
(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અભેદાનંદજીની તિથિપૂજા ઉપલક્ષ્યે રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘Swami Abhedananda Reader’માંથી અભેદાનંદજી દ્વારા લિખિત બે પત્રો અહીં પ્રસ્તુત છે. -સં.)
પત્ર: 1
દાર્જિલિંગ,
બલેન વિલા,
4 ઓગસ્ટ, 1923
પ્રિય ગણેશ,
મેં તારો પત્ર મેળવ્યો. તું સંસ્કૃત શીખે છે એ જાણ્યું. બધાએ સંસ્કૃત શીખવું જોઈએ, કારણ કે સંસ્કૃત સાહિત્ય દ્વારા જ આપણે પ્રાચીન આદર્શો, સંસ્કૃિત, જ્ઞાન, અને વિજ્ઞાન વગેરેનો પરિચય મેળવી શકીએ છીએ. તને એ જાણીને આશ્ચર્ય થશે કે એક સમયે હું સંસ્કૃત સહજતાથી વાંચી અને લખી શકતો હતો. અહીં તેં પૂછેલ ચાર પ્રશ્નોના જવાબ આપું છું.
(1) મનુષ્ય પોતાના કર્મ અનુસાર સુખ અને દુ:ખ ભોગવે છે. એના આનંદ અને વિષાદ માટે બીજું કોઈ જવાબદાર નથી.
(2) મનુષ્યે પ્રાપ્ત કરેલ જ્ઞાન ક્યારેય પણ નષ્ટ થતું નથી. મૃત્યુ સમયે એ જે અવસ્થા સુધી પહોંચ્યો હોય, બીજા જન્મમાં મનુષ્ય એ જ અવસ્થાથી શરૂઆત કરે છે. જેવી રીતે તમે ડોક્ટર બન્યા પછી કલકત્તામાં રહો, દિલ્હી જાઓ, કે અમેરિકા જાઓ, તમારા ઔષધીય જ્ઞાનનો નાશ થતો નથી, એવી જ રીતે શરીર નાશ થવાની સાથે તમારા (આધ્યાત્મિક) જ્ઞાનનો વિનાશ થતો નથી. એવી જ રીતે ઈશ્વર કે આત્મન્ વિશે તમે જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાન તમારા મૃત્યુ બાદ તમારા શરીરની સાથે નાશ નહીં પામે.
(3) શ્રીરામકૃષ્ણ (મંત્રદીક્ષાના સમયે) મંત્ર કાનમાં હળવેકથી બોલતા નહીં. તેઓ મંત્ર જીભ ઉપર લખી દેતા. વિશેષ ભક્તોના કિસ્સામાં તેઓ શક્તિસંચાર પણ કરતા. મેં મારી પોતાની નજરે જોયું છે કે કેટલાક ભક્તો મંત્રદીક્ષા મેળવ્યા બાદ સમાધિસ્થ થઈ ગયા હતા.
(4) જેઓ શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરીને એમનાં શ્રીચરણોમાં આશ્રય લે છે એમના કરતાં જેઓ શ્રીરામકૃષ્ણદેવનું નામ સાંભળીને એમનાં શ્રીચરણોમાં આશ્રય લે છે એ ભક્તો વધુ શ્રેષ્ઠ છે. અમે શ્રીરામકૃષ્ણદેવને જોયા હતા, એમના શબ્દો શ્રવણ કર્યા હતા, એમની સાથે રહ્યા હતા, અને અમારામાંના કેટલાકે એમની કસોટી પણ કરી હતી. પણ તું અમારા કરતાં વધુ શ્રદ્ધાવાન અને નસીબદાર છે કારણ કે તેં તારી નશ્વર આંખે શ્રીરામકૃષ્ણદેવને જોયા નથી, માત્ર અમારી પાસે એમના વિશે સાંભળીને એમના બાહુઓમાં શરણ માટે દોડીને ગયો છો.
મારા આશીર્વાદ સ્વીકારજે.
પત્ર: 2
દાર્જિલિંગ
22 જુલાઈ, 1933
પ્રિય કાલીકૃષ્ણ,
લાંબા સમય બાદ તારો અને મણિનો શ્રદ્ધાસભર પત્ર મેળવીને અને એ જાણીને કે તું કુશળ-મંગળ છે, મને આનંદ થયો. તારા પ્રશ્નો વાંચીને પણ મને આનંદ થયો, કારણ કે તારા હૃદયમાં મુમુક્ષુત્વ, અપરિગ્રહ, અને ત્યાગની ભાવના જાગ્રત થઈ છે. આ પ્રકારની માનસિક અવસ્થા આધ્યાત્મિક વિકાસના પથે દોરી જાય છે અને શ્રીગુરુ મહારાજના (શ્રીરામકૃષ્ણદેવના) આશીર્વાદ મેળવવામાં સહાયરૂપ થાય છે.
શ્રીગુરુ મહારાજ કલ્પતરુ છે. તું વ્યાકુળ હૃદયે જે મેળવવા માટે પ્રાર્થના કરીશ એ તેઓ તને અવશ્ય આપશે. તેં મારી પાસે જે વસ્તુઓ મેળવવા માટે માગણી કરી છે એ મેળવવા માટે તું શ્રીગુરુ મહારાજને રોજ પ્રાર્થના કર. તેઓ અવશ્ય તારી ઇચ્છા પૂર્ણ કરશે. જેમ જેમ નિયમિત સાધના અને સત્સંગ દ્વારા એક ભક્તમાં ગીતાના બારમા અધ્યાયમાં ઉલ્લેખિત ભક્તનાં લક્ષણો પ્રસ્ફુટિત થતાં રહે છે તેમ તેમ એનો આત્મા પ્રકાશિત થતો રહે છે. ઉતાવળમાં કશું પ્રાપ્ત થાય નહીં. જપ, ધ્યાન, ત્યાગ, વૈરાગ્ય, પ્રાર્થના, અને આત્મદર્શન માટે મુમુક્ષુત્વ જ સાધનાનાં અંગ છે. રોજ આનો યથાશક્તિ અભ્યાસ કર.
દૈનંદિન જીવનમાં મન વિભિન્ન કર્મોમાં જડિત રહે છે. જવાબદારી એક ખૂબ મોટું બંધન છે. આ બંધન સહજતાથી કાપી શકાતું નથી. સામાજિક વ્યવહારમાં અટવાયેલું મન માયા, વાસના, અને અજ્ઞાનથી માર્ગચ્યુત થઈને ઇન્દ્રિયસુખની પાછળ દોડવા માગે છે. શું આ પ્રકારનું મન ઈશ્વરાભિમુખ થઈ શકે? જીવન જીવવાની વાસના જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી વૈરાગ્ય ઉત્પન્ન થાય નહીં. જો આપણે વિવેકપૂર્વક સુખભોગ કરીએ તો ક્રમે જગત ક્ષણભંગુર છે અને સુખ થોડા સમય પૂરતું જ મર્યાદિત છે એ જ્ઞાનનો ઉદય થશે.
ત્યારે જ ત્યાગ એટલે કે સાંસારિક સુખો પ્રત્યેની વિરક્તિ પ્રગટ થશે. ત્યાર બાદ સામાજિક વિષયોથી વિમુખ બનેલ મન સનાતન-સત્યરૂપી ઈશ્વરપ્રાપ્તિની આરાધનામાં મગ્ન બનશે. ત્યાર બાદ જગતનાં બંધનોનો ત્યાગ કરીને સાધક નિર્વાણના પથ ઉપર આગળ ધપે છે અને સદ્ગુરુના આશીર્વાદપૂર્વક શાંતિ અને આનંદ મેળવે છે.
સ્વામી નીલાંબરના આશ્રમમાં તું ગીતાના વર્ગમાં હાજરી આપે છે, એ જાણી મને ખુશી થઈ. યાદ રાખજે કે સાધુની વાણીનું શ્રવણ કરીને મન પવિત્ર બને છે.
શુભાશીર્વાદ સહ,
તારો, અભેદાનંદ
Your Content Goes Here





