વિદ્યાર્થીનો પ્રશ્ન : આજે કોઈપણ ક્ષેત્રમાં સફળતા ન મળે તો યુવાનો અને સામાન્ય લોકો પણ આપઘાત કરવા પ્રેરાય છે, આવી પરિસ્થિતિમાંથી આજના યુવાનોને ઉગારવા માટે તેમનામાં આત્મશ્રદ્ધાનો વિકાસ કેવી રીતે કરી શકાય ?
ઉત્તર : વર્તમાન સમયમાં આપઘાતનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. માત્ર નિષ્ફળતાને કારણે ઊભી થતી નિરાશા જ એનું મુખ્ય કારણ નથી. મોબાઈલમાં આવતી ગેઈમ્સથી તરુણોનું માનસ ભ્રમિત થઈ જાય છે. વળી ધાર્યું ન થાય કે નિર્ધારિત પરિણામ મેળવવામાં નિષ્ફળતા; ઓછી મહેનતે કે મહેનત વિના રાતોરાત મહાન સિદ્ધિ મેળવી લેવાની કે સંપત્તિ-સમૃદ્ધિ પામવાની લાલસા; પ્રેમમાં મળતી નિષ્ફળતા; અંધશ્રદ્ધા કે વહેમ; કોઈ કાર્યમાં વિશ્વાસઘાત થાય, આવાં બધાં આત્મહત્યા માટેનાં દેખીતાં કારણો ગણાવી શકાય. એની પાછળ વાંચન, મનન, ચિંતનનો અભાવ; જીવનમૂલ્યોનો હ્રાસ; સત્સંગ ને બદલે કુસંગ; ફાસ્ટફૂડ, વ્યસનો અને વહેમ; પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાનો લોપ, જેવાં સૂક્ષ્મ કારણોને લીધે બધા, ખાસ કરીને યુવાનો જીવનમાં આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આ આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે ઉત્તમ ગ્રંથો, જીવનચરિત્રોનું વાંચન અને સત્સંગ, ધૈર્ય અને સ્થિરતા, નિષ્ફળતામાંથી પણ બોધ મેળવવાનું કૌશલ્ય કેળવીએ તો ઘણું ઉપયોગી બને. અન્ના હજારે લશ્કરમાંથી પાછા ફર્યા પછી હતાશ થઈને આત્મહત્યા કરવા નીકળ્યા હતા. દિલ્હીના સ્ટેશને સ્વામી વિવેકાનંદનું પુસ્તક સ્ટોલમાંથી ખરીદીને વાંચ્યું. આ પુસ્તકે એમને જીવન જીવવાની જડીબુટ્ટી આપી દીધી. તેઓ પાછા ફર્યા અને રચનાત્મક કાર્યોમાં લાગી ગયા. પ્રેરક પુસ્તકો અને સંત કે સત્પુરુષોનું માર્ગદર્શન આત્મવિશ્વાસને વધારે છે; આમ, માનવ મહાન બની શકે છે.
શિક્ષકનો પ્રશ્ન : ભારતને વિશ્વગુરુ બનાવવા શિક્ષક ક્યું અને કેવું પ્રદાન કરી શકે ?
ઉત્તર : સામાન્ય રીતે એક શિક્ષક પોતાના કાર્યકાળ દરમિયાન દશ હજાર જેટલા વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે. આમાંથી થોડાએક છાત્રોને પણ શિક્ષક ઉત્તમ માનવ બનાવી શકે તો તેનાથી રાષ્ટ્રને શ્રેષ્ઠ નેતા મળી શકે. આવા ઉત્તમ ચારિત્ર્યવાન નેતાઓ સ્વામી વિવેકાનંદના ભારતને જગદ્ગુરુ બનાવવાના સ્વપ્નને સાકાર કરી શકે. ચાણક્ય કહે છે કે શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી. તેઓ પોતે પણ એક શિક્ષક હતા. એક શિક્ષકે ધનનંદનનું આખું સામ્રાજ્ય ઉથલાવી નાખ્યું અને પોતાના શિષ્ય ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો. શિક્ષક પાસે શક્તિથી ભરપૂર સામર્થ્ય છે. તેમની પાસે શક્તિસભર શુદ્ધ અને પવિત્ર મનવાળા વિદ્યાર્થીઓની એક ફોજ છે. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક માસ્ટર મહાશય મેટ્રોપોલીટન વિદ્યાલય, કોલકતામાં એક આચાર્ય હતા. શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યોમાંના રાખાલ, બાબુરામ, સુબોધ, પૂર્ણ, તેજચંદ્ર, પલટૂ, ક્ષીરોદ જેવા શિષ્યો માસ્ટર મહાશયની સ્કૂલના વિદ્યાર્થી હતા. આ વિદ્યાર્થીઓમાંથી રાખાલ (સ્વામી બ્રહ્માનંદજી) રામકૃષ્ણ મઠના પ્રથમ અધ્યક્ષ બન્યા. બાબુરામ- સ્વામી પ્રેમાનંદ, સુબોધ- સ્વામી સુબોધાનંદ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ૧૬ સંન્યાસીઓમાંના હતા. એક શિક્ષક વિદ્યાર્થીઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવીને ભારતની આધ્યાત્મિકતાના ધ્વજને સમગ્ર વિશ્વમાં કઈ રીતે લહેરાવી શકે, તેનું આ યુગમાં માસ્ટર મહાશય શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે તેજસ્વી વિદ્યાર્થીઓને શ્રીરામકૃષ્ણ પાસે મોકલ્યા. શ્રીરામકૃષ્ણે તેમની ભીતર રહેલી દિવ્યતાને જાગૃત કરી. એક શિક્ષક જો જ્યોતિર્ધર બને તો સૌ કોઈનું પરમ ક્ષેમકલ્યાણ સાધી શકે.
Your Content Goes Here




