(સ્વામી અભેદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. રામકૃષ્ણ વેદાંત મઠ, કલકત્તા દ્વારા  પ્રકાશિત પુસ્તક ‘Complete Works of Swami Abhedananda’ માંથી આ લેખનું સંકલન કરાયું છે. તેનો
શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.)

પરિવ્રાજક તરીકેનું મારું જીવન

ચાર દિવસ લગાતાર હું એકાકી વિચરતો રહ્યો. બપોરે ભિક્ષાન્ન રૂપે જે કંઈ મળી જતું તે મારું ભોજન હતું અને સંધ્યાકાળ પૂર્વે ત્યાં હું રોકાઈ જતો અને મોટે ભાગે વૃક્ષ તળે રાત્રી વિતાવતો. એમ કરતાં કરતાં હું કાશી પહોંચ્યો. કાશીમાં ગંગાસ્નાન કર્યું, ત્યાર બાદ અન્નક્ષેત્રમાંથી ભિક્ષાટન કરીને ભોજન કર્યું. આ પૂર્વે મેં કાશીમાં ઘણો સમય વિતાવ્યો હતો. એટલે કાશીથી નીકળીને હું પ્રયાગ જવા ઊપડ્યો. હું એકલો હતો છતાં શ્રીઠાકુરનું સ્મરણ-ચિંતન મને સહાય અને પ્રેરણા પૂરું પાડતું હતું. ધીરે ધીરે હું પ્રયાગ પહોંચ્યો. સ્નાન કર્યા બાદ બાજુના ગામમાંથી માધુકરી માગી લાવ્યો. મને પ્રયાગમાં રોકાવાની ઇચ્છા ન થઈ. પૂર્વવત્‌ મેં યાત્રા ચાલુ રાખી. પ્રયાગથી નીકળીને પહેલાં હું આગ્રા આવ્યો અને ત્યાંથી દિલ્હી. દિલ્હીમાં એક-બે દિવસ રોકાઈને મેં જયપુર, ઉદયપુર, ખેતડી, આબુ, ગિરનાર અને અન્ય સ્થળો જોયાં. આ બધાં સ્થળોએ હું ફરતો હતો ત્યારે મારામાં નરેન્દ્રનાથને મળવાની અદમ્ય આકાંક્ષા જાગી. નર્મદા નદી પાર કરીને હું જુનાગઢ જવા નીકળ્યો. રસ્તામાં હું પોરબંદરમાં શંકર પાંડુરંગનો અતિથિ બન્યો. શ્રીમાન પાંડુરંગના મુખેથી મેં સાંભળ્યું કે સચ્ચિદાનંદ નામના, અંગ્રેજીમાં વિદ્વાન બંગાળી સંન્યાસી થોડા દિવસ પહેલાં પોરબંદરમાં પધાર્યા હતા. એ ‘સચ્ચિદાનંદ’ નામના સંન્યાસીને હું ઓળખી ન શક્યો. પછીથી મને ખ્યાલ આવ્યો હતો કે ‘સચ્ચિદાનંદ’ એવું ઉપનામ ધારણ કરીને ગુજરાત અને કચ્છમાં ભ્રમણ કરનાર નરેન્દ્રનાથ હતા.

શંકર પાંડુરંગના ગૃહે

શંકર પાંડુરંગના મુખેથી અંગ્રેજી જાણનાર બંગાળી સંન્યાસી વિશે સાંભળીને હું અત્યંત બેબાકળો બની ગયો. સંન્યાસીનો દેખાવ, દેહનો વર્ણ અને વર્તન-વ્યવહાર વિશે પૂછપરછ કરતાં કરતાં મને નરેન્દ્રનાથની યાદ આવી હતી.

શંકર પાંડુરંગ સંસ્કૃત ભાષામાં અત્યંત પ્રવીણતા ધરાવતા હતા. તે સમયે તેઓ અથર્વવેદના સંગ્રહ-સંકલનના પ્રકાશન-કાર્ય નિમિત્તે વ્યસ્ત હતા. શાસ્ત્રાર્થ દરમિયાન મારાથી પ્રભાવિત થઈને તેમણે મને પોતાને ત્યાં થોડા વધુ દિવસ રોકાવાની વિનંતી કરી. એમ કરવામાં દૈવવશાત્‌ નરેન્દ્રનાથનો ત્યાં મેળાપ થઈ જાય એવું વિચારીને હું એક-બે દિવસ રોકાવા સંમત થયો. દરરોજ પાંડુરંગ સાથે વિવિધ શાસ્ત્રો અંગે ચર્ચા થતી. મારી બુદ્ધિની સૂક્ષ્મતા અને ચર્ચા-પદ્ધતિ જોઈને પાંડુરંગ રાજી થયા હતા. બે દિવસનું આતિથ્ય સ્વીકાર્યા બાદ ત્રીજા દિવસે તેમને ત્યાં રોકાવા માટે તેમણે વિનંતી કરી. ત્યાં નરેન્દ્રનાથને ન મળી શકાયું, તેનો મને અત્યંત ખેદ હતો. આવા સંજોગોમાં તેમની વિદાય લઈને હું જુનાગઢ જવા નીકળ્યો.

નરેન્દ્રનાથનો મેળાપ

જુનાગઢ પહોંચીને લોકમુખે મને સાંભળવા મળ્યું કે ઉચ્ચ અંગ્રેજી શિક્ષણ ધરાવતા એક બંગાળી સંન્યાસી કેટલાક દિવસથી સ્થાનિક નવાબના અંગત કારભારી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કે જેઓ ગુજરાતી બ્રાહ્મણ છે, તેમને ત્યાં રોકાયા છે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે સંન્યાસીનું નામ સચ્ચિદાનંદ છે. મેં વિચાર્યું કે સચ્ચિદાનંદના પ્રચ્છન્ન નામધારી બીજા કોઈ નહીં પણ નરેન્દ્રનાથ જ હોવા જોઈએ. આનંદથી ઊભરતો, હું પૂછતો પૂછતો મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના નિવાસસ્થાને પહોંચ્યો અને તરત જ જોયું કે મારી ધારણા સાચી હતી. તેમને દીર્ઘકાળ બાદ મળ્યો એટલે મારાં આંસુ ખાળી ન શક્યો. અણધાર્યો મને જોઈને નરેન્દ્રનાથ આનંદવશ ખુશખુશાલ થઈ ગયા. સદ્‌ભાગ્યે, હું ત્યાં પહોંચ્યો ત્યારે નરેન્દ્રનાથ શાસ્ત્રજ્ઞ શ્રી ત્રિપાઠી સાથે અદ્વૈત વેદાંતના કોઈક વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. શ્રી ત્રિપાઠી ઊભા થયા, નમસ્કાર કરીને મારું અભિવાદન કર્યું અને મને આસન ગ્રહણ કરવા વિનમ્રપૂર્ણ નિવેદન કર્યું. હું બેઠો એટલે નરેન્દ્રનાથે મારી સામે જોયું અને શ્રી ત્રિપાઠીને કહ્યું, ‘આ મારા ગુરુભાઈ છે અને અદ્વૈત વેદાંતના નિપુણ જ્ઞાતા છે. હવે તે તમારી સાથે શાસ્ત્રચર્ચા કરશે.’ હું તો ઝંખવાણો પડી ગયો. હું શારીરિક રીતે થાકી ગયેલો હતો. વળી લાંબા સમય બાદ નરેન્દ્રનાથને મળવાને કારણે હું આનંદાતિરેકથી અભિભૂત થઈ ગયો હતો. છતાંય મારા વડીલબંધુ નરેન્દ્રનાથની આજ્ઞાને માન આપવા મેં અદ્વૈત વેદાંતના કેટલાક મુદ્દા અંગે સંસ્કૃતમાં પંડિત સાથે ચર્ચાનો પ્રારંભ કર્યો. શ્રી ત્રિપાઠી પૂર્વપક્ષના સ્વરૂપે મારી સમક્ષ પ્રશ્નો પ્રસ્તુત કરતા અને હું એક પછી એક તેના પ્રત્યુત્તર આપતો જતો. આનંદપૂર્વક નરેન્દ્રનાથ મારા ઉત્તરો ધ્યાન દઈને સાંભળતા. બે હાથ જોડીને નમસ્કાર દ્વારા પંડિતે મારું અભિવાદન કર્યું.

મેં જોયું કે નરેન્દ્રનાથના આનંદનો પાર ન હતો. પોતાના ગુરુભાઈની સફળતા જોઈને ઊપજેલ ગર્વને કારણે નરેન્દ્રનાથનું મુખ ચમકી ઊઠ્યું હતું. વિવેક પ્રગટ કરીને શ્રી ત્રિપાઠીએ મને વિશ્રામ કરવાની વિનંતી કરી અને નરેન્દ્રનાથ સાથે મારા ભોજનનો પ્રબંધ કરવા આદેશ કર્યો. ભોજન કર્યા બાદ હું નરેન્દ્રનાથ સાથે એકલો બેઠો હતો ત્યારે મેં તેમને વરાહનગર મઠનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું અને કહ્યું કે હું કદાપિ વરાહનગર મઠ પાછો જવાનો નથી. વરાહનગર મઠનું વૃત્તાંત સાંભળીને નરેન્દ્રનાથે ઊંડો નિસાસો નાખ્યો અને મારી સામું તાકીને જોશભર્યા સ્વરે કહ્યું, ‘તું શ્રીરામકૃષ્ણનું સંતાન છે. મઠ તારો છે. જો તું મઠમાં પાછો નહીં જાય તો પછી મઠ કોના માટેનો છે?’ મારી આંખો આંસુથી છલકાઈ ઊઠી.

નરેન્દ્રનાથે મને પોતાની સમીપ ખેંચી લીધો અને આશ્વાસન આપ્યું. એ દિવસે તેમના તરફથી સાંપડેલ સ્નેહ અને આશ્વાસનને હું કદાપિ ભૂલીશ નહીં. અંતેે હું આશ્વસ્ત થયો અને મેં તેમને કહ્યું કે હું મઠ પાછો જઈશ. જોયું તો નરેન્દ્રનાથને આ સાંભળીને નિરાંત વળી હતી.

મેં આ પૂર્વે સૂચિત કર્યું છે કે હું નિરંતર પગપાળા જ મુસાફરી કરતો આવ્યો છું. મને ઉઘાડા પગે ચાલતો જોઈને નરેન્દ્રનાથે કહ્યું, ‘આ પ્રદેશમાં તારે આવી રીતે ઉઘાડા પગે મુસાફરી કરવી જોઈએ નહીં. જો આ સલાહની તું અવગણના કરીશ તો તારે પાછળથી સહન કરવું પડશે.’

હું નિશ્ચયપૂર્વક કહું છું કે આ મહાપુરુષના શબ્દો પછીના કાળમાં સાચા પુરવાર થયા હતા. હું જ્યારે કલકત્તામાં આવેલ આલમબજારમાં પાછો આવ્યો ત્યારે પગમાં વાળાના કૃમિના હુમલાને કારણે મારે ખૂબ સહન કરવું પડ્યું હતું.

દ્વારકા ભણી

પંડિત મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીની વિનંતીને માન આપીને નરેન્દ્રનાથની સંગતિમાં હું હર્ષપૂર્વક ત્રણ-ચાર દિવસ રોકાયો. પછી દ્વારકા જવા તૈયાર થયો. અંતેે મેં નરેન્દ્રનાથ પાસેથી વિદાય લીધી. મેં જોયું કે તેમનાં નેત્રો અશ્રુથી છલકાઈ ગયાં હતાં. એટલે મને શ્રીઠાકુર સાથેના કાશીપુરમાંના આનંદભર્યા દિવસોનું સ્મરણ થઈ આવ્યું. હું આંસુ ખાળી શક્યો નહીં. જ્યારે હું નરેન્દ્રનાથ પાસેથી વિદાય લઈ રહ્યો હતો ત્યારે અભિન્ન હૃદયે તેમણે કહ્યું કે તે એક-બે દિવસમાં મુંબઈ જવાના છે. પંડિતે પણ અશ્રુપૂર્ણ નેત્રે મને વિદાય આપી. શ્રીઠાકુરને પ્રણામ કરીને હું દ્વારકા જવા નીકળ્યો.

દ્વારકા પહોંચીને મેં દ્વારકાજી મંદિરનાં દર્શન કર્યાં અને ત્યાં એક રાત્રી-રોકાણ કરીને પ્રભાસતીર્થ ગયો. ત્યાં પણ એક દિવસ ગાળ્યો. ત્યાંથી મેં મુંબઈ જવા નક્કી કર્યું પરંતુ હું જ્યારે અખાત ઓળંગવાનું વિચારી રહ્યો હતો ત્યારે ગુજરાતનો એક વેપારી અનાયાસ મને મળ્યો અને અભિવાદન કર્યા પછી હિન્દીમાં પૂછ્યું, ‘મહાત્માજી, તમે ક્યાં જશો?’ મેં કહ્યું, ‘મુંબઈ.’ તેણે મને આગબોટની ટિકિટ પેટે કેટલાક પૈસા આપ્યા. મેં કહ્યું, ‘વત્સ, હું ધનનો સ્પર્શ કરતો નથી. જો તમે ટિકિટ ખરીદીને આપો તો ખૂબ જ સારું.’ વેપારી હર્ષપૂર્વક સંમત થયો અને ત્રીજા વર્ગની ટિકિટ ખરીદીને મને આપી, સાષ્ટાંગ પ્રણામ કર્યા અને વિદાય લીધી. મને વિચાર આવ્યો કે આ બધું પરમહંસદેવની અનંત કૃપાને કારણે છે.

નરેન્દ્રનાથ સાથે પુન: મિલન

આગબોટ દ્વારા હું મુંબઈ આવ્યો. મુંબઈ-દર્શન બાદ ત્યાંથી હું મહાબળેશ્વર ગયો. મેં સાંભળ્યું કે મહાબળેશ્વરમાં નરોત્તમ મોરારજી ગોકુળદાસ અતિથિપરાયણ સજ્જન છે. પૂછતો પૂછતો હું ગોકુળદાસના નિવાસસ્થાને પહોંચ્યો અને જઈને જોયું તો એક દિવસ પહેલાં જ ત્યાં નરેન્દ્રનાથનું આગમન થયું હતું. શ્રીઠાકુરની કૃપાથી નરેન્દ્રનાથનો પુન: મેળાપ થયો. સ્વામી સચ્ચિદાનંદજી એટલે કે નરેન્દ્રનાથના ગુરુભાઈના નાતે ગોકુળદાસજીએ મારું ભાવભીનું સ્વાગત કર્યું. મને જોઈને નરેન્દ્રનાથે હાસ્યપૂર્વક કહ્યું, ‘ભાઈ, અમસ્તો તું મારા માર્ગ આડે કેમ આવ્યો? આપણે બેઉ શ્રીઠાકુરના નામે પરિવ્રાજક રૂપે નીકળ્યા છીએ. આપણે બેઉ સ્વતંત્રપણે વિચરીએ એ ઇચ્છનીય છે.’ આ સાંભળીને મેં કહ્યું, ‘મારે તમારી પાછળ પાછળ શા માટે આવવું જોઈએ? પરિભ્રમણ કરતો કરતો તમારી જેમ જ હું અહીં આવી ચડ્યો છું. ઠાકુરની કૃપાથી આપણે બેઉ ફરીથી મળ્યા છીએ. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે હું જાણી જોઈને તમારી પાછળ પાછળ આવ્યો નથી.’

નરેન્દ્રનાથે અટ્ટહાસ્યપૂર્વક પ્રતિસાદ આપ્યો. મેં કહ્યું, ‘આ વખતે હું પૂના, વડોદરા, નાસિક, દંડકારણ્ય વગેરે સ્થળે થઈને દક્ષિણ ભારતની યાત્રા કરવા માગું છું. તમે ઉત્તર તરફ આગળ વધો, જેથી આપણા પુન: મિલનનો અવસર આવે જ નહીં.’ પુન: નરેન્દ્રનાથ મોટેથી હસ્યા. ગોકુળદાસજીએ અમારો વાર્તાલાપ સાંભળ્યો પરંતુ સમજી શક્યા ન હતા. તેમણે માત્ર કહ્યું, ‘તમારા જેવા મહાત્માઓને એક સાથે અત્રે મેળવીને હું અત્યંત કૃતાર્થ થયો છું.’

ગોકુળદાસજીની આંતરિક વિનંતીને માન આપીને હું ત્યાં નરેન્દ્રનાથ સાથે ત્રણ દિવસ રોકાયો અને ચોથા દિવસે મેં પૂના જવાનો નિર્ધાર કર્યો. નરેન્દ્રનાથને મેં મારો ઇરાદો જણાવ્યો.

નરેન્દ્રનાથે કહ્યું, ‘આપણે શ્રીઠાકુરનું નામ લઈને બહાર નીકળ્યા છીએ, એટલે નિશ્ચિતપણે તેઓ આપણા ક્ષેમકલ્યાણનું ધ્યાન રાખશે.’ નરેન્દ્રનાથ તથા ગૃહમાલિક ગોકુળદાસજી પાસેથી મેં વિદાય લીધી અને પૂના તરફ પ્રયાણ કર્યું.

Total Views: 6

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.