સહનશીલતા
આપણે એક મહાન ઐતિહાસિક વિભૂતિના જીવનની વાત કરીએ. એ વ્યક્તિ ધંધા-વ્યાપારમાં ૨૧ વર્ષની ઉંમરે સાવ નિષ્ફળ નીવડી હતી. ૨૨ વર્ષની ઉંમરે કાયદાકીય સ્પર્ધામાં પણ તેને મોટી હાર મળી. વળી ધંધો-રોજગાર શરૂ કર્યો અને ૨૪ વર્ષની ઉંમરે વળી પાછી નિષ્ફળતા. પોતાનાં ધર્મપત્નીના દુ:ખદ અવસાનના દુ:ખને ૨૬ વર્ષની ઉંમરે તો એ જેમતેમ ગળી ગયા પણ ૨૭ વર્ષની ઉંમરે હતાશા-નિરાશાની ખીણમાં સરી પડ્યા. ૩૪ વર્ષની ઉંમરે એણે સંસ્થાકીય ચૂંટણી કે હરિફાઈમાં પણ હાર મેળવી. ૪૫ વર્ષની ઉંમરે સેનેટની હરિફાઈમાં પણ હાર્યા. ૪૭ વર્ષની ઉંમરે ઉપપ્રમુખપદે ચુંટાવાના સ્વપ્ન પણ રોળાયાં. ૪૯ની ઉંમરે વળી પાછા સેનેટની ચુંટણીમાં હારી ગયા.
પણ આ બંદો હિંમત ન હાર્યો. એણે જીવનના ઝંઝાવાતો સામે ઝઝૂમવાનું ચાલુ રાખ્યું અને ૫૨ વર્ષની ઉંમરે તેઓ અમેરિકાના પ્રમુખપદે વરાયા. આ મહામાનવ હતા અબ્રાહમ લિંકન.
શું એના જીવનને તમે નિષ્ફળતા ગણશો? આમ જોઈએ તો આટલી નિષ્ફળતા પછી કોઈ પણ ચોક્કસ હિંમત હારી જ જાય અને લમણે હાથ દઈને બેસી જ જાય, બીચારો બાપડો બની જાય; પણ આ તો અબ્રાહમ લિંકન. એમને માટે હાર એટલે મનની મક્કમતા કેળવવી અને દૃઢતા સાથે ડગ આગળ માંડવું. એમને માટે આવી નિષ્ફળતાઓ જીવનનો દુ:ખદ અંત ન બની.
સહસાથી માટે સંવેદના અનુભવો
બાળપણના બે ગોઠિયા હતા. તેઓ બંનેએ સાથે શાળામાં અભ્યાસ કર્યો અને કોલેજમાંયે સાથે. લશ્કરમાં પણ બંને સાથે જ જોડાયા. એવામાં યુદ્ધ ફાટી નીકળ્યું અને બંને મિત્રો લશ્કરના એક જ એકમમાંથી લડતા હતા. એક રાત્રે ઓચિંતાનો હુમલો થયો. ગોળીઓની રમઝટ ચારે બાજુ બોલતી હતી. રાત્રીના અંધકારમાં એક અવાજ કાને પડ્યો: ‘હેરી, ભાઈ અહીં આવ અને મને મદદ કર.’ હેરીને તરત જ ખ્યાલ આવી ગયો કે એ અવાજ બીજા કોઈનો નહિ પણ પોતાના બાળપણના ગોઠિયા બીલનો હતો. તેણે ત્યાં જવા માટે પોતાના કેપ્ટનની મંજૂરી માગી. કેપ્ટને કહ્યું: ‘ના, હું તને એમ જવા ન દઉં, આમેય મારી પાસે સૈનિકો ઘણા ઓછા છે. બહાર ઘણું જ જોખમ છે,એક વધારે વ્યક્તિને હું ગુમાવવા માગતો નથી. અને જે રીતે બિલનો અવાજ સંભળાય છે તે રીતે જોઈએ તો એ બચે એમ લાગતું નથી.’ હેરી શાંત રહ્યો. વળી પાછો અવાજ આવ્યો: ‘હેરી, ભાઈ અહીં આવ અને મને મદદ કર.’ હેરી તો એમ ને એમ બેઠો રહ્યો; કારણ કે આ પહેલાં કેપ્ટને ત્યાં જવાની રજા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બીલનો આવો અવાજ ઘડીએવારે આવતો હતો. હવે હેરીથી રહેવાયું નહિ, એટલે એણે કેપ્ટનને કહ્યું: ‘સાહેબ, આ મારો બાળપણનો ગોઠિયો છે. મારે જવું પડશે અને એને મદદ કરવી પડશે.’ ખચકાટ સાથે એને જવા દીધો. અંધારી રાતે ઘસડાતો ઘસડાતો તે બીલ પાસે પહોંચ્યો અને બીલને સૈનિકો માટેની ખાઈમાં ઢસડી લાવ્યો. જોયું તો બીલ તો મૃત્યુ પામ્યો હતો. એટલે કેપ્ટને ગુસ્સે થઈને હેરીને મોટા અવાજે કહ્યું: ‘મેં તને નહોતું કહ્યું કે નહિ બચે? તે મરી ગયો છે. તુંયે મરાયો હોત અને મેં મારો સાથીદાર ગુમાવ્યો હોત. આ એક મારી ભૂલ હતી.’ આ સાંભળીને હેરીએ કહ્યું: ‘સાહેબ, મેં બરાબર જ કામ કર્યું છે. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે બીલ તો હજી જીવતો હતો. એને મુખેથી મેં આ શબ્દો સાંભળ્યા: ‘હેરી, મને ખબર હતી કે તું ચોક્કસ મને મદદ કરવા આવી પહોંચીશ.’
એક મિત્રને, બાળપણના ગોઠિયાને પોતાના એ સંગાથી સાથે કેવો નજીકનો નાતો હોય છે એની આ વાત છે.
Your Content Goes Here




