(ઘ) સ્થાવર મિલકતના અતિસમૃદ્ધ વેપારી શ્રીકુલકર્ણી પોતાના એક માત્ર પુત્ર સંદીપને ખિસ્સાખર્ચીની મોટી રકમ છુટ્ટે હાથે આપતા. નવમા ધોરણમાં ભણતા નાના છોકરાને આવી રીતે પંપાળતા પિતાનો સંદીપના દાદા જ્યારે જ્યારે વિરોધ કરતા ત્યારે શ્રીમાન કુલકર્ણી કહેતા: ‘હું તો મુશ્કેલીઓ અને અગવડતાની વચ્ચે ઊછર્યો છું, એવું બધું મારો દીકરો સહન કરે એમ હું ઇચ્છતો નથી. તેને જીવનનાં બધાં સુખચેન માણવા દો. તદુપરાંત એણે તો આપણા સામાજિક દરજ્જા પ્રમાણે જીવવું જોઈએ ને?’ સંદીપ તો નિયમિત રીતે પોતાના મિત્રોને સાથે લઈને સિનેમાઘર અને સારામાં સારા રેસ્ટોરન્ટમાં જવા લાગ્યો. પણ ગયે વર્ષે શ્રીકુલકર્ણીને ધંધામાં ઘણી ખોટ સહન કરવી પડી અને એને લીધે સંદીપની ખિસ્સાખર્ચીની રકમ પણ ઘણી ઓછી થઈ ગઈ. સંદીપે તો એ નાની સુની રકમ ક્રોધાવેશમાં ફેંકી દીધી અને પોતાની નિયમિત રીતે મળતી રકમની માગણી કરી. એટલે કે તે પોતાની જીવનશૈલી છોડવા તૈયાર ન હતો. જ્યારે એને જોઈતી રકમ ઘરમાં ન મળી તો એણે ઘરમાંથી ચોરી કરવાનું શરૂ કર્યું. એક દિવસ શાળામાં એક શિક્ષકના ખિસ્સામાંથી પૈસાની તફડંચી કરી અને એને એની સજા પણ મળી. હવે એણે પોતાની મેળે જ રાતોરાત પૈસા બનાવવાનો નિર્ણય કર્યો. ધૂની મન અને વિચારો સાથે એણે પિતાના પંદર હજાર રૂપિયા ચોરી લીધા અને ઘરમાંથી ભાગી ગયો.

ગમે તેમ કરીને એણે એક દેશી તમંચો ખરીદ્યો અને એક મોટા શહેરમાં આવ્યો. તેણે કેટલાક સમૃદ્ધ વેપારીઓને લૂંટવાની યોજના કરી. બે દિવસ અત્યંત હતાશ અને નિરાશામાં રેલવે સ્ટેશને ગયા પછી તે શહેરમાં ગયો અને ફલેટમાં કૂદકો મારીને ઘૂસ્યો. બંદૂકની અણીએ તેણે ઘરની સ્ત્રીઓને લૂંટવાનો પ્રયત્ન કર્યો. ઘરની સ્ત્રીઓએ પોતાની ચાતુરીથી તેને સરળતાથી હંફાવી દીધો અને અંદરના ઓરડામાં પકડીને પૂરી દીધો. આજે એ સંદીપ નાના બાળકોના રિમાંડ હૉમમાં છે.

આ અભ્યાસ અવલોકનમાંથી આવા પ્રશ્નો ઊભા થાય : પોતાના પુત્રને ખુશ રાખવામાં શ્રીમાન કુલકર્ણી જીવનના સામાન્ય સુખસુવિધાઓ અને એશઆરામ વચ્ચેનો ભેદ સમજવામાં શું નિષ્ફળ ગયા એમ કહી શકાય? નાનો સંદીપ આવો તમંચો મેળવવાનું ક્યાંથી શીખ્યો અને એમાં વળીયે શસ્ત્રસજ્જ લૂટારા બનવાનું પણ ક્યાંથી શીખ્યો હશે? શું સમાજ આવા સંદીપનું પુન:સ્થાપન કરી શકે ખરો? કે શું આવો ભણેલો છોકરડો એક રીઢો ગુન્હેગાર બની જશે?

(ઙ) બે મહિના પહેલાં વિવેકના વર્ગશિક્ષકે ખાનગી અભ્યાસ સહાયક વર્ગો ચાલુ કર્યા. આ વર્ગમાં જોડાવા માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓને આમંત્ર્યા. ઘણા વિદ્યાર્થીઓ રાજી ખુશીથી એમાં જોડાયા. આમ જુઓ તો તેઓ સારા શિક્ષક હતા. હવે વિવેક સિવાય એના બીજા બધા સહપાઠીઓ એક કે બીજા ટ્યૂશન ક્લાસીસ – સહાયક વર્ગોમાં જતા. પણ વિવેક અને એના માતપિતાને એની જરૂર ન લાગી. વિવેકનાં માતા વિજ્ઞાનના સ્નાતક હતા અને જ્યારે જ્યારે જરૂર પડતી ત્યારે તે વિવેકને મદદ કરતા. તદુપરાંત ટ્યૂશન ક્લાસની ફી પણ ઘણી ઊંચી હતી.

છેલ્લાં થોડા દિવસથી શિક્ષક એક અભ્યાસ-વિષય પર વર્ગમાં ઘણી ઝડપથી શીખવતા હતા. ટ્યૂશન ક્લાસમાં આ અભ્યાસક્રમને આવરી લીધો હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડી. પણ વિવેકને આટલું ઝડપથી સમજવું અઘરું લાગ્યું. પોતાની સમસ્યાઓનું સમાધાન કરવા માટે પેલા શિક્ષક પાસે વિવેક ગયો ત્યારે શિક્ષકે એને શા માટે એના ટ્યૂશન ક્લાસમાં ન જોડાયો એ પૂછ્યું અને કહ્યું: ‘તું એમ વિચારે છે કે તું પરીક્ષામાં વધુ સારા ગુણ પોતાની મેળે મેળવીશ? ધો.૧૨માનું વર્ષ જીવનના પરિવર્તનની ક્ષણ જેવું હોય છે અને તને પણ આવા વિશેષ નિષ્ણાત શિક્ષકના અભ્યાસ-સહાયની જરૂર પડવાની છે.’ અને પછી શિક્ષકે હળવેથી વિવેકને પોતાના ટ્યૂશન ક્લાસમાં જોડાવા માટે ગંભીરતાપૂર્વક વિચાર કરવા સૂચન કર્યું. વિવેક અને એના માબાપ હવે માનસિક તણાવ અનુભવવા લાગ્યા. આવા ટ્યૂશનિયા માર્ગે ચાલવાનું તેના પર જાણે કે એક માનસિક દબાણ ઊભું થયું.

હવે આ અભ્યાસ અવલોકન પરથી આટલાં પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે :

વર્ગશિક્ષણથી શું બધું શીખવા માટે વિવેક શક્તિ કેળવશે કે કેમ? શું વિવેકના માતપિતાએ પોતાની બચતમાંથી થોડીઘણી રકમ ઉપાડીને વિવેકને કોઈ ટ્યૂશન ક્લાસમાં મૂકવો જોઈએ કે કેમ? જો વિવેક ટ્યૂશનિયા શિક્ષકના અનુનયને ન સ્વીકારે તો શું થાય? શું પેલો ટ્યૂશનિયો શિક્ષક એનો ભોગ લેવાનો પ્રયત્ન કરશે ખરો?

આજે ભારતમાં ૨૫ વર્ષથી નીચેની ઉંમરના ૫૦૦ મિલિયન (પચાસ કરોડ) યુવાનો છે. આ યુવાનો ભારતનું ભાવિ ઘડી રહ્યા છે. કમભાગ્યે છેલ્લાં એક દસકામાં સમાજના આ અતિ પ્રબળશક્તિશાળી સમાજમાં માનસિક સમસ્યાઓ વધી છે. રાષ્ટ્રના અત્યંત કીમતી યુવાધનના મૂલ્યોમાંથી ચ્યૂત થવાની દુર્દશાનો આછેરો ખ્યાલ ઉપર્યુક્ત પરિસ્થિતિઓ આપણને આપે છે. 

મૂલ્યોની અનુભૂતિનું આજનું એક દૃશ્ય

આપણા યુવાનોમાં મૂલ્યો વિશેની દિગ્ભ્રમણાને સમજવા આપણે યુવાનોમાં મૂલ્યોનું ઘડતર કરનારાં પરિબળોને ધ્યાનમાં રાખવાં પડશે.

મૂલ્યઘડતર કરનારાં ચાર પ્રભાવક પરિબળો

પ્રારંભિક તબક્કે બાળકો કુટુંબ, શાળા, સમૂહ શિક્ષણના માધ્યમો અને સમાજમાંથી મૂલ્યોને ઝીલે છે.

(૧) અસંતુલિત સાંસ્કૃતિક આક્રમણ સામે અતિ નરમ વલણ આપણાં બાળકો પર પ્રભાવક અસર કરે છે. 

વૈશ્વિકીકરણ અને અતિ ઉદારીકરણ જેવા પ્રૌદ્યોગિકી ક્ષેત્રના અતિ આધુનિક વિચાર આંદોલનો આપણા પ્રાચીન સમાજનું ધરમૂળથી પરિવર્તન કરી નાખતો એક નવો આયામ આપે છે. આ પરિબળોએ આપણે કદીયે નજરે ન જોયેલ સામાજિક પર્યાવરણ સર્જ્યું છે. આ નવાં પર્યાવરણનું ચાલક બળ સામાજિક વિકાસમાં રહેલું છે. એના પર મૂકાતો ભાર કે એને અપાતું મહત્ત્વ એક ભયાનક પરિસ્થિતિ ઊભી કરે છે. આપણી સંસ્કૃતિમાં આવતા અને ચાલતા ક્રાંતિકારી પરિવર્તનોના મર્મ કે ઈંગિતાર્થને સમજવામાં એ આપણને અવરોધે છે.

આજે આપણી પરંપરાગત પ્રાચીન મૂલ્યનિષ્ઠા અને અતિ આધુનિકતાયુક્ત ઉદ્‌ભવતાં નવાં મૂલ્યો વચ્ચેના સંઘર્ષમાં અફર સાંસ્કૃતિક રૂપાંતરણ વિકસી રહ્યું છે. આની ભાવાત્મક વાત એ છે કે આ સાંસ્કૃતિક ઉત્તેજના નવા નવા વિચારો અને નવીન દૃષ્ટિકોણો આપણી સમક્ષ લાવે છે. એ આપણા જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં પરિવર્તન પણ લાવે છે અને આપણા સામાજિક સંબંધોને પુન: વ્યાખ્યાયિત પણ કરે છે. 

પરંતુ એનું અભાવાત્મક પાસું એ છે કે એ સતત રીતે ચાલતું સાંસ્કૃતિક પરિવર્તન આપણાં પ્રાચીન નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને સાવ અવગણી નાખે છે. આધ્યાત્મિકતા આપણી જીવનસંસ્કૃતિ અને જીવનરીતિનું ઘડતર કરે છે અને એ જ સદીઓથી રહેલી આપણી સભ્યતા અને સંસ્કૃતિની આધારશિલા બની રહી છે.

નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને કોરાણે મૂકવાના ફળ સ્વરૂપે આપણે સૌ આજે વધતા રહેતા ગુન્હાખોરી, લાંચરુશ્વત, શોષણ અને લડાઈ-ઝઘડા જેવા સંઘર્ષોનો સામનો કરી રહ્યા છીએ. સૌથી વધારે ભયંકર પરિણામ તો એ છે કે આપણાં બાળકો આધ્યાત્મિકતાની શક્તિને સુદૃઢ કર્યા વિના જ ઊછરતાં રહે છે. સુખ અને સફળતાનાં તેમનાં સ્વપ્નામાં આ નૈતિકતા અને આધ્યાત્મિકતા વધુ ને વધુ પ્રમાણમાં ઓછી ને ઓછી દેખાતી જાય છે. 

અપરિપક્વતાવાળાને અસીમ સ્વતંત્રતા :

વર્તમાન આધુનિક સમાજનું બીજું અત્યંત મહત્ત્વનું પાસું એટલે સ્થાનાંતરણ, ખરીદશક્તિ, સંદેશવ્યવહાર અને માહિતીના અતિરેક વિશે ધંધાની પસંદગીમાં આપણા આજના યુવાનો પૂર્વે ન જોયેલી સ્વતંત્રતા ભોગવે છે. અલબત્ત, સ્વતંત્રતા એ સ્વપસંદગીને અવશ્ય સ્થાન આપે છે. સાથે ને સાથે યોગ્ય પસંદગી કરવાની જવાબદારી પણ તે નક્કી કરે છે. આ જવાબદારી એ અત્યંત મહત્ત્વની બાબત છે કારણ કે દરેકેદરેક ભારતીયજનની દરેક પસંદગી આપણા રાષ્ટ્ર જીવનની ગુણવત્તા નક્કી કરે છે. ૧૯૬૬માં પ્રૉ. બી. એસ. કોઠારીના અધ્યક્ષ સ્થાને રચાયેલ એજ્યુકેશન કમિશન પ્રબળ ભાષામાં આ વાત કરે છે :

‘બીજી બધી બાબતોની સાથે આધુનિકીકરણનું લક્ષ્ય દરેક વ્યક્તિને વધુ મોકળાશવાળી જીવનશૈલી અને પસંદગીની વધુને વધુ વિસ્તૃત વિવિધતા આપતી વિપુલ સમૃદ્ધિને નિપજાવવાનું છે. પસંદગીની આ સ્વતંત્રતાને પોતાના ફાયદા પણ છે. એટલે કે દરેક વ્યક્તિ કયા પ્રકારની પસંદગી કરે છે એના પર સમાજનું ભાવિ વધુ ને વધુ અવલંબવાનું. આ બધું તે વ્યક્તિને મળતા પ્રેરક બળો તેમજ એમની મૂલ્યો વિશેની સમજણ પર સ્વાભાવિક રીતે આધાર રાખશે. એનું કારણ એ છે કે જે તે વ્યક્તિ કાં તો સંપૂર્ણપણે પોતાના જ વ્યક્તિગત સંતોષ માટે જ અનુકૂળ હોય તેવી પોતાની જીવન શૈલીની પસંદગી કરશે; અથવા પોતાના સમાજની સેવાના ઉદાત્તભાવ સાથે અને સર્વનું સહિયારું કલ્યાણ થાય એવી પસંદગી પર આવશે.’

આજના સમાજ સમક્ષ વ્યવસ્થાપન માટે આધુનિકીકરણ દ્વારા વધુને વધુ વિકસતાં જ્ઞાન-માહિતી મુકાય છે; શક્તિ અને સત્તાની વૃદ્ધિ થતી જાય છે. આ બંને સાથે સામાજિક જવાબદારીની વધુ સુદૃઢ, ગહન સમજ; સૂક્ષ્મ અને ઉત્સાહપૂર્વકની નૈતિક, આધ્યાત્મિક મૂલ્યોની કદરદાનીનો સુભગ સમન્વય થવો જોઈએ જ. 

દુ:ખપૂર્વક કહેવું જોઈએ કે સુદૃઢ નૈતિક સમજણ અને સામાજિક જાગૃતિને સર્વપ્રથમ વિકસિત કરવાનો સુયોગ્ય અવસર આપ્યા વિના આપણાં બાળકો વધુ ને વધુ સ્વતંત્રતા તેમજ નવા નવા સંતોષ-આનંદનાં સાધન-પ્રસાધન મેળવી રહ્યાં છે. 

૨. જાહેર પ્રચાર-પ્રસાર માધ્યમોની બુદ્ધિપૂર્વકની ચાલાકીઓ

બાળકો શેની પસંદગી કરે છે એ વિશે જાહેર પ્રચાર-પ્રસારણ માધ્યમો અભાવાત્મક પ્રભાવ પાડે છે. 

પ્રૌદ્યોગિક ક્રાંતિએ ટીવી, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન – જ્ઞાનમાહિતીનાં સામયિકો જેવાં સમૂહ પ્રચાર-પ્રસાર માહિતીનાં સાધનો શાળાના વિદ્યાર્થીઓની પહોંચમાં લાવી મૂક્યાં છે. જીવનની આવશ્યકતાઓની દૃષ્ટિએ જરૂરી છે પણ દુરુપયોગ થવાના અવકાશને લીધે આ બધા પ્રસાધનો એક મોટી આફત અને ચિંતા બની ગયાં છે. માહિતી પ્રસારણનાં જાળાં આપણાં બાળકો પર રોજેરોજ સમગ્ર વિશ્વમાંથી સતતપણે વહેતાં રહેતાં ખયાલો અને સાંસ્કૃતિક મૂલ્યોનો મહાવિસ્ફોટ કરી રહ્યાં છે. અક્ષરશ: આ એક માહિતીનું આક્રમણ જ છે. અત્યંત પ્રભાવક અને પ્રબળ વિજ્ઞાપનના રૂપે મોટા ભાગની માહિતી આવતી હોય છે. આવાં વિજ્ઞાપનો આપણાં બાળકો અને યુવાનોમાં રહેલ ઐન્દ્રિક આનંદપ્રેરણને સતત જગાડતાં રહે છે. સાથે ને સાથે જે તે ચીજવસ્તુ માટે એમના મનમાં એક કૃત્રિમ ભૂખ ઊભી કરે છે. નિતનવી ડિઝાઈનનાં શરીર સૌંદર્યના બિનજરૂરી તૈયાર વસ્ત્રો અને ખાઈપી શકાય તેવી ચીજવસ્તુ અને બીજા પદાર્થો પર રચાયેલી ભ્રામક સ્વપ્રતિભા યુવાનોના મનમાં ઊભી કરવા માટે એમને લલચાવે પણ છે. અશિષ્ટ વસ્તુ અને વિવેકબુદ્ધિથી સાચી કળાને ઓળખવા કેળવાયેલ ન હોવાને લીધે આ બાળકો બાહ્ય ચળકાટવાળાં નકલી મનોરંજનમાં રાચતાં થાય છે. અને વળી આપણાં આજનાં વેંચાણબજારો આપણાં બાળકોની ગુણવત્તા પસંદગીમાં આ પ્રચાર-પ્રસારનાં પ્રસાધનોનો ચાલાકીપૂર્વકનો ઉપયોગ કરે છે. ૨૦૦૫નું નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક – રાષ્ટ્રિય પાઠ્યક્રમની રૂપરેખા એટલે જ આમ કહે છે: ‘જ્યારે આપણાં બજારિયાં બળોથી રચાતાં અને ચાલાકીપૂર્વક કામ કઢાવતાં, આપણાં રસરુચિ અને મતાભિપ્રાયને આ છેતરામણાં કલાસૌંદર્યની દૃષ્ટિએ ઘડાતાં હોય ત્યારે આજના શિક્ષણમાં સૌથી વધારે આવશ્યક છે સુરુચિપૂર્ણ સૌંદર્યકલાની સાચી સમજ અને સર્જનાત્મકતા.’

આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે પ્રેસ-વર્તમાન પત્રો ઉમદા અને સ્વદેશભાવનાં મૂલ્યોના પ્રચાર-પ્રસારનું શક્તિશાળી માધ્યમ હતું. પરંતુ આજે આપણા રાષ્ટ્રનાં જાહેર પ્રચાર-પ્રસારનાં માધ્યમો તો રાજકારણ, ગુન્હાખોરી, લાંચરુશ્વત, ઉત્તેજનાપૂર્ણ સમાચાર તેમજ સિનેસૃષ્ટિના રંગરાજની માહિતી પર જ સૌથી વધારે કેન્દ્રિત રહે છે. જ્યારે વિદ્યાર્થીઓને એમની સામાજિક વૃત્તિના જાગરણમાં સંયમ કેળવવાની આવશ્યકતા તેમજ પોતાના અભ્યાસ પર પૂરતું મન લગાડવાની જરૂર હોય છે ત્યારે જ આ પ્રચાર-પ્રસારનાં માધ્યમો એમને અસીમ ભોગવિલાસ કે આનંદપ્રમોદ માટે ઉશ્કેરે છે. વિષયાનંદ માટેની આવી બેશરમ વિજ્ઞપ્તિથી આપણાં જાહેર પ્રસાર-પ્રચારના માધ્યમો સૌથી વધારે તો નિર્દોષ અને પવિત્ર યુવામનોને દૂષિત કરી મૂકે છે. આ બધું આપણે ટીવીના કાર્યક્રમો, એનાં વિજ્ઞાપનો, ચલચિત્રો, સામયિકો, દૈનિક વર્તમાન પત્રોમાં જોઈએ છીએ. શાળા કે કોલેજની બહાર, અરે ક્યારેક તો શાળાકોલેજની દીવાલે ચોંટાડાતાં ચલચિત્રોનાં અશ્લિલ દૃશ્યો વિદ્યાર્થીઓના નૈતિક કલ્યાણ પ્રત્યેની જાહેર પ્રસાર-પ્રચાર માધ્યમોની લાગણી શૂન્યતાનું એક ઉદાહરણ અને પ્રતીક છે. 

૩. ઘરની પરિસ્થિતિ

કુલધર્મનું ઝરણું સુકાઈ ગયું છે!

બાળકના નૈતિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ ઘરમાં જ થાય છે. ઘરનું વાતાવરણ અને મા-બાપની આ પાસા પરની સચેત નજર બાળકના વિકાસમાં મહત્ત્વનો પ્રભાવ પાડે છે.

ભૂતકાળમાં કુટુંબમાં પડાતાં અને જળવાતાં પરંપરા અને મૂલ્યો સાથેની કુલધર્મની એક સંગ્રહિત સંકલ્પના હતી. એનાથી ઘરમાં પવિત્રતાનું અને કડકશિસ્ત તેમજ નિયમચુસ્તતાનું વાતાવરણ એની મેળે ઉદ્‌ભવતું. એ જ સંકલ્પના કુટુંબના પ્રત્યેક સભ્યને તનમનની સુ-આરોગ્ય, સ્વાભિમાન અને આત્મશ્રદ્ધા અર્પતી. એ સંકલ્પના દરેક વ્યક્તિને પોતાની વૈયક્તિક અને સામાજિક વર્તણૂક માટે માર્ગદર્શન આપતી અને તેને શિસ્તબદ્ધ પણ કરી દેતી. કોઈ પણ કુકર્મ કુટુંબનું અકલ્યાણ સર્જશે એવો વિચાર એક સ્વૈચ્છિક લગામ કે અંકુશ જેવું જ કાર્ય કરતો.

આપણા પ્રાચીન પરંપરાગત કુટુંબજીવનનું બીજું અગત્યનું પાસું એટલે સંયુક્ત કુટુંબપ્રણાલી. આવા સંયુક્ત કુટુંબમાં ઘરમાં મા-બાપ ઉપરાંત ઘરનાં બીજાં અનેક વરિષ્ઠો બાળકોને સતત સહાય, સલાહસૂચન આપતાં. કુટુંબના વડીલો પણ બાળકોના સામાજિક વિકાસ માટે જવાબદારી લેવામાં હસતાં હસતાં ભાગીદાર બનતા. આમ કુટુંબમાં ઉછરતાં બાળકોને કાકા-કાકી, ફૈબા, દાદા-દાદી, અને વળી ક્યારેક મામા-માસી, નાના-નાનીના હુંફાળા ખોળામાં બેસવાનું અને જીવનશિક્ષણના પાઠ ભણવાનો સુઅવસર સાંપડતો.

સાથે ને સાથે એ બધાંના મુખેથી સંસ્કાર, સંસ્કૃતિ અને મૂલ્યોથી ભરપૂર વાર્તાઓ પણ બાળકોને સાંભળવા મળતી. આજે આપણી પાસે ઘણા મોટા લોકોને સુંદર મજાનાં સુખસુવિધાવાળાં મકાન છે, પરંતુ આપણું દુર્ભાગ્ય એ છે કે આજે આપણા સમાજમાં વિભક્ત કુટુંબો, એકલદોકલ સભ્યોવાળા કુટુંબો કે અતિભગ્ન સંકુચિત કુટુંબોની વૃદ્ધિ થતી જાય છે. અને આવા કુટુંબોમાં દાદા-દાદીને તો સ્થાન નથી જ, અને કાકા-કાકી કે ફૈ-ફૂવા કે મામા-માસી તો વળી એકાદ-બે દિવસના અણગમતા મહેમાન રૂપે રહી શકે! એનું પરિણામ એ આવે છે કે આવાં ઘરનાં બાળકો એમનાં પૂર્વજોનાં જ્ઞાન, શાણપણ, સંસ્કાર કે મૂલ્યોથી વંચિત રહે છે.

પૈસા રળવાની હાયહોયમાં કુટુંબ માટે સમય મળતો નથી.

પશ્ચિમની જીવનશૈલીના ચીલે ચાલવા જતાં આપણો સમાજ પૈસા રળીને એને ખર્ચી નાખવાના અને વળી કમાવાની દોડની ચરમસીમાએ પહોંચી ગયો છે. આવી જીવનપ્રણાલીથી મોટી હાની થાય છે. માતા અને પિતા બંનેને પૈસા રળવાની હાયહોયમાં મથ્યા રહેવું પડે છે. ગુણવત્તાભર્યા કુટુંબને જાળવવાનો, એનું સંપોષણ કરવાનો તેમજ પોતાના ઘરમાં ઉછરતાં બાળકોને સુયોગ્ય તાલીમ આપવાનો એમને નહિવત્‌ સમય મળે છે.

આવાં નાનાં સંતાનોને બાળઘર-ઘોડિયાઘરમાં મા-બાપની સાચી હૂંફ વિનાના વાતાવરણમાં મૂકવા પડે છે. તરુણ-તરુણીઓને ટીવી જેવાં દૃશ્યશ્રાવ્ય સાધનો અને કચરા જેવાં પુસ્તકોના સહારે ઘરે એકલાં રેઢાં જ છોડી દેવાં પડે છે.

(ક્રમશ:)

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.