કડકડતી ઠંડી હતી. અમરગંગાનું પાણી બરફ જેવું ઠંડું હતું. તેમાં સ્નાન કરી ફક્ત કૌપીન પહેરીને, સમસ્ત દેહમાં ભભૂત ચોળીને સ્વામી વિવેકાનંદજીએ અમરનાથની ગુફામાં પ્રવેશ કર્યો. બરફનું ઉજ્જવળ પવિત્ર પૂર્ણ શિવલિંગ જોઈ તેઓ શિવજી પ્રત્યેના ભક્તિભાવથી અભિભૂત થઈ ગયા અને વારંવાર સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. એક અદ્ભુત આધ્યાત્મિક અનુભવ તેમને થયો. એ વિશે સ્વામીજીએ પાછળથી કહ્યું હતું કે તેમને સાક્ષાત્ શિવજીનાં દર્શન થયાં હતાં અને તેમણે તેમને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. વાતચીતના પ્રસંગમાં તેમણે સિસ્ટર નિવેદિતાને કહ્યું હતું, ‘‘એ શિવલિંગમાં મેં સાક્ષાત્ ઈશ્વરને નિહાળ્યા. આથી વધુ સુંદર, વધુ પ્રેરણાદાયી સ્થળ જોયું નથી.” કાશ્મીરથી કલકત્તા પાછા ફર્યા પછી પણ સ્વામીજી હંમેશાં ગંભીર અને ઉચ્ચ ભાવમગ્ન અવસ્થામાં રહેતા. તેમના શિષ્ય શ્રી શરતચંદ્ર ચક્રવર્તીએ આનું કારણ પૂછ્યું, ત્યારે સ્વામીજીએ જણાવ્યું, “મેં અમરનાથમાં કઠોર તપસ્યા કરી હતી. અમરનાથની યાત્રા પછી મને લાગે છે કે શિવજી જાણે કે મારા મસ્તક ૫૨ ચોવીસે કલાક સવા૨ ૨હે છે, નીચે ઉતરતા જ નથી.”
જ્યા૨થી આ બધું વાચ્યું હતું ત્યારથી જ – વર્ષોથી – અમરનાથની યાત્રા કરવાની ઈચ્છા હતી. પછી જ્યારે સાંભળ્યું કે કાશ્મીરમાં આતંકવાદનું જોર વધી રહ્યું છે ત્યારે ‘‘કોણ જાણે, ક્યારેક યાત્રાનો માર્ગ જ બંધ થઈ જાય તો!” એમ વિચારી એ જ વર્ષે (૧૯૯૩માં જ) અમરનાથની યાત્રા ક૨વાનો નિશ્ચય કર્યો. સૈકાઓથી હજારો યાત્રીઓ અમરનાથની યાત્રા કરે છે. આમ તો ઍપ્રિલથી સપ્ટેમ્બર સુધી અમરનાથનો માર્ગ ખૂલ્લો રહેતો. પણ જાણવા મળ્યું કે એ વર્ષે આંતકવાદીઓના ભયને કારણે યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, બધાએ એકીસાથે ‘છડી મુબારક’ની સાથે મિલિટરીના સંરક્ષણ હેઠળ જવાનું રહેશે અને શ્રાવણી પૂનમને દિવસે જ અમરનાથનાં દર્શન કરવાનાં રહેશે. આ જ કારણોસર સોનમર્ગવાળો માર્ગ પણ શાસનતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. આ માર્ગે શ્રીનગરથી અમરનાથનાં દર્શન કરી એ જ દિવસે પાછું ફરી શકાય, જ્યારે પરંપરાગત માર્ગમાં પહેલગામવાળા માર્ગે તો ૪-૫ દિવસો લાગી જાય. અન્ય કોઈ વિકલ્પ નહોતો, એટલે શ્રાવણી પૂનમના દિવસે ‘છડી મુબારક’ સાથે અમરનાથનાં દર્શન ક૨વાનું નક્કી કર્યું. યોગાનુયોગ આ વર્ષે (૧૯૯૩માં) શ્રાવણી પૂનમ ૨ ઑગસ્ટે હતી. અને સ્વામીજીએ આ જ દિવસે – શ્રાવણી પૂનમના રોજ ૨ ઑગસ્ટે (૧૮૯૮માં) અમરનાથનાં દર્શન કર્યાં હતાં.
કિંવદન્તી પ્રમાણે કાશ્મી૨ની પ્રજાને શિવજી પાસેથી વરદાનમાં એક ચાંદીની છડી મળી હતી. શ્રીનગરના દશનામી અખાડાથી શ્રાવણ શુકલપક્ષે આ પવિત્ર છડીની શોભાયાત્રા સાથે અસંખ્ય સાધુઓ શ્રી અમરનાથજીની યાત્રા માટે રવાના થાય છે. એમની સાથે હજારો યાત્રાળુઓ વિભિન્ન સ્થાનોથી આવીને જોડાય છે. અને આ ‘છડી મુબારક’ની પાછળ શોભાયાત્રાના રૂપમાં આગળ વધે છે. પહેલાં આ શોભાયાત્રા શ્રીનગરથી થતી પણ થોડાં વર્ષોથી આતંકવાદને લીધે શ્રીનગરનો માર્ગ અવરુધ્ધ થઈ જવાથી પહેલગામથી આ શોભાયાત્રા પ્રારંભ થાય છે. એમ જાણવા મળ્યું કે પ્રશાસને જમ્મુથી પહેલગામ જવા માટે વિશેષ બસોની અને સંરક્ષણની વ્યવસ્થા કરી છે, અને બધા લોકોએ ૨૮ જુલાઈ પહેલાં જમ્મુ પહોંચી જવું પડે. કેટલાક લોકો ગુરુપૂર્ણિમાના દિવસે એટલે એક માસ પહેલાં જ અમરનાથનાં દર્શન દ૨ વર્ષે કરતાં કારણકે ભીડ ઓછી હોય અને સારી રીતે શાંતિથી દર્શન થઈ શકે. પણ આ વખતે તો વિકલ્પ જ નહોતો. તેથી ૨૭ તારીખે જમ્મુ પહોંચવાની યોજના બનાવી. ટ્રેનમાં રિઝર્વેશન પણ કરાવ્યું. પણ ‘શ્રેયાંસિ બહુવિઘ્નાનિ.’ સત્કાર્યમાં અનેક વિઘ્નો આવે છે! જમ્મુ માટે નીકળવાના થોડા દિવસો પહેલાં જ સમાચાર મળ્યા કે હિમાલયમાં ભારે વરસાદ થયો છે, ભૂસ્ખલન થયું છે, અનેક ટ્રેનો રદ થઈ છે વગેરે. લોકોએ યાત્રા રદ કરવાની સલાહ આપી. દૃઢ નિર્ધાર કર્યો હતો કે ગમે તેમ પણ આ વર્ષે અમરનાથનાં દર્શન કરવાં જ છે. વધારામાં, જે ટ્રેનમાં રિઝર્વેશન હતું એ ટ્રેન જ રદ થઈ ગઈ. હવે શું થાય? અન્ય ટ્રેનમાં રિઝર્વેશન મળ્યું નહિ. જેમ તેમ બે ગાડીઓ બદલાવીને ૨૭મી જુલાઈએ જમ્મુ પહોંચી ગયો. જો કે માર્ગમાં તકલીફ તો પડી. શિવજીની ઈચ્છા તપસ્યા કરાવવાની હશે!
જમ્મુ પહોંચતાં જ ખબર પડી કે અમરનાથનો માર્ગ તો ૨૧ તારીખથી જ ખૂલી ગયો છે! ‘છડી મુબા૨ક’ની શોભાયાત્રાની ભીડથી બચવા માટે બીજા જ દિવસની ૨૮મીની ટિકિટ પહેલગામ માટે કરાવી લીધી. અહીં અન્ય સાથીઓ મળી ગયા. અમારા જૂથમાં દસ વ્યક્તિઓ હતી – ૩ સંન્યાસીઓ અને ૭ યુવકો.
૨૮મીએ સવારના ૫ વાગ્યામાં બસ સ્ટેન્ડ પહોંચી જવાનું હતું. પ્રશાસને ચેતવણી આપી દીધી હતી કે ૭ વાગ્યા પહેલાં બધી બસો જમ્મુથી ઉપડી જ જવી જોઈએ. જેથી કાશ્મીરના એ ભાગમાંથી – જ્યાં આંતકવાદીઓનો વિશેષ ભય છે – રાત પહેલાં જ બસો ૫સા૨ થઈ જાય. અમે બરાબર ૫ વાગ્યે પહોંચી ગયા. ત્યાં જોયું તો અવ્યવસ્થાની ચ૨મ સીમા! અમારે અમારી ટિકિટમાં આપેલ ક્રમાંકની જ બસમાં બેસવાનું હતું, પણ ત્યાં જઈને જોયું તો લગભગ ત્રણસો બસો આડી અવળી, રસ્તા પર અથવા ગલીઓમાં ઊભેલી અને કોઈના પર ક્રમાંક લખેલો નહિ!
પૂછપરછ વિભાગમાં પૂછ્યું તો તેઓએ એક બ્લૅક બોર્ડ દેખાડી દીધું જેના પર બસના પ્લેટ નંબ૨ની સામે બસનો ક્રમાંક જ લખેલો હતો. અમે માંડ માંડ અમારી બસનો પ્લેટ નંબર શોધ્યો અને હવે બસની શોધમાં, બસ સ્ટેન્ડની આસપાસ ચક્કર મારવા લાગ્યા. આ અજબ દૃશ્ય હતું. સેંકડો લોકો ચિંતાતુર થઈ પોતાની બસ શોધી રહ્યા હતા. જેઓને પોતાની બસ મળી ગઈ હતી તેઓ અંદર બેસી મજા લઈ રહ્યા હતા; અને અન્ય યાત્રીઓને હસતાં-હસતાં પૂછી રહ્યા હતા, “તમને હજુ તમારી બસ નથી મળી?” આખરે કલાકોના ‘લૅફ્ટ રાઈટ’ પછી એક ગલીમાં છુપાયેલી અમારી બસ મળી. પણ એથી કોઈ ચિંતા દૂર ન થઈ. ડ્રાયવરે કહી દીધું, “જ્યાં સુધી બધાં નહિ આવે ત્યાં સુધી બસ ઉપડશે નહિ.” એટલે હવે અન્ય સહયાત્રીઓની શોધમાં થોડા લોકો ઉપડ્યા. ઘણા લોકો હજુ કચવાટ કરતા પૂછપરછ વિભાગ પાસે ઊભા હતા. તેમાંથી કેટલાક અમારી બસવાળા મળી ગયા. છેવટે ૫ વાગ્યાને બદલે ૭ વાગ્યે અમારી બસ રવાના થઈ.
બસોના કાફલાની સૌથી મૌખરે અને સૌથી છેલ્લે મિલિટરીની ગાડીઓ હતી. આ સિવાય દરેક બસમાં એક એક શસ્ત્રધારી જવાન હતો. માર્ગમાં થોડા થોડા અંતરે રાયફલ લઈને જવાનો ઊભા હતા. ઘણી જગ્યાએ ઑટૉમૅટીક મશીનગન સાથે જવાનો ઊભા હતા. એમ લાગતું હતું કે જાણે યુદ્ધક્ષેત્રમાં આવી ગયા હોઈએ! પણ કોઈને ભય નહોતો લાગતો કારણકે જવાનો પણ યાત્રીઓને ‘જયભોલે શંકરકી’ ‘જય બાબા અમરનાથ’ વગેરે નાદોની શુભેચ્છા પાઠવતા હતા.
બસ જ્યારે ‘નહેરુ ટર્નલ’ (લગભગ ૨ કિ.મી. લાંબી સુરંગ)માંથી પસાર થઈ રહી હતી ત્યારે એક આફતમાંથી ઉગરી ગયા. સુરંગની વચ્ચે જ બસ ઊભી રહી ગઈ. કદાચ આગળ જતી કોઈ બસ બંધ પડી ગઈ હશે. બહાર ધોધમાર વરસાદ અને અધૂરામાં પૂરું સુરંગની લાઈટ પણ ચાલી ગઈ. આવી ઠંડીમાં બસોનું ઍન્જિન બંધ ક૨વાથી ફરી ચાલુ ન થાય એની બીકે બધી બસોના ઍન્જિન ચાલુ હતાં અને ધૂમાડાના તો ગોટેગોટા. જ્યાં જુઓ ત્યાં બસ જ બસ. આગળ બસોની કતાર, પાછળ પણ બસોની કતાર. થોડીવારમાં શ્વાસ રુંધાવા લાગ્યો. કાર્બન ડાયૉક્સાઈડથી સુરંગ જાણે કે ગૅસ ચેમ્બર બની ગઈ. અમરનાથનાં દર્શન પહેલાં જ શું મૃત્યુદેવતાનો સાક્ષાત્કાર થશે એમ અમે વિચારી રહ્યા હતા ત્યાં તો માર્ગ ખૂલી ગયો અને બસો આગળ વધી. સુરંગ પૂરી થતાં જ કાશ્મીરની સરહદ શરૂ થઈ ગઈ. હવે વધુ કડક સુરક્ષાની વ્યવસ્થા જોવા મળી. અનંતનાગમાં તો દસ-બાર ઘરોના અંતરે રસ્તા પર જવાનો રાયફલ સાથે જોવા મળ્યા. લગભગ ૪૦૦ કિ.મી.નું અંતર કાપી સાંજે ૬ વાગે પહેલગામ પહોંચ્યા. રાતવાસો ક્યાં ક૨વો? સમસ્યા ગૂંચવણભરી હતી. સાંભળ્યું કે દર વર્ષે લગભગ પચાસ હજાર યાત્રીઓ અમરનાથનાં દર્શને આવે છે, પણ આ વખતે આંકડો એક લાખે પહોંચશે! આતંકવાદના ભયથી સંખ્યા ઘટવી જોઈએ તેને બદલે વધી! જો કે તેનો એક લાભ એ થયો કે ઘણી સેવાભાવી સંસ્થાઓએ આતંકવાદની વાત સાંભળીને નિઃશુલ્ક ભોજનાલયો (લંગરો) ખોલી દીધાં. પહેલગામથી છેક અમરનાથ સુધી દરેક પડાવના સ્થળે અનેક લંગરો જોવા મળ્યાં. રીતસરની હરિફાઈ શરૂ થઈ ગઈ! કોઈક મફતમાં ચા આપે તો બીજા દૂધ આપે, તો ત્રીજા લંગરવાળા બદામ- પિસ્તાવાળું દૂધ આપે, કોઈ રોટલી શાક આપે તો વળી બીજા દૂધપાક – પૂરી આપે! પરાણે બોલાવી બોલાવીને જમાડે! આથી ખાવાપીવાનો ખર્ચ તો નહિવત્ થઈ ગયો. પણ હૉટલમાં રહેવાનો ચાર્જ સાંભળી નિરાશ થઈ ગયા. ધર્મશાળાઓ બધી ચિક્કાર હતી. છેવટે એક ગુરુદ્વારામાં શરણ લીધું. ગમે તેમ રાત વીતાવી. સૂતાં પહેલાં યાત્રા માટેની જરૂરી વસ્તુઓ – સ્લીપીંગ બૅગ, છડી, કૅન્વાસનાં બૂટ, રેઈનકોટ, પીપરમિન્ટ વગેરે ખરીદી લીધાં. ઘણા લોકોએ ટુરિઝમ ઑફિસમાં જઈ ઘોડા અને ટૅન્ટનું બુકિંગ કરાવી લીધું હતું. અમારી ઈચ્છા પગે ચાલીને જવાની હતી અને રહેવા માટે કાંઈક તો સગવડ થઈ જ જશે એમ માની અમે આવું બુકિંગ ન કરાવ્યું.
બીજે દિવસે ૨૯મીએ સવારના ૬ વાગે પહેલગામથી ચંદનવાડી માટે રવાના થયા. ૧૬ કિ.મી. લાંબો આ રસ્તો સાંકડો છે, માટે બસો જતી નથી. ટૅક્સી અથવા મેટાડોરમાં જવું પડે. મેટાડોર ટૅક્સી કરતાં સસ્તી પડે એટલે એમાં બેઠા. સ્વપ્નિલ સૌંદર્યથી પરિવ્યાપ્ત, લીલાંછમ પહાડોથી ઘેરાયેલી લિદાર નદીને કાંઠે વસેલ પહેલગામની શોભાનો અહેસાસ (પ્રતીતિ) રાત્રે નહોતો થયો. હવે એ અહેસાસ (પ્રતીતિ) સૂર્યોદયનાં સુવર્ણમય કિરણોએ કરાવ્યો. ગગનચુંબી દેવદાર અને ચીડનાં વૃક્ષોને, ચોતરફ ફેલાયેલાં જંગલી પુષ્પોને અને વિવિધ રંગનાં પક્ષીઓને નિહાળતાં નિહાળતાં ૧૦ વાગે ચંદનવાડી પહોચ્યા. આ સ્થળ સમુદ્રની સપાટીથી લગભગ સાડા નવ હજાર ફૂટની ઊંચાઈએ આવેલ છે.
હવે આગળ પગે ચાલવાનું હતું. એટલે દશ વ્યક્તિઓના અમારા સામાનને ઉંચકવા માટે બે મજૂર લઈ લીધા. જરૂરિયાત પૂરતા સામાનની એક નાની બેગ પોતાની પાસે રાખીને બાકી બધો સામાન એ લોકોને પકડાવી દીધો. આગળ જતાં ચડતી વખતે આ નાની બૅગ પણ મોટો ભાર બની ગઈ. અહીંથી અત્યંત કઠિન અને દુર્ગમ ચઢાણનો પ્રારંભ થાય છે, પણ માર્ગનું પ્રાકૃતિક સૌંદર્ય મનને બહેલાવે છે. અહીં એક ઘાટીની વચ્ચોવચથી નદી પસાર થાય છે. બરફની સરકતી શિલાઓ કમાન જેવા પુલમાં ગોઠવાઈ જાય છે. નીચેથી નદી વહી જાય છે. બરફના પુલ પરથી પસાર થવાનો અનુભવ રોમાંચક છે.
અમારી આગળ પાછળ યાત્રીઓ ‘અમરનાથ સ્વામી કી જય’ ‘હર હર મહાદેવ’ ‘જય બોલો ભોલે કી’, ‘બમ બમ ભોલે’ ‘જય ભોલેનાથ’ વગેરે જયઘોષ કરતાં કરતાં ઉત્સાહથી આગળ વધી રહ્યા હતા. થોડી વાર પછી કપરું ચઢાણ પ્રારંભ થયું. અમારામાંથી કોઈ કોઈએ ઘોડા કરી લીધા. નવાં બૂટ પહેરવાથી જમણા પગનો અંગૂઠો લોહીલુહાણ થઈ ગયો હતો તેમ છતાં મેં પગે ચાલવાનું ચાલુ રાખ્યું.
પિસ્સુ ઘાટીનું કપરું ચઢાણ પૂરું કર્યા પછી ટોચ પર થોડીવાર વિશ્રામ ક૨વા બેઠા. એક દંતકથા એવી છે કે પિસ્સુ ખીણમાં દેવ – દાનવ સંગ્રામ થયો હતો. સંગ્રામમાં જે અસુરો માર્યા ગયા હતા હતા તેમના હાડકાં પથ્થરોનો ઊંચો ઢગલો બની ગયા. આવા પથ્થરોના અનેક ઢગલા દેખાયા. સાંજે ૪ વાગે અમે શેષનાગ પહોંચ્યા. હિમાચ્છાદિત ઊંચી ઊંચી પર્વતમાળાઓ વચ્ચે અફાટ જળની રાશિ ધરાવતું શેષનાગનું જળાશય કુદરતનો અદ્ભુત ચમત્કાર છે. પૌરાણિક કથા અનુસાર વાયુરૂપધારી અસુરે દેવતાઓને ત્રાસ આપ્યો હતો. એ અપરાધ માટે ભગવાન વિષ્ણુએ શેષનાગને તેને મારવાનો અહીં આદેશ આપ્યો હતો.
શેષનાગમાં અનેક અસ્થાયી ટૅન્ટો હતા. ૬ કલાકમાં તે૨ કિ.મી.નું અંતર કાપવાથી બધા થાકીને લોથપોથ થઈ ગયા હતા. ત્યાં જ રાતવાસો કર્યો. અમારો ટૅન્ટ જળાશયની સાવ નજીક હતો. ટૅન્ટવાળાએ કહ્યું હતું, ‘‘કોઈ કોઈ વાર જળાશયમાં રાત્રે શેષનાગનાં દર્શન થાય છે. જો તમે ભાગ્યશાળી હશો તો રાત્રે શેષનાગ દેખાશે. અમે ઘંટ વગાડીશું, જેથી તમે દર્શન કરી શકો.” રાતે લગભગ બે વાગે લોકોનો કોલાહલ સાંભળ્યો. કડકડતી ઠંડીમાં બહાર નીકળવાની અમારી પ્રવૃત્તિ ન થઈ. ટૅન્ટના બાકોરામાંથી જોયું તો અદ્ભુત દૃશ્ય! જળાશયમાં શેષનાગ જેવો આકાર દેખાતો હતો! પાંચ જિહ્વાઓ જેવું કઈક દેખાતું હતું અને પૂંછડાના ભાગમાં- જળાશયના છેક બીજા છેડા સુધી વીજળીના ગોળા ટીમ ટીમ ઝગમગતા હોય તેવું લાગ્યું હતું.
પહેલાં તો અનુમાન કર્યું કે આસપાસનાં હિમાચ્છાદિત શિખરો પર ચંદ્રનો પ્રકાશ પડવાથી અને તેની છાયા – પ્રતિછાયા જળાશયના જળમાં પડવાથી કદાચ આ ભ્રાંતિ થતી હશે. પણ અનેક વાર સુધી વિચાર્યા છતાં રહસ્ય કંઈ સમજાયું નહિ. રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કરતાં ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ન પડી. બીજે દિવસે સવારના પહોરમાં લંગરમાંથી નિઃશુલ્ક ચા-નાસ્તો મેળવી યાત્રા પ્રારંભ કરી. ૬ કિ.મી. સુધીનું ચઢાણ અત્યંત કઠિન અને કષ્ટદાયક હતું. મહાગુણ નામના શિખર ૫૨ વિશ્રામ કર્યો. આ સ્થળ સમુદ્રથી ૧૪,૦૦૦ ફૂટ ઊંચે છે, જ્યારે શેષનાગ ૧૧,૭૦૦ ફૂટ ઊંચે છે. અહીં હવા પાતળી થઈ જાય છે, ઑકિસજનની ઉણપથી શ્વાસ લેવામાં કષ્ટ પડે છે. લીંબુ ચુસવાથી અને પીપરમિન્ટ ચુસવાથી થોડી રાહત મળે છે. અમે પીપરમિન્ટ લીધેલી તે કામમાં આવી.
બપોરના ૨ વાગે ‘પંચતરણી’ આવી પહોંચ્યા. આ સ્થળ શેષનાગથી ૧૩ કિ.મી. દૂર સમુદ્રતળથી ૧૧,૨૦૦ ફૂટ ઊંચે આવેલ છે. અહીં પાંચ ધોધનાં દર્શન થયાં. કિંવદન્તી છે કે શિવજીએ આ સ્થાને પોતાની જટાને નીચોવી હતી અને દેવતાઓ તેમની આ દયાથી પ્રસન્ન થઈ આ જલધારાઓમાં સ્નાન કરી ઉપકૃત થયા હતા. અહીં સ્નાન કરવાનો મહિમા છે, પણ અમારામાંથી લગભગ બધા શરદી તાવ વગેરેથી પીડાતા હતા એટલે આ પુણ્યલાભથી વંચિત રહ્યા.
રાતવાસો કરવા માટે ટૅન્ટની વ્યવસ્થા તો થઈ ગઈ પણ એક નવી સમસ્યા ઊભી થઈ. અમારા સમુહમાંથી એક યુવક જડતો નહોતો. હવે શું કરવું? તપાસ કરતાં ખબર પડી કે તે તો સૌથી આગળ ઝડપથી જતો હતો, વળી તેને ચક્કર આવવાની બીમારી પણ હતી. કેટલાય વિચારો આવવા લાગ્યા. શું પગ લપસવાથી અથવા ચક્કર આવવાથી હજારો ફૂટ ઊંડી ખીણામાં પડી ગયો હશે! અમરનાથના પથની ભયંકરતાથી અમે વાકેફ તો હતા જ. થોડા જ વખત પહેલાં રસ્તે જતાં કેટલાંક માણસોને એક શબ લઈને નીચે ઉતરતા જોયા હતા. તેનું હાર્ટફેલ થયું હતું. એક પહાડ પરથી જોયું હતું કે હજારો ફૂટ નીચે નદીની ધારે એક ઘોડો મરેલો પડ્યો હતો. તાજેત૨માં જ લપસીને પડ્યો હશે. થોડી વાર પહેલાં જ એક માણસને ઘોડા પરથી પડીને નીચે ગબડતાં જોયો હતો. નસીબ જોગે એક ઝાડનો સહારો મળવાથી સાવ નીચે પડીને મરી જતાં બચી ગયો હતો.
મિલિટરી કૅમ્પમાંથી માઈક પર આખી રાત તેના માટે જાહેરાત થઈ. કેટલાક જવાનોને શોધખોળ માટે મોકલવામાં આવ્યા. રાત ચિંતામાં ગાળી. બીજે દિવસે (૩૧મીએ) સવા૨ના ૫ વાગ્યે અમરનાથ માટે રવાના થયા. રસ્તામાં ચાલતાં ચાલતાં પ્રાર્થના કરી, “આ ખોવાયેલ વ્યક્તિ મળી જાય એ જ આ યાત્રાની ફળશ્રુતિ માનીશ.’’ ત્યાં જ એક માણસની સાથે મેળાપ થયો. તે અમરનાથનાં દર્શન કરી પાછો ફરતો હતો. તેણે કહ્યું, ‘‘તમે જેને ગઈ કાલે સાંજે શોધતા હતા તે તો ત્યાં અમરનાથમાં છે, મારી સાથે જ રાતના તેણે દર્શન કર્યાં.” વાહ પ્રભુની લીલા! ચિંતા દૂર થઈ. હવે આસપાસનાં મનો૨મ દૃશ્યો પર ધ્યાન ગયું. લગભગ સીધા ચઢાણવાળી કેડી પરથી અમે પસાર થઈ રહ્યા હતા. હજારો ફૂટ નીચે નદી વહી રહી હતી સામે હિમાચ્છાદિત શિખરોને સૂર્યદેવતા પોતાનાં સોનેરી કિરણોથી સ્નાન કરાવી રહ્યા હતા. થોડી જ વારમાં દૂરથી અમરનાથની ગુફા દૃષ્ટિગોચર થઈ. બધા યાત્રીઓ ઉત્સાહમાં આવી ગયા. ‘હરહર બમ બમ ભોલે’ ‘જય બાવા અમરનાથકી’ વગેરે ઉદ્ઘોષો વધુ જોરથી થવા લાગ્યા. બરફની નદી પર ચાલતાં ચાલતાં આઠ વાગે અમરગંગાના તટ પર પહોંચ્યાં. અહીં સ્નાન કરીને પછી ઉપર અમરનાથનાં દર્શને જવાની પ્રથા છે. સૌએ પોતપોતાની શ્રદ્ધા – સામર્થ્ય પ્રમાણે સ્નાન કર્યું. કિનારા ૫૨ નદીનું ઊંડાણ ઓછું છે, પણ જળનો પ્રવાહ અત્યંત વેગવાન છે; થોડીક ગફલત થાય તો માણસ તણાઈ જાય – શબનો ય પત્તો ન લાગે. બરફનું જળ એટલું શીતળ છે કે અંદર ડૂબકી માર્યા પછી સમસ્ત દેહ કાળો પડી જાય, ક્યારેક રક્તનો પ્રવાહ બંધ પડી જાય. કોઈકે કિનારા પર બેસી પાત્ર દ્વારા જળ લઈ સ્નાન પતાવ્યું, તો કોઈકે એકાદ ડુબકી લગાવી.
બધો સામાન નીચે રાખી, પૂજાની સામગ્રી હાથમાં લઈ, ખાલી પગે ઉ૫૨ જવા માટેનાં પગથિયાં અમે ચડવા માંડ્યા. ગુફા ઘણી ઊંચે છે, પણ ‘થોડી જ વારમાં અમરનાથનાં દર્શનનું સ્વપ્ન પૂરું થશે.’ એ વિચારથી એટલા આનંદ અને ઉત્સાહની લાગણી થતી હતી કે બધી કઠિનાઈઓ વિસ્તૃત થઈ ગઈ.
સમુદ્રતટથી ૧૨૭૨૯ ફૂટની ઊંચાઈમાં આવેલ એ ગુફા ૩૦ ફૂટ પહોળી, ૬૦ ફૂટ લાંબી અને ૧૫ ફૂટ ઊંચી છે, જિપ્સમ પત્થર (જેનાથી પ્લાસ્ટર ઑફ પૅરિસ બને છે)ની બનેલ એ વિશાળ ગુફામાં ૨૫૦ માણસો એક સાથે દર્શન કરી શકે. દૂરથી તેનાં દર્શન થતાં જ અવનવા ભાવ પ્રગટે છે અને અંદર પ્રવેશતાં જ અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. પ્રવેશતાંની સાથે જ જોયું – એક ખૂણામાં અમરનાથનું બરફનું બનેલું સુંદર પૂર્ણ શિવલિંગ – લગભગ ૧૦ ફૂટ ઊંચું અને ૮ ફૂટ પહોળું. કુદરતની અદ્ભુત કામગીરી! ગુફાની છતમાંથી પડતાં પાણીનું એક એક ટીપું બરફરૂપે જામીને શિવલિંગનો આકાર ધારણ કરે છે. ચંદ્રની કળાઓ સાથે આના આકારમાં વધઘટ થાય છે. પૂનમને દિવસે પરિપૂર્ણ અવસ્થામાં દેખાય છે અને જ્યારે દિવસે દર્શન કર્યાં (૩૧ જુલાઈ) ત્યારે પૂનમને બે દિવસની વાર હતી. છતાં લગભગ પરિપૂર્ણ અવસ્થામાં દેખાયું. આ સિવાય ગુફામાં બીજાં બે નાનાં બરફનાં લિંગ દેખાય છે જેને પાર્વતી અને ગણેશ રૂપે પૂજવામાં આવે છે. આશ્ચર્યની વાત છે, કે આ ત્રણ લિંગ જ પાકા બરફનાં બનેલ છે. ગુફાની બહા૨ સર્વત્ર કાચો બરફ પ્રસરેલો છે.
આ નિર્જન સ્થાનમાં દૂર દૂર સુધી કોઈ જીવજંતું દેખાતું નથી, ગુફાની અંદર જૂજ કબૂતરો દેખાય છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન શંકર પાર્વતીજીને અમરકથા સંભળાવી રહ્યા હતા ત્યારે સંતાઈને સાંભળનારા શિવજીના ગણોને શ્રાપ આપ્યો જેથી તેઓને કબૂતરો રૂપે જન્મ લેવો પડ્યો. એવી માન્યતા છે કે જો ધોળાં કબૂતરો દેખાય તો તેમની યાત્રા ફળે છે. સ્વામી વિવેકાનંદજીને ધોળાં કબૂતરોનાં દર્શન થયાં હતાં. અમને ધોળાં કબૂતરોના દર્શન તો ન થયાં પણ કાળા કબૂતરોનાં દર્શન થયાં.
અમરનાથ મહાદેવને ચઢાવવામાં આવતી ભેટના ત્રણ હિસ્સા થાય છે. જેમાં એક હિસ્સો મુસ્લિમ પૂજકનો પણ હોય છે. આ વિશે એવી ગાથા છે કે હાતમ મલ્લિક નામનો એક મુસ્લિમ પશુ ચરાવતો હતો. એક દિવસે ખોવાયેલ પશુની શોધમાં અચાનક આ ગુફામાં આવી ચડ્યો. મહાદેવજીના સાક્ષાત્કારની વાત તેણે સૌ પ્રથમ ગણેશપુરા માર્તન્ડ વિસ્તારમાં રહેતા બે પંડિતોને કરી. આશન મલ્લિક હાતમ મલ્લિકનો નવમો કે દશમો પેઢીનો વારસદાર મનાય છે. અમરનાથ મહાદેવની ભેટના ત્રણ હિસ્સા થાય છે. એક હાતમ મલ્લિકના વંશજને મળે છે, બીજો છડીવાળા મહંતને અને ત્રીજો માર્તન્ડ ગણેશપુરાના બ્રાહ્મણોને.
એક અન્ય ગાથા પ્રમાણે ઈસ્લામી શાસન દરમિયાન હિંદુઓએ કાશ્મીરથી પલાયન કર્યું. ત્યારે કેટલાક સમય સુધી આ સ્થળ શ્રદ્ધાળુઓ માટે અજ્ઞાત રહ્યું. શ્રી ભટ્ટ નામના એક ત્યાગી જાણકાર વૈદ્યે એ સમયના બાદશાહની જીવલેણ ગુમડાની બિમારી દૂર કરી બાદશાહને પુનર્જન્મનો અનુભવ કરાવ્યો ત્યારે બાદશાહના આગ્રહ છતાં પોતે કોઈ ઈનામ ન માગતાં હિંદુઓને ફરી આ ખીણમાં આવવા દેવાની અનુમતિ માગી હતી. આભારથી કૃતકૃત્ય બનેલા બાદશાહ જેતુબ આબદીને સહર્ષે વૈદ્ય શ્રી ભટ્ટની પ્રાર્થના સ્વીકારી લીધી. આ કારણે એ મુસ્લિમ સજ્જનના વંશજો શિવજીના ચઢાવાનો એક ભાગ ગ્રહણ કરતા આવ્યા છે, એમ માનવામાં આવે છે.
જે હોય તે, શિવજીના ચઢાવાનો હિંદુ-મુસ્લિમ પ્રેમથી ભાગ કરે છે અને હિંદુ યાત્રીઓને મુસ્લિમ ટૅન્ટવાળા અને મુસ્લિમ કુલીઓ પ્રેમથી આવકારે છે; એ વાત નજરે નિહાળી. આમ, અમરનાથની યાત્રા આપમેળે કોમી એખલાસનો પયગામ બની જાય છે.
અમરનાથની ગુફામાં બે કલાક ગાળ્યા – પૂજાવિધિમાં, સ્તોત્રપાઠ, ધ્યાન, વગેરમાં. તે વખતે જે અપૂર્વ શાંતિ મળી તેનું વર્ણન અશક્ય છે. શરૂઆતમાં પૂજાવિધિ માટે ધક્કામુક્કી થતી હતી. પણ પાછળથી મિલિટરીના જવાનોએ વ્યવસ્થા જાળવી લીધી.
પરિતૃપ્ત હૃદયે અમે પાછા ફર્યા. તે જ દિવસે (૩૧મીએ) સાંજના શેષનાગ પહોંચી ગયા. રસ્તામાં મારે પણ ઘોડા ઉપર બેસવું પડ્યું, કારણ કે નવાં બૂટને લીધે અંગૂઠામાં ઈજા થવાથી એક એક ડગલું ભરવું અશક્ય હતું. પાછળથી ખબર પડી કે જો આમ ન કરત તો કદાચ આખો અંગૂઠો ગુમાવત. જમ્મુમાં જઈ પાંચ દિવસ આરામ કરવો પડ્યો, વૈષ્ણવદેવીનાં દર્શનની ઈચ્છા અપૂર્ણ રહી ગઈ. અંગૂઠાનો નખ નીકળી ગયો, પણ અંગૂઠો બચી ગયો, એ પણ શિવજીની દયા.
શેષનાગમાં પહોંચતાં જ જોયું તો મહામેળો! ‘છડી મુબારક’ની સાથે હજારો સંન્યાસીઓ – યાત્રાળુઓ આવી પહોંચ્યા હતા. રાતવાસાની સમસ્યા ઊભી થઈ. ઘોડાના તબેલા જેવી એક જગ્યામાં રાત પસાર કરી પહેલી ઑગસ્ટના સવારમાં ત્યાંથી રવાના થઈ બપો૨ના બે વાગ્યા સુધીમાં પહેલગામ પહોંચી ગયા. જમ્મુ માટે છેલ્લી બસ જતી હતી તે લઈ લીધી.
દરેક બસની સાથે સુરક્ષાના જવાનો જાય એવી વ્યવસ્થા હતી પણ આ છેલ્લી બસમાં કોઈ નહોતું એટલે ડ્રાઈવરને મજા આવી ગઈ. પોતાની મરજી પ્રમાણે બસ ચલાવે અને રોકે. રામબાનમાં આવી તેણે કહી દીધું, “બસ આગળ નહીં જાય.” ‘આટલા લોકોની રહેવાની વ્યવસ્થા કેવી રીતે થાય?’ તેને સમજાવ્યો પણ ન માન્યો, ધમકી દેવા મંડ્યો. છેવટે મિલિટરીની સહાયતાથી તેને બળજબરીથી તૈયાર તો કર્યો. પણ સ્ટીયરીંગ વ્હીલ તો તેના હાથમાં હતું ને! આખી રાત બધાંએ પોતાની મેળે ભગવાનના નામના જપ કરતાં કરતાં રાત વીતાવી! સવારના ૫ વાગ્યે શિવજીની કૃપાથી હેમખેમ જમ્મુ પહોંચી ગયા.
અમરનાથનાં દર્શનથી લાભ શો થયો? કોઈ કોઈ યાત્રીના મનમાં પ્રશ્ન ઊભો થાય છે. સ્વામી વિવેકાનંદજીને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું. થોડાં વર્ષો પૂર્વે રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસીને અમરનાથમાં શ્રીરામકૃષ્ણદેવ સાક્ષાત્ ઊભા છે એવાં દર્શન થયાં હતાં. પણ કોઈને આવી અનુભૂતિ ન થઈ હોય તો નિરાશ થવાની જરૂર નથી. સ્વામી વિવેકાનંદજીએ ભગિની નિવેદિતાને કહ્યું હતું, ‘‘હમણાં તું સમજતી નથી. પણ તેં યાત્રા કરી છે અને તેની અસર ચાલતી રહેશે. કર્મનું ફળ અવશ્ય મળે છે. પાછળથી તને વધારે સમજાશે.” આ જ આપણા માટે આશાની વાણી છે.
જય બાબા અમરનાથ કી!
Your Content Goes Here




