ર વિષય રહે તેમ સ્વામી બુધાનંદજી ઇચ્છે છે. એનો અર્થ એ થયો કે સપ્તાહો અને મહિનાઓ સુધી ચાલનારી આ પરિચર્ચાના મૂળ વિષયના જુદાં જુદાં પાસાં વિશે બીજા ઘણા વિદ્વાન અને સિદ્ધહસ્ત નિષ્ણાત વક્તાઓ પોતાનાં વક્તવ્યો આપશે. આને લીધે આ અત્યંત અગત્યના વિષયવસ્તુની સમૃદ્ધ સામગ્રી આપ સૌને સાંપડશે. આ બધી પરિચર્ચાઓને એકસાથે ‘પ્રબુદ્ધ નાગરિકતા’ એ શીર્ષક હેઠળ એક ગ્રંથાકારે તેઓ પ્રસિદ્ધ પણ કરવા માગે છે. આપણા દેશમાં આ ગ્રંથનું વિશાળ વેચાણ અને પ્રસાર થાય એવો આ સુયોગ્ય ગ્રંથ બનશે.

આ પરિચર્ચાની વ્યાખ્યાનમાળાના આ ઉદ્‌ઘાટન પ્રસંગે આપ સૌની વચ્ચે હું અહીં ઉપસ્થિત રહીને આનંદ અનુભવું છું. ૨૧મી એપ્રિલના રોજ સંગીત કલાવિહાર દ્વારા કુમાણી આડિટોરિયમમાં યોજાયેલા સમારંભમાં ૩ દિવસના વાર્ષિક વ્યાખ્યાનોના ઉપલક્ષ્યમાં હું અહીં દિલ્હીમાં આવ્યો હતો. ત્યાર પછી રમણમહર્ષિ શતાબ્દિ નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન પણ થયું હતું. આજે હું આપ સૌની સાથે છું અને આવતીકાલે વહેલી સવારે હું નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં વાર્ષિક વ્યાખ્યાન આપવા માટે મસૂરી જઈશ. ત્યાર બાદ ઈંડિયન મિલિટરી એકેડમી, દહેરાદૂનમાં પણ એક વ્યાખ્યાનનું આયોજન થયું છે. જૂન મહિનાના પહેલા સપ્તાહમાં હૈદરાબાદ પાછા ફરતી વખતે હું એક દિવસ માટે દિલ્હીમાં હોઈશ. એ વખતે ઈંડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ન્યુ દિલ્હી દ્વારા પ્રકાશિત Administration for Total Human Development – ‘પ્રશાસકીય કાર્યદક્ષતા અને પૂર્ણ માનવ સંસાધન વિકાસ’ એ ગ્રંથનો વિમોચનવિધિ એ સમયે રાખવાનું એમણે નક્કી કર્યું છે. આ ગ્રંથમાં ‘પ્રશાસકીય કાર્યદક્ષતા અને વ્યવસ્થાપન તંત્ર’ વિશેના મારાં બધાં વ્યાખ્યાનો તેમજ લખાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૩૦મી જૂને હું હવાઈ માર્ગે બર્લિન જવા ઉપડીશ, દસ સપ્તાહની વિદેશયાત્રામાં બર્લિન, હોલેન્ડ, બેલ્જિયમ, યુનાઈટેડ સ્ટેટ્‌સ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને શ્રીલંકાને આવરી લેવામાં આવશે.

વિષયવસ્તુનું મહત્ત્વ

આપણા દેશની રાજધાનીમાં આજની સાંજે એક પરિચર્ચાનું ઉદ્‌ઘાટન થઈ રહ્યું છે. આ સંગોષ્ઠીનો વિષય ‘પ્રબુદ્ધ નાગરિકતા’ છે. વિષય ઘણો ગંભીર છે. હું આ વિષયને આપણા જીવન અને નવભારત માટે ઘણો અગત્યનો વિષય ગણું છું અને હું ઇચ્છું છું કે આપ પણ એમ માનશો. માત્ર ૩૦ વર્ષ પહેલાં રાજકીય સ્વાતંત્ર્ય મેળવનાર એવા આપણે સૌ આ વિષય પ્રત્યે ઘણું ઓછું ધ્યાન આપીએ છીએ, એને ઓછું મહત્ત્વ આપીએ છીએ એનું મને દુ:ખ છે. છેલ્લી કેટલીક સદીઓથી અલબત્ત આપણે આ બાબત પ્રત્યે કોઈ વિચાર કર્યો નથી અને દુર્લક્ષ સેવ્યું છે; કારણ કે આપણે ત્યારે સતતપણે વિદેશી હકુમતો હેઠળ હતા. આપણે ધર્મભીરુ પણ હતા, પરંતુ એ ધર્મ પર સ્થગિત-મૃતપ્રાય ધર્મનિષ્ઠાની મહોર લાગી ગઈ હતી; તે ખરેખર ધર્મનિષ્ઠાથી મઢેલી ભૌતિકતા જ હતી. એના કેટલાંક વિધિનિષેધ કર્મકાંડ દેહ છૂટ્યા પછી સ્વર્ગમાં કોઈ સ્થાનપ્રાપ્તિના પ્રલોભનથી પ્રેરિત હતાં.

આ ધર્મપરાયણતા માનવનો દેવો, મંદિરોમાં પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિઓમાં સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ હતો. હા, કેટલાક એવા આધ્યાત્મિક સાધકો અને સંતો આપણી વચ્ચે હતા કે જેઓ સાચા ધર્મના પવિત્ર અને ઉચ્ચ આયામોનું અનુસંધાન કરવામાં સફળ નિવડ્યા હતા. પરંતુ આ બધા કાર્યકલાપોની વચ્ચે આપણે માનવ સાથે સંબંધ સ્થાપિત કરવા માટે, પડોશના માનવ સાથે સહયોગ અને સૌહાર્દ સાથે રહેવા અને સમાજમાં અરસપરસની ભલાઈ માટે બીજા લોકો સાથે વ્યવહાર-વર્તન કરવામાં નિષ્ફળ નીવડ્યા છીએ. ઈશ્વરોન્મુખ જાગરુકતા પર ભાર દઈને માનવોન્મુખ જાગરુકતાના વિધિવિધાન સમજવામાં અને એ બધાનો વિકાસ કરવાની આવશ્યકતાને આપણે ભૂલી ગયા; કારણ કે ઈશ્વરોન્મુખ જાગરુકતા અને ઈશ્વર સાક્ષાત્કારની સાધનાની આધારશિલા માનવોન્મુખ જાગરુકતા જ છે. રાજનૈતિક ગુલામી, આર્થિક દુર્બળતા અને સામાન્ય સામાજિક ગતિહીનતાના મૂળમાં આ જ મનોવૃત્તિ છે. આધુનિક યુગમાં આપણે આ ઉપેક્ષિત કાર્યને ઘણા મોટા પાયા પર શરૂ કરવું છે. આ માત્ર આપણા નવા પ્રજાતંત્ર, રાષ્ટ્ર અને સમાજને શક્તિશાળી બનાવવા માટે નથી પરંતુ, પોતાના અણમોલ સનાતન ધર્મના વારસાને પવિત્ર અને સત્ત્વપૂર્ણ બનાવવા માટે પણ આવશ્યક છે. નાના નાના સમૂહોમાં માનવોના પરસ્પરના સંબંધોના પરિપ્રેક્ષ્યમાં આ વિષયની ચર્ચા કરવી એ પૂરતું નથી; પરંતુ ૬૦ કરોડ ૫૦ લાખ (અત્યારે ૧૦૦ કરોડ)ની વિશાળ વસતીવાળા રાષ્ટ્રના સંદર્ભમાં, રાજનૈતિક સ્વતંત્રતાપ્રાપ્ત વિરાટ રાષ્ટ્રના દેશવાસીઓને લક્ષ્યમાં રાખીને આ વિચાર વિનિમય કરવો આવશ્યક છે.

આધ્યાત્મિક વિકાસના રૂપે ગીતામાં નાગરિકતાની અવધારણા

રાજનૈતિક દૃષ્ટિએ સ્વતંત્ર રાષ્ટ્રમાં આપણું સ્થાન શું છે? આપણી જવાબદારી શી છે? આપણામાંથી કેટલાક લોકો વિચારતા હશે કે અંતર્વૈયક્તિક સંબંધનો આ વિષય ધર્મથી પર છે એટલે કે અધાર્મિક છે, આધ્યાત્મિક નથી. પરંતુ હું તમને સ્પષ્ટપણે કહું છું કે આમાં એવું નથી. એ ધર્મનિરપેક્ષ તો છે જ, સાથે ને સાથે આધ્યાત્મિક પણ છે. વેદાંતદર્શનના આલોકમાં આપણે ‘આધ્યાત્મિક’ પદનો સાચો અર્થ સમજીશું તો આપણને જોવા મળશે કે ‘પ્રબુદ્ધ નાગરિકતા’ માનવીના આધ્યાત્મિક વિકાસ અને જીવનની સાર્થકતાનું એક અંગ છે. આ આધ્યાત્મિક વિકાસનું પહેલું સોપાન છે, ધર્મનિરપેક્ષ સોપાન અને એ મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય છે. આજે આપણે એ આવશ્યક બોધપાઠ મેળવવો છે. ભગવદ્‌ગીતાનું સૂક્ષ્મ અનુશીલન કરવાથી આ વાતનું સત્ય પ્રતીત થઈ જશે. ધર્મ આધ્યાત્મિક વિકાસ છે, એ કર્મકાંડનું કોઈ સાધન નથી. મૃત્યુ પછી સ્વર્ગમાં પહોંચવા માટેનું કોઈ પ્રવેશપત્ર પણ નથી. આ વાત આપણે સમજી લઈએ તો નાગરિકતા માનવ વિકાસનું એક મહત્ત્વપૂર્ણ અવિભાજ્ય અંગ છે એ સત્ય પણ સહજ રીતે સમજાઈ જશે.

આપણા દર્શનમાં ધર્મનિરપેક્ષતા અને ધાર્મિકતાની વચ્ચે કોઈ એવી ઊંડી ખીણ નથી કે જેને આપણે પૂરી ન શકીએ. અહીં આપણે ત્યાં જીવનને અખંડ અને સમગ્ર રૂપે જોવામાં આવે છે. આપણે લૌકિક કે ધર્મનિરપેક્ષતાથી આરંભ કરીએ છીએ. આગળ વધતાં આપણે આધ્યાત્મિકતામાં પ્રવેશ કરીએ છીએ અને જોઈએ છીએ કે લૌકિક પક્ષ આધ્યાત્મિકતાનું પહેલું સોપાન છે. માનવ જીવન એક પુસ્તક છે. એનું અધ્યયન કરતી વખતે પ્રત્યેક વ્યક્તિએ તેના પાને પાના અને અધ્યાયે અધ્યાય ફેંદવા પડે છે; સાચા કે ખોટા એના બોધપાઠ શીખવા પડે છે અને અંતે આ શરીર છોડીને જવું પડે છે. માનવ જીવન રૂપી પુસ્તકના પ્રથમ અધ્યાયમાં માનવ માનવની વચ્ચેના સંબંધ વર્ણવવામાં આવ્યા છે. નાગરિકતા, ક્રિયાશીલ નાગરિકતાનું પ્રતિપાદન ગીતામાં આ રૂપે થયું છે : કાર્ય – સામર્થ્ય અને ચારિત્ર્યબળની સાથે સામાજિક ગુણો અને નાગરિક શાલીનતાનો વિકાસ ત્યાં અંકિત થયો છે. એ પરિપૂર્ણ આધ્યાત્મિકતાનું અભિન્ન અંગ છે. એનું નામ છે ‘યોગ’. આ આપણા માટે અધ્યયનનો ઘણો ઉપયોગી વિષય છે. આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદે એને રાષ્ટ્ર નિર્માણ માટે ‘માનવનું માનવઘડતર’ કરવાનું શિક્ષણ કહ્યું છે.

આપણે આ ક્ષેત્રમાં ઘણો કઠિન પરિશ્રમ કરવો પડશે. સદીઓ સુધી આપણે એની ઉપેક્ષા કરી છે. ઈશ્વર સાથે આપણે પોતાનો સંબંધ જોડવાના ઉપાય શોધી કાઢ્યા હતા અને એને ધર્મ સાધના એવું નામ આપ્યું હતું; પરંતુ સામાજિક, રાજનૈતિક ક્ષેત્રમાં માનવીઓ સાથે પોતાનો સંબંધ જોડવાનો કોઈ ઉપાય શોધ્યો ન હતો અને એને લીધે જ આપણી ભયંકર હાર થઈ. માનવજીવનના રાજનૈતિક, આર્થિક અને સામાજિક અનુશાસન જ એ આયામ છે કે જેને ધર્મનિરપેક્ષતાનું ક્ષેત્ર ગણવામાં આવે છે. આજે આપણે આ બંને ક્ષેત્રે મનહૃદય લગાડીને કામ કરવું પડશે; કારણ કે સ્વામી વિવેકાનંદે ગીતા અને ઉપનિષદોનાં દર્શનમાં ડૂબકી મારવાની અંતર્દૃષ્ટિ આપી છે. એનાથી આપણે માનવ માનવ વચ્ચે અને માનવ અને ઈશ્વર વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે એને અલગ અલગ દર્શનોના રૂપે નહિ, એક જ દર્શનના રૂપે જોઈ શકીએ છીએ. માનવમાં ઈશ્વરને નિહાળો અને માનવની સેવાને જ ઈશ્વર સેવા ગણવી. આ અદ્‌ભુત દર્શનનો સાર છે. આ રીતે રાજનૈતિક, આર્થિક અને સામાજિક અનુસંધાન અને ઉપલબ્ધિ સાથે પ્રબુદ્ધ નાગરિકતા માનવના પરિપૂર્ણ આધ્યાત્મિક વિકાસ, ઉન્નતિ અને ચરિતાર્થતાની કેળવણીનું અનિવાર્ય અંગ છે. ભગવદ્‌ગીતામાં આ જ સંદેશ છે. આ ગ્રંથ કેવળ ધાર્મિક પરિતોષ પ્રદાન કરવાનો ગ્રંથ નથી. આ ઉદ્દેશ્યની પૂર્તિ બીજા અન્ય ગ્રંથોથી પણ થઈ શકે છે. પરંતુ ગીતા કર્મક્ષેત્રમાં પ્રવૃત્ત માનવનું જીવનદર્શન છે. કર્મમાર્ગનું અનુસરણ કરતાં કરતાં માનવ અભ્યુદય અને નિ:શ્રેયસનો અધિકારી બને છે. શંકરાચાર્યે ગીતા પર પોતાના ભાષ્યની આરંભિક પંક્તિઓમાં એનું ઘણું સુંદર વિશ્લેષણ કર્યું છે.

પ્રજાતંત્ર અને નાગરિકતા : ગ્રીસ અને રોમનું પ્રદાન

આજનો વિષય નાગરિકતા છે. આજે વ્યવહારમાં નાગરિકતાનું જે રૂપ જોવા મળે છે તે પાશ્ચાત્ય સંપર્કમાંથી આપણને મળ્યું છે. પ્રજાતંત્ર અને નાગરિકતાની આધુનિક કલ્પનાનો મૂળ સ્રોત આપણને પ્રાચીન ગ્રીસના ઇતિહાસમાં જોવા મળે છે. પ્રાચીન ગ્રીસવાસીઓ ખેતરોથી ઘેરાયેલા નાનાં નાનાં નગરરાજ્યોમાં વસતા હતા. એથેન્સ, પોતાના વૈભવના દિવસોમાં આધુનિક નગરસભાના ક્ષેત્રથી મોટું ન હતું. એ દિવસોમાં ગ્રીસવાસીઓએ નાગરિકતાની કલ્પના વિકસિત કરી. એમના અનુસાર એ નગરમાં વસેલા સ્વતંત્ર નિવાસીઓ નગરના રાજનૈતિક, આર્થિક, સામાજિક તથા ધાર્મિક જીવનને નિયંત્રિત કરતા હતા અને તેનું સંચાલન કરતા હતા. એ દિવસોમાં તે નગરરાજ્ય હતું, પ્રત્યેક સ્વતંત્ર વયસ્ક વ્યક્તિ એનો નાગરિક હતી. પ્રત્યેક નગરરાજ્યની વસતી ઓછી હતી એટલા માટે શાસન સભા માટે પ્રતિનિધિઓની ચૂંટણીનો સવાલ જ ઊભો ન થયો. બધા પુખ્તવયના નાગરિક શાસનસભાના સભ્ય હતા. બધા નાગરિકો ખુલ્લા અધિવેશન – Agoraમાં મળતા હતા. સામાજિક, રાજનૈતિક, આર્થિક અને ધાર્મિક સમસ્યાઓ પર ચર્ચા કરતા. એકે એક નીતિ કે કાર્યક્રમને મતદાન દ્વારા સ્વીકૃતિ આપતા. એક નાની એવી સમિતિ માટે સભ્યોની પસંદગી કરતા. સરકાર ચલાવવા માટે તે સમિતિ જવાબદાર રહેતી. આ પ્રકારે નાગરિકો દ્વારા સરકાર, નગરના સ્વતંત્ર નિવાસીઓ દ્વારા સરકારના રૂપે એથેન્સમાં પ્રજાતંત્રનો વિકાસ થયો.

પાછળથી આ પ્રજાતંત્રને કારણે એથેન્સને નુકસાન પહોંચ્યું; કારણ કે નાગરિકોમાં સતત અરસપરસ જીભાજોડી, ઝઘડા થવા લાગ્યા. નાના નાના દળોમાં રાજનૈતિક મતભેદને કારણે આંતરિક સંઘર્ષ વધ્યો. વિશેષ કરીને બે બહુસંખ્યક દળોમાં, ધનવાન અને નિર્ધન, Patricians – કુલીન અને Plebeians – અકુલીનોની વચ્ચે ફાટફૂટ પડવા લાગી. રોમ અને ગ્રીસવાસીઓમાં રાજનૈતિક સંઘર્ષ થયા કરતા. બંનેને રાજનીતિનું જ્ઞાન હતું અને એનો અનુભવ પણ હતો; પરંતુ રાજનીતિમાં રોમવાસીઓની પહોંચ ઘણી સારી હતી. સંસ્કૃતિ અને જ્ઞાનના ક્ષેત્રોમાં એથેન્સનું નગરરાજ્ય ઉન્નતિના શિખરે હતું.

સેંકડો લોકો એક નિશ્ચિત ભૂમિભાગ પર વસે તો એ જ વસતી છે, વસતીથી જ નગર બને છે. નગર વસતીનું કેન્દ્ર છે. રાજનીતિ એટલે વસતીમાં સહજીવન વિતાવવાની કલા. માણસ જ્યારે એક સમૂહમાં વસવા વિવશ બને છે ત્યારે બીજાઓ સાથે કેવી રીતે હળેમળે, જીવનનું સંચાલન કેવી રીતે કરવું, કામકાજ કેવી રીતે કરવાં, સામુહિક જીવનયાપનનું વિધાન કયું હોવું જોઈએ, વગેરે પડકારોનો એણે સામનો કરવો પડે છે. આ એટલા માટે આવશ્યક છે કે વસતીમાં વસેલ પ્રત્યે વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ, પોતાના જીવનને એનાથી સાર્થક બનાવી શકે. એટલા માટે કાયદો જરૂરી છે, નાગરિકો મળીને કાયદાઓ બનાવવા લાગ્યા અને આ કાયદાઓનું પાલન કરવું બધાનું કર્તવ્ય બની ગયું. કરવેરા નાખવા જરૂરી બન્યા, નાગરિકોએ કરનો દર નક્કી કર્યો. કરવેરા ચૂકવવા એ બધાનું કર્તવ્ય બન્યું. પ્રશાસન કે સરકારની એ જવાબદારી બની ગઈ કે તે નાગરિકોને સમયે સમયે સૂચના આપતી રહે કે કરનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને કેવા કેવા કાયદાઓ ઘડાય છે અને અમલમાં આવે છે. નાગરિકોને કાયદાઓ બદલવાની, કરવેરાના દર બદલવાની અને સરકારને પણ બદલવાનો અધિકાર હતો. ગ્રીસમાં એને માટે Tyrant – સરમુખત્યાર અને Tyranny – સરમુખત્યારશાહીનો પ્રયોગ ચાલી નીકળ્યો. એ દિવસોમાં એનો કોઈ આશય દુષ્ટ કે ક્રૂર ન હતો. પછીના કાળમાં એનો અર્થ દુષિત થઈ ગયો. ગુલામ અને સ્ત્રીઓને એકબાજુએ રાખીને કાયદા બનાવવાનું કામ બધા લોકો મળીને કરતા. રોમ, ગ્રીસ અને સમગ્ર યુરોપમાં આધુનિક કાળ સુધી સ્ત્રીઓને નાગરિકતા કે વિશેષ અધિકાર ન હતા.

ગ્રીસમાં પ્રજાતંત્રની આ પ્રણાલી વિકસિત થઈ. સમકાલીન માપદંડથી જોઈએ તો એ ખરેખર સત્ત્વપૂર્ણ અને સૃજનશીલ હતી. મહાન રાજનૈતિક વિચારક, કલાકાર, નેતા અને વક્તા ઇતિહાસકાર એ જમાનામાં ગ્રીસમાં થઈ ગયા. પેરિક્લિસ જેવા મહાન પ્રશાસક અને ડેમોસ્થનિસ જેવા પ્રભાવી વક્તા સભાઓમાં શ્રોતાઓને જકડી રાખતા.

નાગરિકોમાં અરસપરસનો માનવીય સંબંધ વધારવા અને રાજનૈતિક શિક્ષણમાં અભિરુચિ જગાડવાનો સુઅવસર મળ્યો. એવા જ અરસપરસના માનવીય સંબંધોથી ચારિત્ર્ય રચાય છે, વ્યક્તિગત સ્વતંત્રતાનો ભાવ પુષ્ટ બને છે, વ્યક્તિની ગરિમા સ્ફૂરિત બને છે, એક બીજા પ્રત્યે સંવેદના વૃદ્ધિ પામે છે, સમસ્ત નગરરાજ્યની સ્વતંત્રતા અને કલ્યાણની ભાવના પ્રબળ બને છે. ભારતમાં પ્રાચીનયુગમાં ગ્રામપંચાયતોમાં આવી જ કેળવણીની વ્યવસ્થા હતી, પરંતુ રાજનૈતિક દૃષ્ટિએ કોઈ રાજ્યની વ્યાપ્તિમાં એનો કોઈ વિકાસ ન થઈ શક્યો. બુદ્ધના જીવનકાળમાં લિચ્છવી જેવાં નાનાં નાનાં ગણરાજ્યોમાં પણ આવો વ્યાપક વિકાસ થયો ન હતો. ચીનના પ્રાચીન નિવાસીઓમાં આનાથી કંઈક સારી વ્યવસ્થા હતી. ગ્રીસ અને રોમવાસીઓને પણ આ જ ગૌરવ પ્રાપ્ત છે કે એમણે સિદ્ધાંત અને પ્રયોગ-આચરણમાં રાજનીતિના બહુવિધ પ્રકારોને અજમાવ્યા અને એમને આગળ વધાર્યા. 

ઈ.સ. પૂર્વે ૪૮૦ થી ૪૩૦ સુધીનો કાળ એથેન્સના પ્રજાતંત્રનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. એ સમય, પેરિક્લિસે એથેન્સને ઘણા સમયથી સતાવતા અને એક દશકા સુધી નગરના એક હિસ્સાને હતો ન હતો કરી નાખનાર ત્યાંના પ્રતાપી અને પ્રબુદ્ધ વેરી પરશ્યન સામ્રાજ્યને પરાજિત કર્યું. એથેન્સ પ્રજાતંત્રનો આ અસાધારણ વિજય હતો. ૫૦ વર્ષની આ અવધિ સુધી ગ્રીસમાં Classical Age – પ્રશિષ્ટકાળ માનવામાં આવે છે. એ સમયે ગ્રીસની સંસ્કૃતિનો ઘણો વિકાસ થયો હતો. વિવિધ ક્ષેત્રોમાં એનું પ્રદાન આશ્ચર્યજનક રહ્યું છે. જીવનના બધાં ક્ષેત્રોમાં નવ અર્જિત સ્વતંત્રતાથી જાગૃત પુલક અને જાગૃત હર્ષનું સ્પંદન હતું. બ્રર્ટ્રાન્ડ રસેલ તથા અન્ય ઇતિહાસકારોનો આ નિષ્કર્ષ છે કે આ સમયાવધિમાં નાના એથેન્સ રાજ્યમાં જે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેને પછીના પાશ્ચાત્ય જીવન અને સંસ્કૃતિને સારા એવા પ્રમાણમાં પ્રભાવિત કર્યાં છે અને એને રૂપાયિત પણ થવા દીધાં છે.

પ્રાચીન ગ્રીસમાં પ્રજાતંત્રનો તિરોભાવ

પછીની શતાબ્દિમાં નગર રાજ્યોની વચ્ચે ઘોર યુદ્ધો થયાં અને એથેન્સ રાજ્યનો ધીમે ધીમે ક્ષય થવા લાગ્યો. સોક્રેટિસની હત્યા એ ઘણી દુ:ખદ ઘટના નીવડી. સોક્રેટિકનું ચરિત્ર ઘણું ઉદાત્ત હતું, એમના આધ્યાત્મિક અને દાર્શનિક સંદેશ પણ મહાન હતા. રાજનીતિના દલદલમાં ફસાયેલ એથેન્સવાસી એ મહાપુરુષને સમજી ન શક્યા, એમની પ્રસંશા પણ ન કરી શક્યા. એથેન્સવાસી સોક્રટિસની આધ્યાત્મિક સાધના અને રાજનૈતિક સામાજિક દૃષ્ટિકોણથી ઉચ્ચતર ભૂમિકાવાળા માનવવ્યક્તિત્વ વિષયક અમર આધ્યાત્મિક આયામના એમના સંદેશને એ લોકો સમજી ન શક્યા. એથેન્સના પ્રજારાજ્યે એમના પર એથેન્સના યુવકોને દુમાર્ગે દોરવાનો ખટલો ચલાવ્યો અને વિષનો પ્યાલો આપીને એમના પ્રાણ હરી લીધા. પ્લેટોના ‘સંવાદ’માં એમણે ‘સ્પષ્ટીકરણ’ શીર્ષક દ્વારા જે સ્પષ્ટતા કરી છે તે વિશ્વસાહિત્યની એક અણમોલ નિધિ છે.

આ એક ભયાવહ પ્રસંગ છે. પછીના યુગમાં પેલેસ્ટાઈનમાં ઈશામસિહને શૂળી પર લટકાવવામાં આવ્યા હતા એ એક વધુ ભીષણકાંડ છે. આ બંને દારુણ ઘટના રાજનૈતિક દૃષ્ટિએ માનવને જોવા અને સમજવાની સીમાઓ અને દુર્બળતાઓ પર પ્રકાશ પાડે છે. એનાથી ઊલટું ભારતીય વિચારધારા પોતાની રીતે અનોખી છે. એમાં માનવના વ્યક્તિત્વને ઓળખવાની જે અંતર્દૃષ્ટિ છે તે સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રના સીમિત આયામોથી પર છે, અને એ જ સાચો ધર્મ પણ છે. સોક્રેટિસ અને પ્લેટોમાં અંતર્દૃષ્ટિ હતી. તેઓ ઉપનિષદથી પ્રભાવિત માનવો હતા. ગ્રીસ અને રોમમાં ધર્મ રાજનીતિની અંતર્ગત હતો, રાજનીતિના નગર રાજ્યોનું અંગ હતું. એમના દેવ રાજનીતિના યંત્રમાં ઢાળેલા હતા અને એમાં માનવની બધી દુર્બળતાઓ સહજ હતી. એ બધામાં ભારતીય ઉપનિષદોના જેવી અંતર્દૃષ્ટિનો અભાવ હતો. એ અંતર્દૃષ્ટિમાં જીવાત્મા અને સર્વવ્યાપી તથા સર્વાંતર્યામી પરમાત્માની સત્તા સ્વીકૃત હતી. પરંતુ સોક્રેટિસમાં આ અંતર્દૃષ્ટિ હતી. મૃત્યુ પહેલાં સોક્રેટિસના શિષ્ય ક્રિટોએ જે પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્ન અને સોક્રેટિસનો ઉત્તર પ્લેટોએ આ શબ્દોમાં અંકિત કર્યો છે : ‘આપની અંતેષ્ટિક્રિયા કેવી રીતે કરવી?’ સોક્રેટિસે હસતાં હસતાં કહ્યું: ‘આ પ્રશ્ન પૂછતાં પહેલાં તમે ‘મને’ ‘Me’ ‘સાચા મને’ ‘The real Me’ ઓળખી તો લો. ખુશ રહો, ક્રિટો! તમે આ શરીર વિશે પૂછો છો? જેવી રીતે બીજા દેહનું થાય છે એ જ રીતે આ શરીરનું કરજો.’

આ ઘટનાઓ આપણા ઉપનિષદોમાંથી કોઈ એક ઉપનિષદનો એક અધ્યાય બની શકે છે. પરંતુ, એથેન્સવાસીઓને એમાં યુવકોને ‘દુમાર્ગે’ દોરવાની ચાલ દેખાણી; એટલે આ મહાપુરુષના પ્રાણ હરી લેવામાં આવ્યા. ભારતનું માનસ ઉપનિષદ અને બુદ્ધદેવના સંદેશથી નક્કર બન્યું હતું. એમાં માનવના વિરાટ સ્વરૂપનો ઉપદેશ હતો અને કલ્પના હતી. અને એવી જ રીતે સોક્રેટિસ પછીના કાળના ભારતમાં ઈશામસીહ અહીંના નિવાસીઓનાં શ્રદ્ધા અને આદરનું પાત્ર બન્યા.

આ દુખાંત ઘટનાના પરિણામે પ્લેટો પ્રજાતંત્ર-લોકશાહીના વિરોધી બની ગયા. એમણે એની વ્યાખ્યા કરતાં કહ્યું કે પ્રજાતંત્ર એક ટોળાશાહી સિવાય બીજું કંઈ નથી. લોકશાહીને તેમણે વિચારશક્તિવિહોણા અને પોતાના મહાન વિચારકોની મહત્તાને જોવા-ઓળખવાની દૃષ્ટિવિહોણા ટોળા દ્વારા ચાલતી સરકાર કહી છે. આ રીતે એથેન્સમાં પ્રજાતંત્રની ગતિ કુંઠિત બની ગઈ. વિશેષ કરીને એથેન્સ અને સ્પાર્ટાની વચ્ચે ત્રસ દશક સુધી જે ભયંકર યુદ્ધો ચાલુ રહ્યાં એ સમયગાળા દરમિયાન એનો હ્રાસ થતો ગયો. ત્યારબાદ મેસિડોનિયાના ફિલિપ અને એમના પુત્ર સિકંદરે બધા નગર રાજ્યોને પોતાના મેસિડોનિયા રાજ્યમાં ભેળવી દીધા. પછીના કાળમાં રોમ દ્વારા પરાજિત ગ્રીસ એ સામ્રાજ્યમાં વિલિન થઈ ગયું. ત્યાર બાદ ગ્રીસ અને રોમનાં અતાર્કિક ધર્મ અને સંસ્કૃતિ પર ખ્રિસ્તીધર્મ છવાઈ ગયો. પ્રાચીન ગ્રીસનું નગરરાજ્ય ફરી પાછું ક્યારેય જોવા ન મળ્યું. કેવળ મધ્યયુગમાં ઈટાલીમાં વેનિસના ગણરાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ ગ્રીસનો વૈભવ ફરી પાછો ક્યારેય ચમક્યો નહિ.

‘હિસ્ટ્રી ઓફ વેસ્ટર્ન ફિલોસોફી’ ‘પાશ્ચાત્યદર્શનનો ઇતિહાસ, પૃ.૨૪૧’માં બર્ટ્રાન્ડ રસેલ કહે છે: ‘પ્રાચીન ગ્રીસવાસીઓના ઇતિહાસને ત્રણ યુગોમાં વહેંચી શકાય : નગરરાજ્યનો યુગ, જે ફિલિપ અને સિકંદરના હાથે સમાપ્ત થયો; મેસિડોનિયાનું પ્રભુત્વ, જે ક્લિઓપેટ્રાના નિધન પછી રોમ દ્વારા ઇજિપ્ત પર હકુમત કરવાની સાથે જ આ કાળ પૂરો થાય છે; અંતે રોમ સામ્રાજ્યનો ઉદય. આ ત્રણેયમાંથી પહેલા યુગમાં સ્વતંત્રતા અને અવ્યવસ્થા હતાં, બીજામાં દાસતા અને અવ્યવસ્થા હતાં અને ત્રીજામાં પરાધીનતા અને વ્યવસ્થા હતાં.’

એથેન્સના પ્રજાતંત્રને સરકારોના ઇતિહાસમાં એક અનન્ય પ્રયોગ માનનારા વિલડ્યુરાં ‘સભ્યતાની કહાની’ – સ્ટોરી ઓફ સિવિલિઝેશન (ધ લાઈફ ઓફ ગ્રીસ, પૃ.૨૫૫-૫૬)માં કહે છે: ‘અત્યંત અલ્પ સંખ્યામાં લોકો વાસ્તવિક રીતે શિક્ષિત હતા અને સુદૂર અટિકાનગરથી એથેન્સ સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું, આ રીતે ભૌગોલિક દૃષ્ટિએ તે સીમિત છે. સ્વતંત્ર એથેન્સના માતાપિતાના ૨૧ વર્ષની ઉંમરવાળા છોકરાઓને મતદાનનો અધિકાર હતો. જેમણે પ્રત્યક્ષ રીતે લશ્કર અને નાણાંકીય સંબંધી જવાબદારીઓ પોતાના શિરે લીધી હોય કેવળ એમને અને એમના પરિવારવાળાને નાગરિક અધિકાર મળ્યા છે. અટિકાની વસતી ૩ લાખ ૧૫ હજાર છે. કેવળ ૪૩ હજાર નાગરિકોને જ રાજનૈતિક અધિકારો મળ્યા છે. પેરિક્લિસના શાસનકાળમાં સમાનતા હતી. પ્રત્યેક નાગરિક કાયદાની દૃષ્ટિએ કે શાસનસભામાં સમાન અધિકારની માગ કરે છે અને અધિકારનો ઉપભોગ પણ કરે છે. એથેન્સવાસીઓની દૃષ્ટિએ નાગરિક એવો માનવ છે કે જે માત્ર મતદાન જ કરતો નથી પરંતુ ક્રમશ: તે મેજિસ્ટ્રેટ કે જજ પણ બની શકે છે; એણે કોઈ પણ સમયે રાજ્યની સેવા માટે તૈયાર અને શક્તિમાન રહેવું જોઈએ અને સ્વતંત્ર રહેવું જોઈએ. જે કોઈને અધીન હોય કે પોતાની આજીવિકા માટે મહેનત કરતો હોય તેને આ સેવામાં લઈ શકાય નહિ. એટલા માટે એથેન્સવાસીઓની દૃષ્ટિએ મજૂર નાગરિક બનવાને લાયક નથી. જમીનદારોને તેઓ નાગરિક માનવા રાજી થઈ જાય છે. આટિકાના ૧,૧૫,૦૦૦ ગુલામ, બધી સ્ત્રીઓ, બધાં મજૂરો, ૫૮,૫૦૦ વિદેશીઓ અને વ્યાપારીઓનો એક મોટો ભાગ મતદાનના અધિકારથી વંચિત છે.’

‘અગોરામાં, ડાયોનિસસના થિયેટરમાં કે પિરેયસમાં કેરિઓપાગસના પશ્ચિમે પહાડી ઢાળ પર પિંક્સ નામના અર્ધવર્તુળાકાર સ્થળે મુખ્ય મુખ્ય અવસરોએ શાસનસભાનું અધિવેશન મહિનામાં ચાર વખત યોજાય છે. આ બધા સ્થળો પર લોકો ખુલ્લામાં, બાંકડા પર બેસે છે. સવારથી જ લોકો આવીને બેસી જાય છે, પ્રશિક્ષિત વક્તા જ સંભાષણ કરવા માટે આગળ આવે છે. શાસનસભાના શ્રોતાઓ ઘણા અજીબ હોય છે. ખોટા ઉચ્ચારણોની ઠેકડી ઊડાડે છે, વિષયાંતર થાય તો તેનો ઘોર વિરોધ પણ કરે છે, દેકારો મચાવે છે, સીટીઓ વગાડે છે અને તાળીઓના ગડગડાટથી સહમતી વ્યક્ત કરે છે. જો આ સભાને ભાષણ પસંદ ન પડે તો એટલો બધો દેકારો કરી મૂકે છે કે વક્તાને મંચ પરથી, વ્યાસપીઠ પરથી હટી જવું પડે છે. હાથ ઊંચો કરીને મતદાનનો આદેશ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને પ્રત્યક્ષ રૂપે કે વિશેષ રૂપે પ્રસ્તાવને લીધે કોઈને હાનિ કે નુકસાન વેઠવું પડે તો ગુપ્ત મતદાનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.’

‘સભ્યતાની કહાની’ – સ્ટોરી ઓફ સિવિલિઝેશન (ધ લાઈફ ઓફ ગ્રીસ, પૃ.૨૬૬-૬૭)માં એથેન્સમાં પ્રજાતંત્રના વ્યવહારપક્ષ વિશે વિલડ્યુરાંનું કહે છે :

એથેન્સના પ્રજાતંત્રની આ દશા છે – ઇતિહાસમાં તે સંકુચિતથી પણ સંકુચિત અને પૂર્ણથી પૂર્ણ પણ છે. સંકુચિત એ દૃષ્ટિએ કે એનો વિશેષાધિકાર માત્ર થોડાક જ લોકોને મળ્યો છે અને પૂર્ણ એ રીતે કે પ્રત્યક્ષ અને સમાનતાના આધારે બધા નાગરિક શાસનસભા પર અંકુશ લાવી શકે છે અને સાર્વજનિક પ્રશાસન ચલાવે છે. વ્યવસ્થાનો દોષ એના ઇતિહાસના વિકાસ સાથે સ્પષ્ટ થઈ જાય છે. એરિસ્ટો ફેનિસે એ દોષો પર પોતાનો વિચાર પ્રગટ કરી દીધો છે. બે જવાબદાર શાસનસભા કોઈ પણ જાતના નિયંત્રણ અને પુનર્વિચાર વિના, આવેશમાં આવી જઈને મતદાન કરી શકે છે અને બીજે જ દિવસે ખેદ પ્રકટ કરીને પોતાને જ નહિ પરંતુ ખોટું માર્ગદર્શન આપનારને દંડ પણ આપે છે. એક્લિશિયામાં ઉપસ્થિત રહેનારા જ શાસનસભા દ્વારા પ્રાપ્ત અધિકાર ચલાવી શકે છે. વાચાળોનું કામ થઈ જાય છે અને સમર્થ લોકો બહિષ્કૃત બનીને રહી જાય છે. આને લીધે ઘણું નુકસાન પણ થાય છે; લોટરીથી પદાધિકારીઓની પસંદગી થાય છે. દરવર્ષે સરકારી નોકરો બદલાય છે. એનાથી સરકારી કામમાં અવ્યવસ્થા અને ગડબડ ઊભી થાય છે. જૂથ બંધીથી અવ્યવસ્થાથી રાષ્ટ્રનું પ્રશાસન અને સંચાલન તંત્ર સ્થગિત થઈ જાય છે. આ એના મુખ્ય દોષ છે. એના માટે એથેન્સને સ્પાર્ટા, ફિલિપ, સિકંદર અને રોમન સામ્રાજ્યના હાથે ભયંકર હાર સહન કરવી પડી.’

‘પ્રત્યેક સરકાર અપરિપૂર્ણ, દોષપૂર્ણ છે અને એનો અંત આવવાનો જ. કદાચ આ અવ્યવસ્થાવાળી લોકશાહી પ્રણાલીમાં એથેન્સના ઇતિહાસને ઉચ્ચશિખર પર પહોંચાડવાની શક્તિ છૂપી પડેલી છે. રાજનૈતિક જીવન નાગરિકતાની પરિધિમાં પહેલાં ક્યારેય આટલું તીવ્ર અને સૃજનશીલ રહ્યું નથી. ભ્રષ્ટ અને અસમર્થ પ્રજાતંત્ર પણ ઓછામાં ઓછું એક પ્રયોગાલય તો છે. શાસનસભાનો સભ્ય એથેન્સના ચતુર બુદ્ધિમાનના વ્યાખ્યાન તો સાંભળે છે. અદાલતોમાં, ન્યાયધીશ સાક્ષી લેવામાં અને તેમાં સત્યને સત્ય અને અસત્યને અસત્ય બતાવવાની બુદ્ધિમત્તા દર્શાવે છે. પદ પર આસીન વ્યક્તિ પ્રશાસનની જવાબદારી ઉપાડી લે છે અને તેને પોતાની સમજ અને સૂજબૂજમાં પરિપક્વતા આવે છે.’

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.