રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા પ્રસિદ્ધ ‘Human Excellence’ એ પુસ્તકમાંથી જીવનમાં ઉદાત્ત મૂલ્યો કેળવવા Strength and Fearlessnessનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં સર્વ વિનાશના ડરથી ભ્રમમાં પડીને લડવાની ના કહે છે ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને આ અપકીર્તિકારક, સ્વર્ગવિરોધી મોહને તેમજ હૃદયની દુર્બળતાને છોડવાનું કહે છે. અંતે અર્જુનને સમજાય છે : નિર્ભયતા એ જ શક્તિ છે, જીવન છે.
નિર્ભયતા અને શક્તિ વિશે સ્વામી વિવેકાનંદ કહે છે: ‘ઊભા થાઓ અને તમારા પૂરા સામર્થ્ય સાથે મૃત્યુને વરો. દુનિયામાં જો કોઈ પાપ હોય તો તે છે નિર્બળતા. નિર્બળતાનો ત્યાગ કરો કારણ, નિર્બળતા એ પાપ છે અને નિર્બળતા એ જ મૃત્યુ છે.’
‘કોઈનોય ભય ન રાખવો. તમે ભવ્ય કાર્ય કરી શકશો. જે પળે તમે ડરશો એ પળે તમે તમે નહિ રહો. દુનિયાનાં દુ:ખોનું મહાકારણ આ ભય છે. ભય એ જ બધા વહેમોનો વહેમ છે. ભય જ બધી દુ:ખપીડા જન્માવે છે અને નિર્ભયતા પળવારમાં સ્વર્ગ લાવી દે છે. એટલે જ હું કહું છું : ઊઠો, જાગો, ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’
ગીતાનો સંદેશ શક્તિનો સંદેશ છે. કુરુક્ષેત્રમાં કૌરવોનું વિશાળ સૈન્ય જોઈને મહાવીર અર્જુન પણ દુ:ખ અને વિષાદમાં ગરકાવ થઈ ગયો. તે રણમેદાનમાં યુદ્ધના ઈરાદે આવ્યો હતો પણ એણે યુદ્ધ કરવાની ના પાડી. ભગવાન કૃષ્ણ એના મનને અને આ બધું સત્ત્વગુણને બદલે તમોગુણથી જન્મ્યું છે એ સમજી ગયા. અર્જુનના સંશયને દૂર કરવા કૃષ્ણે કહ્યું : હે પાર્થ, તું આ કાયરતાને શરણે ન થા, તારા હૃદયની તુચ્છ દુર્બળતાને ખંખેરી નાખ. તું વીર છો, તને આ છાજતું નથી.
સ્વામી વિવેકાનંદે ગીતાના આ સારભૂતતત્ત્વનું વર્ણન ઘણા સુંદર શબ્દોમાં કર્યું છે: ‘બેટા, क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते જો તું ગીતાના આ સંદેશને સમગ્રવિશ્વમાં પ્રસરાવી દે તો પછી આ પૃથ્વીના ખૂણેખાંચરેથી દેખાતાં બધાં દુ:ખ, રોગ, પાપ, વિષાદ માત્ર ત્રણ દિવસમાં નાશ પામશે. નિર્બળતાના આ બધા વિચારો ક્યાંય જોવા નહિ મળે. અત્યારે સર્વત્ર આ ભયનો જ તરંગ જોવા મળે છે. તમારે એ તરંગને ઊલટાવી નાખવાનો છે. આનાથી ઊલટો નિર્ભયતાનો તરંગ ઊભો કરો અને જુઓ, કેવું ભવ્ય પરિવર્તન આવે છે! તમે સર્વશક્તિમાન છો. તોપને નાળચે જાઓ, ડરો નહિ.’
‘આ દુનિયામાં પાપ કે દુ:ખ રોગ કે વિષાદ જેવું કંઈ નથી; જો આ દુનિયામાં પાપ હોય તો તે ભય. તમારી ભીતર રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવે એ જ તમારું પુણ્ય છે એમ માનજો; અને જે તમારા દેહને અને મનને નિર્બળ બનાવે એને પાપ જ ગણજો. સૌથી વધુ પામર પાપીને પણ ન ધિક્કારો, તેના બહિરંગને ન જુઓ. તેના આંતરસ્વરૂપ તરફ નજર કરો કે જ્યાં પરમાત્મા વસે છે. સમગ્ર વિશ્વમાં આવું રણશિંગા ફૂંકો : તારી ભીતર પાપ નથી, તારી અંદર કોઈ દુ:ખ નથી, તમે સર્વશક્તિમાનનું સંચયસ્થાન છો. ઊઠ, જાગ અને તારી ભીતર રહેલી દિવ્યતાની અનુભૂતિ કર.’
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप।।
હે પાર્થ, તું કાયર ન બન; એ તને છાજતું નથી. હે પરંતપ, હૃદયની તુચ્છ દુર્બળતા છોડીને ઊઠ – ઊભો થા. (૨.૩)
ગીતાનું પઠન કરીને કોઈ પણ વ્યક્તિ મહાન સદ્ગુણો પ્રાપ્ત કરે છે. ગીતાના એક શ્લોકમાં ગીતાનો સારભૂત સંદેશ સમાયેલો છે.
Your Content Goes Here




