કાઠિયાવાડમાં

લાઠીથી બાબરા થઈને જસદણ ગયો અને ત્યાંથી ઘેલા સોમનાથમંદિરનાં દર્શન કરવા ગયો હતો. લાઠીથી આશરે પાંચેક માઈલ ચાલવાથી એક નાનું ગામ આવે છે. આ ગામ વડોદરા રાજ્યને અધીન છે અને અમરેલી વિભાગમાં આવે છે.સવારના દસ વાગ્યે ત્યાં પહોંચ્યો. ગામની બહાર એક નાના શિવમંદિરમાં હું બેઠો હતો ત્યારે એક બ્રાહ્મણે આવીને મને પૂછ્યું: ‘ક્યાંથી આવો છો?’ ત્યાર પછી ભિક્ષા માટે આમંત્રણ આપીને તે ચાલ્યા ગયા. ૧૨.૩૦ કે ૧ વાગ્યે મને બોલાવ્યો. થાક બહુ લાગ્યો હતો અને રાત ત્યાં જ વિતાવવાનું વિચારીને એને પૂછ્યું: ‘ભાઈ, ઝોળી સાથે લાવું કે મંદિરમાં જ રાખી દઉં?’ તેણે કહ્યું: ‘હા, મંદિરમાં જ રાખી દો. અહીં કંઈ ભય જેવું નથી.’ ઝોળીમાં એક ડાયરી, ગીતા, ઉપનિષદ સંગ્રહ એક કપડું, છરી અને બે-ચાર કામની વસ્તુઓ હતી. એક ગરમ શાલ પણ હતી. બ્રાહ્મણ એને પણ ત્યાં જ રાખવાનું કહેતો હતો, પરંતુ આ બધી જરૂરી વસ્તુ હોવાને લીધે મેં મારી સાથે રાખી. નાનો એવો એક ધાબળો મૂકી રાખ્યો. ઘરે જઈને ખ્યાલ આવ્યો કે એ બ્રાહ્મણ ભાઈ સ્થાનિક શાળાના શિક્ષક હતા. મને ભોજન માટે બેસાડીને તેઓ તરત જ ક્યાંક ચાલ્યા ગયા અને હું ભોજન પછી ત્યાં જ બેઠો રહ્યો. સારા એવા સમય પછી પરસેવાથી તરબતર શરીર સાથે તેઓ પાછા ફર્યા. એ દરમિયાન શાળાના મુખ્ય શિક્ષક પણ આવ્યા અને કહેતા ગયા કે પાછા ફરતી વખતે હું એમની સ્કૂલમાં જઈ આવું અને ત્યાંથી જ મંદિરે જઉં. આ શાળા અંગ્રેજી માધ્યમની હતી. એને જોઈને તથા વાતચીત કર્યા પછી એક મોટા છોકરા સાથે હું મંદિરમાં પાછો ફર્યો.

આવીને જોયું તો મારી ઝોળી અને ધાબળો બધુંય ગાયબ. છોકરા દ્વારા બધું ચોરાઈ ગયું છે, મુખ્ય શિક્ષકને એવા સમાચાર મોકલ્યા. એ વખતે મારા મનમાં તત્કાળ સૂઝી આવ્યું કે પેલા બ્રાહ્મણ શિક્ષકે જ આ કાર્ય કર્યું હોવું જોઈએ. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને મને ત્યાંથી લઈ જઈને સ્કૂલમાં જગ્યા આપી. એક સાધન-સંપન્ન બ્રાહ્મણે તરત જ ખાદીની એક નવી મોટી ચાદર લાવી દીધી અને એક વસ્ત્ર પણ મળી ગયું. વડોદરા રાજ્યના પોલિસના સબ ઇન્સ્પેક્ટર કોઈ કારણવશાત્‌ આ ગામમાં આવ્યા હતા. એમણે લોકોની પૂછપરછ શરૂ કરી પછી મને પૂછ્યું: ‘કોઈના પર સંદેહ-શંકા આવે છે ખરા?’ પરંતુ મને એ કહેવાની ઇચ્છા ન થઈ. જે બ્રાહ્મણ દેવતાએ આટલા પ્રયત્નપૂર્વક ભિક્ષા આપી તે મારી આજુબાજુયે ફરકતો ન હતો, એ મેં જોયું. મારી સામે નજરેય મેળવી શકતો ન હતો. આ કામ એનું જ છે એ સમજવામાં હવે કંઈ બાકી ન હતું. પેલા સબ ઇન્સ્પેક્ટરે કહ્યું કે એવો ઢંઢેરો પીટાવે કે ‘જેણે કોઈએ પણ પુસ્તકો લીધાં છે તે એ પુસ્તકો અહીં આસપાસના કૂવા-તળાવને કાંઠે કે મેદાનમાં મૂકી જાય, એવું કરશે તો એની ઘણી મહેરબાની ગણાશે.’ આ માટે હું ત્રણ દિવસ રહ્યો, દરરોજ સવારે લોકો શોધતા પણ પેલાએ જરાય દયા કર્યા વગર પુસ્તકો પાછાં ન વાળ્યાં.

ચોથે દિવસ હું બાબરા ગયો. બાબરા લગભગ એક ડઝન કાઠી દરબારોની સંપત્તિ હતી. કોઈ એક સમયે બાબરામાં સમૃદ્ધિ હતી પરંતુ અત્યારે દરબારોની માગ ઘણી વધી ગઈ છે અને લોકો ભયને કારણે વધુ કંઈ કરવા ઇચ્છતા નથી. આમ તો અત્યારે બાબરા એજન્સીના શાસન હેઠળ છે એને લીધે લોકો થોડીઘણી બાબતમાં નિશ્ચિંત રહે છે. ભોજન લીધા પછી સાંજે મેં વિચાર્યું કે હું નજીકના ગામમાં રહીશ અને પછીના દિવસે જસદણ માટે રવાના થઈશ. એક વ્યક્તિએ ટૂંકો માર્ગ બતાવી દીધો. પહાડની ઉપરથી જઈને બીજી બાજુ ઊતરીએ એટલે એ ગામ આવી જાય છે. એનાથી બે માઈલનું અંતર બચી જાય. 

કેળીવાળા રસ્તે ઉપર ચડવા લાગ્યો કે રસ્તો પૂરો થતો ન હતો. ડુંગરાની ટોંચે પહોંચતા સાંજ થઈ ગઈ. અંધારિયાની રાત અને રસ્તો દેખાતો ન હતો. નીચેથી એક મંદિર જેવું દેખાતું હતું, કેવળ પથ્થરોનો એક ઢગલો હતો. કોળીઓના ચંડી માતાનું સ્થાનક હતું. એ તરફ કોળીની વસતી વધુ છે. 

હવે કરવું શું? ઝડપથી બાવળ-ખેરના ઝાડની સૂકી ડાળીઓ એકઠી કરી. એ પહાડની આજુબાજુ બીજા કોઈ નાનાં વૃક્ષછોડ ન હતાં. લોકો દેવીને નાળિયેર ચઢાવીને એના છોતરાં ફેંકી ગયા હતા. એના ઉપર લાકડાના ટૂકડાને સજાવીને આગ લગાવી. અને જે તરફથી હવા આવતી હતી એ તરફ આડ કરીને ચાદર વગેરે લપેટીને એક પથ્થર પર બેઠો હતો. ટાઢ તો એટલી કે નદીમાં પાણી જામી ગયું અને ઘણા લોકો ઠીંગરાઈને મરી ગયા હતા. આગ થોડીવાર તો ઝલતી રહી પણ પછી એમાંથી ધૂમાડો જ નીકળવા લાગ્યો. ઝાડીઝાંખરાંના ધૂમાડાથી આંખો બળવા લાગી. અડધી રાતથી પવન ફૂંકાવા લાગ્યો અને હું કાંપવા લાગ્યો. મનમાં એવું થયું કે જાણે હૃદય થંભી જશે અને આ દેહ અહીં જ પડી જશે. પહાડની ટોચે અને દેવીનું સ્થાન! આવી જગ્યાએ મૃત્યુ થાય એ ખરાબ ન કહેવાય. આખી રાત આવી રીતે કાંપતાં કાંપતાં વિતાવી. સૂર્યોદય થતાં થોડી રાહત મળી. ઠંડીને લીધે એક રાતમાં શરીર કાળું ભઠ્ઠ થઈ ગયું. ગમે તેમ કરીને એ પહાડ પરથી ઊતર્યો અને ખેતરમાં પહોંચ્યો. અહીં કૂવામાંથી પાણી બહાર કાઢવાનું શરૂ થયું હતું. ચામડાના કોષથી બળદની મદદથી કૂવામાંથી પાણી ખેંચાતું હતું. કૂવાના ગરમ પાણીથી સ્નાન કર્યા પછી શરીરમાં થોડું ઘણું ચેતન આવ્યું.

ત્યાર પછી ગામમાં ગયો. ચોરા પર પહોંચતાં જ શાળાના એક શિક્ષકે મારું સ્વાગત કર્યું. એ દિવસે ગામના પટેલના ઘરે એક મોટું અને વિશેષ ભોજન હતું. રાતના આટલા ઠંડીના કષ્ટ પછી શુદ્ધ ઘીમાં પકાવેલું ભોજન કરીને શરીરને ઘણો લાભ મળ્યો. પટેલ શ્રીરામકૃષ્ણદેવના સેવક મથુરબાબુ જેવા જ સુંદર અને રાજચિહ્‌નવાળા હતા. એમના ગામની અડધાથી જમીન પર એમનું આધિપત્ય હતું. પૌરાણિક રાજાઓની જેમ જ કેટલીયે ગાયો અને પશુઓ તેમજ પુષ્કળ ધનધાન્યના માલિક હતા. 

આ ટૂંકા રસ્તે મને લાંબા રસ્તાના ચકરાવામાં નાખી દીધો અને ભૂલથી વિપરિત દિશામાં આવી ગયો. મારે ગામે જવાનું હતું ત્યાંથી હું છ-સાત માઈલ દૂર નીકળી ગયો. અહીંથી જસદણ માટે એક શોર્ટકટ રસ્તો છે અને એ પણ જંગલની વચ્ચે થઈને જાય છે. વળી પાછી મનમાં ટૂંકે રસ્તે જવાની ઇચ્છા થઈ. ભાગ્યમાં કઠણાઈ લખી હોય તો છુટકો નથી! મેં જંગલનો રસ્તો લીધો. માત્ર ત્રણ માઈલ ચાલ્યા પછી જંગલમાં એકે નેસડો આવે છે, રાતવાસો ત્યાં કરીને પછીના દિવસે કેવળ દસ-બાર માઈલ ચાલીને જ જસદણ પહોંચી શકાય એવું હતું.

ડાકુ પણ પથપ્રદર્શક બને છે

શિયાળામાં દિવસ જલદી આથમે છે. જોત જોતામાં સંધ્યા થઈ ગઈ. ચાંદની હતી અને ઘોર ભયંકર અરણ્ય. મોટા ભાગે કાંટાળા ખીજડાના ઝાડ હતા. નેસડો તો ક્યાંય દેખાતો ય ન હતો. ક્યાંય માણસ જોવા ન મળે, વસતીયે નહીં અને ગામેય નહીં, કે જેથી કંઈક પૂછી શકાય. ચિંતિત મન સાથે જંગલના રસ્તામાં આગળ વધી રહ્યો હતો. રાતના નવ-દશ વાગ્યા હશે, ચાંદો થોડો થોડો દેખાતો હતો. પ્રત્યેક પળે હિંસક પશુઓના આક્રમણથી પ્રાણ ગુમાવવાની શંકા પણ રહેતી હતી. ધીમે ધીમે ચાલ્યો જતો હતો. 

રાત ઠીક ઠીક થઈ ગઈ હતી. બધું સુમસાન હતું. સર્વત્ર ભયંકર શાંતિ છવાઈ ગઈ હતી. કોઈ આદમી આવે છે એવું લાગ્યું. મેં વિચાર્યું : ‘સારું થયું, ગામનો એક માણસ તો મળ્યો.’ એક છ ફૂટ ઊંચો તગડો આદમી, માથા પર કાઠિયાવાડી ભારે પાઘડી અને હાથમાં બંદૂક સાથે સામેથી આવી રહ્યો છે! ૩૦-૩૫ ફૂટના અંતરથી જ એણે પડકારો કર્યો : ‘કોણ આવે છે?’ મારી ભીતરથી કોઈએ દુષ્ટતાપૂર્વક કહ્યું: ‘તમે કોણ છો?’ એ સાંભળીને એણે તરત જ બંદૂક તાકી અને નજીક આવી ગયો.

જ્યારે એણે જોયું – આ તો ભગવાં વસ્ત્ર છે, હાથમાં એક મામુલી લાકડી છે. કોઈ અસ્ત્રશસ્ત્ર પણ નથી! એ જોઈને એણે બંદૂક નીચે મૂકી દીધી. એ જોઈને એણે પૂછ્યું : ‘બાપુ, અહીં જંગલમાં ક્યાંથી આવ્યા?’ પછી મેં બધી વાત કરીને કહ્યું: ‘આજુબાજુમાં કોઈ ગામ કે કૂવો છે કે જ્યાં રાત વિતાવી શકું, ખૂબ તરસ લાગી છે.’

ડાકુએ જંગલનો રસ્તો બતાવીને કહ્યું: ‘આ રસ્તો પકડીને સીધા ચાલ્યા જશો તો એક માઈલ દૂર કોળી લોકોનું ગામ શાનપુરા છે, ત્યાં નદી પણ છે.’

સંન્યાસીએ કહ્યું : ‘ભાઈ મહેરબાની કરીને મને થોડેક આગળ સુધી પહોંચાડી દોને! મને ઘણો આનંદ થશે. ત્રણ-ચાર માઈલના રસ્તાને બદલે કોણ જાણે કેટલું બધું આ રસ્તે હું ચાલતો રહ્યો છું! એનો કોઈ હિસાબ નથી. ઘણું કષ્ટ થયું છે.’

થોડીવાર સુધી એ ચૂપ રહ્યો અને મનમાં દયા આવી એટલે તે મને સાથે લઈને ચાલવા માંડ્યો. ગામની નજીક એક નાની પહાડી નદી હતી. એમાં ઝરઝર પાણી વહી રહ્યું હતું. ચોતરફ નિ:સ્તબ્ધતા હતી. અડધીરાતનો સમય હતો. તેણે કહ્યું : ‘પેલું ગામ છે, પાણી પીને ગામના ચોરામાં જઈને રહેજો, અહીં બહાર ડર જેવું છે.’

સંન્યાસી : ‘પણ ભાઈ, હું તો અજાણ્યો માણસ અને વળી રાતનો સમય. મારો આ પોશાક જોઈને કૂતરા પણ ફાડી ખાશે, અને કોળીઓનું ગામ છે એટલે કૂતરાં તો હશે જ! એના કૂતરાં વાઘ જેવાં, ફાડી જ ખાયને!

ડાકુએ વળી થોડીવાર વિચાર કર્યો અને પછી કહ્યું: ‘જુઓ ભાઈ, તમે આમ બહાર બહારના રસ્તે ચાલ્યા જાઓ. બાબરા દરબારના મામાજી મહેસૂલ લેવા આવ્યા છે. ખરાવાળમાં છે. એ બધો બંદોબસ્ત કરી દેશે.’

મેં કહ્યું: ‘તમે આટલું કષ્ટ ઊઠાવીને અહીં સુધી પહોંચ્યા છો તો થોડી આટલી કૃપા મારા પર કરી દો. અજાણ્યા, અપચિરિત રસ્તે આટલી રાતે હું ક્યાં જાઉં?’ થોડું હસીને ડાકુએ કહ્યું: ‘ના, હું એ બાજુ ન જઈ શકું. તમે પોતે જ જાઓ. ભલે બાપુ, આવજો, રામ રામ.’ આમ કહીને એ જંગલના રસ્તે ચાલતો થયો. પેલા ડાકુએ કહ્યું હતું એ પ્રમાણે હું ગયો. 

ખરાવાડમાં ચાર-પાંચ જણા બેસીને તાપણે તાપે છે અને વાતો કરે છે… મેં પૂછ્યું: ‘એ ભાઈઓ, મામાજી છે ખરા?’ એ સાંભળીને ચાર-પાંચ અલબસ્તાન લોકો હાથમાં લાકડી, દંડા, સોટા વગેરે લઈને દેકારો કરતાં આવ્યા અને પૂછ્યું: ‘ભાઈ, તમે કોણ છો?’ મેં કહ્યું: ‘આ પોશાક નથી જોતા? પહેલાં કહો કે મામાજી છે કે નહિ?’ એ લોકોએ વિચાર્યું કે મામાજી સાથે આ બાબાજીને કંઈક પરિચય હશે. પછી કહ્યું: ‘તેઓ છે તો ખરા પણ અટાણે સૂતા છે.’ મેં કહ્યું: ‘સારુ, ભાઈ એમનો સૂવા દો, હું રાત અહીં રહેવા માગું છું. સવારે ચાલ્યો જઈશ.’ આ સાંભળીને શું કરવું કે ન કરવું એ વિશે અંદરોઅંદર વાતચીત કરવા લાગ્યા. આટલા મોટા દેકારાને લીધે મામાજીની ઊંઘ ઊડી ગઈ. પછી એ લોકો મને મામાજી પાસે લઈ ગયા. રાજકોટમાં ક્યાંક મને મામાજીએ જોયો હશે. મને જોતાં જ કહ્યું: ‘આપ રાજકોટમાં જ રહો છો ને?’ મેં કહ્યું: ‘અત્યારે તો ત્યાં જ છું, પણ રસ્તો ભૂલીને અહીં આવી ચડ્યો છું. ઘેલા સોમનાથ જવું છે અને જસદણ થઈને જઈશ.’ મામાજીએ પૂછ્યું: ‘આ સ્થળ તમને કોણે બતાવ્યું?’ મેં યશાસંભવ એ રસ્તો બતાવનાર કાઠીભાઈની દેહાકૃતિનું વર્ણન કર્યું. તેઓ બોલી ઊઠ્યા : ‘હેં, શું વાત કરો છો? અહીં આવ્યો હતો એ? અરે બાપુ, એ તો બહારવટિયો મોટો ડાકુ છે. એને પકડવા માટે કેટલાય દિવસથી પ્રયત્ન થાય છે. પરંતુ એ કોઈ રીતે પકડમાં આવતો નથી. હેં બાપુ, તી તમને રસ્તો બતાવવા અહીં આટલે સુધી આવ્યો હતો! કંઈ બોલ્યો ખરો કે નહિ?’ ભયથી મામાજીએ બંને આંખો ચોતરફ ફેરવી એટલે મેં કહ્યું: ‘નદીની પેલે પાર સુધી આવીને એ પાછો ચાલ્યો ગયો. મેં અહીં સુધી આવવા કહ્યું પણ આવ્યો નહિ. પણ એણે કહ્યું – ત્યાં હું નહિ જાઉં.’ મામાજીએ કહ્યું: ‘શું કહો છો બાપુ, આટલો નજીક આવ્યો તો? એ તો સારા ઘોડા જોઈને એને લઈને ચાલતો થઈ જાય છે અને જો જરા આમતેમ થયું તો ગોળી મારી દે છે. એનું નિશાનેય અચૂક! હેં બાપુ, તો એણે તમને કાંઈ ન કીધું?’ મેં કહ્યું: ‘ભાઈ, મને શું કહે! મારી પાસે છે ય શું, તે કંઈ કહે? એણે જોયું કે આ તો સાવ ફકીર સાધુ-બાબા છે. એટલે એક માઈલ જેટલા રસ્તે સાથે ચાલીને આ જગ્યા બતાવીને ચાલતી પકડી. એ રસ્તો ન બતાવત તો મારે જંગલમાં જ રાતભર રહેવું પડત.’

મામાજીએ મને રાતે જ એક માણસ સાથે ગામના ચોરામાં મોકલ્યો. ચોકીદાર કોળી હતો, શરાબના નશામાં ચકચૂર હતો. એણે એક ખાટલો દીધો. ખાટલામાં માંકડનો પાર નથી. એમાંય વળી ચોરાનો લાલ આંખોવાળો ભયંકર કાળો કૂતરોય હતો. એણે હેરાન કરવાનું શરૂ કર્યું. માંડ માંડ જેવી તંદ્રા જેવી ઊંઘ આવે ત્યાં આવીને મારા પગને બટકાં ભરતો. હું એને લાકડીથી ભગાડતો પણ થોડીવાર પછી વળી પાછો મને એ કૂતરાએ એવી જ રીતે જગાડી દીધો. એ કૂતરાએ જેટલી વાર જગાડ્યો ત્યારે મેં જોયું તો ચોકીદાર મારી સામે ડોળાં કાઢીને ઘૂરકિયાં સાથે જોતો હતો. એના હાથમાં કૂહાડો હતો. ભયંકર દૃશ્ય! મને જાગેલો જોઈને એ ચાલ્યો જતો. કેટલીયવાર આવું થયા પછી મને મનમાં શંકા થઈ કે ચોકીદારનો ઈરાદો સારો નથી. ક્યાંક મારીયે બેસે. વળી એણે પેલા પ્રસિદ્ધ બહાર વટિયા સાથે આવ્યો હતો એ પણ સાંભળ્યું હતું. એટલે જ કદાચ એ મારા તરફ શંકાની દૃષ્ટિએ જોતો હોય એવું પણ બની શકે. પછી આખી રાત મને ઊંઘ ન આવી.

સવારે સ્નાન કર્યા પછી થોડો સ્વસ્થ થયો. ચા-દૂધ પીવા માટે મામાજીનો માણસ આવીને મને લઈ ગયો. ચા પીતાં પીતાં પેલા ડાકુ વિશે કેટલીયે વાતો સાંભળવા મળી. હું એવા ભયંકર ડાકુને જોઈને ભયભીત ન થયો, એ સાંભળીને મામાજી તો આશ્ચર્યમાં પડી ગયા! પણ એ ડાકુ મને આટલે દૂર સુધી સ્થાન બતાવીને ચાલ્યો ગયો એ ખરેખર આશ્ચર્યની વાત હતી. ચારે બાજુએ એના શત્રુઓ હતા અને એના જીવતો કે મરેલો મેળવી આપનારને પાંચ હજાર રૂપિયા રોકડાના ઇનામની ઘોષણા સરકારે કરી હતી.

કોળીઓના આ ગામનું નામ ખાનપુર છે. ઘોર જંગલ અને ભયંકર ડુંગરાઓની વચ્ચે આવેલું છે. અહીંના કોળીઓની આજીવિકાનું સાધન ચોરી-ચપાટી છે. એમાંના મોટા ભાગના નાની મોટી ચોરી કરે – કોઈની બકરી, કોઈનું ઘેટું, કોઈની ગાય કે ઘોડું ચોરી જાય અને એને વેંચી નાખે. પૈસા પાસે રહે નહિ, દારૂમાં જ બધા પૈસા ચાલ્યા જાય. બધાય રંગે કાળા, લાંબા, લાલ આંખોવાળા અને દુબળા પાતળા.

સ્વામી નારાયણ સંપ્રદાય

સવારની ભિક્ષા મામાજી પાસે કર્યા પછી સાંજે જસદણના માર્ગે રવાના થયો અને સૂરજ આથમતાં પહેલાં ત્યાં પહોંચ્યો. આ પણ કાઠી રાજ્યનું મુખ્ય નગર છે. નગરના સીમાડે ઘોડેસ્વાર જતો હતો. મને જોતાં જ ‘જય સ્વામી નારાયણ’ કર્યા. મેં એમને પૂછ્યું: ‘આ શહેરની બહાર કોઈ મંદિર કે ધર્મશાળા છે ખરાં?’ એટલે એણે સામું પૂછ્યું: ‘સ્વામી નારાયણ મંદિરમાં નહિ જાઓ? તમે તો સ્વામી નારાયણ છો, સાધુ નથી.’ મેં તરત જ કહ્યું: ‘ના ભાઈ, હું તો સંન્યાસી છું.’ એટલે એ ઘોડો દોડાવીને ચાલ્યો ગયો અને વધારે વાત કંઈ થઈ નહિ.

સહજાનંદે સ્વામી નારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. એમ કહેવાય છે કે તેઓ નારાયણના અવતાર હતા. જસદણના એક પ્રસિદ્ધ દરબાર આલાખાચર સહજાનંદના મોટા અનુરાગી ભક્ત હતા. એમણે પોતાની સારી એવી સંપત્તિ આપીને ધર્મપ્રચારની વ્યવસ્થા કરી હતી. જસદણ આજે પણ સ્વામી નારાયણના અનુયાયીઓનું એક કેન્દ્ર છે. શ્રીજી મહારાજે ભાગવત્‌ ધર્મ-ઉદ્ધવના મતનો પ્રચાર કર્યો… સહજાનંદ પોતે બ્રાહ્મણ તેમજ પહેલાં દશનામી બ્રહ્મચારી હતા. રામાનુજ સંપ્રદાયમાં કાઠીયાવાડના પ્રસિદ્ધ ઐતિહાસિક રામાનંદ સ્વામીના શિષ્ય રૂપે તેઓ સંન્યાસી બન્યા. સહજાનંદની ગાદી પર આજે જે લોકો છે એ બધા પાકા ગૃહસ્થ છે અને તેઓ તેમના ગુરુવરેણ્ય પણ છે. અંગ્રેજો કાઠીયાવાડ ગુજરાતમાં આવ્યા ત્યારે સ્વામી નારાયણનું સારું એવું આધિપત્ય હતું. સહજાનંદ પોતે સરયૂપારીણ બ્રાહ્મણ હતા. પછીથી પોતાના ભાઈઓના સંતાનોને લાવીને સંપ્રદાયના આચાર્ય પદે સ્થાપ્યા. બધા અનુયાયીઓ એમની આજ્ઞાને માને છે.

એક રાત જસદણમાં શિવમંદિરમાં રહીને બીજે દિવસે ત્યાંથી છએક માઈલ દૂર ઘેલા સોમનાથ જવા નીકળ્યો. એમ કહેવાય છે કે જ્યારે સોમનાથ પર મહંમદ ગઝનવીએ આક્રમણ કર્યું ત્યારે બ્રાહ્મણોએ શિવજીની છુપાવેલી સચલ મૂર્તિ સાથે રાખીને ભાગીને આ જંગલમાં આશ્રય લીધો હતો. આ પાંડુઓના જંગલને નામે પણ પ્રસિદ્ધ છે. અહીં કેવળ ડુંગરા-ટેકરા અને જંગલ જ છે. પણ આ મૂર્તિને જોયા પછી એવું લાગે નહિ. અત્યારે મંદિર જસદણ રાજ્યની સીમામાં છે અને જસદણ રાજ્યના ધનથી જ એ મંદિર બન્યું છે. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં એક પ્રસિદ્ધ ગોસાઈએ એની સ્થાપના કરી હતી અને એમનો એક વંશજ આજે પૂજારી છે.

ઘેલા સોમનાથમાં (૧૯૨૯)

ઘેલા એટલે પાગલ, એવા સોમનાથના સ્થાનમાં હું આનંદપૂર્વક રહ્યો. એમ માન્યું હતું કે જંગલ ઘણું નિર્જન હશે પણ એવું ન હતું. સારા પ્રમાણમાં યાત્રીઓ આવતા જતા રહે છે એટલે આખો દિવસ કોલાહલ રહે છે. આમ રાત્રી શાંત હોય છે. સામાન્ય રીતે અહીં ત્રણ દિવસ રહેવાનો નિયમ છે પણ મારા માટે થોડી છૂટછાટ હતી. દસ-બાર દિવસ રહ્યો. પૂજારીએ સારી એવી સંભાળ રાખી. લગભગ ૨૦૦ ગાયો હતી અને દૂધ દહીં અને રોટલા મન પડે એટલા ખાવાની છૂટ. તેઓ પોતે ૧૨ વર્ષથી માત્ર દૂધ પર જ રહે છે. એમનું શરીર સુંદર અને લાલીમાવાળું હતું. તેઓ સાત્ત્વિક ભાવવાળા પણ ખરા. દિવસના સમયે ભોજન લીધા પછી દૂર નદીને કિનારે જઈને બાવળની ગાઢ ઝાડીઓમાં બેસી જતો. અહીં જુદા પ્રકારના બાવળના ઝાડ થાય છે. એની લાંબી પાતળી ડાળીઓ ઉપર ને ઉપર ચાલી જાય છે અને નીચે ઝૂકીને ધરતીના આધારે ટકી રહે છે. એને પરિણામે આ ઝાડ જાણે કે સાર્જંટની ટોપીના આકારના તંબૂ જેવું બની જાય છે. ઘટા ગાઢ હોવાને લીધે એની અંદર રહેનારને કોઈ બહારથી જોઈ શકતું નથી. અહીં વાઘરી, ભરવાડ જેવા વિચરતી જાતિના લોકો એમાં નિવાસ કરીને રહે છે. એની ડાળીઓને એકબાજુએથી કાપીને બહાર નીકળવાનો દરવાજો બનાવી લે છે. પોતાનાં બાળબચ્ચાં સાથે એમાં જ રહે છે. હિંસક જંતુ કે પશુ અંદર પ્રવેશી શકતા નથી. આ એક કુદરતી તંબૂ બની રહે છે.

આવી રીતે એક વૃક્ષની નીચે શાંતભાવે બેસીને હું ધ્યાન વગેરે કરતો. એક દિવસ બપોરે નદીના કિનારે બાવળની ઝાડીઓમાં બેઠો હતો. એક ભરવાડ બકરીઓનું ટોળું લઈને પાણી પીવડાવવા આવ્યો. હાથ-મોં ધોઈને તે છાંયડે બેઠો. પછી એણે પોતાના કપડામાં બાંધેલ બાજરાનો એક મોટો રોટલો કાઢ્યો. ત્યાર પછી એક બકરીને પકડીને એના બે ટાંગાની પાછળથી આંચળ ખેંચીને દૂધની સીધી ધાર પોતાના મોંમાં છોડતો જાય અને રોટલો ખાતો જાય. એને કંઈ ખબર ન હતી કે હું નજીકમાં જ ઝાડીમાં બેઠો બેઠો આ બધું નિહાળતો હતો. એનું આવું ભોજન જોઈને મને હસવું આવ્યું. એનું શરીર સુંદર, બલિષ્ઠ હતું. એના મોઢા પર રક્તપૂર્ણ લાલીમા દેખાતી હતી. મનમાં વિચાર્યું – આ લોકો ખરેખર સાચાં મજા-આનંદમાં રહે છે. રોટલો અને દૂધ અને વળી દૂધ પણ સીધે સીધું આંચળમાંથી મોંમાં જાય. ખરેખર સારું જીવન! આવી રીતે પહાડો અને જંગલોમાં રહેવું એ સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. પહેલાંના કાળમાં ઋષિગણ ગાયો સાથે જંગલમાં રહેતા હતા અને બ્રહ્મનું ધ્યાન કરતા હતા, એવું ઉપનિષદોમાં વર્ણવ્યું છે.

વળી, પાછી એની સાથે વાતચીત કરવાની ઇચ્છા થઈ. મને ઝાડીમાંથી નીકળતો જોઈને તે હસવા લાગ્યો. હું પણ હસ્યો. પછી મેં કહ્યું: ‘ભાઈ, એક લોટો કેમ નથી રાખતા? જો લોટો કે વાસણ હોય તો એકી સાથે દૂધ દોહી શકાય.’ તેણે કહ્યું: ‘બાપુ, એ પણ એક પંચાત કહેવાય. વળી લોટો-બોટો ક્યાંક ભૂલાઈ જાય – ખોવાઈ જાય. છે તે જ ઠીક છે.’ મેં કહ્યું: ‘ખૂબ આનંદમાં રહેજો અને ખાતા પીતા રહો તેમજ ઘેંટાંબકરાં ચરાવતાં રહેજો.’ એણે કહ્યું: ‘દસ વર્ષ પહેલાં ખૂબ આનંદમાં હતો. વર્ષમાં એકવાર જઈને રાજકરના રૂપે એક બકરી દઈ આવતો અને પછી જ્યાં મરજી પડે ત્યાં બકરાને ચરાવવા. પણ હવે એવું નથી. નવા દીવાને આવીને બધા ચરાવા રાજ્યના ઘોષિત કરી દીધા છે. જેમની પાસે પૈસા છે તેઓ ઘાસ માટે બેત્રણ હજાર રૂપિયા આપીને ડુંગરાના ડુંગરા અને જંગલના જંગલ પોતાના કરી લે છે. ગાય-ઘેંટાં-બકરાં લઈને હવે ક્યાં જવું? આવી રીતે બંધાઈને અમે લોકો જ્યાં સારું ઘાસ નથી હોતું એવી પથરાળ અને રેતાળ જગ્યામાં પડ્યા રહીએ છીએ. ઘણા દુ:ખના દિવસો છે આ! વળી વરસમાં બે વાર રાજકર દેવો પડે અને એ પણ પાંચ રૂપિયા કે બકરીઓ.’ અરેરે! મેં તો મનમાં વિચાર્યું હતું કે આ લોકો ખરેખર આનંદમાં રહે છે, પણ જોઉં છું કે આ અભાગિયા દેશમાં કોઈ પણ આનંદથી બે કોળિયા પણ નથી ખાઈ શકતા. આવું બધું હોવા છતાં પણ એમનું જીવન ઠીક ઠીક પ્રમાણમાં સારું લાગ્યું. વાઘ કે રોગ બકરીઓને મારી ન નાખે તો સારું જીવન કહેવાય. પેલા ભરવાડે કહ્યું: ‘બાપુ, તમારું કમંડળ આપો. થોડું દૂધ દોહી આપું. તમે તો મારી જેમ પી નહિ શકો. મારી વાત એણે સાંભળી નહિ અને આશરે શેર જેટલું દૂધ દોહી આપ્યું. કેવું તાજું અને મીઠું દૂધ! આમ બકરીની ગંધને બાદ કરીએ તો દૂધ સારું લાગ્યું.

(ક્રમશ:)

Total Views: 188

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.