સ્વામી વિવેકાનંદના પરિવ્રાજક જીવનનું વિહંગાવલોકન
૧૮૮૮થી ૧૮૯૩ સુધીના સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણના મહત્ત્વના ઘટના પ્રસંગોના સીમાસ્તંભો:
પથવિહીન વાટે ધપજે પથિક
સિંહ શો નિર્ભય રહીને
નિર્લેપ બનીને ફરી વળજે
ભમજે ભૂમિ આ
દુનિયાના દુદુંભીથી ડગ્યા વિના
જળકમળવત્ જગતથી નિર્લેપ રહીને
તું એકલો ભમતો રહેજે બનીને એકલવીર
– ધમ્મપદ
૧૮૮૮ જુલાઈ: વારાણસી જવા વરાહનગર મઠથી નીકળ્યા. ‘મુશ્કેલીઓનો સામનો કરો’- ની ઘટનાએ વિચારજગતને બળ અર્પ્યું. વારાણસીથી વરાહનગર પાછા ફર્યા ત્યારપછી તેઓ અયોધ્યાની યાત્રાએ ગયા. પછી ત્યાંથી તેઓ લખનૌ ગયા. લખનૌ જતાં પહેલાં અયોધ્યામાં રામાયણ વિશે ઘણું ચિંતન-મનન કર્યું. લખનૌથી સ્વામીજી આગ્રા ગયા. અહીં તેઓ તાજના સૌન્દર્ય અને મોગલયુગની સ્મૃતિથી અભિભૂત થયા.
૧૮૮૮ ઓગસ્ટ: આગ્રા થઈને સ્વામીજી વૃન્દાવન ગયા. અહીં ચાંડાલની ચલમ પીવાની ઘટના, એમના જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતા સામેના ક્રાન્તિકારી વલણ – માનસનું દર્શન કરાવે છે.
ગોવર્ધન પર્વત અને રાધાકુન્ડનાં દર્શન કર્યાં. આ મુલાકાત પૂરી કરી સ્વામીજી હાથરસ રેલ્વે સ્ટેશને પહોંચ્યા. અહીં તેઓ શરચંદ્રને મળ્યા. શરતચંદ્ર પાછળથી સ્વામી સદાનંદ બન્યા. પછી તેઓ સહરાનપુરની મુલાકાત લઈને ષિકેશ ગયા અને ત્યાંથી હાથરસ પાછા ફર્યા.
૧૮૮૮ નવેમ્બર: સ્વામીજી વાહનગર મઠ, કલકત્તા પાછા ફર્યા અને ત્યાં એક વર્ષ રહ્યા.
૧૮૮૯ ડિસેમ્બર: વરાહનગર મઠથી વૈદ્યનાથ અને પછી અલ્લાહાબાદ યાત્રાર્થે ગયા.
૨૧ જાન્યુઆરી ૧૮૯૦: સ્વામી ગાજીપુરમાં નિરાહારી તપસ્વી સંત પવહારી બાબાને મળ્યા. આ સાધકની સ્વામીજી પર ઘેરી અસર થઈ. અહીં શ્રીરામકૃષ્ણ પરમહંસની સ્વામીજીને ઝાંખી થઈ.
૪થી ફેબ્રુઆરી ૧૮૯૦: સ્વામીજી પવહારી બાબાને મળ્યા અને વારાણસી પહોંચ્યા.
૨૬મી મે ૧૮૯૦: વરાહનગર મઠ પાછા ફર્યા. શ્રીમા શારદાદેવીના આશીર્વાદ મેળવવા સુરીની મુલાકાતે ગયા.
ઑગસ્ટ ૧૮૯૦: ભાગલપુરની મુલાકાત લઈને વૈદ્યનાથની યાત્રાએ ગયા. વૈદ્યનાથમાં બ્રહ્મોસમાજના વરિષ્ઠ ઉપદેશક આદરણીય શ્રી બાબુરાજ નારાયણ બોઝને સ્વામીજી મળવા ગયા.
અહીંથી વારાણસી થઈને અયોધ્યા પહોંચ્યા. ત્યાર પછી સ્વામીજી નૈનીતાલ, આલમોડા, ગઢવાલના પ્રવાસે ગયા. અહીંથી કર્મપ્રયાગ અને રુદ્રપ્રયાગ પ્રતિ એમની પદયાત્રા શરૂ થઈ. ગઢવાલની નજીકમાં આવેલા શ્રીનગરના પ્રવાસે પણ ગયા. ત્યારબાદ તેહરી, દેહરાદૂન, હરિદ્રાર, હૃષિકેશ, સહરાનપુર અને મેરઠની યાત્રાએ ઊપડ્યા.
૧૮૯૧: જાન્યુઆરી: જાન્યુઆરી માસમાં સ્વામીજી દિલ્હી પહોંચ્યા. ફેબ્રુઆરીમાં અલ્વારના પ્રવાસે ગયા. મૂર્તિપૂજા દ્વારા પ્રભુપ્રાપ્તિ થઈ શકે: અલ્વરના મહારાજને અપાયેલ આ મહાન સંદેશનો મહાન ઘટના પ્રસંગ અહીં બન્યો.
૧૮૯૧: ૨૮ માર્ચ: સ્વામીજી અલ્વારથી નીકળીને બેસાવેહ અને જયપુર ગયા. પરિવ્રાજક સંન્યાસી સ્વામી વિવેકાનંદનો પ્રથમ ફૉટોગ્રાફ જયપુરમાં લેવાયો.
૧૪મી એપ્રિલ ૧૮૯૧ના રોજ સ્વામીજી અજમેર પહોંચ્યા.
૭મી મે ૧૮૯૧ના રોજ સ્વામીજી પુષ્કર ગયા. પુષ્કરથી તેઓ માઉન્ટ આબુ તરફ રવાના થયા.
૪થી જૂન ૧૮૯૧ના રોજ મુનશી જગમોહનલાલને સ્વામીજી મળ્યા. એમણે ખેતડીના મહારાજા અને સ્વામીજીનું મિલન કરાવ્યું.
૧૮૯૧ – ૨૪ જુલાઈ સ્વામીજી માઉન્ટ આબુથી નીકળીને ૨૬મી જુલાઈના રોજ જયપુર પહોંચે છે. જયપુર થઈને ત્રીજી ઑગસ્ટ ખેતડી જાય છે. સાતમી ઑગસ્ટે ખેતડીના રાજાને મળે છે અને તેમને દીક્ષા આપે છે. ૨૭મી સપ્ટેમ્બરના રોજ અજમેર જવા નીકળે છે. ત્યાર પછી સ્વામીજી અમદાવાદમાં થોડા દિવસ રહે છે. ત્યાં થઈને વઢવાણ પહોંચે છે. પછીથી સ્વામીજી પરિવ્રાજક રૂપે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં યાત્રા કરે છે.
સ્વામીજી વઢવાણથી લીંબડી પહોંચે છે. લીંબડીમાં કેટલાક તાંત્રિકો પોતાની શક્તિસાધના માટે સ્વામીજીને એક અંધારી કોટડીમાં પૂરી દે છે. પછી લીંબડીના મહારાજાની સહાયથી મુક્ત થાય છે. લીંબડીથી ભૂજ જવા નીકળે છે. જૂનાગઢ જવાના માર્ગે તેઓ ભાવનગર અને શિહોરની મુલાકાતે જાય છે. પછી સ્વામીજી પ્રભાસપાટણ પહોંચે છે. અહીં સોમનાથના શિવમંદિરનાં દર્શને જાય છે. થોડા સમય પછી જૂનાગઢ પાછા ફરે છે. ત્યાં થઈને પોરબંદરની મુલાકાતે જાય છે. પોરબંદરમાં પોતાના ગુરુબંધુ સ્વામી ત્રિગુણાતીતાનંદજી સાથે મુલાકાત થાય છે.
પોરબંદર થઈને શ્રીકૃષ્ણના જીવનકાર્ય સાથે સંલગ્ન કેટકેટલીય પુરાણકથાનું – દંતકથાઓનું વિષયવસ્તુ બનેલ પુરાણ પ્રસિદ્ધ દ્વારિકાપુરી પહોંચે છે. ત્યાં થઈને માંડવી (કચ્છ) જાય છે. માંડવીમાં પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદને મળે છે. અહીંથી પોતે નારાયણ સરોવર અને આશાપુરા માતાજીનાં દર્શને જાય છે. અહીંથી વળી પાછા ભૂજ આવે છે.
ત્યારબાદ તેઓ પાલીતાણામાં રોકાય છે જ્યાં જૈનોના પવિત્ર યાત્રાસ્થળ પવિત્ર પર્વત શેત્રુંજય આવેલ છે. ત્યારબાદ તેઓ વડોદરા પહોંચે છે. વડોદરાથી ખંડવા (મધ્યપ્રદેશ)માંથી પસાર થાય છે. પોતાની આ યાત્રા દરમિયાન સુખ્યાત વકીલ હરિદાસ ચેટરજી સાથે એમની મુલાકાત થાય છે.
અહીં ખંડવામાં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત રહેવાની પ્રથમ ઝાંખી થાય છે.
પછી તેઓ ઈન્દોર, ઉજ્જૈન અને મહાબળેશ્વરની યાત્રાએ પહોંચે છે. ૧૮૯૨ના જુલાઈ માસની ૨૭મી તારીખે સ્વામીજી મુંબઈ જાય છે. મુંબઈથી પૂના જાય છે. અહીં સુખ્યાત સ્વદેશભક્ત સ્વાતંત્ર્યવીર અને વિદ્વાન બાલગંગાધર તિલકના ઘરે ઊતરે છે અને તેમનું આતિથ્ય માણે છે.
૮મી ઑક્ટોબર ૧૮૯૨ ના રોજ સ્વામીજી કોલ્હાપુર જાય છે. ત્યાં કોલ્હાપુરના મહારાજને મળે છે. ૧૮મી ઑક્ટોબરે બેલગાંવ પહોંચે છે. અહીં અમેરિકાના શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ પરિષદમાં જવાનો નિર્ણય જાહેર કરે છે.
ત્યાર બાદ સ્વામીજી માર્મગોવા, ધારવાડ, બેંગ્લોર, મૈસુર જાય છે. મૈસુરમાં મહારાજાના મહેમાન પણ બને છે.
અહીં એમના અવાજને પ્રથમવાર ફૉનોગ્રામમાં મઢી લેવામાં આવે છે. ત્યારબાદ સ્વામીજી ત્રિચૂર, કોચીન, એર્નાકુલમ્ જાય છે.
૬ઠ્ઠી ડિસેમ્બર ૧૮૯૨ના રોજ તેઓ ચટ્ટામ્બી સ્વામીને મળે છે.
૧૩મી ડિસેમ્બર ૧૮૯૨ ના રોજ સ્વામીજી ત્રિવેન્દ્રમ્ પાછા ફરે છે.
ત્રિવેન્દ્રમથી મદુરાઈ જવા માટે તેઓ ૨૨ ડિસેમ્બર ૧૮૯૨ના રોજ નીકળે છે. પછી રામેશ્વરમાં સર્વશ્રી ભાસ્કર સેતુપતિને મળે છે અને શિકાગોના પ્રવાસ અંગે ચર્ચા – વિચારણા કરે છે.
૧૮૯૨ ના ડિસેમ્બરની ૨૫મી તારીખે સ્વામીજી કન્યાકુમારી પહોંચે છે. કન્યાકુમારીની પવિત્ર શીલા પર બેસીને ધ્યાનમગ્ન બને છે. અહીં સ્વામી વિવેકાનંદનું એક સંન્યાસીમાંથી મહાન સમાજસુધારક, એક સમર્થ આયોજક અને રાષ્ટ્રના મહાન ઘડવૈયામાં અન્ય રૂપાન્તર થાય છે.
ત્યાંથી સ્વામીજી રામનદ જાય છે, ત્યાં થઈને પોંડિચેરી, મદ્રાસ જાય છે. મદ્રાસમાં સ્વામીજી આલાસિંગા પેરૂમલને મળે છે. ટ્રીપ્લીકેઈનના સાહિત્યસમાજના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરે છે, અને અહીં જ પોતાને પહેલવાન સ્વામી કે મલ્લ સ્વામી કહેવડાવતા સર્વશ્રી સુબ્રમણ્યમ્ ઐયર સાથે સ્વામીજીની મુલાકાત થાય છે.
૧૮૯૩ના ફેબ્રુઆરીની ૯મી તારીખે સ્વામીજી હૈદ્રાબાદ પહોંચે છે અને અહીં હૈદ્રાબાદ સ્ટેશને તેમના સ્વાગતાર્થે ૫૦૦ જેટલાં લોકોને આવેલા જોઈને નવાઈ પામે છે.
૧૧મી ફેબ્રુઆરીની સવારે સિકંદરાબાદના ૧૦૦ હિન્દુઓ સ્વામીજી પાસે આવે છે. એમને ફળ મીઠાઈ આપે છે અને મહેબૂબ કૉલેજમાં વ્યાખ્યાન આપવા વિનંતી કરે છે.
૧૩મી ફેબ્રુઆરીએ સાંજે મહેબૂબ કૉલેજમાં “મારું પશ્ચિમના જગતમાં ધર્મકાર્ય” એ વિશે પોતાનું પ્રથમ જાહેર પ્રવચન આપે છે.
૧૭મી ફેબ્રુઆરીના રોજ સ્વામીજી હૈદ્રાબાદ છોડે છે. પછી સ્વામીજી મદ્રાસ આવે છે.
અહીં દરિયા કિનારે સ્વામીજીને શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન થાય છે. અમેરિકાના પ્રવાસનું ફંડ એકઠું કરવાનું શુભકાર્ય અહીંથી શરૂ થાય છે. ખેતડી જતાં રસ્તામાં મુંબઈ, જયપુર રોકાય છે.
એપ્રિલની ૧૧ મીએ સ્વામીજી રેવારી પહોંચે છે.
૨૧મી એપ્રિલથી ૧૦મી મે સુધી જગમોહનલાલ સાથે ખેતડીમાં રહ્યા. અહીં એક નર્તકીના નૃત્યગાનથી સ્વામીજીના વિચારોમાં એક મહાન પરિવર્તન આવ્યું. ત્યારબાદ જયપુરથી મુંબઈ આવ્યા.
૨૯મી મે, ૧૮૯૩ના રોજ સ્વામીજી મુંબઈ પહોંચ્યા અને
૩૧મી મે, ૧૮૯૩ના રાજ મુંબઈથી અમેરિકા જવા ઉપડ્યા.
સંકલન: શ્રી સરોજદાસ
ભાષાંતર: શ્રી મનસુખલાલ મહેતા
(‘વિવેકાનંદ કેન્દ્ર પત્રિકા’માંથી આભાર)
Your Content Goes Here




