આ વખતે પણ આબુમાં વાઘનો ઉત્પાત મચ્યો. એક દિવસ સંધ્યા સમયે હું તથા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય સાધુ બેસીને વાતચીત કરતા હતા. એટલામાં જ બહારથી વાઘે એકદમ નજીક આવીને ઘૂર્રાટી મારી. ખાઈની ઉપર આવતાં જ વાઘે અમને જોઈ લીધા. પેલા બાબાજી તો એટલા બધા ગભરાઈ ગયા કે વાત શી કરવી!

વૈષ્ણવસાધુ

તેઓ એક પ્રસિદ્ધ આચાર્ય પંડિત રામાનંદ સંપ્રદાયના હતા. હાલમાં એમણે તે સંપ્રદાયનો ત્યાગ કર્યો છે. રામાનંદ સ્વયં ભગવાં પહેરતા. તેઓ ત્રિદંડી સંન્યાસી હતા. આ વાતને લઈને કેટલાય દિવસ સુધી મારી વૈષ્ણવસાધુ સાથે ચર્ચા થઈ. હવે રામાનંદ સંપ્રદાયમાં ગૃહસ્થ કે ત્યાગી સાધુની ઓળખાણમાં કોઈ ભેદ જોવા મળતો નથી. બધાનો એક જ જાતનો પહેરવેશ છે. એટલે ત્યાગી જો ભગવાં પહેરે તો ઉદાસી સંપ્રદાયની જેમ દશનામીમાં મળી જાય – શંકર સત્તાવલંબીઓ સાથે. બધા ત્યાગીઓનો એક રંગ થઈ જાય અને એમાં આ સંપ્રદાયની ભલાઈ થશે. આ બધી વાત અન્ય આચાર્ય મહંત કે બાવાજીને લખીને ભગવાં પહેરવાં શરૂ કર્યાં. એને કારણે નાસિકના કુંભમેળામાં એને અપમાનિત કર્યા અને ઓર્થોડોક્સ – રૂઢિચુસ્ત લોકોએ એમને મારવાનો પણ પ્રયત્ન કર્યો. ધીમે ધીમે સંપ્રદાયમાં એમની વિરુદ્ધ ભયંકર ષડયંત્ર રચાયું. તે એટલે સુધી કે એમનું ખૂન કરી નાખવાની ધમકી પણ મળવા લાગી. મેં પહેલેથી જ કહ્યું હતું કે ઓર્થોડોક્સ એટલે અત્યંત રૂઢિચુસ્ત લોકો ઘણી આડખીલીઓ નાખશે. એનો સામનો કરવા માટે અને પોતે ભગવાં ન પહેરવાથી બીજાને ભગવાં પહેરાવી શકાય નહિ, એટલે સર્વ પ્રથમ તો પોતે જ એવી હિંમત કરવી પડે. એને લીધે આબુના મહંત મારા પર નારાજ થયા. મારે લીધે તેઓ બગડ્યા છે એવી બધી વાતો કહેવા લાગ્યા. વર્તમાન સમયમાં તેઓ કોઈ સંપ્રદાયમાં નથી. કોઈ મતમાં પણ નથી, પોતાનો પણ કોઈ મત ચલાવવાની ઇચ્છા હોય કે ન હોય એ હું જાણતો નથી. એ અસંભવ નથી લાગતું કારણ કે તેઓ પોતે દર્શન શાસ્ત્રના પંડિત છે અને રામાનંદના ઘણા સંસ્કૃત ગ્રંથ વાંચ્યા હતા. મિથિલા અને બંગાળનું ન્યાયશાસ્ત્ર પણ વાંચ્યું હતું. બંગાળી, પારસી, ગુજરાતી, મરાઠી, તામીલ, અંગ્રેજી એ બધું થોડું-ઘણું જાણતા હતા.

મુંબઈ અને અમદાવાદ (૧૯૩૩)

વર્ષા ઋતુમાં અમે આબુથી ઊતરીને પહેલાં પાલનપુર ગયા અને પછી અમદાવાદ રાજકોટ થઈને બિલખા ગયા. ૧૯૩૩ના ડિસેમ્બરમાં દીવાનજી સાથે વળી પાછા મુંબઈ ગયા. બિહારમાં ભૂકંપના સમાચાર મળ્યા અને મુંબઈ આશ્રમના સ્વામી વિશ્વાનંદજીએ કહ્યું કે સંભવ હોય તો દાન માટે અમદાવાદ જઈ આવવાનો પ્રયત્ન કરજો. ‘હું પોતે આવું કરી શકું એમ નથી પણ કોઈ કાંઈ કરી શકે એ માટે હું કહી જોઈશ’, એમ કહીને હું અમદાવાદ આવ્યો. ત્યાં શારદા મંદિરની નજીક ત્રિવેદીના મકાનમાં ઉતર્યો…

રાજકોટ પાછા ફરીને રામકૃષ્ણ લીલાપ્રસંગના અનુવાદમાં સહાયતા કરી અને વળી પાછો બિલખા ગયો. ૧૯૩૪ના ઉનાળામાં આબુ જતાં પહેલાં ‘લીલાપ્રસંગ’ છપાવવામાં મદદ કરી. પ્રૂફ મેં પોતે જ જોયાં હતાં. પુસ્તકાલયને પણ વળી પાછું સરસ રીતે સજાવ્યું. આબુમાં ‘ચંપાગુફામાં’ જ રહ્યો. પડોશી તરીકે એ જ વૈષ્ણવ સાધુ મળ્યા. આ વખતે એમણે ભગવાં ધારણ કર્યાં હતાં. ચોટલી લગભગ ન હતી. મેં હસતાં હસતાં કહ્યું: ‘શું એને ઉડાડી દઉં?’ એમણે કહ્યું: ‘એ તો પોતાની મેળે જ ઊડી ગઈ છે.’ મેં કહ્યું: ‘હા, આપણી જાણ બહાર થોડું થોડું કરીને ચાલ્યું જાય એ જ સારું છે.’

ક્વેટામાં ભૂકંપ (૧૯૩૪)

મહારાષ્ટ્રના ક્વેટામાં ભૂકંપ આવ્યાના સમાચાર મળ્યા. ભયંકર પરિસ્થિતિ છે. બિહારથી એક અંશ પણ ઓછી નહિ. બિલખાના દીવાને દરબાર મારફતે તાર કર્યો: ‘રાહતકાર્ય કરવા ચાલ્યા જાઓ. જે ખર્ચ થશે એ આપશે. ૨૦-૨૫ હજાર રૂપિયા સુધી.’ સરકાર કોઈ પરવાનગી આપતી નથી. કોંગ્રેસને પણ એ માટે ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. એ.જી.જી. મારફત અનુમતિ મળી શકે એને માટે પણ પ્રયત્ન કર્યો. એમણે જણાવ્યું કે આ બધું કાર્ય કમાન્ડર ઈન ચીફના હાથમાં છે, એમને લખવું જોઈએ. એ વખતે કમાંડિંગ ઓફિસર જનરલ  બીરવૂડ અને એમનાં પત્ની સાથે આબુમાં મારે થોડો પરિચય થયો હતો. એમનાં પત્ની ઘણી વખત પ્રશ્નો લઈને ગુફામાં આવતાં. એમને મેં પત્ર લખ્યો. એનો આવો ઉત્તર મળ્યો – જે કારણે કોઈને અનુમતિ અપાતી નથી તે કારણ તો છે, એમ છતાં પણ મને અનુમતિ મળે તો ઝઘડા થઈ શકે છે. એટલે કમાંડિંગ ઈન ચીફ કોઈને અનુમતિ આપી શકતા નથી. જે સમયે બિલખાથી તાર મળ્યો એ સમયે કેટલાક જૈન સાધુ યોગશાસ્ત્ર વિશે મારી સાથે વાતચીત કરતા હતા. તેઓ સ્વભાવત: અત્યંત જિજ્ઞાસુ અને ચંચળ હતા. તાર જોઈને કહ્યું : ‘શું, શું? શા માટે, શા માટે?’ મેં કહ્યું: ‘ક્વેટામાં ભૂકંપ આવવાને લીધે જાનહાનિ અને માલહાનિ ઘણા મોટા પ્રમાણમાં થઈ છે. એક ભાઈએ તાર મોકલ્યો છે કે તેઓ ખર્ચ આપશે, એટલે મારે સેવાકાર્ય માટે ત્યાં જવાનું છે. આટલો ભીષણ કોપ અને આટલા લોકોની જાનહાનિ!’ આટલું કહેવા છતાં પણ કંઈ કહેવાનું ન મળ્યું એટલે એમણે કહ્યું: ‘અરે! આપ જશો કેવી રીતે?’ મેં કહ્યું: ‘કેમ, રેલ ગાડીમાં. વિમાન મળશે તો એમાં પણ જઈશ.’ આ સાંભળીને તે બધા બોલી ઊઠ્યા: ‘અરે! રેલગાડીમાં ચડશો! એનાથી મહાપાપના ભાગીદાર બનશો. આ બધું કરવામાં અસંખ્ય જીવો મરી જાય છે. અને જ્યારે રેલગાડી ચાલે છે તો કેટલા જીવોની હત્યા થાય છે! જે કોઈ ગાડીમાં ચડે છે તેણે એ પાપના ભાગીદાર થવું પડે છે. આપ સંન્યાસી થઈને એ પાપના ભાગીદાર બનશો!’ એ સાંભળી મેં કહ્યું: ‘આપ બધાની જેમ સૂક્ષ્મ બુદ્ધિ સાથે કામ કરું તો દુનિયામાં બધા પાગલ થઈ જશે. હજારો માઈલ દૂર આવી આપદા લોકો પર આવી પડી છે. પગે ચાલીને એ બધાને શોધી નહિ શકીએ અને બધા મરીને ભૂત થઈ જશે, એટલુંય તમે વિચારતા નથી! આ રૂપે સેવા કરવા માટે રેલગાડીમાં ય ચડવું પડે. એનાથી પાપ નહિ પણ સ્પષ્ટરૂપે પુણ્ય જ થાય.’ આ બધી વાત થોડા આવેશમાં આવી જઈને કહી નાખી. મારું મન એ વખતે ઘણું ઉદ્વિગ્ન હતું અને મારો અંતરાત્મા મને ત્યાં જવા માટે જાણે કે આક્રંદ કરી રહ્યો હતો.

ચોમાસામાં પાલનપુર થઈને રાજકોટ પાછો ફર્યો અને પછી બિલખા ગયો. એ વખતે શિયાળામાં ચિતલ ગયો. એ બિલખા રાજ્યનો એક કસબો છે. દરબાર મુંબઈ ગયા હતા. ત્યાં હું હતો. પૂજ્ય સુધીર મહારાજે (સ્વામી શુદ્ધાનંદજીએ) કાઠિયાવાડ-દ્વારકા દર્શનની ઇચ્છા વ્યક્ત કરતી ચિઠ્ઠી મોકલી. રાજકોટ (આશ્રમ) પચાસ રૂપિયા આપશે અને બાકી જે કંઈ ખર્ચ થશે તે મારે આપવું પડશે. તેઓ જ્યારે આવ્યા ત્યારે હું ચિતલમાં હતો અને માંદો હતો. હજામત કર્યા પછી અર્ધાકલાકમાં જ આખું મોઢું સોજી ગયું અને બળતરા થવા લાગી. નજીકમાં રાજકોટમાં જ હોસ્પિટલ હતી. અને એક બીજી જેતપુરમાં હતી; પણ એ બહુ કામની નહિ. રાજકોટમાં પત્ર લખીને મારો ઈલાજ શરૂ કર્યો. હળદર, લીમડાનાં પાન અને આંબળાં એકસાથે પીસીને એ જ ત્રણ-ચાર વખત લેતો. પથ્ય માટે દૂધ અને રોટલી કે દૂધભાત કે ક્યારેક મીઠા વગરનાં બટેટાં કે શાકભાજી. ચોથે દિવસે રાજકોટના વ્યાયામ મંડળના સેવક ટેક્સી લઈને હાજર થયા. ડોક્ટરે હોસ્પિટલમાં પથારીની વ્યવસ્થા કરી દીધી છે અને માત્ર જવાનું છે. ત્યાં સુધીમાં રોગ થોડોઘણો કાબૂમાં આવી ગયો હતો. સોજો થોડો ઓછો થઈ ગયો હતો અને બળતરાયે થોડી ઓછી થઈ ગઈ હતી. એટલે ડોક્ટરના ચક્કરમાં પડવાની ઇચ્છા ન થઈ અને હું ન ગયો. ગાયનું ઘી લગાડતાં લગાડતાં દરદ મટી ગયું.

જ્યારે સુધીર મહારાજ રાજકોટ પહોંચ્યા ત્યારે હું માંદો હતો. તેઓ આવતાં જ ‘કેમ ન આવ્યા?’ એવી એક પછી એક ચિઠ્ઠી આવવા લાગી. હું જેટલું મારા રોગ વિશે લખતો એટલા જ પરેશાન થઈને તેઓ મને રાજકોટ આવી જવા લખતા. પછીથી ત્યાં જઈને એ વિશેનું કારણ જાણ્યું. તેઓ પૈસાની ઊણપથી ચિંતિત થઈ ગયા હતા. જેટલો ખર્ચ થશે એટલો આપીશ એવું મેં કહી રાખ્યું હતું, પરંતુ વ્યાવહારિક રીતે એવું થઈ ન શક્યું. ત્યાં જઈને જાણવા મળ્યું કે તેઓ દ્વારકા ગયા હતા. જે દિવસે તેઓ પાછા ફર્યા ત્યારે એમને લેવા સ્ટેશને ગયો. જોયું તો તેઓ થર્ડ ક્લાસના ડબ્બામાં ઘણી ગરદીમાં અધમરી અવસ્થામાં ગાડીમાંથી ઉતરતા હતા. હું તો બીજા વર્ગના ડબ્બામાં એમને શોધતો હતો. આ પ્રકારની એમની અવસ્થા માટે સેવક લોકો જ જવાબદાર હતા એ જાણીને અત્યંત દુ:ખ થયું. ઓછામાં ઓછા ખર્ચમાં ચાર-પાંચ જણા મળીને દ્વારકાનાં દર્શને જતાં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અલબત્ત, હવે પછી એમને વધારે કષ્ટ નહિ થાય અને તેઓ પણ મને જોઈને નિશ્ચિંત થઈ ગયા. મારી સાથે આવીને સાત-આઠ દિવસ બિલખામાં રહ્યા. તે વખતે દરબારશ્રી મુંબઈ હતા. પછી જૂનાગઢમાં ગિરનાર, વેરાવળ અને સોમનાથ વગેરે સ્થળે દર્શન કરીને રાજકોટ પાછા ફર્યા.

આબુ થઈને દિલ્હી જઈને કાશી જશે. એમણે કહ્યું: ‘કાશી સુધીનું ભાડું આપો.’ પોતે જ બધો હિસાબ કરીને રૂપિયા માગ્યા. મેં થોડા વધારે રૂપિયા આપવાનો પ્રયત્ન કર્યો. એની આવશ્યકતા નથી અને આ હિસાબ જુઓ બરાબર જ છે. એમ કહીને બધો હિસાબ પણ બતાવ્યો. એમને બધું સમજાવીને કહ્યું: ‘જુઓ મહારાજ, દસવીસ રૂપિયાની કોઈ કારણવશાત્‌ રસ્તામાં જરૂર પડે તો પછી શું કરશો? એટલે થોડા વધારે લઈ જાઓ.’ જો એ રકમ ન વપરાય તો પાછી આપી દેવાની શરતે એ રકમ અંતે મારી પાસેથી લેવા રાજી થયા. એ રકમ પાછી વાળો ત્યારે મને જણાવજો એમ મેં કહ્યું.

કાશી જતાં રસ્તામાં એમને વધુ રૂપિયાની જરૂર પડી હતી. એમણે ત્યાંથી લખ્યું કે કેવળ દસ રૂપિયા બચ્યા છે, હવે એનું શું કરવું? હું એમના એક સાધુના આચરણથી પ્રભાવિત થયો. વળી એમણે લખ્યું કે એ રકમમાંથી અસ્ત્રો ખરીદીએ, કારણ કે એમની એ ધારણા હતી કે વાણંદના અસ્ત્રાથી એમનું અનિષ્ટ થઈ શકે છે. અસ્ત્રો ખરીદ્યો. શતાબ્દી સમયે સ્વામી પરમાનંદજીને એ અસ્ત્રો બતાવીને કહ્યું કે એમણે આપ્યો છે. એમણે એ અસ્ત્રાને રાખવા માટે સુંદરમજાનું બોક્સ બનાવ્યું. આવા ત્યાગી સાધુ વિરલ જ છે. સ્વામીજીના શિષ્ય સંતાનોમાં તેઓ રત્નસમા હતા. એમને પૂછ્યું હતું કે એમને આ પૈસાની તકલીફ ક્યારથી આવી? દત્ત મહાશય આપને માસિક કંઈક રકમ દેતા હતા ને? એમણે જણાવ્યું કે થોડો મતભેદ થતાં એ રકમ બંધ કરી દીધી છે, અને અમેરિકાથી એક જણ ક્યારેક ક્યારેક થોડુંઘણું મોકલ્યા કરતા હતા તે પણ પોતે જ સાધુ થઈ ગયા છે. સમગ્ર મઠ-મિશનના સેક્રેટરી એક ઘણો જૂનો પુરાણો ફાટેલો ધાબળો પાથરે, એ જોઈને મેં કહ્યું: ‘જો તમે આ ધાબળો મને આપી દો તો હું એક નવો લાવી દઉં.’ એમણે કહ્યું: ‘અરે,  એનાથી શું મળશે? એ તો નીચે રહે છે.’ વળી એક નવો ધાબળો લાવી દીધો પણ એ એમણે ફેંકી દીધો. એ ફાટેલો ધાબળો સ્વામીજીના સમયનો હતો.એના પર બેસીને ઘણી સાધના કરી હતી.

૧૯૩૫ના ઉનાળામાં સોમનાથની નજીક અને વેરાવળથી દોઢેક માઈલ દૂર (ભાલકાતીર્થ) ગયો. અહીં શ્રીકૃષ્ણનાં ચરણોમાં શિકારીએ બાણ માર્યું હતું અને જે વૃક્ષ પર પક્ષી બેઠું હતું ત્યાં એક ભીડભંજન નામે શિવનું મંદિર છે. એ મંદિરના ઉપરના ઓરડામાં એક મહિનો રહ્યો. સમુદ્રની સાવ નજીક જ છે. ભરતી આવે અને હવામાં ભેજ વધી જાય તો ઓરડાની બધી ચીજો પણ ભેજવાળી થઈ જતી. બે વાર સોમનાથ ગયો હતો. ભારતના અધ:પતનનું સંભવત: પ્રથમ ચિહ્‌ન જોઈને હું દુ:ખી થતો. શૈવતંત્રનું એ સમયે એ બાજુએ ઘણું પ્રભુત્વ હતું. એને કારણે પુજારી બધા મસ્ત થઈને રહેતા, વિચારશૂન્ય બનીને. જો આવું ન હોત તો શું એ બધા પ્રમાદી પુજારીઓ રાજાને કહેત ખરા કે શિવ પોતે જ ત્રિશુલથી દૈત્યનો સંહાર કરશે. તમારી સહાયતાની આવશ્યકતા નથી. આવી મૂર્ખતા એમના મૃત્યુ માટે જ સર્જાઈ હતી. કોઈ વિશેષ ભક્તની સાધનાથી સંતુષ્ટ થઈને ભગવાન શિવે એમની રક્ષા કરી હતી. પરંતુ જેમને આ પ્રકારની ભક્તિમાં વિશ્વાસ નથી, એવા માટે વિપત્તિકાળે આવા પ્રકારની કલ્પિત આશા કરીને છાનામાના બેઠા રહેવું એ કેવળ મૂર્ખતા કે ગાંડપણ સિવાય બીજું નથી. પાપનો ઘડો ભરાઈ ગયો હતો, પતનનો સમય આવી ચૂક્યો હતો. (સિદ્ધપુરમાં પણ માતૃસ્થાન કે માતૃતીર્થમાં) આવી જ ઘટના ઘટી હતી. મા ચંડી દેવી ખડકથી બકરીને કાપશે. (અર્થાત્‌ બધાને બકરીની જેમ વધેરી નાખશે). પરિણામે જે બચ્યા હતા એ બધા વ્હોરા મુસલમાન બની ગયા. અત્યારે પણ આ વ્હોરાઓમાં દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી અટક જોવા મળે છે. એ લોકો આ બધું ગોપનીય રાખે છે, જાહેરમાં બતાવતા નથી.

એ લોકો થોડા સમય પહેલાંના કાળ સુધી હિંદુ નામ રાખતા. અત્યારે પણ અરધું હિંદુનું અને અરધું મુસલમાનનું નામ રાખે છે. દા.ત. મહંમદઅલી કાનજીભાઈ. રોટી-બેટીનો વહેવાર પોતાની જ્ઞાતિ પુરતો જ હતો એટલે એમને હિંદુઓ સાથે કે મુસલમાનો સાથે ખાવા પીવાનું ન બનતું. તેઓ સ્વતંત્ર હતા. અત્યારે આગાખાનના સંપ્રદાયમાં પડીને મુસ્લિમ નામ રાખવું અને મુસલમાન કહીને પોતાનો પરિચય આપવો એવું શીખી ગયા છે… આના ઉપર જ ભક્તમાલ ગ્રંથ રચાયો છે. દુર્બળને વધુ દુર્બળ બનાવવાને લીધે સ્વામી દયાનંદ સરસ્વતી અત્યંત ક્રોધિત થયા. એ ગ્રંથનો ઉલ્લેખ કરતાં જ તેઓ નારાજ થઈ જતા. એમને આવો ક્રોધ થવો એ સાવ મિથ્યા તો ન હતો.

દીવ (૧૯૩૫)

૧૯૩૫ના શિયાળામાં દીવ જોવા ગયો. ગિરના જંગલમાં થઈને એક નવી રેલ્વે લાઈન શરૂ થવાને લીધે ત્યાં પહોંચવામાં કંઈ કષ્ટ ન થયું. દીવ ખરેખર દીવ જ છે. આવું સ્વચ્છ સુંદર શહેર ક્યાંય જોયું નથી. કાશીની જેમ સાંકડી ગલીઓમાં જઈને જોયું તો પણ બધું સ્વચ્છ સુઘડ. ક્યાંય પાનની પિચકારીનાં નિશાન નહિ. થૂંક કે ગળફા પણ જોવા ન મળે. પેશાબની દુર્ગંધેય નહિ. રસ્તા પર કાગળનો એક ટુકડોય ન મળે. આ બધું જોઈને આનંદિત થયો અને મનમાં વિચાર્યું કે પોર્ચ્યુગિઝોએ આપણા જાતભાઈઓને આટલા સ્વચ્છ સુઘડ રહેવાનું કેવી રીતે શીખવી દીધું? એટલામાં ત્યાંના નવ પ્રતિષ્ઠિત સમાજના મંત્રી સાથે મારે મુલાકાત થઈ. એમણે પોતે જ પોતાનો પરિચય આપ્યો અને મને સમાજમંદિરની શાળામાં સાથે લઈ ગયા. અંદર જતાં જ જોયું કે ધૂળધમાશા અને ચારેતરફ કરોળિયાનાં ઝાળાં. અવ્યવસ્થાની તો સીમા નહિ. આપણા જાતિ ભાઈઓ સર્વત્ર જેમ રહે છે, અહીં પણ બરાબર એવું જ. એટલે આશ્ચર્યચકિત થઈને મારાથી આટલું પૂછ્યા વગર રહી શકાયું નહિ: ‘માફ કરજો મહાશય, આપ લોકોનું આ દીવ નગરીનું બાહ્ય રૂપ જોઈને હું મુગ્ધ બની ગયો હતો. આટલું સ્વચ્છ સુઘડ શહેર મેં જીવનમાં ક્યાંય જોયું નથી. આપના શહેરની સાંકડી ગલીઓ પણ સાવ સ્વચ્છ. પણ મકાનની અંદરની આ દશા દયનીય છે. એનું કારણ શું છે, એ મહેરબાની કરીને કહેશો?’

એમણે થોડા સંકોચ સાથે કહ્યું: ‘તેઓ એકલા છે એટલે થોડી અસ્વચ્છતા અહીં છે. પણ અહીંનો કાયદો ઘણો કઠોર છે. ચર્ચા વગેરે કરીને નિર્ણય થતા નથી. ભારતીયો પ્રત્યે, પછી એ કરોડપતિ હોય કે પછી મજૂર હોય, બધાની પ્રત્યે સમાન નિયમનું પાલન થાય છે. દા.ત. કોઈ પાન ખાઈને પિચકારી મારે તો એને પકડી લેવામાં આવે છે. પહેલાં નાણાકીય દંડ થાય છે અને પછી પકડાય તો સોટીનો માર. અને વળી જો કોઈ મકાનની સામે જ થૂંકી જાય કે પાનની પીચકારી મારી જાય અને એમાં દોષિત ન પકડાય તો મકાન-માલિકને પકડવામાં આવે છે. એટલે મકાનમાલિક તરત જ એ ધોઈને સાફ કરી નાખે છે. કેટલો બધો અત્યાચાર! કાગળનો એક ટુકડો પડ્યો રહેવાથી રૂપિયા ૧૦નો દંડ અને સોટીનો માર; તો પછી જાહેરમાં પેશાબ કરવાની વાત જ ક્યાં રહી! હવે તમને સમજાયું હશે કે રસ્તા અને ગલીઓ આટલા બધા સાફ-સુથરાં કેમ છે. આ મકાનોની અંદર દંડ કે સજા થવાનો ભય નથી એટલે ગંદકી રહે છે.’ મેં કહ્યું: ‘આ કાયદો જો મકાનની અંદર સુધીની જગ્યા માટે રહેત તો પણ હું એને અત્યાચાર ન ગણત. જે કહેવાથી સાફ નથી રહેતા એમને આવી રીતે સજાદંડથી બાધ્ય કરવા સિવાય બીજો ઉપાય પણ કયો છે? જાણે કે ગંદા રહેવું એ ધર્મ બની ગયો છે. મંદિરથી માંડીને મકાન અને રસ્તા સર્વત્ર એક જ અવદશા જોવા મળે છે. આવું કેમ છે, ભાઈ? એમને બતાવવાથી પણ એ શીખતા નથી અને દીકરીઓને કહેવાથી પણ એ સાંભળતી નથી. એટલે એક માત્ર ઉપાય છે, દંડ અને સજા દ્વારા બાધ્ય કરવા. એટલે એમણે જોયું કે યોગ્ય જગ્યાએ વાત નથી થઈ એટલે આ સ્વામીજી તો સમર્થન આપવાને બદલે ઠપકો આપી રહ્યા છે. એટલે એમણે પ્રસંગ બદલ્યો. પાછા ફરતી વખતે ગિરના જંગલમાં તુલસીશ્યામ નામનું એક તીર્થક્ષેત્ર છે. ત્યાં ગરમ પાણીનાં ઝરણાં જોવા ગયો. ત્રણ રાત ત્યાં રહ્યો. સિંહની ડણક સંભળાતી. ક્યારેક ક્યારેક સિંહ પણ જોવા મળે છે. એટલે થોડીક ઉત્સુકતા વધી ગઈ. પરંતુ દુર્ભાગ્યવશ ત્યાં સિંહની ડણક જ સાંભળી શક્યો. પશુરાજ સિંહનાં દર્શન ન થયાં. ચાંદની રાત હતી. હું એ જોવા ઉપર ઓસરીમાં બેઠો રહેતો. ત્યાર પછી વળી પાછો બિલખા આવ્યો.

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.