(ફેબ્રુ. ૦૮ થી આગળ)
ત્રણ રાત ત્યાં વીતાવી અને પછી સમુદ્ર કિનારે આવેલ બાલાચડી ગયો. ગામની પાસે ખૂલી જગ્યા છે. ત્રણ માઈલ દૂર જામસાહેબનો મહેલ અને એક જૂનું વિશ્રામગૃહ છે. રહેવા માટે તેમાં એક ઓરડો મળ્યો. હાથે રાંધવાની વ્યવસ્થા કરવા બધું લઈ ગયો હતો. માત્ર બે-ત્રણ દિવસ કરવું પડ્યું. પછી રાજકોટના પૂર્વ પરિચિત વકીલ વેણીલાલ બક્ષી અહીં હવાફેર કરવા આવ્યા હતા. તેઓ પોતે દરરોજ આવીને ભિક્ષા આપી જતા.
એક દિવસ જામનગરના પ્રસિદ્ધ પંડિત હાથીભાઈ શાસ્ત્રી વેણીલાલને મળવા આવ્યા. તેઓ બંને સગોત્ર નાગર બ્રાહ્મણ હતા. સંજોગવશાત્ હું પણ ત્યાં હાજર હતો. વાત વાતમાં એમણે કહ્યું: ‘જામસાહેબે એમને વિલાયત જવા લખ્યું છે. બધો જ ખર્ચ તેઓ જ ઉપાડી લેશે. ત્યાં લંડન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરાવવા સંસ્કૃતના પંડિતની જરૂર છે. મહિને ૧૫૦૦ રૂપિયા મળશે. એમને માટે જામસાહેબે આ વ્યવસ્થા કરી દીધી હતી. એમણે વિચાર્યું કે સેવક અને રસોઈયાની જગ્યાએ પોતાના મોટા છોકરાને સાથે લઈ જશે. તે એમની સેવા-ચાકરી સાથે વકીલાતનો અભ્યાસ કરશે, બંને કાર્ય સરશે. વેણીલાલભાઈ તો ખૂબ ઉત્સાહી થયા અને એના પક્ષમાં કહેવા લાગ્યા : ‘જવું જોઈએ, અહીં આવીને પ્રાયશ્ચિત કરી લેવાથી બધું પતી જશે.’
શાસ્ત્રીએ પણ પોતાની સ્વીકૃતિ જણાવતાં કહ્યું કે થોડા જ સમયમાં નીકળવાની વ્યવસ્થા થશે. પછી મને પૂછ્યું: ‘સ્વામીજી તમારું શું કહેવાનું છે? વિલાયત જવું યોગ્ય છે કે નહિ?’ વેણીભાઈ વચમાં જ બોલી ઊઠ્યા: ‘અરે, એમને શું પૂછો છો? એ લોકો તો વિલાયત-અમેરિકા બધે જ જાય છે. એમને કોઈ બાધા મુશ્કેલી નથી.’ શાસ્ત્રીજીએ પૂછ્યું: ‘આપ લોકો ત્યાં જાઓ તો ભોજન વગેરેની વ્યવસ્થા કેવી રીતે થાય છે? સાથે રસોઈયા લઈ જાઓ છો કે પોતે જ રાંધી લો છો?’ મેં કહ્યું: ‘ત્યાં રસોઈ કરનારી બ્રાહ્મણ સ્ત્રીઓ ઘણી મળે છે. રંગે તો ગોરી હોય છે પણ કહેવાથી જ અમારા લોકો માટે સ્વચ્છ થઈને ભોજન વગેરે રાંધી આપે છે. (બંને હસવા લાગે છે.) ભાઈ અમારા જેવાને તો જાતિ-જ્ઞાતિ જવાનો કંઈ ભય નથી. એનું કારણ એ છે કે પહેલેથી જ પીંડ સાથે એને બાળીને નિશ્ચિંત થઈ ગયા છીએ. હવે આખી દુનિયા અમારું કુટુંબ છે. મારું કે પારકું એવો કોઈ ભેદ નથી, કેમ શાસ્ત્રીજી?’ શાસ્ત્રીજી હસવા લાગ્યા અને પછી કહ્યું: ‘પણ સ્વામીજી, અમારા જેવા માટે જવામાં ઘણી ઝંઝટ છે અને એ દેશના બ્રાહ્મણ-બ્રાહ્મણીઓથી અમારું કામ ચાલે નહિ. એટલે વિચાર્યું કે મોટા છોકરાને સાથે લઈ જઈશ. તમે શું કહો છો?’
મેં કહ્યું: ‘હા, તમારી યુક્તિ સારી છે. તમારી સેવાની સાથે સાથે એ વિદ્યા અને ધન પણ મેળવશે. આ વ્યવસ્થા ઘણી મજાની છે. ત્યાંના વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવાથી ભારતનું ગૌરવ પણ વધશે. અમે તો એવું ઇચ્છીએ છીએ કે આવા પંડિતો થોડી હિંમત કરીને વૈદિક કાળના ઋષિઓની જેમ દેશદેશાંતર જાય અને ત્યાં વિદ્યાદાન કરીને ભારતનું ગૌરવ વધારે. થોડું શોધવાની મથામણ કરવાથી સમુદ્રપાર જવા માટેનું વિધાન પણ મળી જશે અને એવું વિધાન ન મળે તો એવા વિધિવિધાન રચનારા તમે લોકો જ છો! એવું કરી લેવાથી કામ પતી જશે. સ્મૃતિ તો નવા યુગ માટે નવું વિધાન રચવાની જ. એ તો યુગે યુગે નવી હોય છે. એમાં કંઈ સનાતન જેવું નથી. તમે શું કહો છો?’ તેઓ ગંભીર થઈને થોડા હસ્યા એટલે મેં ફરીથી કહ્યું: ‘તમે વિલાયત જાઓ છો તે ઘણી શુભ વાત છે, આનંદની વાત છે. પણ શાસ્ત્રીજી અહીં બે-એક પ્રસંગ કહેવા માગું છું. મને એવી આશા છે કે એ સત્ય કહેવા માટે મને આપ ક્ષમા કરશો. (શાસ્ત્રીજી ઠીક ઠીક વ્યગ્ર થઈ ગયા) બે-ત્રણ વર્ષ પહેલાં ડૉ. બક્ષી વિલાયત ગયા અને એને લીધે જ્ઞાતિની પંચાયતની સભામાં આપના અધ્યક્ષપણા હેઠળ એમને એ માટે દંડ કરવામાં આવ્યો હતો. હું એવી આશા રાખું છું કે આ વાત તમને યાદ હશે. રાજકોટના ડૉ. બક્ષી ન તો મારા જ્ઞાતિના છે કે ન મારા મિત્ર. પરંતુ એક સામાજિક અત્યાચારને કારણે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે. પહેલાં તો એમને આખા કુટુંબ સાથે જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યા હતા. પછી મેં કહ્યું એટલે એમને એકલા જ જાતિ બહાર મૂક્યા, કારણ કે એમનાં સ્ત્રી અને બાળકો તો નિર્દોષ છે. એ પ્રયત્નને પરિણામે આપે કેવળ એમને જ નાતબહાર મૂક્યા અને એમના કુટુંબના બાકીના બીજા બધાને જ્ઞાતિની પંક્તિમાં લઈ લીધા. એટલા માટે હું આપને ધન્યવાદ આપું છું. પરંતુ એ જ આપ આજે જામસાહેબના નિમંત્રણથી ૧૫૦૦ના માસિક વેતન સાથે અને અધ્યાપક બનવાના લોભલાલચે વિલાયત જવાની તૈયારી કરી રહ્યા છો. અને જે કારણે પેલા બીચારા ગરીબને દંડ્યો એ જ કામ કરવામાં અત્યારે આપને જરાય સંકોચ-શરમ થતાં નથી! એટલે શું જાતિ-જ્ઞાતિ એ ગરીબોને જ હોય છે અને જાય છે! ધનવાન કે પ્રભાવશાળી લોકો માટે શું જ્ઞાતિ નથી હોતી કે નથી જતી?.. તમે માઠું ન લગાડતાં. મેં તો પહેલેથી જ કહ્યું છે કે તમે ત્યાં જાઓ એ વાતથી મને ઘણો આનંદ થાય છે. એને લીધે ભારતનું માનસન્માન વધશે. પણ એક વાત છે, તમે પહેલાં ડૉ. બક્ષીને તમારી નાતમાં લઈ લેજો અને ત્યાર પછી વિલાયત જજો. જો એવું નહિ થાય તો પેલા ડૉ. બક્ષી ભલે કંઈ કહે કે ન કહે, પણ હું તો દેકારો કરવાનો જ. શત્રુતાના ભાવથી નહિ પણ સત્ય અને ન્યાય માટે.’
આમ કહીને હું ત્યાંથી ચાલ્યો ગયો. શાસ્ત્રીજી વિલાયત ન ગયા, એને લીધે જામસાહેબની થોડીક અકૃપા થઈ એટલે પોરબંદર કે ક્યાંક જઈને છાનામાના રહ્યા. વેણીભાઈ મારા ઉપર્યુક્ત આચરણ પર નારાજ થયા પણ પછી બધું સમજીને ચૂપ રહ્યા. એમણે મનમાં વિચાર્યું કે મેં આ બરાબર જ કર્યું છે. બાલાચડીમાં બે મહિના રહીને રાજકોટ થઈને બિલખા ગયો. ત્યાંની વાતો પહેલેથી બતાવી ચૂક્યો છું. એ વર્ષે ડિસેમ્બરમાં બિલખા દરબારની સાથે પહેલીવાર મુંબઈ ગયો. દરબારની સાથે બે-એક દિવસ રહ્યા પછી આશ્રમમાં રોકાયો. પાછા ફરતી વખતે અમદાવાદ આઠ-દસ દિવસ રોકાયો.
માઉન્ટ આબૂમાં નિવાસ
૧૯૩૨-૩૩ના ઉનાળામાં હું આબૂપર્વત પર ગયો. નખ્ખી તળાવની ઉપર ગુફામાં રહેતો હતો…
પાલનપુરના મિત્ર
વર્ષા ઋતુમાં અમદાવાદ થઈને રાજકોટ ગયો અને ત્યાર પછી બિલખા ગયો. ડિસેમ્બરમાં વળી પાછો મુંબઈ ગયો – વિશ્વાનંદ સ્વામીના નિમંત્રણ સાથે દરબારની મંડળીને લઈને ૧૯૩૩માં હું વળી પાછો ઉનાળામાં આબૂ ગયો અને પહેલાંની ગુફામાં ઊતર્યો. આ વખતે પાલનપુરના કેટલાક મિત્રોનો પરિચય થયો. એમાંથી સૌથી પ્રસિદ્ધ ઝવેરી સુરજમલ લલ્લુભાઈ હતા. મુંબઈ, કોલકાતા, મદ્રાસ અને રંગૂનમાં એમની હીરામોતીની દુકાનો હતી. મોતીના વ્યવસાયમાં મુંબઈના ગોદળભાઈ પણ હતા. આ બધા જૈન લોકો હતા. છોટાલાલ હેમુભાઈ પ્રસિદ્ધ ધનવાન વેપારી છે અને એમના બનેવી એટલે સુરજમલભાઈ. આ સુરજમલજીના મકાનમાં પૂજ્ય મહાપુરુષજી (સ્વામી શિવાનંદજી) મુંબઈ આશ્રમની સ્થાપના પછી એકવાર ઊતર્યા હતા.
સુરજમલભાઈ
તેઓ ઘણા ઉદાર અને ધર્મભાવનાવાળા હતા. એમનું જીવન અદ્ભુત હતું. તેઓ ગરીબ વિધવાના એક માત્ર સંતાન હતા અને ૧૪-૧૫ વર્ષની ઉંમરે અર્થોપાર્જન માટે મુંબઈ ગયા હતા. ત્યાં એમને હીરામોતીની એક દુકાનમાં હિસાબ-કીતાબ લખવાના કામ પર નોકરી મળી. મહિને ૧૦ રૂપિયા પગાર અને ખાવાનું મળતું. બે વર્ષ કામ કર્યા પછી એમને હીરામોતીની કસોટી કરવા માટેનું શિક્ષણ આપવામાં આવ્યું. અત્યંત શાંત સ્વભાવ, મૃદુભાષી, વિનયી, સત્યનિષ્ઠ અને ધર્મભાવનાને લીધે તેઓ થોડા જ સમયમાં દુકાનદારના પ્રિય અને વિશ્વાસુ કર્મચારી બની ગયા.
લગભગ ત્રીજે વર્ષે એમના હાથે કોઈ ગ્રાહકની પાસે હીરા વેંચવા મોકલ્યા. હિસાબ-કીતાબ લખતા હતા એટલે એની કીમત કેટલી થાય એ એમને ખ્યાલ હતો. જે મૂલ્ય કહેવામાં આવ્યું હતું તે થોડું વધારે હતું, જૂના ગ્રાહકને એનું મૂલ્ય વધુ લાગ્યું અને એમને પૂછ્યું: ‘છોકરા સાચી વાત કહેજે, આની કેટલી કીમત થાય? એ લોકો તો વધુ પૈસા માગે છે.’ જે સાચું હતું તે એમણે કહી દીધું. એને લીધે ગ્રાહકે ગુસ્સે થઈને ગાળો ભાંડીને એને પાછો મોકલી દીધો અને કહી પણ દીધું : ‘કોઈ પણ દિવસ આ દુકાનદાર સાથે સંપર્ક-સંબંધ નહિ રાખે.’
તેઓ માલ લઈને પાછા આવ્યા અને જે બન્યું હતું તે કહ્યું. ત્યારે દુકાનદારે ક્રોધિત થઈને કહ્યું: ‘ધર્મપુત્ર યુધિષ્ઠિર થઈને ક્યાં આવ્યા છો? શું આ દુકાનનું નિલામ કરાવશો? એની કીંમત કેટલી થાય એ એને શા માટે કહ્યું. સાચું કહીને કાંઈ ધંધો ચાલે ખરો?’ સુરજમલે કહ્યું: ‘શું કરું હું જાણતો હતો એટલે કહી દીધું. ભાઈ સાહેબ, સાચું બોલવાથી ધંધો ન થાય? શું વ્યવસાયમાં સત્યને સ્થાન જ નથી?’ દુકાનદારે કહ્યું: ‘જા તો ખરો, સાચું કહીને હીરા વેંચી આવ તો હું જોઉં અને વેંચી શકો તો એ રૂપિયા તારા, જાઓ.’ બસ સુરજમલજી બહાર નીકળી ગયા. દસ દિવસ અહીંતહીં ફર્યા પછી એક ઘડિયાલવાળાએ એ હીરા ખરીદીને કહ્યું: ‘છોકરા તું આ પથનો માણસ નથી. જે સાચો ભાવ લાગતો હોય એ બતાવવો ન જોઈએ. જે લેશો એ જ કહેશો. જો કોઈ માણસ પૂછે અને જો ખોટું ન કહી શકો તો આટલું કહેજો ભાઈ, હું આના આટલા પૈસા લઈશ.’ થોડીવાર પછી એણે ઉમેર્યું : ‘ક્યારેક ક્યારેક તે નાના નાના હીરા ખરીદી શકે છે.’ એ વાત તેમણે મનમાં રાખી. શ્રીભગવાનની દયાથી આ ઘડિયાલવાળાની મુલાકાતથી એમના હીરાના ધંધાનો પાયો નખાયો. એને મળેલી રકમથી એમણે કમીશન પર હીરા લઈને વેંચવાનો ધંધો શરૂ કર્યો. પેલા ઘડિયાલવાળા મારફત એમને કેટલાક સ્થાયી ગ્રાહક પણ મળી ગયા. વળી એકવાર મુંબઈના કોઈ પારસી ધનિક ઝવેરીની દુકાનમાંથી એક પાર્ટીને ૨૦-૩૦ હજાર રૂપિયાના હીરા ખરીદવા હતા. પેલો ઘડિયાલવાળો એ પાર્ટીથી પરિચિત હતો. એણે સુરજમલની સત્યનિષ્ઠાની વાત કરી. એમની મારફત જ હીરા ખરીદવાનું કહી દીધું. એમણે એટલું કહેવડાવ્યું હતું કે એ સત્યનિષ્ઠની સાથે જ હીરા મોકલે. નાની ઉંમર હતી પણ હતા હોશિયાર. એ વખતે દુકાનદાર પારસી ઝવેરીને થોડો ડર તો લાગ્યો પણ કંઈ ઉપાય ન હતો. પારસી વેપારીએ સુરજમલને કહી દીધું કે આની કિંમત આ છે અને પડતર કિંમત વિશે કંઈ ન કહેવું. સુરજમલ હીરા લઈને પાર્ટી પાસે ગયા. પાર્ટીને હીરા પસંદ આવ્યા પરંતુ હીરા ખરીદતા પહેલાં પાર્ટીએ સુરજમલને જ એ હીરાઓ તપાસી આપવા કહ્યું. હીરા તપાસીને સુરજમલે કહ્યું: ‘ભાઈ આમાં આટલી ખામી છે. એટલે તમે કહો છો એટલી કિંમત હોઈ ન શકે. આ હીરા બીજી કક્ષાના છે.’ વળી સુરજમલે તેમને એમ પણ કહ્યું: ‘આ હીરાઓમાં જે કંઈ ખામી હોય તો હું એને બદલીને બીજા દઈ જઈશ.’ આ સાંભળીને પાર્ટીવાળા તો અવાક્ થઈ ગયા. આટલો બધો સૂક્ષ્મદોષ જોવાની શક્તિ તો કેવળ હીરાના ઉસ્તાદોમાં જ હોય છે. બીજા આવો દોષ જોઈ ન શકે. એમને તો આ હીરા પસંદ પણ આવી ગયા હતા અને એના રૂપિયા પણ આપી દેત. પરંતુ એ તો દેવ જેવા સુરજમલ હતા કે જેમને લોભલાલચ ન હતી. પારસી દુકાનદાર પણ સુરજમલની આ સત્યનિષ્ઠા જોઈને અવાક્ થઈ ગયો. એને પણ એમના પર શ્રદ્ધા આવી ગઈ. એમણે હીરા બદલી આપ્યા. પછીથી એ પાર્ટીને લીધે સુરજમલને બીજા કેટલાય હીરા ખરીદનારા મળ્યા અને બધા સુરજમલને ચાહતા. એમના દ્વારા જ હીરા ખરીદવાનું ઇચ્છતા. પછી ક્રમશ: એ જ દુકાનના તેઓ ભાગીદાર બન્યા અને સારું એવું ધન એકઠું થતાં પોતાની હીરાની દુકાન ખોલી. જીવનના બાકીના દિવસો સુધી એમણે સત્યનિષ્ઠા છોડી નહિ. આમ હોવા છતાં પણ તેઓ હીરાપન્નાના વેપારમાં લાખો રૂપિયા કમાયા. એમના જીવનની બીજી એક ઘટના એમના મૃત્યુ પછી ગોદડભાઈએ વર્ણવી હતી. એ ઘટના પણ મજાની છે.
એકવાર કેટલાક વેપારીઓએ મળીને થોડા હીરામાણેકમોતી બીજા દ્વારા મગાવ્યા. ગોદડભાઈ પણ એમાંના એક હતા. સુરજમલભાઈના નામે જ એમની દુકાન મારફત આ હીરા મગાવ્યા હતા. એમાં સુરજમલનો ભાગ જ વધારે હતો. જ્યારે માલ આવ્યો ત્યારે તેઓ મદ્રાસ કે બીજે કોઈ સ્થળે ગયા હતા. પાછા ફર્યા ત્યારે પાંચ-છ મહિના વીતી ગયા હતા. અહીંના કસ્ટમમાં ત્યાંના ખરીદ મૂલ્ય પર કર લેવામાં આવ્યો. અને એ કરવેરો ત્રણેક હજાર રૂપિયા જેટલો ઓછો હતો. ભાગીદાર એનાથી રાજી થયા. સુરજમલ પાછા ફરીને નામું-ઠામું જોતા હતા ત્યારે એમના ક્લાર્કે આ વાત કહી. ભાગીદારોએ અરસપરસમાં ખર્ચ વેંચી લીધો. એમણે ગંભીરભાવે ભાગીદારોને કહ્યું: ‘આ તે કેવી વાત! આ ભૂલની વાત તમે ઓફિસરોને કેમ ન કહી? સરકારને જે રૂપિયા મળવા જોઈતા હતા એ રૂપિયા સરકારને પાછા આપવા પડે. જાઓ, બધી વાત ઓફિસરને બતાવી દો.’ આ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હાથમાં આવેલું ધન અને એમાં એનો દોષ હતો જ નહિ, સરકારની ભૂલથી જ થયું હતું અને વળી આટલા દિવસ પછી એ બધા પૈસા પાછા આપી દેવા! બધાએ પોતાની વ્યાપારી મનોવૃત્તિ પ્રમાણે એવું કરવા ના પાડી. પરંતુ સુરજમલે કોઈની વાત ન સાંભળી અને કહ્યું કે પૈસા પાછા આપવાના છે એટલે તેઓ પોતે જ જઈને એ બધી રકમ ભરપાઈ કરી દેશે અને ભવિષ્યમાં એમની સાથે કોઈ માલ નહિ મગાવે. સુરજમલની આ વાત સાંભળીને બધા કહેવા લાગ્યા કે એ રકમ સરકારની તિજોરી ભરવામાં સહાયરૂપ થશે અને કેટલીય સમસ્યાઓ ઊભી થઈ શકે. એટલે આ રૂપિયા કોઈ ધર્મકાર્યમાં આપી દેવા એ સારું હોય.
આ વાત સાંભળીને સુરજમલભાઈએ કહ્યું: ‘તમે શું વાત કરો છો? ખોટે રસ્તે મેળવેલું ધન ક્યારેય ધર્મ કે સત્ય કાર્યમાં વાપરી શકાય? અસત્યવસ્તુ ક્યારેય સત્કાર્યમાં લગાડી શકાતી નથી. જો એ કોઈ પણ ધર્મકાર્યમાં આપી દઈએ તો એનાથી એ વસ્તુ લેનારનું અનિષ્ટ થઈ શકે છે. કદાચ એમના જીવનમાં અશુદ્ધિ, અપવિત્રતા ઊભી થાય અને આ તો પાપકાર્ય કહેવાય. આવા કાર્યમાં હું ન પડું.’ આમ કહીને એમણે કહ્યું: ‘તેઓ તો એ રકમ સરકારને પાછી આપશે.’ અંતે બધાએ સહમત થવું પડ્યું અને સુરજમલભાઈ પ્રત્યે એમને બમણી શ્રદ્ધા જન્મી. પછી કમિશ્નર સાહેબ પાસે ગયા. એમને બધી વાત સમજાવી અને નીચેના ઓફિસરને કાંઈ નુકસાન ન થાય એવી વ્યવસ્થા કરીને રૂપિયા તિજોરીમાં જમા કર્યા. કમિશ્નર તો આશ્ચર્યચકિત થઈ ગયા. એક વેપારી, આવો સત્યવાદી હોઈ શકે ખરો?
કમિશ્નરે કહ્યું: ‘સુરજમલભાઈ, તમે સામાન્ય માનવ નથી. જીવનમાં મેં તમારા જેવો બીજો કોઈ નિર્લોભી અને સત્યનિષ્ઠ માણસ નથી જોયો.’ ભાગવતમાં તુલાધાર વૈશ્યની વાત આવે છે. એમનું જીવન એ તુલાધાર કરતાં અંશમાત્ર પણ ઊતરતું ન હતું. તેઓ સર્વધર્મસમાનતાના ભાવથી પ્રભાવિત થયા હતા. તેઓ જૈન હતા છતાં પણ શ્રીઠાકુર, સ્વામીજી અને રામતીર્થ પ્રત્યે અત્યંત શ્રદ્ધા રાખતા હતા. એમણે પાલનપુરમાં એક બગીચો અને મકાન બનાવ્યાં હતાં. અહીં બધા સંપ્રદાયના સાધુ-સંન્યાસીઓ જઈને પોતપોતાના ભાવભક્તિ પ્રમાણે રહી શકતા. આવી વ્યવસ્થા જાળવવાનો એનો દૃઢ સંકલ્પ હતો. પરંતુ એવું થાય એ પહેલાં જ એમનું મૃત્યુ થયું અને એ કાર્ય અધૂરું રહી ગયું. ધન્ય છે સુરજમલભાઈ!
ગોદડભાઈ
ગોદડભાઈ પણ જૈન હતા અને હમણાં જ એમનું અવસાન થયું છે. એમનું જીવન પણ પવિત્ર, શુદ્ધ અને સાત્ત્વિક હતું. એકવાર આબુમાં આ લોકોએ મારી સમક્ષ એક વ્રત લીધું હતું – એક વર્ષ સુધી અસત્ય નહિ બોલે, જેટલીવાર આ વ્રત તૂટે એને લખી રાખશે અને વર્ષના અંતે હું ફરીથી આબુમાં મળું ત્યારે એના પર વિચાર કરવો. હું જે દંડ કરું તે તેઓ માની લેશે. ત્રણ લોકોએ વ્રત લીધું હતું અને માત્ર ગોદડભાઈ જ એ વ્રતનું પાલન કરી શક્યા હતા. એ વર્ષના અંતે જ્યારે આબુમાં મારી મુલાકાત થઈ ત્યારે મને એ વ્રતની વાત યાદ ન હતી. પણ ગોદડભાઈએ જ એ વાતની યાદ અપાવી. બીજા બધા સાવ નિષ્ફળ ગયાનો સ્વીકાર કરીને બોલ્યા કે એમણે એ વ્રત મનથી માનીને લીધું ન હતું. એમણે તો એવું વિચાર્યું હતું કે આ એક વાતની વાત છે.
ગોદડભાઈએ કહ્યું: ‘મેં વ્રત લીધું હતું અને એક વર્ષમાં કેવળ પાંચ વાર લોભ વશ થઈને ખોટું બોલ્યો હતો. એક મોતીના સોદામાં ખોટું કહીને સારો એવો નફો થયો હતો. હવે જે દંડ કે સજા હોય તે હું સ્વીકારવા તૈયાર છું. વળી એ સજા કે દંડ મારી શક્તિમત્તાની બહારનું ન હોય.’ બીજા ઘણા ઉત્સાહિત થઈને અનેક પ્રકારના અભિપ્રાય દેવા લાગ્યા. મેં સમજી વિચારીને દંડ કર્યો – તેઓ પોતાના ગામમાં એક નિશાળ બનાવશે અને ગરીબોને વિદ્યાદાન આપશે. પોતાના ગામમાં આવી કોઈ વ્યવસ્થા ન હતી. તેઓ એ સમયે રાજી થયા અને એક વિશ્વાસુ શિક્ષકની માગણી કરી. ઈશ્વર કૃપાથી ત્યાં એક સેવાભાવી ગુજરાતી યુવક હતો. તે એમનો સુપરિચિત હતો, એમની પોતાની જાતિનો હતો અને પાલનપુર રાજ્યનો જ હતો. એટલે શિક્ષક થવા માટે તે રાજી થયો. આ પછીના બે મહિના પછી જ કામ શરૂ થયું અને એ વિદ્યાલય સાગરાસના ગામમાં અત્યારે પણ સારી રીતે ચાલે છે.
(ક્રમશ:)
Your Content Goes Here




