ચારિત્ર્ય ઘડતરના બે પ્રભાવક સાધન એટલે હાલરડાં અને વાર્તાકથન : બાળકના જન્મ પછી માતા હાલરડાં દ્વારા પ્રત્યક્ષ અને મોટો પ્રભાવ પાડી શકે છે. દુ:ખની વાત તો એ છે કે આજના આધુનિક સમાજમાં આ હાલરડાઓ મરી ગયાં છે. મનમોહક વાર્તાઓ અને હાલરડાઓથી પોતાના બાળકને કેળવવાની ‘ગુરુમાતા’ની એક વાત માર્કંડેય પુરાણમાં કહેવામાં આવી છે. આ વાત છે મહારાણી મદાલસાએ પોતાના ચાર પુત્રોનાં જીવન પર પડેલા મહાપ્રભાવની. ‘તમે નિરંજન છો, પવિત્ર અને નિર્મળ છો… પંચભૂતોનો બનેલો આ દેહ પણ તારો નથી. તો પછી શાને માટે તું કલ્પાંત કરે છે? ભાઈ તું રડતો નથી પણ મનની કલ્પનાના કેટલાક રાજકુમારના ગુણોને લીધે જન્મેલ મિથ્યા અહં તને રડાવે છે.’ રાણી મદાલસા એના પ્રથમ બાળકને રડતો સાંભળતી ત્યારે તેને સર્વોત્કૃષ્ટ વેદાંતના સત્યને વાચા આપતું આ હાલરડું ગાઈને શાંત કરતાં. પછીથી યુવાવસ્થામાં પોતાના આ પ્રથમ પુત્રને શાસ્ત્રનાં જ્ઞાનવિદ્યામાં નિપુણ બનાવ્યો. આવા વાતાવરણમાં ઊછરીને આ રાજકુમાર અનાસક્તિભાવે મોટો થયો અને અંતે સંસારનો ત્યાગ કર્યો. બીજા અને ત્રીજા પુત્રો પર પણ મહારાણી મદાલસાનો આવો જ આધ્યાત્મિક પ્રભાવ પડ્યો અને મદાલસાના પોતાના પ્રથમ પુત્રની જેમ આ બંનેએ પણ સંસારનો ત્યાગ કર્યો. પછી પોતાના રાજ્યનો ઉમદા વારસદાર શાસક આપવા માટે મહારાણી મદાલસાએ પોતાના ચોથા પુત્ર અલાર્કને પોતાનાં હાલરડાઓ દ્વારા આદર્શ રાજાની ફરજો અને નિષ્ઠાપૂર્વકનાં કાર્યો, વીરતા ભરેલાં પરાક્રમોની વાતો કરી. સતી મદાલસા એમને પોતાનાં હાલરડામાં કહેતી: ‘તું તો તન-મનથી પ્રબળ શક્તિવાન અને દૃઢ છે, તું લોકોનાં સેવાકલ્યાણ અર્થે પોતાનું જીવન સમર્પી દેવા જન્મ્યો છે.’ જીવન શિક્ષણના ઉચ્ચતર બોધપાઠો માતાના મુખેથી પામીને આ ચોથો પુત્ર આદર્શ કર્મયોગી અને સત્યનિષ્ઠ રાજા બન્યો.

જ્યારે બાળક ઘરમાં ઉછેર પામતું હોય અને ઘરમાં આમતેમ હરતું ફરતું બની જાય ત્યારે માતાએ આવાં સ્તોત્રો કે હાલરડાં જેવાં કથાગીતો તેમજ પ્રેમશૌર્યભર્યાં ગીતો દરરોજ પ્રભાતના પહોરે સંભળાવવાં જોઈએ.

જેવું બાળક બોલતું થાય કે એમના ચારિત્ર્ય ઘડતરનું વાર્તાકથન એ મુખ્ય સાધન બની રહે છે. સ્વામી વિવેકાનંદનાં માતા ભુવનેશ્વરી દેવી આવું બધું ઘણું પ્રભાવક રીતે કરતાં રહેતાં. રામાયણ, મહાભારત અને બીજા ઉત્તમ ગ્રંથોની વાતો તેઓ નાના નરેનને સંભળાવતાં. આ બધાને લીધે યુવાન નરેન્દ્રનાથ પોતાના દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જાણી શક્યા. તેઓ નરેનને નૈતિક બોધપાઠો પણ શીખવતાં રહેતાં: ‘તારા સમગ્ર જીવનમાં નિર્મળ, પવિત્ર રહેજે. તું તારા આત્મગૌરવનું રક્ષણ કરજે અને બીજાનું આત્મગૌરવ ક્યારેય ન હણાય તે પણ જોજે. અત્યંત શાંત અને સ્વસ્થ રહેજે પણ જ્યારે જરૂર જણાય ત્યારે તારા હૃદયને વજ્ર જેવું કઠોર પણ બનાવી દેજે.’

‘મારા જ્ઞાનના પ્રસ્ફૂટન માટે હું મારી માતાનો ઋણી છું’, સ્વામીજીએ ગર્વપૂર્વક માતાના આ પ્રભાવની વાત કહી છે. એમાં કોઈ આશ્ચર્ય નથી. બાળકના ચારિત્ર્ય ઘડતર કરનારાં – હાલરડાં અને જીવનના બોધપાઠ આપતી વાર્તાઓ – આ બે મહાન પ્રભાવક સાધનોને તો સર્વ પ્રથમ માતપિતાએ પોતે જ શીખી લેવાં આવશ્યક છે, એમ કહેવાની જરૂર નથી.

તમારું આદર્શ વલણ બાળકના ઉન્નત ઉછેર માટે આવશ્યક છે

બાળક તો પોતાની મેળે જ શીખતું રહે છે : તમારું બાળક પોતાનાંમાં સુષુપ્ત કર્મો લઈને જન્મ્યું છે અને એ કર્મો બાળકના વિકાસનો પથ નક્કી કરે છે, એ વાત દરેક માબાપે પોતાના મનમાં રાખવી જોઈએ. માતપિતા તરીકે તમે તો તેની સમક્ષ એક આદર્શ અનુસરણીય વ્યક્તિત્વને રજૂ કરી શકો. સાથે ને સાથે બાળકના નૈતિક વિકાસ માટે સુયોગ્ય બાહ્ય વાતાવરણ ઊભું કરી શકો.

એક પવિત્ર જવાબદારી : તમારું બાળક તમને ઈશ્વરે આપેલ અમૂલ્ય ભેટ છે અને એનો ઉછેર કરવો એ તમારી પવિત્ર જવાબદારી છે. એટલે જ એ બાળક પર કોઈ પણ જાતની માલિકી હક્ક સાથેની ફરજ પાડવી અને વળતામાં કોઈ બદલાની અપેક્ષા લાદવી એ બુદ્ધિસંગત નથી.

મોટી અપેક્ષાઓ અને અવિરત કઠિન પુરુષાર્થ : તમારા બાળકનું ચારિત્ર્ય ઘડતર કરવાનું કામ કોઈ એક સમયગાળાની બાબત નથી. એ સુદીર્ઘકાળનું આયોજન છે અને અવારનવાર એને નિષ્ફળતાઓ આભડી પણ જાય છે. સ્વામીજી કહે છે : ‘આ વિશ્વમાં સતનો પથ સૌથી વધારે ખરબચડો અને વિષમ ચડ-ઊતરવાળો છે. એટલે ચારિત્ર્ય તો આવી હજારો ઠોકરોથી ઘડવાનું હોય છે.’ સતનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામજો. એટલે જ ચારિત્ર્ય ઘડતર અનંત ધૈર્ય અને અદમ્ય ખંત માગી લે છે. તમારું બાળક તરુણાવસ્થામાં આવતું હોય; કિશોરાવસ્થામાંથી તરુણાવસ્થામાં પ્રવેશતી વખતે એને અત્યંત મૂંઝવણભરેલ પરિવર્તનોની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આ પરિવર્તનો એને સતત મૂંઝવતા રહે છે. આ સમયગાળો પરાવલંબનમાંથી સ્વાવલંબન તરફ અને અત્યંત લાગણીપૂર્વકના સ્વાભિમાન તરફ દોરી જતો હોય છે. એ વખતે સહાનુભૂતિ પૂર્વકની સમજણ તમારી પાસેથી એ બાળક માગી લે છે.

તમારાં પોતાનાં સ્વપ્નની દુનિયામાં બાળકોને કેદ કરી દેવા એ નાદુરસ્ત કાર્ય છે : તમારાં પોતાનાં આકાંક્ષાઓ, પસંદગીઓ તમારા બાળક પર લાદવાનો પ્રયત્ન કરો તો એ એના માટે ઘણું માનસિક દબાણ ઊભું કરે છે. એમાંય વિશેષ કરીને એમની કારકીર્દિની પસંદગીની બાબતમાં તમારી ઇચ્છા તેના પર લાદવાનો પ્રયત્ન ન કરશો. વાસ્તવિક રીતે તો તમારે તમારા બાળકની ભીતરની અંતરની ઇચ્છા શું છે, એ શોધી કાઢવી જોઈએ અને એનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાથે ને સાથે તમારા બાળક પર તમારા વિચારો અને મતાભિપ્રાયો ઠાંસી ઠાંસીને ભરી દેવાનો પ્રયત્ન કરશો તો તે તેના મૂળ વ્યક્તિત્વના ગળે ટૂંપો દઈ દેશે.

ચારિત્ર્યઘડતર માટેનો તમારો સાચો અભિગમ

તમે તમારા બાળકમાં જે મૂલ્ય સ્થાપવા માગતા હો તેનું પહેલાં નિર્ધારણ કરો : તમારા બાળકના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે કેવાં કેવાં મૂલ્યોની આવશ્યકતા છે એનો સ્પષ્ટ વિચાર તમારા મનમાં ન હોય તો એ મૂલ્યોનો અભ્યાસ લોલંલોલ અને બિનઅસરકારક બની જાય છે. આને લીધે તમારું સંતાન મૂંઝાઈ જશે અને હતાશ-નિરાશ પણ થઈ જશે. એટલે જ પાયાના સિદ્ધાંતોને પસંદ કરો અને એના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. આરોગ્ય, કેળવણી અને નૈતિકતા – આ સૌથી અગત્યના મોટા પ્રશ્નો છે. આ ત્રણેય બાબતો પર સતત જાગ્રત અને સચેત રહો. બાકીની નાની નાની બાબતોમાં તમારું વલણ થોડું નમ્ય રહેવું જોઈએ.

મૂલ્યોના આચરણ દ્વારા એનું સંપ્રસારણ : તમે જે મૂલ્યને માતપિતા કે શિક્ષક રૂપે જીવી બતાવો અને તેને શા માટે મહત્ત્વનું માનો છો, તે બાળક સમજે એ સૌથી વધારે અગત્યનું છે. સમાજ, રાજ્ય કે રાષ્ટ્રની કેટલીક મહત્ત્વની સમસ્યાઓ જેવી કે, વાતાવરણનું પ્રદૂષણ, છેતરપીંડી, કાયદાનું ઉલ્લંઘન, લાંચ રુશ્વત અને કરિયાવર – પ્રત્યે ચોક્કસ દૃષ્ટિ અને મતાભિપ્રાય રાખો. પરિણામે તમારું બાળક એની મેળે જ તમે જે મૂલ્યોને પાળવા ઇચ્છો છો તેને ઓળખશે. તમારો આવો સદાગ્રહવાળા અભિપ્રાયને જ તમારું બાળક સૌથી વધારે સારી રીતે મૂલવશે.

પતિ કે પત્ની રૂપે મૂલ્ય વિશે સર્વ સામાન્ય અભિપ્રાય રાખવો : તમારા સંતાનના ચારિત્ર્ય વિકાસ માટે પતિ કે પત્ની રૂપે તમારે વ્યક્તિગત અને પારસ્પરિક કેવી ભૂમિકા ભજવવાની છે એ વિશે સર્વપ્રથમ તમારા મનમાં સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ અને એ ઘણું અગત્યનું છે. એટલે જ તમે પત્ની કે પતિ પ્રત્યે અવારનવાર વિચારોની આપલે કરતા રહો અને બાળક માટે ખોટું શું અને સાચું શું એ વિશે મતભેદ ભરેલી પરિસ્થિતિઓથી તમારે બચવું જોઈએ. ધારો કે કોઈ પણ બાબતમાં તમારા બંનેની વચ્ચે મતભેદો ઊભા થાય તો તમારાં પુત્ર કે પુત્રીની સન્મુખ લડવું-ઝઘડવું નહિ. તમારા મતભેદોની ખાનગીમાં ચર્ચા કરી લેવી અને પછી સહમતી પર આવી જવું. નહિતર તો તમારું બાળક પણ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવી લેશે.

દૈનંદિન પરિસ્થિતિઓમાં મૂલ્ય વિશેની ચર્ચાને આવકારો : દૂરદર્શનની અમુક સિરિયલો જોવી કે ન જોવી, અમુક ચલચિત્રો જોવાં કે ન જોવાં, સમાચારના અમુક અહેવાલો વાંચવા કે ન વાંચવા, શાળામાં કે ઘરે બનતી ઘટનાઓ વિશે મૂલ્ય લક્ષી ચર્ચાને મહત્ત્વ આપવાથી એક સ્વાભાવિક વાતાવરણ ઊભું થાય છે.

નિયમિત રીતે તમારા સંતાનના શિક્ષકના સંપર્કમાં રહો : તમારા બાળકના ચારિત્ર્ય અને વ્યક્તિત્વ પર શિક્ષકનો ઘણો મોટો પ્રભાવ પડે છે. એટલે જ તમારે શાળામાં નિયમિત રીતે જવું જોઈએ, વર્ગશિક્ષક કે વિષયશિક્ષકને મળવું જોઈએ અને તમારા બાળકની સાર્વત્રિક ઉન્નતિ માટેની માહિતી મેળવવી જોઈએ. માતપિતા અને શિક્ષકોની સભામાં હંમેશાં ભાગ લેતા રહો. આવી રીતના તમારા શાળા પ્રત્યેના રસરુચિ તમારા બાળકની કેળવણી પ્રાપ્ત કરવાની પૂર્ણ નિષ્ઠાને વધુ પ્રબળ બનાવશે. સાથે ને સાથે એટલું ધ્યાનમાં રાખજો કે તમારે તમારા સંતાનની સમક્ષ ક્યારેય શિક્ષકની કાર્યનિષ્ઠાની ટીકાનિંદા ન કરવી. આવું કરવાથી તમારું સંતાન શિક્ષક પ્રત્યેનાં માનઆદર ગુમાવશે. ક્યારેક એવુંય બનશે કે બાળક પોતાની વિદ્યાકીય નબળી પ્રગતિને માટે એ શિક્ષકનું બહાનું પણ બતાવી શકે.

તમારી અમૂલ્ય સંપત્તિ સમા સંતાનો સાથે તમારા કીમતી સમયનો સદુપયોગ કરો: તમારા દૈનંદિન કાર્યમાં તમારા બાળક સાથે તમારે ભાવાત્મક અને રચનાત્મક રીતે સમયની ભાગીદારી નિભાવવી એ પણ એક સૌથી વધારે મહત્ત્વની અગ્રતા છે. તમે સૌ સાથે ભોજન કરવું, પૂજા-પ્રાર્થના સાથે કરવાં, ઘર-આંગણાની રમત સાથે રમવી, બાળકને કોઈ પાત્રાભિનય આપીને તેના પાત્રના વક્તવ્યને અસરકારક રીતે વાચવું, કુટુંબના ઉત્સવો સાથે ઉજવવા – જેવી પ્રવૃત્તિઓ તમારા બાળક સાથે કેવી રીતે ઉજવવી તે સુનિશ્ચિત કરી લો. પુસ્તકાલય, સંગ્રહાલય, પ્રદર્શન કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમારાં બાળકોને સાથે રાખો. આવી સહ ભાગીદારી વાળી પ્રવૃત્તિઓ તમારાં બાળકના કુટુંબ સાથેનાં બંધનો અને મૂલ્યોને વધુ મજબૂત બનાવશે.

વાતચીત કરવાની તમારી રીતભાત એ તમારી કથની જેટલી જ મહત્ત્વની છે : સાર્થક સલાહ પણ જો સુયોગ્ય રીતે આપવામાં ન આવી હોય તો તેનો વિરોધ થાય છે. તમે તમારા બાળકને ભાંડતા હો એ રીતે સલાહસૂચન ન આપો. એટલું જ નહિ સલાહસૂચન આપતી વખતે તમારાં ચહેરા કે શરીર પર કોઈ ઉશ્કેરાટ દેખાવો ન જોઈએ. આનાથી તો માત્ર રોષ, મનદુ:ખ કે હતાશા જ જન્મે. એટલે કે પૂર્ણ શાંતિ અને સ્વસ્થતા સાથે કડવામાં કડવી સલાહ પણ મીઠા ઔષધ જેવી બની જાય છે. તદુપરાંત તમારે તમારા બાળકને ક્યારેય કડક ઠપકો આપવો ન જોઈએ કે એને મારવું પણ ન જોઈએ. આવી હિંસક કે અત્યંત આક્રોશભરી રીતે તમે તમારા બાળકને સુધારવાનો પ્રયત્ન કરશો તો તે પણ બીજા સાથે આવું જ વર્તન દાખવશે. વધારામાં આવા ખોટાં વર્તનો સાથે વિકસીને એ બાળક જ્યારે તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે એ તમારા માટે તો સમસ્યા રૂપ બની જશે પણ એના પોતાના માટે પણ એક મોટી મુસીબત ઊભી કરશે.

તમારા બાળકની નિર્બળતાને જ કેન્દ્રિત ન કરવી : માતપિતા, ભાઈ-બહેનો અને મિત્રો એના પ્રત્યે કેવું વર્તન રાખે છે અને તેઓ એને કઈ દૃષ્ટિએ જુએ છે તેનાથી બાળકની અસ્મિતાનું ઘડતર થાય છે. જો એની અવગણના થતી રહે, એની ટીકાનિંદા થતી રહે અને એના પર નકામાનું લેબલ લાગી જાય તો બાળક પોતાની જાતને સાવ ક્ષુદ્ર માની બેસશે અને ઘણી વિકૃતિઓ એમાં પ્રવેશી જશે. પોતાના વિશેની આવી ધારણાઓને લીધે તેનાં કાર્યો લાગણીઓ અને વર્તન-વલણને સુનિશ્ચિત કરી દે છે. એટલે જ તમારે તમારા બાળકની શક્તિઓ પર જ ભાર દેતાં શીખવું જોઈએ. ભલે તમે તમારા બાળકની કોઈ નબળી બાજુ પણ જાણતા હો પણ એને બહુ પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન ન કરો. એ નિર્બળતાને કેમ સુધારવી એનો પ્રયત્ન કરો. આટલું હંમેશાં ધ્યાનમાં રાખજો કે તમે જ તમારા બાળકના એક માત્ર પ્રેરણાસ્રોત છો.

તમારા સંતાનને પ્રશંસા અને પ્રેરણાથી ભરી દો : જ્યારે જ્યારે તમારું બાળક નિ:સ્વાર્થ ભાવના, કરુણા કે દયા, વિવેક કે સત્યનિષ્ઠા જેવા ઉત્તમ ગુણોનું પ્રદર્શન કરે ત્યારે તમે તેની પ્રશંસા કરજો અને પ્રેરજો. બાળકની સાચી પ્રશંસા કરવી એ એની સિદ્ધિ માટે ઉત્તમ પ્રેરકબળ કે પોષકતત્ત્વ બની રહેશે. રામાયણમાં આવતું આ ઉદાહરણ આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. જાબુંવાને મહાવીર હનુમાનની અંત:શક્તિ અને આત્મશ્રદ્ધાની એટલી પ્રશંસા કરી અને એને એટલા બધા પ્રેર્યા કે તેઓ એક કૂદકે મહાસાગર ઓળંગી ગયા. તમારું બાળક જે કોઈ પણ કાર્ય હાથમાં લે તેને પૂર્ણ કરવાની પોતાની શક્તિમાં આત્મવિશ્વાસ ઊભો કરવા તમારે હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ. આવું પ્રોત્સાહન બળ એને અત્યંત મુશ્કેલ કાર્યને અધવચ્ચેથી જ છોડી દેતા અટકાવશે. સાથે ને સાથે ‘એ મારાથી ન થાય’ એવી નજરે જોવાનું પણ ટાળશે.

Total Views: 218

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.